ઉદ્યોગપતિઓની 6 દીકરીઓ જે પોતાની આગવી ઓળખ ઊભી કરી રહી છે!

ઉદ્યોગપતિઓની 6 દીકરીઓ જે પોતાની આગવી ઓળખ ઊભી કરી રહી છે!

Thursday April 28, 2016,

5 min Read

તેઓ જન્મથી જ ચાંદીની ચમચી લઈને જન્મેલી 21મી સદીની રાજકુમારીઓ છે. મજબૂત પરિવાર, માતા-પિતા અને આર્થિક સ્થિતિ ધરાવતી આ કન્યાઓને ભાગ્યે જ કશાની ચિંતા કરવી પડી છે. આવી સ્થિતિ હોવા છતાં તેઓ ક્યારેય પોતાના માતા-પિતાને આધારિત નથી રહી. ઉચ્ચ ડિગ્રી અને અભ્યાસ તથા મજબૂત મનોબળના જોરે આ યુવતિઓએ પોતાની સફળતાનો અલગ જ રસ્તો કંડાર્યો છે.

અનન્યાશ્રી બિરલા 'સ્વતંત્ર' દ્વારા મહિલા સશક્તિકરણ કરે છે

કુમાર મંગલમ બિરલા અને નીરજા બિરલાની 22 વર્ષની દીકરી અનન્યાશ્રી બિરલાએ 2013માં 'સ્વતંત્ર' નામનું માઈક્રોફાઈનાન્સિંગ સ્ટાર્ટઅપ શરૂ કર્યું હતું. તેણે હાલમાં 41 અબજ ડોલરના બિરલા સામ્રાજ્યથી દૂર રહેવાનું નક્કી કર્યું છે અને તેના માટે તેના માતા-પિતા પણ તેને દબાણ નથી કરતા. સ્વતંત્ર ગ્રામ્ય સાહસિકતા પર કામ કરે છે. ખાસ કરીને મહિલાઓને ધ્યાનમાં રાખીને. માઈક્રો ક્રેડિટના મુખ્ય આશય સાથે મહિલાઓને આર્થિક રીતે સદ્ધર બનાવવાનું કામ કરવામાં આવે છે.

ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી ઈકોનોમિક્સ એન્ડ મેનેજમેન્ટનો અભ્યાસ કરનાર અનન્યાશ્રીને 28થી નીચેના 28 જિનિયસ તરીકે મિસ વોગની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું હતું. સારી ચેસ પ્લેયર તરીકે તેણે રાષ્ટ્રીય સ્તરે વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો છે. બહુવિધ પ્રતિભા ધરાવતી આ યુવતીને શાસ્ત્રીય સંગીતમાં પણ રસ છે અને તે સંતુર વગાડે છે.

ઈશા અંબાણી રિલાયન્સમાં પોતાનું સ્થાન બનાવવા સજ્જ છે

મુકેશ અંબાણી અને નિતા અંબાણીની એકમાત્ર પુત્રી ઈશા અંબાણીએ રિલાયન્સ જિયો ઈન્ફોકોમ તથા રિલાયન્સ રિટેલ વેન્ચર્સના ડાયરેક્ટર્સમાં સ્થાન મેળવ્યું છે. યેલે યુનિવર્સિટીમાંથી સાયકોલોજી અને સાઉથ એશિયન સ્ટડિઝમાં સ્નાતક થયા બાદ 24 વર્ષિય ઈશાએ મેકિન્સે ન્યૂયોર્ક ખાતે બિઝનેસ એનાલિસ્ટ તરીકે કામ શરૂ કર્યું હતું. ઈશાને પિયાનો વગાડવો ગમે છે અને તે જ્યારે ટીનએજર હતી ત્યારે જ તેને અબજોપતિ વારસદારોની ફોર્બ્સની યાદીમાં સ્થાન મળ્યું હતું.

