દેશને સ્વચ્છ રાખવા મોદી જ નહીં, આ યુવાનો પણ ચલાવે છે સ્વચ્છતા અભિયાન!

1

તે દિવસે વિપુલ અગ્રવાલ ટેક્સી (કેબ)માં બેઠા હતા. તેમની કેબ એક સિગ્નલ પર ઊભી રહી. એવામાં તેમની નજર બીજી કેબમાં બેઠેલી એક મહિલા પર પડી. મહિલાએ કેબનો કાચ ઉતારી ચોકલેટનું રેપર રોડ પર ફેંકી દીધું. વિપુલ ચોંકી ગયા. એક તરફ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વચ્છતા અભિયાન ચલાવી રહ્યાં છે તો બીજી તરફ દેશની જનતા રોડ પર કચરો ફેંકી રહી છે. તેમનાથી રહેવાયું નહીં. તેઓ કેબમાંથી ઉતર્યા અને પેલી મહિલા પાસે ગયા. તેમણે મહિલાને કેબમાંથી ઉતરીને રેપર પાછું લઈ લેવા અને જાહેર માર્ગોને સ્વચ્છ રાખવા સાથસહકાર આપવા વિનંતી કરી. પેલી મહિલા પણ ચોંકી ગઈ અને તેને ખોટું કર્યું હોવાનો અહેસાસ થયો. તેણે રેપર ઉઠાવી લીધું. વિપુલને આ પ્રયાસમાં સફળતા મળી હતી, પણ તેમને ખાતરી હતી કે દિલ્હી અને ભારતના શહેરોમાં જાહેર માર્ગો પર કચરો ફેંકવો, પાનમાવાની પિચકારી મારવી સામાન્ય બાબત છે.

વિપુલની ઉંમર 24 વર્ષ છે. તે યુવાન અને ઉત્સાહી છે. તેઓ જાણતા હતા કે જાહેર માર્ગો પર ગંદકીની સમસ્યા બહુ મોટી છે. તેઓ રોડ પર દરેક વાહનમાં મુસાફરી કરતાં લોકોને સ્વચ્છતા રાખવા માટે રૂબરૂ મળીને સમજાવી નહીં શકે. તેમને વિચાર આવ્યો કે, વડાપ્રધાન મોદી પોતે પોતે ઝાડૂ લઈને જાહેર માર્ગોની સાફસફાઈ કરીને દેશની જનતાને સ્વચ્છતા જાળવવા પ્રેરિત કરે છે, પણ દેશની જનતા તેને ગંભીરતા લેતી નથી.

યોજના

ડાબેથી જમણેઃ સોમવીર, નિખિલ અને વિપુલ
ડાબેથી જમણેઃ સોમવીર, નિખિલ અને વિપુલ

વિપુલ સ્વચ્છતાના આગ્રહી છે અને દેશમાં સ્વચ્છતા જળવાય તે માટે કશું કરવા માગતા હતા. આ માટે તેમણે વ્યાવહારિક અભિગમ અપનાવ્યો. તેમણે ‘માય સિટી’ નામની બિનસરકારી સંસ્થા શરૂ કરી. આ સંસ્થા શરૂ કરવામાં તેમણે તેમના બે મિત્રો નિખિલ ગુપ્તા અને સોમવીર સોલંકીની સાથે ભાગીદારીમાં શરૂ કરી છે. વિપુલ, નિખિલ અને સોમવીર ત્રણેય મિત્રોએ ઇન્દ્રપ્રસ્થ યુનિવર્સિટીમાંથી બી. ટેક (બેચલર ઓફ ટેકનોલોજીસ)ની ડિગ્રી મેળવી છે. તેમણે સ્થાપિત કરેલી સંસ્થા પર્યાવરણનું સંરક્ષણ કરવાના મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. હવે તેમણે તેમના અભિયાનમાં સ્વચ્છતા અને સાફસફાઈને પણ સામેલ કરી છે. માય સિટીએ સિક્કીમથી શરૂઆત કરી હતી અને અત્યારે દિલ્હી-એનસીઆરમાં કામ કરે છે. તેઓ ભારત સરકાર સાથે મળીને સમગ્ર દેશમાં તેમના અભિયાનને આગળ વધારવા ઇચ્છે છે.

