આર્થિક રીતે પગભર થવા મહિલા ઉદ્યમીઓનો એક અનોખો પ્રયાસ- 'ગ્રામાલય'

0

વિશ્વ બેંકના 2011ના એક રિપોર્ટ અનુસાર ભારતમાં પુરુષો દ્વારા થતી આવકનો એક મોટો ભાગ ધૂમ્રપાન, દારૂ અને જુગાર જેવી બિનજરૂરી અને નુકસાનકારક આદતો પર વેડફી દેવામાં આવે છે. જ્યારે મહિલાઓ પોતાની સંપૂર્ણ આવક પરિવારના ખાણી-પીણી, સ્વાસ્થ્ય, બાળકોના સ્કૂલની ફી અને કપડા જેવી જરૂરિયાતો પર ખર્ચ કરે છે.

'ગ્રામાલય માઇક્રો ફાઇનાન્સ ફાઉન્ડેશન'(GMF) જે તમિલનાડુ સ્થિત એક NGO છે, જે મહિલા સશક્તિકરણ માટે કાર્ય કરે છે. જેના માટે તેઓ અલગ કાર્ય પદ્ધતિ સાથે આગળ વધી રહ્યાં છે. જે અન્ય પરંપરાગત નાણાકીય સંસ્થાઓ કરતા અલગ છે. GMF એક એવી સંસ્થા છે જે મહિલા ઉદ્યમીઓને સહયોગ આપવા પોતાની વેબસાઇટ www.milap.orgના માધ્યમ દ્વારા મૂડી એકઠી કરે છે અને આ જ બાબત તેમને અન્યોથી અલગ પાડે છે.

GMFની દરેક મહિલાને Gramalaya Entrepreneurs Associates, Tamil Nadu (GREAT) Training Centre દ્વારા યોજાતા એક કાર્યક્રમમાં ખાસ તાલીમ લેવાની હોય છે. આ એક પ્રોફેશનલ ટ્રેનિંગ હોય છે. જેના માધ્યમથી મહિલાઓને પ્રોફેશનલ કાઉન્સેલિંગ અને વર્કશોપ દ્વારા સ્કિલ ડેવલોપમેન્ટ, ટેક્નિકલ મદદ તેમજ માર્કેટ સાથે જોડાયેલી અન્ય ગતિવિધિનું જ્ઞાન આપવામાં આવે છે.

આ ટ્રેનિંગ કાર્યક્રમ પૂરો કર્યા બાદ મહિલાઓને પોતાનો વ્યવસાય ચાલુ કરવા, કમાણી કરવા લોન આપવામાં આવે છે. મહિલાઓને વિવિધ વ્યાવસાયિક ગતિવિધિઓ જેવી કે, જૈવિક ખેતી, કેળા અથવા જવારની ખેતી, કપડાં પર પેઇન્ટિંગ અને તેમની આવડત અને રૂચિના આધાર પર તેમને અનેક પ્રકારના કામોની તાલીમ આપવામાં આવે છે. આ ટ્રેઈનિંગ કાર્યક્રમ પૂરો થાય ત્યારબાદ મહિલાઓને મદદરૂપ થઇ શકે તેવા સમૂહ સાથે જોડી દેવામાં આવે છે. જેથી કરીને તેઓ પોતાનો નવો વ્યવસાય શરૂ કરી શકે અથવા જે વ્યવસાય કરતા હોય તેનો વિસ્તાર કરી શકે.

GMFના મુખ્ય અધિકારી ગીતા જગે મહિલા ઉદ્યમીઓને પ્રોત્સાહિત કરવાના પોતાના સપના અંગે અમારી સાથે વાતચીત કરી. તેઓ આ અંગે કહે છે,

