ભારતના આ પાવર કપલે વિશ્વનું સૌથી વાજબી અને અસરકારક હાઇબ્રિડ એર કન્ડિશનર બનાવ્યું છે!

પ્રણવ અને પ્રિયંકાએ એસી કરતા દસમા ભાગની વીજળીનો વપરાશ કરતું વાયુ હાઇબ્રિડ ચિલર બનાવ્યું છે, જે કૂલર અને એસીની ટેકનોલોજીનું મિશ્રણ છે!

ભારતના આ પાવર કપલે વિશ્વનું સૌથી વાજબી અને અસરકારક હાઇબ્રિડ એર કન્ડિશનર બનાવ્યું છે!

Thursday April 07, 2016,

5 min Read

તમે વિચારો કે તમને કૂલર અને એર કન્ડિશનરનું હાઇબ્રિડ સ્વરૂપ મળી જાય અને તેનું બિલ તમારા એસીના બિલના 10મા ભાગનું આવે તો? તેનો અર્થ એ થયો કે વીજળીનો વપરાશ દર કલાકે 250 વોટ જ થાય, જ્યારે એસીમાં દર કલાકે 2,400 વોટ વીજળી વપરાય છે. જો તમે દર મહિને એસી માટે રૂ. 5,000નું બિલ ભરતા હોય તો હાઇબ્રિડ એસીમાં તમારે ફક્ત રૂ. 500 જ ચુકવવા પડે. એટલું જ નહીં, આ હાઇબ્રિડ એસી પર્યાવરણને નુકસાન પણ ન કરે. તમને થશે કે અમે ટાઢા પોરના ગપ્પાં મારી રહ્યાં છીએ. પણ એવું નથી. આ શકય છે.

આ ચમત્કારિક કૂલિંગ ટેકનોલોજીનું નામ 'વાયુ' છે, જેને ઇન્દોરના પ્રણવ મોક્ષમારે વિકસાવી છે અને તેને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજે સિંધિયાનું પીઠબળ મળ્યું છે. લગભગ પાંચ વર્ષના પ્રયોગ, વાયુ માટે પેટન્ટ અને ભંડોળ મેળવવાની પ્રક્રિયા પછી વાયુએ ઓક્ટોબર, 2014માં કામગીરી શરૂ કરી હતી.

વાયુના સ્થાપકો પ્રણવ અને ડો. પ્રિયંકા મોક્ષમાર

વાયુના સ્થાપકો પ્રણવ અને ડો. પ્રિયંકા મોક્ષમાર


'વાયુ' હાઇબ્રિડ ચિલર્સ એક પેટન્ટ ટેકનોલોજી છે, જેને મધ્યપ્રદેશની રાજ્ય સરકારની સીજીટીએમએસઈ પાસે કોર્પોરેશન બેંક મારફતે રૂ. 1 કરોડનું ભંડોળ મળ્યું છે. આ સ્ટાર્ટઅપ ઇન્દોરમાં સાનવેર રોડ પર બે પ્લાન્ટ ધરાવે છે, જ્યાં હાઇબ્રિડ એસીનું ઉત્પાદન થાય છે. આ ઉત્પાદનની 100થી વધારે એકમમાં પરીક્ષણ થયું છે અને પર્યાવરણનું સંરક્ષણ કરતી તથા ખર્ચ બચાવવામાં માનતી વિવિધ કંપનીઓ પાસેથી મોટી સંખ્યામાં ઓર્ડર મળ્યાં છે. અત્યાર સુધી આ ઉત્પાદન છ રાજ્યોમાં પહોંચ્યું છે – મધ્યપ્રદેશ, છત્તિસગઢ, મહારાષ્ટ્ર, દિલ્હી, હરિયાણા અને ઉત્તરાખંડ. આ રાજ્યોમાં ડિલર્સ અને વિતરકો નીમવામાં આવ્યાં છે. તેઓ રિટેલ ગ્રાહકોને વાયુનું વેચાણ કરે છે.

