અમિતાભ બચ્ચનની ‘ત્રિશૂલ’ જોયાં બાદ, એક ગરીબ યુવાને મોટું સપનું જોયું અને આજે બની ગયા 60 કરોડનાં બિઝનેસના માલિક!

અમિતાભ બચ્ચનની ‘ત્રિશૂલ’ જોયાં બાદ, એક ગરીબ યુવાને મોટું સપનું જોયું અને આજે બની ગયા 60 કરોડનાં બિઝનેસના માલિક!

Saturday January 30, 2016,

9 min Read

આજે તેઓ ભારતનાં VIP લોકો સાથે એક જ સભામંચ પર બિરાજમાન હોય છે! આવું માત્ર પૈસાનાં કારણે જ નથી. છેલ્લા 35 વર્ષમાં તેમણે મહેનતથી જે પ્રતિષ્ઠા બનાવી છે, તેના કારણે છે!

17 વર્ષની ઉંમરે, રાજા નાયક તેમના ઘરેથી ભાગી ગયાં હતાં. તેમના જેવાં ઘણાંય લોકોની જેમ, તેઓ પણ જિંદગીમાં ગરીબીરૂપે મળતી સજાથી બચવા માંગતાં હતાં.

બેંગલૂરુની તેમની નવી વૈભવશાળી ઑફિસમાં ઇન્ટરવ્યૂ માટે બેઠા પછી, 54 વર્ષનાં રાજા નાયક જણાવે છે,

"મને ખબર હતી કે મારે પૈસા કમાવા છે. મારે ઢગલો પૈસા કમાવા હતાં. તે સમયે, તે જ મારું લક્ષ્ય હતું. મને નાની વયે જ એ વાત સમજાઈ ગઈ હતી, કે મારા માતા-પિતા મને તથા મારા ચાર ભાઈ-બહેનોને ઘણી તકલીફ વેઠીને સ્કૂલે ભણવા મોકલે છે. મારા પિતાની કોઈ સ્થાયી આવક નહોતી, અને મારી માતા પણ તેની પાસે રહેલી જે કંઈ પણ કિંમતી વસ્તુઓ હતી તે વેચીને માંડ-માંડ ઘર ચલાવતી હતી."
રાજા નાયક

રાજા નાયક


એક વાર રાજા તેમના મિત્રો સાથે ભટકતા હતાં, તે સમયે તેમના મિત્રોએ તેમને હિન્દી ફિલ્મ જોવા માટે મનાવ્યાં. તે ફિલ્મ હતી વર્ષ 1978ની અમિતાભ બચ્ચનની ‘ત્રિશૂલ’, જેમાં ગરીબ અમિતાભ બચ્ચન મોટા થઈને રિઅલ ઍસ્ટેટનાં માલિક બની જાય છે.

સિનેમાઘરનાં અંધારાનાં એ ત્રણ કલાકે, રાજાને તેમના ભવિષ્યનો માર્ગ બતાવ્યો હતો.

“એ ફિલ્મની વાર્તા, મને ઘણી સ્પર્શી ગઈ હતી. મને તે અત્યંત સાચી લાગી હતી. અચાનક, મને એવું લાગવાં લાગ્યું કે, મારા સપના પણ પૂરાં થઈ શકે છે. મારે પણ રિઅલ ઍસ્ટેટનાં માલિક બનવું હતું."

તેમનાં સપનાની દુનિયામાં રાચતાં, તેઓ ભાગીને મુંબઈ આવી પહોંચ્યાં. પણ શું અહીંયા બધું એટલું સરળ હતું? તેઓ દુ:ખી હૃદયે પાછા ઘરે જતાં રહ્યાં, પણ તેમનું મન સતત એક સારી તક મળવાની રાહ જોઈ રહ્યું હતું.