વિપુલ અને તેમના મિત્રોએ શરૂઆતમાં ઓટો-રિક્ષા અને કેબના ડ્રાઇવર્સને મળવાનું અને તેમની સમસ્યા જાણવાનો પ્રયાસ કર્યો. ડ્રાઇવર્સે તેમને જણાવ્યું હતું કે, ઘણા પેસેન્જર્સ વાહનો કે માર્ગો પર કચરો ફંકે છે. પણ તેમને ગુમાવવાના ડરે મોટા ભાગના ડ્રાઇવર્સ ચૂપ રહે છે. આ જાણકારી મેળવ્યાં પછી વિપુલ, નિખિલ અને સોમવીર એવા તારણ પર આવ્યા હતા કે, આ સમસ્યાનું સમાધાન કરવા દ્વિપાંખીયો વ્યૂહ અપનાવવો પડશેઃ એક, ગ્રાહકોને સ્વચ્છતા જાળવવા પ્રોત્સાહિત કરવા અને ડ્રાઇવર્સને મદદ કરવી.

અમલ

ત્રણેય મિત્રોએ તેમની પહેલનું નામ ‘માય સિટી – ઇટ ઇઝ અવર સિટી, લેટ અસ કીપ ઇટ ક્લીન' રાખ્યું. માય સિટીએ કેબ અને ઓટોરિક્ષાઓમાં 100 કેરી બેગ મૂકી અને દરરોજ આ સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. કેબ અને ઓટોરિક્ષાના ડ્રાઇવર્સે આ પહેલને આવકારી છે, જેણે પેસેન્જર દ્વારા તેમના વાહનોમાં કચરો ફેંકવાની લાંબા ગાળાની સમસ્યા દૂર કરી છે. દરરોજ દિવસના અંતે ડ્રાઇવર સરકાર સંચાલિત ગાર્બેજ કલેક્શન સેન્ટરમાં બેગ ખાલી કરે છે.

ભવિષ્યની યોજના

અત્યારે ત્રણેય મિત્રો તેમની અંગત બચતમાંથી બેગનું ઉત્પાદન કરે છે, જે લાંબો સમય સુધી ચાલશે નહીં. વિપુલ સમજાવે છે,

"અમે આ બેગ પર જાહેરાત છાપવાની શરૂ કરી છે. અનેક સંસ્થાઓ વિઝિબિલિટી મેળવવા ઇચ્છે છે અને પેસેન્જરની નજરમાં સીધા આવવાથી બીજો શ્રેષ્ઠ માર્ગ કયો છે! અમે અમારા વિશે લોકોને જાણકારી આપવા બેગ પર અમારી વિગત આપીએ છીએ."

તેમણે તેમની કામગીરીની શરૂઆત એનજીઓમાં કરી હોવાથી તેઓ અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. આ સંસ્થાઓમાં સ્ટાર્ટઅપ્સથી લઈને ફોર્ચ્યુન-500 કંપનીઓ સામેલ છે. તેમણે આ સંસ્થાઓ માટે વિવિધ પહેલો માટે કામ કર્યું છે. તેમાંથી તેમને ઘણું શીખવા મળ્યું છે. તેઓ હવે માય સિટી બેગ પર સંસ્થાનું નામ લખે છે, જે તેમની પબ્લિસિટી કરે છે. વિપલુ ઉમેરે છે,

"અમે સંસ્થાઓ કે કંપનીઓના નામ બેગ પર છાપીએ છીએ, જે તેમની પબ્લિસિટી કરે છે. તેમાં એક પંથ દો કાજ જેવું છેઃ કંપનીને પબ્લિસિટીનો ફાયદો થાય છે અને પર્યાવરણનું સંરક્ષણ."

તેમને હવે સરકાર સાથે જોડાણ કરવાની આશા છે.

આ યુવાનોનું સ્વપ્ન અત્યંત સ્પષ્ટ છેઃ તેઓ ભારતને વિશ્વનો સ્વચ્છ દેશ બનાવવા ઇચ્છે છે. અત્યારે તેઓ દિલ્હીને સ્વચ્છ બનાવવાના પ્રયાસ કરી રહ્યાં છે. તેમનું લક્ષ્યાંક મોટું લાગે છે, પણ તેમની ફિલોસોફી વ્યવહારિક છેઃ 

"અમને આશા છે કે લોકો અમારી બેગ જોઈને ઇકોલોજીના ભાગરૂપે ઇકોનોમીને જોશે અને પર્યાવરણનું સંરક્ષણ કરવા પ્રેરિત થશે."


લેખક- સ્નિગ્ધા સિંહા

અનુવાદક- કેયૂર કોટક

Related Stories