પ્રણવ પોતાના આ ઉત્પાદન વિશે કહે છે, 

"અમારું ઉત્પાદન નવા જ પ્રકારની ટેકનોલોજીથી સંચાલિત છે એટલે અમે ગ્રાહકો માટે વાયુ કૂલિંગનો અનુભવ મેળવવા અલગ ઝોન ઊભો કર્યો છે. અમે સેલ્સ અને સર્વિસ ડિલરની નિમણૂંક કરી છે, જેથી ઔદ્યોગિક અને વ્યાવસાયિક ગ્રાહકોની જરૂરિયાત પૂર્ણ કરી શકાય."

શરૂઆતમાં કસોટી

જ્યારે પ્રણવ અને પ્રિયંકાએ વાયુનું પ્રેઝન્ટેશન કર્યું ત્યારે દરેક વખતે લોકોને ચમત્કારિક ટેકનોલોજીમાં વિશ્વાસ જ બેસતો નહોતો. પ્રિયંકા આ વિશે કહે છે, "અમે એક વખત વૈજ્ઞાનિકો અને વિજ્ઞાનના પ્રોફેસરોની ટીમ સામે પ્રેઝન્ટેશન કર્યું હતું અને તેમાંથી મોટા ભાગનાએ અમારું ઉત્પાદન થર્મોડાયનેમિક્સના તમામ નિયમોનું ઉલ્લંઘન કરે છે તેવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો."

વાયુ હાઇબ્રિડ ચિલર

વાયુ હાઇબ્રિડ ચિલર


તો વાયુ કેવી રીતે કામ કરે છે? પ્રણવ માહિતી આપતાં જણાવે છે, 

"વાયુ ચિલર ચાલુ થતા કમ્પ્રેસર શરૂ થાય છે અને રેફ્રિજરેટર પાણીને ઠંડુ કરવા કૂલિંગ કોઇલમાં વહે છે. આ પાણી પમ્પ દ્વારા મશીનના પેડમાં પહોંચે છે. બહારથી આવતી ગરમ હવા ઠંડા પાણીના સંપર્કમાં આવે છે અને ગરમ પાણીમાં રહેલા પરમાણુઓ તાપમાન ગુમાવે છે. પાણીના તાપમાનને જાળવવાની જરૂરિયાત અને વધુ પડતું ગરમ થતું અટકાવવા માટે કમ્પ્રેસર્સને ચાલુ અને બંધ કરવા થર્મોસ્ટેટ મદદ કરે છે. કન્ડેન્સર રેફ્રિજરન્ટને ઠંડુ કરે છે અને આંદ્રતાના સ્તરને નિયંત્રણમાં રાખવા વધારાના આરએચના ભેજનિવારણમાં મદદ કરે છે. છેવટે ઠંડી હવા મશીનના ફેન મારફતે એવા એરિયામાં પ્રવેશે છે, જ્યાં યુનિટ સ્થાપિત કર્યું હોય છે."

ટૂંકમાં વાયુ તમને એસી જેવી ધ્રુજાવી દે ઠંડક આપતું નથી, પણ તાપમાનને અમુક હદ સુધી ઘટાડે છે, જેથી વાતાવરણમાં ખુશનુમા અને રાહતદાયક ઠંડક જળવાઈ રહે છે.

વાયુ ચિલર્સ કૂલર્સ અને એસી જેવા દેખાય છે. પ્રણવ કહે છે, 

“અમે તાજેતરમાં વાયુમિગ 24 લોંચ કર્યું છે, જે 1,000 ચોરસ ફૂટને ઠંડુ કરવાની ક્ષમતા ધરાવે છે અને ફક્ત 800 વોટનો ઉપયોગ કરે છે.”
ટીમ વાયુ

ટીમ વાયુ


કંપની નાણાકીય વર્ષ 2016-17માં વધુ રાજ્યોમાં પગપેસરો કરવા માંગે છે. આગામી પાંચ વર્ષમાં કંપની સમગ્ર ભારતમાં વિસ્તરણ કરવા અને નિકાસ શરૂ કરવા ઇચ્છે છે. અત્યારે મેક્સિકો, યુએઇ, આફ્રિકા વગેરે દેશોમાં વાયુ વિશે જાણકારી માગવામાં આવે છે.