આજે, રાજા પાસે તેમના વિવિધ ઍન્ટરપ્રાઈસ દ્વારા, કુલ 69 કરોડ રૂપિયાનું ટર્નઓવર છે, જેમાં MCS Logistics, આ કંપની તેમણે 1998 માં ઈન્ટરનેશનલ શિપિંગ ઍન્ડ લૉજીસ્ટિક્સમાં સ્થાપિત કરી હતી, Akshay Enterprises જે લહેરીયાં પૅકિંગમાં છે, Jala Beverages, જે પૅકેજ્ડ પીવાનું પાણી બનાવે છે. Purple Haze, જે વૅલનેસનાં ક્ષેત્રમાં કામ કરે છે, અને બેંગલૂરુમાં તેમના ત્રણ બ્યૂટી સલૂન અને સ્પા છે. Nutri Planet (અન્ય ત્રણ ડાયરેક્ટર્સ તથા પાર્ટનર સાથે), જે CFTRI સાથે કામ કરીને, Chia Rice માંથી ઍનર્જી બાર્સ અને તેલ બનાવે છે. તે સિવાય, તેઓ કલાનિકેતન ઍજ્યૂકેશન સોસાયટીનાં બેનર હેઠળ, ગરીબ અને પછાત વર્ગનાં બાળકો માટે સ્કૂલ અને કૉલેજ પણ ચલાવે છે.

રાજા, દલિત ઈન્ડિયન ચેમ્બર ઑફ કૉમર્સ ઍન્ડ ઈન્ડસ્ટ્રીઝ (DICCI)નાં, કર્ણાટક ચેપ્ટરનાં પ્રેસિડૅન્ટ પણ છે, જ્યાં તેઓ પછાત વર્ગનાં લોકોને મોટા સપના જોવાની પ્રેરણા આપે છે. તેઓ જણાવે છે, “અમે તેમને ઉપલબ્ધ તક વિશે જાગૃત કરીએ છીએ, જેથી તેઓ તેમના સપના પૂરાં કરી શકે."

પ્રથમ પગલું: નાનું પણ મક્કમ

કર્ણાટકનાં એક નાના ગામમાંથી સ્થાળાંતર કરેલા પરિવારનાં પુત્ર, રાજાનો જન્મ બેંગલૂરુમાં થયો હતો, અને તેમણે તેમના જીવનનાં પ્રથમ 17 વર્ષ તે જ શહેરમાં, બહારની દુનિયાનાં અનુભવ વગર જ વિતાવ્યાં. 

"તે સમયે, 1970 તથા 1980નાં દાયકામાં, બેંગલૂરુ એક સુસ્ત શહેર હતું. પણ મારો એક પંજાબી મિત્ર હતો, દીપક (જે હવે જીવિત નથી), જેનાં પિતા સરકારી નોકરી કરતાં હોવાથી, તેણે મારા કરતાં વધારે જગ્યાઓ જોઈ હતી. અમે એક જ વિસ્તારમાં રહેતા હતાં, અને હું મારો મોટા ભાગનો સમય એની સાથે જ વિતાવતો હતો."

રાજા જ્યારે પ્રથમ PUC માં હતાં, ત્યારે તેમણે ભણવાનું છોડી દીધું, અને દીપક તથા તેમના પાર્ટનરે ફૂટપાથ પર શર્ટ વેચવાનું નક્કી કર્યું. 

"મેં લોકોને ફૂટપાથ પર સામાન વેચતાં જોયા હતાં, અને કેટલાક વેપારીઓએ તેમનો સામાન વેચવા માટે અમને પૈસાની પણ ઑફર કરી હતી. અમને અહેસાસ થયો કે, જો એ લોકો આમાંથી સારો બિઝનેસ કરી શકતાં હોય, તો અમે કેમ નહી?"

રાજાએ આ તકને તરત ઝડપી લીધી.

તેમના મિત્રોમાંથી 2 મિત્રોએ 10 હજાર રૂપિયા ભેગા કર્યાં, અને ટૅક્સ્ટાઈલ હબ એવાં તમિલનાડુનાં તિરૂપ્પૂર માટે નિકળી પડ્યાં. 

