2 ગૃહિણીઓએ કૉર્પોરેટકર્મીઓને પોતાની રસોઈનું ઘેલું લગાડી, શરૂઆત કરી ‘કૉર્પોરેટ ઢાબા’ની!

0

મે-2013માં મુન્ની દેવી અને પલ્લવી પ્રીતિએ 'કૉર્પોરેટ ઢાબા'ની શરૂઆત કરી જે એક ઑફિસ ટિફિન સર્વિસ છે. હાલ આ કંપની રોજના આશરે 400-500 ઓર્ડર્સની ડિલિવરી કરી રહી છે.

ઘર જેવા સ્વાદની સાથે સાથે ગુણવત્તામાં અવ્વલ છે 'કૉર્પોરેટ ઢાબા'!

ઘરના ભોજનનું મહત્ત્વ એ જ સૌથી વધુ જાણતા હોય છે, જેઓ ઘરથી દૂર રહે છે. હોટલ્સ, રેસ્ટોરન્ટ અને કેન્ટિનનું ભોજન ગમે તેટલું સ્વાદિષ્ટ કેમ ન હોય, તેમાં એ વાત નથી હોતી જે ઘરના ભોજનમાં હોય છે. વળી, એ ભોજન લાંબા સમય સુધી જમવું આરોગ્યની દૃષ્ટિએ પણ યોગ્ય નથી. આવામાં ઘરેથી દૂર રહેનારા નોકરિયાત લોકોને બહુ મુશ્કેલીઓ સહન કરવી પડે છે. આજકાલ જિંદગી ખાસ્સી વ્યસ્ત બની ગઈ છે એટલે એકલા રહેતા લોકો માટે જાતે જમવાનું બનાવવાનું પણ શક્ય બનતું નથી. દિવસમાં એક કે બે વખત તો બહારનું જમવું જ પડે છે. તેવામાં તમારી મદદ કરી શકે છે આ 'કૉર્પોરેટ ઢાબા'.

મુન્ની દેવી બિહારના આરાના વતની છે અને તેમના બે દીકરાના અભ્યાસ અને નોકરી માટે દિલ્હી આવેલાં મુન્ની દેવીને પહેલેથી પોતાના દીકરાઓના આરોગ્યની ચિંતા રહેતી હતી. તે વર્ષમાં કેટલાક દિવસો પોતાના દીકરાઓ પાસે આવીને રહેતાં હતાં. એક વાર તેઓ દિલ્હી આવ્યાં ત્યારે તેમની મુલાકાત પોતાના દીકરાના મિત્રની પત્ની પલ્લવી પ્રીતિ સાથે થઈ. તે બિહારની જ હોવાથી બન્ને વચ્ચે વાતચીત થવા લાગી. બન્નેએ વિચાર્યું કે ચાલો, આપણે કંઈક એવું કામ કરીએ કે ઘરેથી દૂર રહેનારા લોકોને ચોખ્ખું અને આરોગ્યપ્રદ ભોજન મળી શકે. ત્યારેપછી તેમણે બન્નેએ રિસર્ચ શરૂ કર્યું અને પોતાનું રિસર્ચ ફટાફટ પતાવીને મે-2013માં 'કૉર્પોરેટ ઢાબા'નો શુભારંભ કર્યો. આ એક ઑફિસ ટિફિન સર્વિસ છે, જે દિલ્હી એનસીઆરમાં કામ કરી રહી છે.

'કૉર્પોરેટ ઢાબા'નો ઉદ્દેશ કૉર્પોરેટ ક્ષેત્રે નોકરી કરી રહેલા લોકોને ચોખ્ખું, સ્વાદિષ્ટ અને ઘરનું બનાવેલું ભોજન પહોંચાડવું. લૉન્ચિંગના પહેલાં જ દિવસે તેમને 38 મીલ્સનો ઓર્ડર મળ્યો, જે ઘણો વધારે કહેવાય. શરૂઆતના દિવસોમાં તો તેમણે થોડા દિવસ જાતે જ ભોજન બનાવ્યું, પરંતુ સતત વધતી માગને પગલે બીજા લોકોને પણ કામે રાખ્યા.

