મારા સૌથી પહેલા સ્ટાર્ટઅપની નિષ્ફળતામાંથી મને શીખવા મળેલા બોધપાઠ

0

લગભગ બે વર્ષની કામગીરી પછી મેં થોડા સમય પહેલા મેં મારું પ્રથમ સ્ટાર્ટઅપ બંધ કરવાનો નિર્ણય લીધો હતો. તેમાં શું ખોટું થયું અને મેં ક્યાં ભૂલો કરી હતી તે સમજવી અત્યંત મહત્ત્વપૂર્ણ છે, પણ સાથે સાથે તેમાંથી શીખવા મળેલા બોધપાઠો છે, જે ભવિષ્યના સાહસોમાં ઉપયોગી નીવડશે. અહીં મને શીખવા મળેલા બોધપાઠો ટૂંકમાં જણાવ્યાં છેઃ

1. ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કરવું

સંસ્થામાં મારી ભૂમિકા સેલ્સ અને ફાઇનાન્સ સંભાળવાની હતી. મારું સ્ટાર્ટઅપ સંપૂર્ણપણે ટેકનોલોજી પર આધારિત હોવા છતાં મેં મારી તમામ કામગીરી એક સક્ષમ વેન્ડર પાસેથી આઉટસોર્સ કરાવી હતી. મને તે સમયે સીટીઓ (ચીફ ટેકનોલોજી ઓફિસર) રાખવાનું મહત્ત્વ સમજાયું નહોતું. સીટીઓ કામગીરીમાં સક્ષમ હોય છે અને સાથે સાથે ઉત્પાદન વિશે ધગશ પણ ધરાવે છે. જો તમે ટેક સ્ટાર્ટઅપ શરૂ કરો તો આ બાબત ખાસ મહત્ત્વપૂર્ણ છે. છેવટે વેન્ડર તો વેન્ડરની જેમ જ કામ કરે, તે તમારા સ્ટાર્ટઅપને પોતાનું નહીં સમજે.

2. કર્મચારીઓને સંસ્થા-કંપનીની અપેક્ષા વિશે જણાવો

તમને ફંડિંગ મળી શકે છે અને ઝડપથી કામગીરી વધારવા પ્રયાસ કરો. આ મહત્ત્વપૂર્ણ તબક્કામાં શરૂઆતની ભરતી બહુ મહત્ત્વપૂર્ણ હોય છે. કર્મચારીઓ જોખમોને સમજે અને તેમને સ્ટાર્ટઅપ વાતાવરણમાં કામ કરવાનું વળતર મળે તે સુનિશ્ચિત કરો. જો તેમને મોટા કોર્પોરેટમાં કામ કરવાનો અહેસાસ થશે અને નોકરીની સુરક્ષા અનુભવશે, તો તેઓ નિષ્ફળતાના કેસમાં નિરાશ થઇ જાય તે શક્યતા વધારે છે અને સ્ટાર્ટઅપના વાતાવરણમાં સામાન્ય કરતાં વધારે મહેનત ન કરે તેવી શક્યતા ઓછી છે.

3. ફંડિંગ મેળવવામાં બહુ સમય ના વેડફો

ચોક્કસ, એક તબક્કે ફંડિંગ મહત્ત્વપૂર્ણ છે. પણ તમારી ફંડિંગ મેળવવાની દોટ તમને ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કરવાનું ભૂલાવી ન દે. જ્યારે એક રોકાણકારે રસ દાખવ્યો હતો ત્યારે મેં ફંડિંગ મેળવવા ઘણો સમય વેડફી નાંખ્યો હતો અને ત્યારે મને અહેસાસ થયો હતો કે મારી પ્રોડક્ટ સમયસર શરૂ થઈ શકી નહોતી, જેના કારણે બન્યું એવું કે તે રોકાણકારને રસ જ ઊડી ગયો. મારા માટે બાવાના બંને બગડવા જેવી સ્થિતિ સર્જાઈ હતી.

