‘MavenChic’, ઓનલાઇન મેકઓવર કરી વધારે છે મહિલાઓનો આત્મવિશ્વાસ!

0

પ્રિયા વાઘ ‘MavenChic’નાં ડિરેક્ટર તેમજ સહસ્થાપક છે. શું તમે માનશો કે પ્રિયાનું બેકગ્રાઉન્ડ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ અને મેનેજમેન્ટનું છે. તેમ છતાં પણ તેઓ ફેશનનું બારીકાઈથી ધ્યાન રાખે છે એટલું જ નહીં, પરંતુ દેશમાં સૌથી પહેલું ડિજિટલ ઇમેજ મેકઓવર સ્ટાર્ટ અપ શરૂ કરનારાં પ્રથમ મહિલા પણ છે. ‘MavenChic’ એવી જગ્યા છે કે જ્યાં કોઈ પણ ક્ષેત્રની મહિલા આવીને પોતાની ઇમેજનું મેકઓવર કરાવીને સારું અનુભવી શકે છે. પ્રિયાનું કહેવું છે કે દરેકને વ્યક્તિગત રીતે મળીને સલાહ આપવામાં ખૂબ જ સમય જાય છે અને દરેક મહિલા પાસે એટલો સમય પણ નથી હોતો. આ જોઈને તેણે નક્કી કર્યું કે કેમ આ કામગીરીને ઓનલાઇન શરૂ કરવામાં ના આવે. આજે ‘MavenChic’ ઈ-કોમર્સ મારફતે ફેશન અંગે સલાહ આપનારી વેબસાઇટ છે.

અત્યાર સુધી કોર્પોરેટ સાથે સંકળાયેલી મહિલા હોય કે વિદ્યાર્થીની અથવા તો ગૃહિણી હોય કે બેન્કર દરેક ‘MavenChic’નાં વિશેષજ્ઞોના સાધારણ ઉપાયો અજમાવીને પોતાનો દેખાવ બદલી ચૂકી છે. પ્રિયાને જિંદગીભર ફેશન પ્રત્યે પ્રેમ રહ્યો છે અને તેનું માનવું છે કે દરેક મહિલા ચાહે તે ઠીંગણી હોયકે લાંબી, જાડી હોય કે પાતળી અને યુવાન હોય કે વૃદ્ધ તેની સ્ટાઇલ જ તેનું વ્યક્તિત્વ હોય છે. તેનું માનવું છે કે દરેક મહિલા ગ્લેમરસ ન દેખાઈ શકે પરંતુ જો તેનો મેકઓવર (દેખાવ બદલાઈ જાય)તો તેનો વિશ્વાસ વધી જાય છે અને તે સારું અનુભવે છે.

પ્રિયાનો જન્મ ફેશનની રાજધાની ગણાતાં મુંબઈમાં થયો હતો. તેમણે લગભગ છ વર્ષ માર્કેટિંગ અને સેલ્સનાં ક્ષેત્રમાં વીતાવ્યાં. પરંતુ તેમાં તેમને પોતાનાં કામ અંગેનું ઝનૂન નહોતું. વર્ષ 2009માં તેમનાં લગ્ન થઈ ગયાં. પ્રિયાનું કહેવું છે કે તેમનાં પતિ સારી રીતે જાણતાં હતાં કે તે પોતાનાં કામથી ખુશ નથી. ઘણી વખત તે બંને વિવિધ વિકલ્પો અંગે લાંબી વાતચીત પણ કરતાં હતાં પરંતુ કોઈ નક્કર વસ્તુ તેમાંથી નીકળતી નહોતી. એક વખત તેમનાં પતિએ છાપાંમાં છપાયેલાં એક લેખ ઉપર તેમનું ધ્યાન દોર્યું. જેમાં આઈસીબીઆઈના અભ્યાસક્રમ વિશે માહિતી આપવામાં આવી હતી. પ્રિયાનાં પતિએ જ તેમને આ ક્ષેત્રમાં કામ કરવાની તેમને સલાહ આપી. ત્યારબાદ પ્રિયાએ તેનું નામ ત્યાં નોંધાવી લીધું. તે પછી પ્રિયા પણ પોતાનું કોઈ કામ કે કંપની શરૂ કરવા માટે વિચારવા લાગ્યાં અને ‘MavenChic’ મારફતે તેમણે મેકઓવર અંગે ઓનલાઇન સલાહ આપવાનું શરૂ કર્યું.

