10મું પાસ કાશ્મીરી યુવકે બનાવ્યું અખરોટ તોડવાનું મશીન, વેપારને લાગી પાંખો!

અનંતનાગમાં રહેતા મુશ્તાક અહમદ દારે 1 કલાકમાં 150 કિલો અખરોટને તોડે એવું મશીન બનાવ્યું છે. મુશ્તાકે જ બનાવેલા ‘પોર્ટેબલ ક્લાઇમ્બર’ થકી વૃક્ષ અને થાંભલા પર ચડવું બન્યું સરળ!

0

પોતાના વિચારને વાસ્તવિકતામાં સાકાર કરી શકાય છે, એ વાત મુશ્તાક અહમદ દાર કરતાં વધારે સારી રીતે કોણ સમજી શકે. તે એક કાશ્મીરી યુવાન છે. માત્ર દસમા ધોરણ સુધી જ ભણ્યા હોવા છતાં મુશ્તાકે એવું કરી બતાવ્યું છે, જે એન્જિનિયરિંગ ક્ષેત્રે જોડાયેલી વ્યક્તિ જ કરી શકે છે. કાશ્મીરના અનંતનાગ વિસ્તારમાં રહેનાર મુશ્તાક અહમદ દારે એક એવું મશીન શોધી કાઢ્યું છે, જે અખરોટ તોડવાનું કામ કરી શકે છે. એટલું જ નહીં તેણે એવું ‘પોર્ટેબલ ક્લાઇમ્બર’ પણ ડિઝાઇન કર્યું છે, જેના થકી વૃક્ષ કે થાંભલા પર આસાનીથી ચડી શકાય છે.

મુશ્તાકને બાળપણથી જ લાકડાંનાં રમકડાં બનાવવાનો શોખ હતો, જેનો ઉપયોગ તે પોતાના ઘરને સજાવવા માટે કરતો હતો. એક વાર તેના એક શિક્ષકનું ધ્યાન તેનાં રમકડાં પર ગયું, તેમણે મુશ્તાક પાસેથી એક રમકડું માગી લીધું. શિક્ષકની આ ડીમાન્ડથી મુશ્તાકમાં આત્મવિશ્વાસ પેદા થયો, જેના પછી તેણે રમકડાં ઉપરાંત અન્ય વસ્તુઓ બનાવવા માટે પણ હાથ અજમાવાનું શરૂ કર્યું. મુશ્તાકનો પરિવાર અખરોટ તોડવાના વ્યવસાય સાથે જોડાયેલો હતો. તે જ્યારે દસમા ધોરણમાં ભણતો હતો ત્યારે તેના પિતાનું નિધન થઈ ગયું, જેને કારણે તેણે અભ્યાસ વચ્ચે જ છોડી દેવા પડ્યો અને સમગ્ર પરિવારનો વ્યવસાય ચલાવવાની જવાબદારી તેના માથે આવી ગઈ.

મુશ્તાકે જોયું કે અખરોટ તોડવામાં બહુ મહેનત કરવી પડે છે અને આ કામ અઘરું પણ હતું. એટલું જ નહીં, એક કલાકમાં માત્ર દસ કિલો અખરોટ જ તોડી શકાતી હતી. ત્યારે તેના મનમાં વિચાર આવ્યો કે એક એવું મશીન બનાવવું જોઈએ જે પાંચ-છ વ્યક્તિનું કામ એકલા જ કરી શકે અને કોઈને ઇજા પણ ન પહોંચે. મુશ્તાકનું કહેવું છે,

"અખરોટ તોડવાના કામમાં બહુ બધો સમય ખર્ચાતો હોય છે અને ઘણી વાર અખરોટ તોડતાં તોડતાં હાથમાં વાગી પણ જતું હોય છે. એટલે મેં મશીન બનાવવાનું કામ શરૂ કર્યું અને તેને બનાવવામાં લોકોનાં મંતવ્યો પણ લીધાં.” 

મુશ્તાકના સાથીઓએ તેનો ઉત્સાહ વધાર્યો એટલે રાત-દિવસ એ મશીન બનાવવા મંડી પડ્યો. મુશ્તાક જણાવે છે કે તેના મશીનમાં ઘણી વાર મોટા ફેરફારો પણ કરવા પડ્યા, પરંતુ ત્રણ વર્ષની સખત મહેનત પછી તે અખરોટ તોડતું મશીન બનાવવામાં સફળ થઈ શક્યા.