"મારી માતા ઘણી વાર રસોડાનાં ડબ્બાઓમાં પૈસા સંતાડી રાખતી હતી, અને હું તેનો પ્રિય હોવાથી, તેઓ એ પૈસા મને આપી દેતાં હતાં."

તિરૂપ્પૂરમાં, તેઓએ 50 રૂપિયા પ્રતિ શર્ટનાં હિસાબે, શર્ટ્સનો ઍક્સપોર્ટ રિજૅકટેડ માલ ખરીદી લીધો. તેઓએ તેનું બંડલ બનાવ્યું અને રાજ્ય પરિવહનની બસમાં પાછા બેંગલૂરુ આવી ગયાં. તેઓએ ફૂટપાથ પર, Bosch ની ઑફિસ સામે એક દુકાન બનાવી. 

"અમે તેમની ઑફિસનાં દરવાજા આગળ ફેરિયાઓને જોયા હતાં, અને અમને લાગ્યું કે શરૂઆત કરવા માટે, આ એક ઉત્તમ જગ્યા છે, કારણ કે, તે અમારી પાડોશનાં જ વિસ્તારમાં આવેલી હતી."
રાજા નાયક (રતન ટાટાની પાછળ ઊભેલા) મુંબઈમાં DICCI નાં એક સમારોહમાં.

રાજા નાયક (રતન ટાટાની પાછળ ઊભેલા) મુંબઈમાં DICCI નાં એક સમારોહમાં.


તે એક પરફૅક્ટ પ્લાન હતો. તેમણે લાવેલા મોટાભાગનાં શર્ટ્સ ભૂરા તથા સફેદ રંગનાં હતાં. Bosch નાં પુરુષ કર્મચારીઓ, યુનિફોર્મ તરીકે ભૂરા રંગનો શર્ટ પહેરતાં હતાં. એક કલાકના લંચબ્રેક દરમિયાન, રાજા અને તેમનાં મિત્રએ 100 રૂપિયાનાં ભાવે તમામ શર્ટ્સ વેચી દીધાં હતાં, જેમાં તેમને 5,000 રૂપિયાનો નફો થયો. તેમના ભૂતકાળનાં એક શ્રેષ્ઠ બનાવને યાદ કરતાં રાજા જણાવે છે, "મેં મારા જીવનમાં ક્યારેય આટલાં બધાં પૈસા નહોતાં જોયા. હું ઘણો ઉત્સાહી થઈ ગયો હતો."

તેમની પ્રથમ સફળતાથી પ્રેરાઈને, તેમના 2 મિત્રોએ પણ પૈસા રોક્યા તથા વેચવા માટે, અન્ય વસ્તુઓનો પણ ઉમેરો કર્યો, જેને મેળવવા માટે, તેઓ એક જગ્યાએથી બીજી જગ્યાંએ ફરતાં હતાં. તેઓ ચહેરા પર સ્મિત સાથે જણાવે છે,

"એ સમય એવો હતો, જાણે અમે આકાશમાં ઉડી રહ્યાં હતાં. આ માત્ર શરૂઆત હતી. જ્યાં સુધી અમારી પાસે ઢગલો પૈસા ન આવી જાય, ત્યાં સુધી અમે રોકાવાનાં નહોતાં."

તેઓ કૉટનની હોઝિયરી વસ્તુઓ તથા ઈનરવેયર કીલોનાં ભાવે ખરીદતાં હતાં, અને છોકરાઓને વેચવાના કામે રાખીને, મોટા ઍક્ઝીબિશનમાં સ્ટૉલ ઊભા કરી દેતાં.

જે કંઈ પણ બચી જતું, તેને તેઓ ફૂટપાથ પર વેચતાં હતાં. ત્રણ વર્ષોમાં તેમણે સારો એવો બિઝનેસ ઊભો કરી દીધો.