ઘરની જવાબદારીઓથી વિપરીત પ્રિયાએ આઈસીબીઆઈનો ફુલ ટાઇમ કોર્સ કર્યો. આ દરમિયાન પ્રિયા ત્યાંના ટ્રેનર સાથે આ ક્ષેત્રમાં સંભવિત કારકિર્દી અંગે સતત વાતચીત કરતાં રહેતાં હતાં. કોર્સ દરમિયાન પ્રિયાને એક વાત સારી રીતે સમજાઈ ગઈ હતી કે ભણવાનું પૂરૂં કર્યા બાદ ઇમેજ મેનેજમેન્ટ સાથે સંકળાયેલા મર્યાદિત વિકલ્પો જ તેમની પાસે છે. તે કોઈની હાજરી, વ્યવહાર, અને બોલચાલ ઉપર કાં તો તાલીમ આપી શકતાં હતાં અથવા તો કોર્પોરેટ કે વ્યક્તિગત રીતે કામ કરવાનો વિકલ્પ હતો. ત્યાં સુધી પ્રિયાને સારી રીતે વિશ્વાસ બેસી ગયો હતો કે આ ક્ષેત્રમાં ઘણી તકો રહેલી છે.

પ્રિયાનું કહેવું છે કે જ્યારે તેમણે આ અંગે વિચાર કર્યો તે વખતે સમાજનો એક ચોક્કસ વર્ગ જ તેનો લાભ લેતો હતો. તે વખતે તેમણે વિચાર્યું કે તેને સામાન્ય લોકો સુધી પહોંચાડવામાં આવે કે જેઓ સસ્તું અને સુવિધાજનક હોય તેટલું જ નહીં પરંતુ આજની આધુનિક મહિલાઓ કે જેઓ ઘર અને પરિવારને સંભાળવા ઉપરાંત નોકરી-ધંધો પણ કરે છે તેમના માટે પણ પ્રાપ્ય હોય. પ્રિયાને એ વિચાર ત્યારે આવ્યો જ્યારે તે તાલીમનાં પાંચમાં સત્રમાં હતાં. તેમણે પોતાના વ્યવસાયને ઓનલાઇન જ આગળ વધારવા અંગે વિચારવાનું શરૂ કર્યું. પ્રિયાએ પોતાના ભાઈ પાસેથી પ્રેરણા લીધી. તેમનો ભાઈ સિંગાપોરમાં સારી નોકરી તો કરતો જ હતો સાથેસાથે પ્રવાસ સાથે સંકળાયેલો પોતાનો વ્યવસાય પણ સંભાળતો હતો.

તો બીજી તરફ પ્રિયાનાં કામ માટે તેમનાં પતિ ભાલચંદ્ર .કે. વાઘ પોતાની નોકરી છોડીને ‘MavenChic’માં સીઈઓ બની ગયા. આજે પ્રિયાનું માનવું છે કે અત્યાર સુધી તેમને ખૂબ જ સારા અનુભવો થયા છે. જોકે, શરૂઆતમાં તેમને થોડી તકલીફોનો સામનો પણ કરવો પડ્યો હતો. પણ તેમનું માનવું છે કે કોઈ પણ કામ કરવા માટેનો શોર્ટકટ નથી હોતો. તેના માટે અથાગ મહેનત કરવી જ પડે છે. 33 વર્ષનાં પ્રિયા છેલ્લા 8 મહિનાથી પોતાનાં આ કોન્સેપ્ટ ઉપર કામ કરી રહ્યાં છે. આજે તેમની સાથે દેશભરનાં 30 સલાહકારો જોડાયેલાં છે. જેઓ મહિલાઓને ઓનલાઇન સલાહ આપવાનું કામ કરે છે. હાલમાં આ સેવા માત્ર મહિલાઓ માટે જ છે પરંતુ ટૂંક સમયમાં તેઓ પુરુષો માટે પણ આવી સેવા શરૂ કરવાનાં છે. પ્રિયાનું કહેવું છે કે જે તમે પહેરો છો તે જ ફેશન નથી પરંતુ કોઈ વસ્તુને તમે કેવી રીતે પહેરો છો તે છે.

Related Stories