મુશ્તાકનું કહેવું છે,

"આ કામ મુશ્કેલ હતું, કારણ કે મારે એવું મશીન બનાવવું હતું, જે ન માત્ર અખરોટ તોડે, બલકે તેના અંદરના ગરને પણ સાબુત રાખે.” 

આજે આ મશીન જુદાં જુદાં આકાર, આકૃતિ અને કઠણ અખરોટને પણ ન માત્ર આસાનીથી તોડે છે, બલકે તેના અંદરના સૂકા મેવાને સાબૂત રાખે છે. આ મશીનમાં લાકડાના રોલર, મોટર અને પુલ્લીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે મશીન વીજળીથી અને વીજળી વિના, એમ બન્ને રીતે ચાલે છે. આ મશીનને જો વીજળીથી ચલાવાય તો એક કલાકમાં 150 કિલો અખરોટ તોડી દે છે, જ્યારે વીજળી વિના આશરે 100 કિલો અખરોટ તોડી નાખે છે. મશીનને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે નીચે પૈડાં નાખવામાં આવ્યાં છે. કાશ્મીરમાં અખરોટનો મોટો બિઝનેસ છે. એક અંદાજ મુજબ અહીં દર વર્ષે એક લાખ મેટ્રિક ટન અખરોટ પેદા થાય છે, જે દેશમાં જ નહીં, વિદેશોમાં પણ નિકાસ થાય છે. મુશ્તાકની આ શોધ પછી સ્પષ્ટ છે કે આ ઉદ્યોગને પાંખો લાગશે. આજે મુશ્તાકે બનાવેલા મશીનનો ઉપયોગ કાશ્મીર ઉપરાંત હૈદરાબાદ અને નેપાળમાં પણ થઈ રહ્યો છે. આની કિંમત અંગે તેનું કહેવું છે કે માત્ર 30,000 રૂપિયામાં ખરીદી શકાય છે.

મુશ્તાકના નામે આ એક જ સિદ્ધિ નોંધાઈ નથી, તેણે એક એવું ‘પોર્ટેબલ ક્લાઇમ્બર’ની ડિઝાઇન તૈયાર કરી છે, જેના થકી માત્ર ઊંચા થાંભલા પર જ નહીં, બલકે વૃક્ષ ઉપર ચડવામાં પણ તે બહુ મદદરૂપ સાબિત થાય છે. મુશ્તાક જણાવે છે,

"હું મારી આજુબાજુ જોતો હતો કે વીજળીના ઊંચા થાંભલા પર ચડવા માટે લોકો સીડીઓનો ઉપયોગ કરતા હતા, જે ન માત્ર બહુ વજનદાર હોય છે, બલકે તેને ઉઠાવવા માટે બે વ્યક્તિની જરૂર પડતી હોય છે, એટલે મેં વિચાર્યું કે ચાલો, એવી કોઈ વસ્તુ બનાવીએ, જેનાથી આ બન્ને મુશ્કેલીઓ દૂર થાય.” 

આજે મુશ્તાકે ડિઝાઇન કરેલ ‘પોર્ટેબલ ક્લાઇમ્બર’નો આસાનીથી ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ સુરક્ષિત રીતે થાંભલા કે ઝાડ પર ચડી શકે છે. બીજી મહત્ત્વની વાત એ છે કે આ મશીન વજનમાં પણ ઘણું હળવું છે. માત્ર ચાર કિલો વજન ધરાવતા આ મશીનને એક બેગમાં ભરીને આસાનીથી હેરવીફેરવી શકાય છે.

મુશ્તાકે ડિઝાઇન કરેલા પોર્ટેબલ ક્લાઇમ્બરની માગ મલેશિયામાં બહુ વધારે છે, જ્યારે દેશમાં તે ટૂંક સમયમાં માર્કેટમાં આવશે એવી આશા છે. આ પોર્ટેબલ ક્લાઇમ્બરનું નિર્માણ અમદાવાદની એક કંપની કરી રહી છે.

મુશ્તાક ભલે બહુ ભણી શક્યા નથી, પરંતુ તેમણે પોતાના ઇનોવેશન્સથી સાબિત કરી દીધું છે કે જો તક મળે તો વિચારને વાસ્તવિકતામાં સાકાર કરતાં તમને કોઈ રોકી શકતું નથી.

લેખક- હરીશ

અનુવાદક- સપના બારૈયા વ્યાસ

Related Stories