2 મિત્રોએ વ્યાપારમાં વિવિધતા લાવતા, કોલ્હાપુરી ચપ્પલ અને ફૂટવેયરને ઉમેર્યાં. મેં રાજાને પૂછેલા પ્રશ્ન, કે વ્યાપાર દરમિયાન ક્યારેય તમારી જ્ઞાતિ વચમાં આવી હતી, તેઓ જબાવ આપતાં તેઓ કહે છે,

"અત્યાર સુધી, કોઈએ અમને અમારી જ્ઞાતિ વિશે નહોતું પૂછ્યું. મોટાભાગે, લોકો મોચીઓને દલિત સમાજ સાથે જોડી દેતાં હોય છે, અને અહીંયા લોકો મને મારી જ્ઞાતિ વિશે પૂછી શકે એમ હતું."

એક સાહસી પગલું: જોખમ લેવાનું

રાજાના જણાવ્યા અનુસાર,

"અમારા દરેક બિઝનેસમાં, અમે ક્યારેય પૈસા નથી ગુમાવ્યાં."

જોકે, તેમનાં મિત્ર રાજાને એકલા મૂકીને બેંગલૂરુ છોડીને જતાં રહ્યાં. 1991ની આસપાસ, લિબરેશન યુગ બાદ, રાજાએ તેમનો લહેરીયા પૅકિંગનો બિઝનેસ Akshay Enterprise, અન્ય એક પાર્ટનર સાથે શરૂ કર્યો, જેને આ માર્કેટ વિશે સારો અનુભવ હતો.

"જ્યાં પણ તક દેખાતી, હું તેને ઝડપી લેતો."

આ સમય દરમિયાન રિઅલ ઍસ્ટૅટ ક્ષેત્ર પણ વૃદ્ધિ કરી રહ્યું હતું, અને રાજાએ પ્રોપર્ટીમાં રોકાણ કર્યું અને સારી એવી રકમ મેળવવા લાગ્યાં.

તો તમે આ પૅટર્ન જોઈ? તેઓ અન્ય લોકોની જેમ જ પૈસા કમાવવા માગતાં હતાં, પણ તેમને અન્યો કરતાં જુદા પાડે એવી વાત એ હતી કે, માત્ર ઈચ્છા ધરાવવા કે કકળીને બોલવા કરતાં, તેઓ તક મેળવવા માટે હંમેશા ચોક્કસ રહ્યાં, અને મહેનત માગી લે એવું કામ કરવાથી ક્યારેય અચકાયા નહીં.

રાજા જણાવે છે,

"અન્ય લોકોની જેમ, મેં પણ મુશ્કેલીઓનો સામનો કર્યો છે, પણ સદનસીબે, મેં બિઝનેસમાં જે જોખમો લીધાં હતાં, તેમણે યોગ્ય વળતર આપ્યું છે."

તેમના અંગત સંબંધો તથા વાતચીતમાં તેમની સાથે દગો થયો હતો, પણ તેઓ આ વિશે ખુલીને વાત નથી કરતાં.

"જ્યારે મને લોકો તથા વિદ્યાર્થીઓને સંબોધિત કરવાનું અમંત્રણ આપવામાં આવે છે, ત્યારે હું, ઘણી વાર તેમને કહું છું કે, મારા જીવનને ઉદાહરણ તરીકે ન લેશો. આ માત્ર નસીબનાં કારણે હતું."

પણ ખરેખર, શું એ માત્ર નસીબનાં કારણે હતું? જો એવું જ છે, તો મહેનત કરાવાવાળાને યોગ્ય ફળ મળી જ રહે છે. કારણ કે, રાજા માને છે કે, જો તમે તમારા સપના પૂરા કરવા માગતાં હોવ, તો જોખમ લેવું અનિવાર્ય છે.

