AdviceAdda.com આપશે કોઈ પણ સવાલનો જવાબ, યુવાનોમાં લોકપ્રિય બની રહેલી સાઈટ

0

વિવેક સત્ય મિત્રમ સ્થાપક છે AdviceAdda.comના, એક એવું વેબ પોર્ટલ જે ટીનએજર્સને તેમના જીવન અને વિકાસ દરમિયાન થતાં વિવિધ સવાલો અને અનુભવો અંગેની મૂંઝવણનું સચોટ માર્ગદર્શન આપે છે. તેઓ પૂર્વ પત્રકાર હતા જેમણે રિપોર્ટર, ચેનલના આઉપટપુટ હેડ, ચેનલ હેડ વગેરે પદે પીટીઆઈ, સ્ટાર ન્યૂઝ, સહારા સમય, ઈન્ડિયા ન્યૂઝ અને એનડબ્લૂએસ વગેરેમાં કામ કર્યું છે. તેઓ આ કારકિર્દીમાં ખૂબ જ સફળ હતા, છતાં પણ કોઈ અલગ ક્ષેત્રમાં પ્રવેશવા અંગે તેઓ જણાવે છે, "મારે સામાજિક કામ કરીને મારા સમાજ માટે, લોકો માટે, દેશ માટે અને આધુનિક પેઢી માટે કંઈક કરવું હતું. મારો આશય એટલો જ હતો કે આજના યુવાનો તેમના પ્રશ્નો અંગે કોઈની સાથે ચર્ચા કરી શકે અને મુક્ત રીતે રહી શકે."

વિવેક જણાવે છે કે, મોટાભાગના ટીએનજર્સ સમાન પ્રકારની શારીરિક, માનસિક અને ભાવનાત્મક ફેરફારોમાંથી પસાર થતા હોય છે. તેમને લગભગ એક જ પ્રકારના સવાલો થતા હોય છે તેના કોઈ જવાબ મળતા નથી. આ જવાબ વગરની સ્થિતિ અને મૂંઝવણ લાંબા સમયે તેમને ગંભીર અસર કરે છે. તેમના સવાલોનો જવાબ ન મળવાથી તેમના મનમાં ખોટી માન્યતાઓ ઘર કરવા લાગે છે જે લાંબાગાળે તેમના અંગત અને પ્રોફેશનલ જીવનને અસર કરે છે.


ભારતમાં આજે પણ લોકો સેક્સ વિશે જાહેરમાં ચર્ચા કરતા નથી, તેમને મુશ્કેલી હોય તો પણ શાંત રહે છે. AdviceAdda.com ટીનએજર્સની આવી જ મૂંઝવણો વિશે ચર્ચા કરે છે. વિવેકે જણાવ્યું, "અમે સેક્સ વિશે પણ વાત કરીએ છીએ. લોકોને મનોરંજન આપવા નહીં પણ સાચી સમજ અને સ્થિતિની જાણકારી મળે તે રીતે સેક્સની ચર્ચા કરવામાં આવે છે."

આ વેબસાઈટ પર સાયકોલોજિસ્ટ, સેક્સોલોજિસ્ટ, ગાયનેકોલોજિસ્ટ, ડર્મેટોલોજિસ્ટ, ફિઝિશિયન, કરિયર કાઉન્સેલર, મોટિવેશનલ સ્પીકર, બ્યૂટી એક્પર્ટ, ફિટનેસ ટ્રેનર, ફાઈનાન્સિયલ એડવાઈઝર, વકીલ તમામની મદદ મેળવી શકાય છે. વિવેક જણાવે છે કે, તમામ ક્ષેત્રના જાણકારો સાથે વાત કરવાથી યૂઝર્સને તેમના સવાલોના સંપૂર્ણ અને સચોટ જવાબ મળે છે.

વિવેક વધુમાં જણાવે છે કે, આ સેવાઓ સંપૂર્ણ મફત હોય છે તથા યૂઝર્સની જાણકારી પણ ગુપ્ત રાખવામાં આવે છે. તેમના મતે 'એડવાઈઝ અડ્ડા' ભારતનું પહેલું આ પ્રકારનું પ્લેટફોર્મ છે. દેશમાં આવી ઘણી વેબસાઈટ છે જે આવી સેવા આપણે છે પણ તેના માટે તગડી ફી વસૂલે છે જેથી લોકો તેના પર જતાં અચકાય છે. "મેં ઓનલાઈન એડવાઈઝ સર્વિસ સંપૂર્ણ ફ્રી રાખી છે."


યૂઝર્સની માહિતી ખાનગી રાખવામાં આવતી હોવાથી તેઓ પોતાની તમામ સમસ્યાઓ અંગે મુક્તમને ચર્ચા કરે છે. અમને જેવી સમસ્યા મળે કે તેને 24 કલાકની અંદર સંબંધિત એક્સપર્ટને મોકલી દેવામાં આવે છે. અમારી પાસે સૂચન કે સલાહ આવે કે તરત જ યૂઝર્સને મોકલી દેવામાં આવે છે તથા વેબસાઈટ પર પણ મૂકવામાં આવે છે જેથી અન્ય કોઈને આવી સમસ્યા હોય તો માહિતી મળી રહે.