image


શ્રુતિ શિબુલાલ ટુરિઝમને નવા આયામ સુધી લઈ જઈ રહી છે

ઈન્ફોસિસમાં 0.64 ટકા ભાગ (જેની કિંમત 200 મિલિયન ડોલર કરતા વધુ છે) ધરાવતા ઈન્ફોસિસના પૂર્વ સીઈઓ અને અબજોપતિ શિબુલાલની દીકરી શ્રુતિ શિબુલાલ તેના પિતાની જેમ પોતાનો અલગ વ્યવસાય ઉભો કરવાના રસ્તે છે. ગૌરવ મનચંદા સાથે લગ્ન કરનાર 30 વર્ષીય શ્રુતિ ધ તમારા ખાતે સ્ટ્રેટેજી ડેવપમેન્ટની ડાયરેક્ટર છે. તેણે વર્લ્ડ ક્લાસ હોટેલ્સ અને રિસોર્ટ્સ શરૂ કરવા માટે 2005માં તેની શરૂઆત કરી હતી.

કોલંબિયા યુનિવર્સિટીમાંથી ડિગ્રી મેળવ્યા બાદ 2012માં શ્રુતિએ કુર્ગ ખાતે આવેલા 170 એકરના કૉફી પ્લાન્ટેશનને લક્ઝુરિયસ રિસોર્ટ ધ તમારા કુર્ગમાં પરિવર્તિત કરી દીધો હતો. તે પોતાના તમામ હોસ્પિટાલિટી પ્રોજેક્ટમાં સસ્ટેઈનેબલ લિવિંગ અને રિસ્પોન્સિબલ ટુરિઝમને પ્રાધાન્ય આપે છે. ધ તમારા કુર્ગ તેની કંપનીનું પહેલું રિસોર્ટ હતું જે કુદરતી સૌંદર્ય અને લોકલ ઈકોસિસ્ટમને હાનિ પહોંચાડ્યા વગર ઉભું કરવામાં આવ્યું હતું. શ્રુતિના સાહસમાં બેંગલુરુ ખાતે સર્વિસ એપાર્ટમેન્ટની પણ સુવિધા છે. તે ઉપરાંત કેરાલા ખાતે રિસોર્ટ અને તિરુવનંતપુરમ ખાતે હોટેલની પણ સેવાઓ પૂરી પાડવામાં આવે છે.

જાઝ મ્યૂઝિક એફિસિઓનાડો, શ્રુતિએ શેફ અભિજિત સહા સાથે જોડાણ કરીને કેપરબરી રેસ્ટોરાં શરૂ કરી છે, જ્યાં ગોરમેન્ટ ફૂડ, સાથે મેલેક્યુલર ગેસ્ટ્રોનોમીને આધારિત વ્હીટ એપેટાઈટ અને ફાવા અ મેડિટેરાનિયન રેસ્ટોરાંની શરૂઆત કરી છે.

નિસાબા ગોદરેજ સરળતાથી કામ અને જીવનને સંતુલિત રાખે છે

નિસાબા અદિ ગોદરેજ નિસા તરીકે પણ ઓળખાય છે. તે ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટમાં એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર છે. એવી ચર્ચા પણ ચાલી રહી છે કે તે તે પોતાની બહેનો તાન્યા દુબાશ અને પિરોજશા ગોદરેજના રસ્તે જઈ રહી છે. અદિ અને પરમેશ્વર ગોદરેજની દીકરી નિશાએ વ્હાર્ટોનાઈટના સાથી કલ્પેશ મહેતા સાથે લગ્ન કર્યા છે. તે સમગ્ર ગોદરેજ જૂથમાં મજબૂત અવાજ તરીકે સ્થાપિત છે અને 1897માં સ્થાપિત થયેલા બિઝનેસ જૂથને વિસ્તારવા સતત સક્રિય રહે છે. થોડા વર્ષો પહેલાં પોતાના એક મહિના બાળક સાથે બોર્ડ મિટિંગમાં હાજરી આપીને તેણે ન્યૂઝમાં સ્થાન મેળવ્યું હતું. નિશા કામના સ્થળે મહિલાઓને મદદરૂપ પોલિસીની હંમેશા હિમાયત કરતી આવી છે.