પોતાની મહેનત તથા જોખમે કેવી રીતે તેમનું જીવન પરીવર્તિત કર્યું છે, તેના વિશે વાત કરતાં રાજા જણાવે છે,

"મારા પાડોશી અને મિત્રો, જેમની સાથે હું મોટો થયો છું, તેઓ આજે પણ તે જ પરિસ્થિતિમાં છે- તેઓ કોઈ કંપનીમાં ક્લર્ક તરીકે નોકરી કરે છે અથવા મજૂરી કરે છે. ઘણી વાર તેઓ મારી પાસે પૈસા માગવા આવે છે, જેથી હું તેમની મદદ કરી દઉં છું. પણ તે સમયે, તેમની પરિસ્થિતિ મારી પરિસ્થિતિ કરતાં સારી હતી. તેમના પિતાને સારી નોકરી હતી, તેઓ સ્કૂલમાં ભણવા જતાં હતાં. હું ન જઈ શક્યો. પણ આજે, હું ભારતનાં VIP લોકો સાથે સભામંચ શેયર કરું છું. આવું માત્ર પૈસાનાં કારણે જ નથી. છેલ્લા 35 વર્ષમાં મેં મહેનતથી જે પ્રતિષ્ઠા બનાવી છે, તેના કારણે છે."

એક શાંત, ‘ઍન્ગ્રી યંગ મૅન’

રાજા જણાવે છે કે તેમણે તેમની જ્ઞાતિનાં કારણે ક્યારેય ભેદભાવનો સામનો નથી કર્યો. કદાચ, તેઓ માત્ર ‘પૉલિટિકલી કરેક્ટ’ થઈ રહ્યાં છે. પણ ઘણી વાર, મૌન ઘણું ખરું કહી જાય છે.

DICCI બેંગલૂરૂનાં મેમ્બર્સ સાથે રાજા નાયક

DICCI બેંગલૂરૂનાં મેમ્બર્સ સાથે રાજા નાયક


રાજા તથા તેમનો પરિવાર, બેંગલૂરુમાં જે ગલીનાં એક નાના મકાનમાં રહેતાં હતાં, તે તેમની નવી ઑફિસ (આ Purple Haze નું લેટેસ્ટ આઉટલેટ) કરતાં નાનુ હતું. રાજાએ ચાર માળની એક ઈમારત બનાવી જેના ટૉપ ફ્લોર પર તેમની ઑફિસ છે અને નીચે તેમની સ્કૂલ છે.

તેમણે સ્કૂલની શરૂઆત એટલા માટે કરી છે કેમ કે, તેઓ તેમનું ભણતર પુરું નહોતાં કરી શક્યાં પણ તેમની બહેનને પણ સ્કૂલમાં દાખલો આપવામાં નહોતો આવ્યો. 

"જ્યારે મારી પાસે થોડા પૈસા હતાં, ત્યારે મેં એક નાનું ઘર ભાડે લીધું, કેટલાક શિક્ષકો રાખ્યાં અને ગરીબ તથા પછાત વર્ગનાં બાળકો માટે, એક નર્સરીની શરૂઆત કરી."

હું જેમની સાથે વાત કરી રહી હતી તે શાંત સ્વભાવનાં ઉદ્યોગસાહસિક, ફરી એક વાર ઍન્ગ્રી યંગ મૅન બની ગયાં હતાં.

રાજાના કહેવા પ્રમાણે, સમાજમાં એવો પણ પૂર્વગ્રહ છે કે, નીચી જાતિનાં લોકોનાં ઘરનું ભોજન અથવા પાણી ન પીવું. માટે, રાજાએ ફૂડ બિઝનેસમાં ઝંપલાવવાનું નક્કી કર્યું. જોકે, તેમણે શરૂ કરેલું ભોજનાલય હવે બંધ થઈ ગયું છે, પણ તેમનાં પૅકેજ્ડ પીવાનાં પાણી, Jala Beverages નું સારું વેચાણ થઈ રહ્યું છે.

એક પ્રેમભર્યો પ્રસંગ

રાજા નાયક, તેમની પત્ની અનિતા સાથે

રાજા નાયક, તેમની પત્ની અનિતા સાથે


તેમના મલ્ટિપલ બિઝનેસ વૅન્ચર્સ પાછળનું બળ છે તેમના પત્ની અનિતા. રાજા કહે છ, "હું વિવિધતામાં ઝંપલાવ્યાં કરું છું, કારણ કે મને ખબર છે કે, પાછળ કોઈ છે, જે મારા વિવિધ કામોને સંભાળી લેશે."

