મળો મુંબઈના'દેવદૂત' રીક્ષા ડ્રાઈવર 'મુન્નાભાઈ S.S.C' ને!

મળો મુંબઈના'દેવદૂત' રીક્ષા ડ્રાઈવર 'મુન્નાભાઈ S.S.C' ને!

Friday December 18, 2015,

5 min Read

હોસ્પિટલ સુધી દર્દીઓને મફત પહોંચાડવાની સેવા!

16 વર્ષથી સંદીપ રીક્ષા ચલાવે છે!

ફેસબૂક કે ટ્વીટરથી થાય છે રીક્ષાનું બૂકિંગ!

વૃદ્ધોને આપે છે ભાડામાં છૂટ!

રીક્ષામાં છે વાઈ-ફાઈ, મોબાઈલ ચાર્જીંગ અને અન્ય સુવિધાઓ!

એ સંજય દત્તનો ફેન છે. 'મુન્નાભાઈ એસ.એસ.સી.' એ કોઈ ફિલ્મી પાત્રનું નામ નથી. આ છે એક રીક્ષા ડ્રાઈવરનું નામ. જેને આખું મુંબઈ આ જ નામે ઓળખે છે. જો કે તેનું સાચું નામ છે સંદીપ બચ્ચે.

તે પાછલા 16 વર્ષથી રીક્ષા જ ચલાવે છે. તેનો દાવો છે કે તેની રીક્ષાની સુવિધાઓ એવી છે કે કોઈ વિમાન કે પ્રાઈવેટ ટેક્સીમાં પણ નહીં મળે!

આવી સગવડ છતાં એ ભાડામાં રાહતદર રાખે છે. અંધ કે દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવાના હોય તો મફતમાં લઇ જાય છે. એટલું જ નહીં, જો કોઈ દર્દીને જરૂર પડે તો એ પોતાના ખિસ્સામાંથી પણ પૈસા કાઢી આપે છે ! બોલિવૂડ અભિનેતા સંજય દત્તનાં મોટા ફેન એવા સંદીપે પોતાને દરેક ભાડે મળતી રકમમાંથી 2 રૂપિયા અલગ કાઢી બિમાર અને ગરીબને મદદ કરવાની શરૂ કરી દીધી!

રીક્ષા ડ્રાઈવર કેવી રીતે બન્યો?

સંદીપ માત્ર ધોરણ 10 સુધી ભણી શક્યો છે. અને સંજય દત્તનો ફેન હોવાને કારણે મિત્રો તેને 'મુન્નાભાઈ - એસ.એસ.સી' કહે છે. રીક્ષા પહેલા તે એક ટૂર-ટ્રાવેલ કંપનીમાં કામ કરતો. એમાં લક્ઝરી બસોમાં કામ કરવાનો અનુભવ મળ્યો. જ્યાં તેણે જોયું કે કેટલા સામાન્ય ફેરફાર કરવાથી મુસાફરોની યાત્રા વધારે સારી બનાવી શકાય છે! થોડા સમય પછી આ નોકરી તેણે છોડવી પડી. તે દરમિયાન તેણે જોયું કે મુંબઈના રીક્ષા ડ્રાઈવર્સ ગ્રાહકો સાથેની કચકચમાં જ અટવાયેલા રહે છે. અને ગ્રાહક જ્યાં જવા ઇચ્છતા હોય ત્યાં જવા તે ના પાડી દે છે. જે લોકો મુંબઈ બહારથી આવ્યા હોય તેમના અજ્ઞાનનો ગેરલાભ લઇ કેટલાક રીક્ષાવાળા તો તગડું ભાડું વસુલ કરતા હોય છે. આમ મુંબઈનો તેમનો અનુભવ બહુ જ ખરાબ બની રહે છે. આ બધું જોતા સંદીપે વિચાર્યું કે હું મારી પોતાની રીક્ષા ખરીદીને લોકોના મનમાં રીક્ષાવાળાઓ માટેની છાપ કેમ ન બદલું?

image


રીક્ષાની સુવિધાઓ

આજનાં હાઈટેક જમાનાને અનુરૂપ તેની રીક્ષામાં રેડીયો છે, ફોન કરવા પી.સી.ઓ. છે, મોબાઈલ ચાર્જર. જો કોઈ ચાલુ સફરે કૉફી પીવા ઈચ્છે તો તે પણ ઉપલબ્ધ થઇ જાય છે. અને મોબાઈલનું બેલેન્સ ના હોય તો રીચાર્જ કરાવવાની સગવડ પણ છે. કોઈ પોતાના કામ ઈન્ટરનેટથી પતાવવા ઈચ્છે છે, તો તેને માટે વાઈ-ફાઈની સુવિધા પણ તરત મળી શકે છે! ખાવા માટે ચોકલેટ, તો મહિલાઓ માટે દર્પણની પણ સુવિધા રાખવામાં આવી છે.

image


રીક્ષામાં જ બેસીને વ્યક્તિ રોજના સોના,ચાંદી કે ડૉલરના ભાવ જાણી શકે છે. સ્ટોક માર્કેટના ભાવ પણ મેળવી શકે છે. વાતાવરણના બદલાવની માહિતી સાથે તરસ છીપાવવા પાણીની બોટલો અને સમય કે તારીખની જાણકારી માટે ઘડિયાળ અને કેલેન્ડર પણ લટકાવવામાં આવ્યું છે.