વિવેક જણાવે છે, "એડવાઈઝ અડ્ડાને મળતી મોટાભાગની સમસ્યાઓ શિક્ષણ, કેરિયર, રિલેશનશિપ, ડિપ્રેશન અને સેક્સ્યુઅલ હેલ્થ અંગેની હોય છે. અમારા મોટાભાગના યૂઝર્સ 18 થી 25 વર્ષના છે. તેમાંથી પણ 60 ટકા યુવકો અને 40 ટકા યુવતિઓ છે. અમારા યૂઝર્સની ખાસિયત એ છે કે તેઓ સતત અમારી સાથે જોડાયેલા હોય છે. જે યૂઝર્સને તેમની સમસ્યાનો સચોટ ઉકેલ મળે છે તેઓ અમારી સાથે સતત જોડાયેલા રહે છે અને નવી નવી સમસ્યાઓ સાથે આવતા રહે છે."

વિવેક એક વાતનો સ્વીકાર કરતા જણાવે છે કે, ગુપ્તતા અને યૂઝર્સની પ્રામાણિકતા અમારી સફળતાનું કારણ છે. અમારી સેવા લોન્ચ થયાને માત્ર પાંચ મહિના થયા છે છતાં અમને 3,00,000 લાઈક મળી છે. તે ઉપરાંત દરરોજ 5,000 થી 7,000 વાચકો અમારી વેબસાઈટ જૂએ છે અને અત્યાર સુધીમાં 2,000 જેટલા લોકો અમારી વેબસાઈટ પર રજિસ્ટર્ડ છે. એડવાઈઝ અડ્ડા હાલમાં કોઈ પ્રમોશન પણ કરતી નથી.

"હાલમાં અમારી વેબસાઈટને આવક થતી નથી છતાં અમારી ટીમ ઈચ્છે છે કે વેબસાઈટનો વિસ્તાર કરવામાં આવે. અત્યારે તો અમારા બે પ્રોજેક્ટ છે જેમાં પહેલું સ્કૂલ, કોલેજ અને કોર્પોરેટ ખાતે 'ઓન ગ્રાઉન્ડ વર્કશોપ' શરૂ કરવા તથા બીજું ઓનલાઈન વૈયક્તિક કાઉન્સેલિંગ પ્રોગ્રામ શરૂ કરવા જે કરિયર ગાઈડન્સ, સાયકોલોજિકલ પ્રોબ્લેમ, રિલેશનશિપ સમસ્યા વગેરે બાબતે સલાહ સૂચન આપે."

વિવેક વધુમાં જણાવે છે કે, એડવાઈસ અડ્ડા અત્યારે તો લોકો અને સંસ્થાઓ પાસેથી ભંડોળની આશા રાખી રહી છે. તેની એવી પણ દલિલ છે કે જો તેનો પ્રોફેશનલ ઉપયોગ કરવામાં આવે તો યુવાનોને આકર્ષવા અને સારી કમાણી કરવા માતે તમામ જાણીતી બ્રાન્ડ, ઉત્પાદો અને સેવાઓ માટે સારી તક છે.


અન્ય સારા ઉદ્યોગસાહસિકની જેમ વિવેકના સ્વપ્ન પણ મોટા છે. તે જણાવે છે, "મેં આ વેબસાઈટ એટલા માટે ચાલુ કરી છે કે દેશના 75 કરોડ યુવાનોને તમામના મનમાં ઉઠતા સવાલોનો જવાબ મળે. હું એડવાઈઝ અડ્ડાને ફેસબૂક કરતાં વધારે જાણીતી બનાવવા માગું છું. તેના દ્વારા માત્ર લાગણીઓ ફેલાવવા નહીં પણ તેમની સમસ્યાઓને જાણવા અને ઉકેલવા માગું છું."

વિવેક અંતે કહે છે કે,

"અમે સશક્ત અને યુવા ભારત તરીકે વિકસવા માગીએ છીએ અને તેના કારણે જ આપણા વડાપ્રધાન વિદેશોને ભારતીય યુવા પર રોકાણ કરવા આકર્ષે છે. આ યુવાધનને કેવી રીતે સર્જનાત્મક બનાવી શકાય જ્યારે 50,000 ભારતીય યૂવાનો તેમની સમસ્યાઓ (મોટાભાગે પારિવારિક અને આર્થિક તથા પ્રેમ સંબંધ અંગેની)નું સમાધાન ન મળતા આત્મહત્યા કરતા હોય. આપણે જ આપણા યુવાધનને ચિંતામુક્ત બનાવવું પડશે. ત્યાર પછી જ તેઓ સક્રિય રીતે આગળ આવીને આપણા દેશને વિશ્વગુરુ બનવા માટે સજ્જ કરશે."

Patron Saint of Mediocrity

Related Stories