અનિતા જ્યારે 16 વર્ષનાં હતાં ત્યારે તેમની સ્કૂલમાં શિક્ષક તરીકેની નોકરી મેળવવાં આવ્યાં હતાં. તેઓ પણ ગરીબ દલિત પરિવારની, સ્કૂલ છોડી દીધેલ એક યુવતી છે. તેમના પિતા એક રિક્ષાચાલક હતાં. અનિતાએ સ્કૂલ દરમિયાન મદદ કરવાનું શરૂ કર્યું અને પાછળથી સંચાલન પણ શીખી લીધું.

"અમે ખરેખર તો ભાગીને મંદિરમાં લગ્ન કર્યા છે. તેનો એકમાત્ર સાક્ષી સ્કૂલનાં સ્ટાફની એક વ્યક્તિ છે."

ખુલાસો કરતાં રાજા જણાવે છે કે, આજેય તેમની પાસે લગ્નનું ઔપચારિક સર્ટિફિકેટ નથી.

એક સુખદ અંત

હાલમાં જ, હૈદરાબાદનાં એક આશાસ્પદ દલિત વિદ્યાર્થીની આત્મહત્યા વિશે ઘણુંખરું લખાયું છે, તથા તેના વિશે ઘણી ચર્ચાઓ પણ થઈ છે, પણ રાજા જેવી વાર્તાઓ એવા હજારો લોકો માટે પ્રેરણાનું સ્ત્રોત છે, જેઓ આપણા જેવા ભેદભાવી સમાજનાં કારણે પીડિત મહેસૂસ કરે છે.

"હું આરક્ષણનો ટેકો લઈને ઉપર નથી આવ્યો. મારા બાળકો પણ કોઈ આરક્ષિત ક્વોટા હેઠળ નથી ભણ્યાં (તેમના ત્રણ પુત્રો છે). હું તેમને મારી સ્કૂલમાં ભણાવું છું, કારણ કે હું માનું છું કે, તમને ભણવા માટે આકર્ષક બિલ્ડિંગની જરૂર નથી હોતી. મારા માટે, સારી સ્કૂલ એ હતી, જ્યાં અંગ્રેજી ભાષા ભણાવવામાં આવતી હતી."

રાજા કહે છે કે, એક દલિત તરીકે તેઓ રાહત નહીં પણ જોડાણ ઈચ્છે છે.

"બદનસીબે, મારા સમાજનાં લોકો, માત્ર સરકારી નોકરીઓ પાછળ ભાગે છે. તેઓ સ્વ-રોજગારને સારું નથી સમજતાં. DICCI માં, અમે તેમને તેમની આસપાસ ઉપલબ્ધ તક વિશે જાગૃત કરીએ છીએ. અમે નોકરી માંગવાવાળાઓ કરતાં, નોકરી આપવાવાળા ઈચ્છીએ છીએ."

રાજાને તેમનું સપનું પુરું કરવા માટે, એક ટીનેજર તરીકે સિનેમાઘરમાં જોયેલી ત્રણ કલાકની ફિલ્મ કરતાં વધારે સમય લાગ્યો, તેમનું આજે પણ એક મોટું સપનું છે. 

"મારે 100 કરોડ ક્લબમાં શામેલ થવું છે. એવી કેટલીક કંપનીઓ છે. તો ઉનસે ભી મિલેંગે. (એક દિવસ, હું તેમની સાથે કદમથી કદમ મિલાવીને ચાલીશ)”.

હાં, આ એક મોટું પાયદાન છે. જેમ રાજા કહે છે કે, જ્યારે બિઝનેસની વાત આવે છે, ત્યારે માત્ર પૈસો જ બોલે છે.


લેખક- દિપ્તી નાયર

અનુવાદક- નિશિતા ચૌધરી