4. કંપનીમાં ફિટ હોય તેવી જ વ્યક્તિની ભરતી કરો, નહીં કે તમારા મિત્રો કે અનફિટ લોકોની

આપણને આપણા મિત્રો કે અગાઉ જે કંપનીમાં કામ કરતા હોય ત્યાંથી પરિચિત વ્યક્તિઓની કૉર ટીમ બનાવવાની હંમેશા ઇચ્છાં હોય છે. પણ તેમાં ઘણી વખત એવું બની શકે છે કે તમારી સંસ્થામાં ફિટ ન હોય તેવી કોઈ વ્યક્તિની પણ ભરતી થઈ જાય. હકીકત એ છે કે આ પ્રકારના નિર્ણયમાં તમે એ વ્યક્તિની કુશળતાને બદલે જાણે-અજાણે તમારી પોતાની વિશ્વાસપાત્ર વ્યક્તિ હોવાથી ભરતી કરો છો. આ પ્રકારનો નિર્ણય સંસ્થાને લાંબા ગાળે નુકસાનકારક પુરવાર થઈ શકે છે.

5. ફંડિંગ મળ્યાં પછી પણ કરકસર કરો

મેં ઘણા સ્ટાર્ટઅપમાં જોયું છે કે ફંડ મળ્યાં પછી તેઓ છૂટાં હાથે ખર્ચ કરે છે. ચોક્કસ, ફંડિંગથી કુશળ કર્મચારીઓ મળવા જોઈએ, ટેકનોલોજીમાં રોકાણ કરવું જોઈએ. પણ સ્થાપક સારી કારનો ખર્ચ ટાળી શકાય છે. બિનજરૂરી ખર્ચા કંપનીને નબળી જ કરતા નથી, પણ તેઓ નિષ્ફળતા મળે તો પ્રેસમાં નેગેટિવ બાબતો પણ બહાર આવે છે.

6. યોજનામાં ફેરફાર કરવા તૈયાર રહો

કોઈ મોટી કંપનીની સરખામણીમાં સ્ટાર્ટઅપ્સનું સંચાલન કરવાનો એક ફાયદો સરળતાથી કામગીરી બદલવાનો છે. બજાર અને આર્થિક સ્થિતિ પર બરોબર નજર રાખો અને મૂળ યોજનામાં સામેલ ન હોય પણ સ્ટાર્ટઅપ માટે ફાયદાકારક હોય તેવી કામગીરી કરવા તૈયાર રહો. તેનાથી તમારા સ્ટાર્ટઅપને ફાયદો થઈ શકે છે.

7. પ્રેક્ટિકલ બનો, વ્યવહારિક નિર્ણય લો

સામાન્ય રીતે સ્થાપકો તેમના સ્ટાર્ટઅપ્સ સાથે ભાવનાત્મક રીતે જોડાયેલા હોય છે, ખાસ કરીને જો પ્રથમ સ્ટાર્ટઅપ હોય તો પ્રેક્ટિકલ બનો. જો તમને લાગે કે તમારી કામગીરી ટકી શકે તેમ નથી, કે તમારી અપેક્ષા મુજબ ગ્રાહકોને રસ પડ્યો નથી, તો વ્યવહારિક પણ કપરો નિર્ણય લો અને બિઝનેસને બંધ કરી દો. તેનાથી તમને વધુ નુકસાન થતું અટકી શકે છે.

લેખક પરિચય: આદિત્ય મેહતા

તેઓ મુંબઈના શેરબજારમાં કામ કરતા એક યુવાન, ઉદ્યોગસાહસિક અને લંડન બિઝનેસ સ્કૂલમાં એક્ઝિક્યુટિવ એમબીએ કેન્ડિડેટ છે. તેઓ અત્યારે ડિજિટલ માર્કેટિંગ કંપની એજિટલ અને ફિનટેક મોબાઇલ એપ ટિપસ્ટોપ સાથે સંકળાયેલા છે.

અનુવાદક- કેયૂર કોટક 

સ્ટાર્ટઅપને લગતા એક્સપર્ટસના અનુભવો જાણવા ફેસબુક પર અમારી સાથે સંપર્કમાં રહો. 

Related Stories