image


લોકોની મદદ

ભલે સંદીપે પોતાની રીક્ષા હાઈટેક બનાવી ,પણ તે તેના દ્વારા સમાજસેવા પણ કરે છે. વડીલોને ભાડામાં રાહત આપે છે. મુંબઈમાં ઓછામાં ઓછું ભાડું 18 રૂપિયા ચાલે છે ત્યારે તે માત્ર 10 જ રૂપિયા લે છે. કોઈ અંધજનને ક્યાંય જવું હોય કે કોઈ દર્દીને હોસ્પિટલમાં જવું હોય તો તેનું ભાડું લેતો નથી. તે કહે છે, "ક્યારેક તો મને એવા લોકો પણ મળે છે કે મારી ના છતાં મારી આવી સેવાઓ જોઇને મારા ભાડા કરતા પણ વધારે પૈસા આપી જાય છે. તે પૈસા હું અલગ રાખી તેનો ગરીબો માટે ઉપયોગ કરું છું." એમાંયે 15 ઓગસ્ટ, 26 જાન્યુઆરી, 2 ઓક્ટોબર, રક્ષાબંધન અને સંજય દત્ત ના જન્મદિવસે તે લોકોને મફતમાં મુસાફરી કરાવે છે.

તેની પાસે ફર્સ્ટ એઇડની કીટ પણ હંમેશાં તૈયાર હોય છે. એનો ઉપયોગ તે રસ્તે જતા કોઈને પણ ઈજા પહોંચી હોય, ત્યારે ગમે ત્યાં ઉભો રહી ઈજાગ્રસ્ત વ્યક્તિની સેવા કરી લે છે. 2004માં તેની માતા ને કેન્સર થઇ ગયું હતું . આથી તે ઈલાજ ના કરાવી શકાનારની તકલીફોને દિલથી સમજી શકે છે. તે કહે છે, 

"મોકો મળતા જ હું કેન્સરનાં દર્દીઓને મળવા પહોંચી જાઉં છું અને જેટલી થઇ શકે તેટલી મદદ કરું છું. પછી તે ખાવા-પીવાની હોય કે દવા કે રૂપિયાની!"

તે લકવાના ગરીબ દર્દીઓ માટે પણ આર્થિક સહાય કરે છે. એ કહે છે, 

"હું તેમને વધારે તો મદદ નથી કરી શકતો, પણ તેને થોડી ઘણી તો મદદ કરું જ છું. આ ઉપરાંત, હું રીક્ષામાં બેસનારને વિનંતી કરું છું કે તેઓ પોતાના જૂના કપડાં આપે. જેથી હું ગરીબ બાળકો અને મહિલાઓ સુધી તે પહોંચાડી શકું."
image


image


સંદીપ સંજયદત્તનો ફેન!

જે દિવસે સંજયદત્તને જેલ થઇ ત્યારથી તેણે ચંપલ પહેરવાના બંધ કરી દીધા છે. અગત્યનું તો એ છે કે સંજયદત્ત પણ તેને એટલું જ માન આપે છે. પોતાને માટે ચંપલ પહેરવાનું બંધ કરનાર રીક્ષાવાળાની વાત સાંભળી સંજયે પેરોલ પર બહાર આવતા જ તેને પોતાના ઘરે બોલાવ્યો અને પૂછ્યું હતું કે "તું ક્યારથી ચંપલ પહેરીશ?" જવાબમાં સંદીપે કહ્યું હતું કે જે દિવસે તમે મારા ઘરે આવીને ચા નહીં પીઓ, ત્યાં સુધી હું ચંપલ પહેરીશ નહીં. તેણે પોતાના ખભા પર સંજયનું ટેટૂ પણ બનાવડાવ્યું છે.

હાઈટેક છે સંદીપ!

તેની રીક્ષા જ નહીં, તે પોતે પણ એક હાઈટેક વ્યક્તિ છે

સંદીપની રીક્ષા જ નહીં, તે ખુદ પણ હાઈટેક છે. તે ફેસબુક, ઈન્સ્ટાગ્રામ કે ટ્વીટર પર મોજુદ રહે છે અને ઓનલાઈન રિક્ષા બૂકિંગની સુવિધા પણ આપે છે! અને તે માટે 50 રૂપિયા ચાર્જ અલગથી લે છે. મુંબઈમાં અડધા કલાકમાં તેનો કોઈ પણ જગાએ પહોંચી જવાનો દાવો છે. પાછલા 16 વર્ષથી તે રીક્ષા ચલાવી રહ્યો છે. તેને RTO દ્વારા પણ સન્માનિત કરવામાં આવ્યો છે. તેની રીક્ષામાં સલમાનખાન પણ સફર કરી ચુક્યો છે. અનેક રેડીઓ -ટી. વી. શો તેની રીક્ષામાં થઇ ચૂક્યા છે. આથી મુંબઈના જ નહીં, અમેરીકા, ન્યુઝીલેન્ડ કે ઓસ્ટ્રેલિયાના પણ તેના ચાહકો તેની સાથે સોશિયલ સાઈટથી જોડાયેલા રહે છે.

image


મુંબઈના બાંદ્રા-ખાર વિસ્તારમાં રહેનાર સંદીપ ના પરિવારમાં તેના પિતા ,પત્ની અને 2 બાળકો છે. તેને તેની સામાજિક સેવાઓ માટે અનેક વાર સન્માનિત કરવામાં આવ્યો છે. તે કહે છે, "ઓટોરીક્ષાએ મને ઘણું આપ્યું છે, આથી મેં તેના નંબરનું ટેટૂ મારા હાથમાં બનાવ્યું છે. મને ગર્વ છે કે હું એક રિક્ષા ડ્રાઈવર છું!" ગાંધીગીરીના સિદ્ધાંતોનું પાલન કરનાર સંદીપે પોતાની રીક્ષામાં પણ લખ્યું છે કે, "નો ભાઈગીરી,ઓન્લી ગાંધીગીરી!"

image