મુન્ની દેવી જણાવે છે, "અમે ભોજનની ક્વૉલિટીના મામલે જરાય સમાધાન કરતા નથી. સામાન્ય રીતે જ્યારે માગ વધવા લાગે છે ત્યારે ઘણા ફૂડ પ્રોવાઇડર્સ ગુણવત્તા સાથે સમાધાન કરતા હોય છે, જેથી વધેલી માગને પહોંચી વળાય અને સાથે સાથે વધારે નફો રળી શકાય, પરંતુ અમે ઇચ્છીએ છીએ કે નફો ભલે ઓછો રહે, પરંતુ અમે ક્વૉલિટીનું સ્તર નીચે જવા નહીં દઈએ." મુન્ની દેવી વધુમાં કહે છે, "અમારા ગ્રાહકોને હું અમારા સંતાન જેવા જ ગણું છું અને અમે એ રીતે જ કામ કરીએ છીએ."

દિલ્હી એનસીઆરમાં અનેક ટિફિન સર્વિસ પ્રોવાઇડર્સ છે, પરંતુ તેઓ બહુ નાના પાયે કામ કરી રહ્યા છે. ખાસ કરીને તેઓ ઘરમાં એકલા રહેનારા લોકો સુધી ભોજન પહોંચાડે છે, પરંતુ 'કૉર્પોરેટ ઢાબા'એ પોતાના ક્લાયન્ટની રેન્જ વધારી અને કોર્પોરેટ ઑફિસમાં ભોજન પહોંચાડવાનું શરૂ કર્યું.

આજે 'કૉર્પોરેટ ઢાબા' એક દિવસમાં આશરે 400થી 500 મીલ્સ કૉર્પોરેટ લોકો સુધી પહોંચાડે છે અને અમુક દિવસોમાં આ આંકડો 600ને પાર ચાલ્યો જાય છે. આ લોકો નોકરી.કૉમ, ટ્રુલી મેડલી, પટેલ એન્જિનિયરિંગ, મેગ્નસ યુનિવર્સલ સોફ્ટવેર, અર્થકોન ગ્રૂપ, શિક્ષા.કૉમ, સંચાર નિગમ (દિલ્હી) જેવી કંપનીઓમાં પોતાનું ભોજન પહોંચાડે છે.

કામ વધવાની સાથે સાથે નવી પાર્ટનર તરીકે આફશા અઝીઝને પણ કંપનીમાં તાજેતરમાં જ જોડવામાં આવ્યાં છે. આ ઉપરાંત મુન્ની દેવી જણાવે છે કે તેમને ત્યાં કામ કરનારા લોકો ખાસ્સા પ્રોફેશનલ છે, જેમને કામનો લાંબો અનુભવ છે. મો.તાહિર કંપનીના ચીફ શેફ છે, જેમણે જુદા જુદા દેશોમાં ઘણા સમય સુધી કામ કરેલું છે. આ ઉપરાંત કંપની પાસે આજે આશરે 25 પ્રોફેશનલ લોકોની એક સારી ટીમ છે.

કંપની ઑફિસીસ ઉપરાંત કૉર્પોરેટમાં કામ કરનારા લોકોના ઘરે પણ ભોજન પહોંચાડે છે. આ લોકો માત્ર સોશિયલ નેટવર્કિંગ થકી જ પોતાનું માર્કેટિંગ કરી રહ્યા છે, સાથે સાથે તેમના ગ્રાહકો દ્વારા થતી માઉથ પબ્લિસિટીના કારણે પણ કંપનીનો વ્યાપ સતત વધી રહ્યો છે. કંપની હાલ તો દિલ્હી એનસીઆરમાં કાર્યરત છે, પરંતુ આવનાર સમયમાં આ લોકો આ જ વિસ્તારમાં પોતાનું કામ વિકસાવવા માગે છે.

કંપનીનું માનવું છે કે જો ક્વૉલિટી ટકાવી રાખીશું તો લોકો સામેથી આવશે અને તેમને માર્કેટિંગ વગેરેની જરૂર નહીં પડે. આ એક મોટું માર્કેટ છે અને અહીં અપાર સંભાવનાઓ છે. વળી, કંપનીનું ધ્યાન આવનાર સમયમાં ગુણવત્તા સાથે પોતાના ગ્રાહકોની સંખ્યા વધારવા પર છે.

લેખક – આશુતોષ ખંતવાલ

અનુવાદ – સપના બારૈયા વ્યાસ

Related Stories