"ડર અને અપૂરતા આત્મવિશ્વાસના કારણે મહિલાને ખબર નથી હોતી કે બેંકોની સેવા અને સુવિધાઓનો લાભ કેવી રીતે લઇ શકાય? આવા સંજોગોમાં તેમને તેમના પતિ અથવા પુત્ર દ્વારા મળતા પૈસા પર જ નિર્ભર રહેવું પડે છે. જેના કારણે તે પોતાની કોઇ બચત પણ કરી શકતી નથી. આવા સંજોગોમાં જ્યારે મહિલાને પૈસાની જરૂરિયાત રહે ત્યારે તેણે પૈસા માટે અન્ય વ્યક્તિ પર આશા રાખવી પડે છે. GMFમાં અમે ટ્રેઈનિંગના માધ્યમ દ્વારા મહિલાઓમાં આત્મવિશ્વાસ જાગૃત કરવાનો પ્રયાસ કરીએ છીએ, જેથી આગળ જતા તે પોતાના રોજગાર માટે જાતે જ પોતાનો નાનો બિઝનેસ શરૂ કરી શકે. મહિલાઓમાં વિવિધ પ્રકારના કામ કરવાની અનેક ક્ષમતા હોય છે પરંતુ તેઓ તેનો પૂરેપૂરો ઉપયોગ કરી શકતા નથી. જો આપણે સ્ત્રીઓને સશક્ત કરી અને મહિલાઓને આગળ વધારીશું તો મારા ખ્યાલ પ્રમાણે તે આપણા દેશના વિકાસ માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ બાબત બની શકશે."

GMF નો સહયોગ મેળવનાર સભ્યોને 10થી 12 હજાર રૂપિયાની લોન આપવામાં આવે છે. આ લોનને તેઓ 12થી 18 મહિનામાં પરત ચૂકવી શકે છે. શરૂઆતના સમયમાં આ રકમ બેંકો, નાણાકીય સંસ્થાઓ અથવા ખાનગી દાનના માધ્યમ દ્વારા આપવામાં આવે છે. 39 વર્ષની રેવતી મુત્થુસ્વામીએ પણ GMF દ્વારા લોન મેળવી છે. જેના માટે આ રકમ Milaap.orgના માધ્યમ દ્વારા એકઠી કરવામાં આવી છે. રેવતી કટ્ટુપુથુર ગામડામાં રહે છે અને તેમણે સિલાઈકામ દ્વારા તેમના વ્યવસાયની શરૂઆત કરી. શરૂઆતમાં તેમણે માત્ર સમય પસાર કરવાના હેતુથી આ કામની શરૂઆત કરી હતી. પરંતુ તેમાંથી તેમને વધારે આવક ન થતી. પરંતુ તેઓ ધીમે ધીમે તેઓ પોતાની આવક વધારવા માગતા હતાં. તેઓ વધુમાં જણાવે છે,

"GMF અને તેમના કૌશલ્ય તથા વ્યવસાય વિકાસના તાલીમ કાર્યક્રમ વિષે મેં ઘણું સાંભળ્યું, ત્યારબાદ મેં કંઇક નવું કરવાનું વિચાર્યું."

તેઓ વધુમાં કહે છે,

"હવે હું પાંચ સદસ્યો ધરાવતી એક NGOનો મહત્ત્વનો ભાગ છું. GMFના આ ટ્રેઈનિંગ કાર્યક્રમમાં મેં જુવાર અને કેળાની ખેતી કરવાની તાલીમ લીધી છે. હું સફળ થવા માગું છું. મને સંતોષ છે કે હું મારા જીવનમાં કંઇક નવું કરી રહી છું. હું આ વેપારને ખૂબ જ ઉંચાઈ પર લઇ જવા માગું છું. મને મારા પતિ તરફથી પણ પૂરેપૂરો સહયોગ મળી રહ્યો છે."

જ્યારે અમે રેવતીની પૂછ્યું કે જે મહિલા ઉદ્યમી બનવા માગે છે તેમને તમે કઇ સલાહ આપવા માગશો. તે જવાબમાં રેવતીએ કહ્યું,

"મહિલાઓમાં આત્મવિશ્વાસ હોવો જોઇએ. જેમાં પરિવારનો સહયોગ પણ ખૂબ જ મહત્વ ધરાવે છે. ઘણી બધી મહિલાઓ શિક્ષિત હોતી નથી, અને આ જ બાબત તેમને આગળ વધતા રોકે છે. પરંતું હું કહું છું કે કોઈ પણ કામ કરવામાં શિક્ષણ કરતા પણ વધારે મહત્વની બાબત તમારી આવડત અને આત્મવિશ્વાસ છે."

જો આપની પાસે પણ કોઈ વ્યક્તિની રસપ્રદ સફરની વાત છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ, તો અમને લખી મોકલાવો khushbu@yourstory.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે દ્વારા અમારી સાથે Facebook અને Twitter પર જોડાઓ...

Related Stories