પાવર કપલ

પ્રિયંકા, પ્રણવના પત્ની છે અને તેમણે લગ્ન પછી પોસ્ટ-ગ્રેજ્યુએશન કર્યું છે. પ્રણવ કોમર્સના ગ્રેજ્યુએટ છે અને એચવીએસી (હીટિંગ, વેન્ટિંગ એન્ડ એર કન્ડિશનિંગ)માં ડિપ્લોમા કર્યું છે. તેઓ કેરિયર, સેમસંગ અને એલજીમાં લગભગ 14 વર્ષ સુધી પ્રોડક્ટ મેનેજર તરીકે કામ કરવાનો અનુભવ ધરાવે છે. પણ તેમને ટેકનોલોજીમાં રસ હોવાથી તેમણે વર્ષ 2008માં એસીના સેલ્સ અને સર્વિસનું પોતાનું સાહસ શરૂ કર્યું હતું તથા મધ્યપ્રદેશમાં વિવિધ પ્રોજેક્ટ શરૂ કર્યા હતા. દરમિયાન દેવી અહિલ્યા યુનિવર્સિટીમાંથી મેનેજમેન્ટમાં પીએચડી અને પ્રેસ્ટિજ ઇન્સ્ટિટ્યૂટ ઇન્દોરમાંથી માર્કેટિંગમાં એમબીએ કર્યું હતું. તેઓ ઇન્દોરની વિવિધ સંસ્થાઓમાં લેક્ચર પણ આપે છે.

પ્રણવને કેવી રીતે કૂલર્સ અને એસીનું હાઇબ્રિડ સ્વરૂપ બનાવવાનો વિચાર આવ્યો તેના વિશે પ્રિયંકા કહે છે, 

"શરૂઆતમાં પ્રણવની ઓફિસ ઘરે હતી. એટલે વર્ષ 2010ના ઉનાળામાં વીજળીનું બિલ બહુ આવ્યું. તેની ટીમ એસીનો ઉપયોગ કરતી હતી. આ કારણે તેમના પિતાએ તેમને ઠપકો આપ્યો. પછી એક દિવસ પ્રણવ એસીના થોડા ભાગ લઈને કૂલર્સમાં ફિટ કરવા લાગ્યા. જ્યારે મેં તેમને આવું કરતાં જોયા ત્યારે મને લાગ્યું કે ફરી તેમને કોઈ પ્રયોગ કરવાની ધૂન સવાર થઈ છે. તેમને વીજ ઉપકરણો અને મશીનો સાથે પ્રયોગ કરવાનો શોખ છે. પણ પછી પાછળથી મને ખબર પડી કે તેમણે તો એક નવી જ ટેકનોલોજી બનાવી છે, જેને પાછળથી પેટન્ટ કરાવવામાં આવશે."

પ્રણવ ઉત્પાદનના માર્કેટિંગનું મહત્ત્વ સ્વીકારે છે. તેઓ કહે છે, “અમને બે વખત અમારી પેટન્ટ વેચીને રૂપિયા ઊભી કરવાની ઓફર મળી છે. જોકે અમારો લક્ષ્યાંક ફકત કરોડપતિ બનવાનો નથી. હું મારા ઉત્પાદનને ચાહું છું અને મારી પાસે જ રાખવા માગું છું.”

વાયુને તાજેતરમાં મેગા લોંચપેડમાં એવોર્ડ મળ્યો હતો, જેના કો-સ્પોન્સર્ડ યોરસ્ટોરી મીડિયા છે. ઉપરાંત મુંબઈમાં કોન્સ્ટિટ્યૂશન ક્લબ ઓફ ઇન્ડિયામાં સ્કોચ ઓર્ડર ઓફ મેરિટ અને સ્કોચ બેસ્ટ એસએમઇ ઓફ ઇન્ડિયા એવોર્ડ મળ્યો હતો. ઉપરાંત તેઓ મધ્યપ્રદેશની સરકારે વડાપ્રધાનના મહત્ત્વાકાંક્ષી પ્રોજક્ટ ‘સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્ટેન્ડ અપ ઇન્ડિયા’ માટે પસંદ કરેલા ટોચના પાંચ સ્ટાર્ટઅપમાં સામેલ છે.

લેખક- મુક્તિ મસિહ

અનુવાદક- YS ટીમ ગુજરાતી

વિવિધ નવીન શોધને લગતી સ્ટોરીઝ વાંચવા Facebook પર અમારી સાથે સંપર્કમાં રહો