માનસી કિર્લોસ્કર, કલાકાર અને બિઝનેસ વુમન

26 વર્ષની માનસી કિર્લોસ્કર ગીતાંજલી અને વિક્રમ કિર્લોસ્કરની એકમાત્ર દીકરી છે. ટોયોટા કિર્લોસ્કર સામ્રાજ્યની વારસ હોવાના કારણે તે બાળપણથી જ જાણતી હતી કે તેણે પરિવારના બિઝનેસ સાથે જોડાવું પડશે. તેણે પોતાના કળાના શોખને પણ જાળવી રાખ્યો અને તે માટે રોડ આઈલેન્ડ સ્કૂલ ઓફ ડિઝાઈન ખાતેથી અભ્યાસ પણ કર્યો. માનસીએ પોતાના પરિવારના હેલ્થકેર અને રિયલ એસ્ટેટ બિઝનેસ સાથે જોડાવા ઉપરાંત પોતાના કલાપ્રેમને પણ જિવંત રાખ્યો હતો. હાલમાં બેંગલુરુ ખાતેની ધ સકરા વર્લ્ડ હોસ્પિટલ તેની જવાબદારી હેઠળ છે. તે દેશભરમાં હેલ્થકેર ફેસિલિટીમાં સુધારો કરવા માગે છે અને સકરાની ચેઈન ભારતના દરેક શહેરમાં શરૂ કરવા માગે છે.

લક્ષ્મી વેણુ, અદભૂત ક્ષમતા ધરાવતી બિઝનેસવુમન

લક્ષ્મી વેણુ, ભારતની ટોચની ઓટોમેટિવ મેન્યુફેક્ચરિંગ કંપની ટીવીએસની સબસિડરી કંપની સુંદરમ ક્લેટોન લિમિટેડની મેનેજિંગ ડાયરેક્ટર છે. યેલે યુનિવર્સિટીમાંથી ઈકોનોમિક્સમાં સ્નાતક થયા બાદ અને ઈંગ્લેન્ડની વોરવિક યુનિવર્સિટી ખાતેથી ડોક્ટરેટ થયા બાદ લક્ષ્મીમાં નેતૃત્વના કુદરતી ગુણો વિકસી ગયા હતા. તેના પિતા વેણુ શ્રિનિવાસન ટીવીએસ જૂથના ચેરમેન છે જ્યારે તેની માતા મલ્લિકા શ્રિનિવાસન ટ્રેક્ટર એન્ડ ફાર્મ ઈક્વિપમેન્ટ લિમિટેડના ચેરપર્સન છે. રોહન મૂર્તિ સાથેના ટૂંકા લગ્નજીવન બાદ લક્ષ્મીએ પોતાનું સંપૂર્ણ ધ્યાન સુંદરમ ક્લેટોનના ઓટોમોટિવ સેલ્સ માર્કેટના વધારવા પર આપ્યું છે. તેનો નાનો ભાઈ સુદર્શન ટીવીએસ મોટર સાથે જોડાયો છે.

આ યુવતીઓ ઉદ્યોગપતિ પરિવારમાં નવા યુગની શરૂઆત કરી રહી છે, જ્યાં માત્ર યુવકો જ કે પુરુષો જ સત્તાનું સુકાન સંભાળી શકે તેવી માન્યતાનો ભંગ થશે. તેમાંથી ઘણી એવી છે જે પોતાના પારિવારિક બિઝનેસથી દૂર જઈને પોતાની આગવી ઓળખ ઉભી કરી રહી છે. ભારતના કોર્પોરેટ ઈન્ડિયા માટે આ સારી બાબત છે.

લેખક- શારિકા નાયર

ભાવાનુવાદ- રવિ ઈલા ભટ્ટ

આવી જ અન્ય પ્રેરણાત્મક સ્ટોરીઝ વાંચવા Facebook પર અમારી સાથે સંપર્કમાં રહો

આ સંબંધિત વધુ સ્ટોરીઝ વાંચો:

ક્યારેક ખેતરમાં 5 રૂપિયા માટે મજૂરી કરનારી આજે IT દુનિયામાં વગાડી રહી છે ડંકો!

50મા વર્ષે પાડી બિઝનેસમાં પા પા પગલી, મા-દીકરી મળીને લાવી રહી છે અન્યના જીવનમાં મીઠાશ

મહિલાઓ, અનાથ બાળકો, HIVગ્રસ્ત લોકોના ‘ઉત્કર્ષ’ માટે કામ કરતા રેખા અધ્વર્યુ