'રાજકીય તફાવત પલટાયો રાજકીય દુશ્મનીમાં, ચર્ચાનું સ્થાન લીધું અપશબ્દોએ!'

0

શ્રીમાન જેટલીએ, ફેસબુક પર એક પોસ્ટ લખી છે. આ પોસ્ટ, GST ના મુદ્દે સંસદમાં થયેલ મડાગાંઠથી શરૂ થાય છે. પણ રાજકીય સંભાષણની ભાષામાં આવેલી પડતીનું, મેઈન બોડી 'સદાચારી' રીતે તેનું ખંડન કરે છે. શરૂઆતમાં, દરેક રાજકીય કાર્યકર્તાઓએ, આ ખંડનનું સ્વાગત કરવું જોઈએ. એમાં એ વાતનો ઇન્કાર નથી કરવામાં આવતો કે, તાજેતરમાં રાજકીય સંભાષણ ઘણાં નીચલા સ્તરનું થઈ ગયું છે, તથા ચર્ચાની ગુણવત્તા ઘટીને, ટીકા કરવાને બદલે, એકબીજાને અપશબ્દો કહેવા સુધીની આવી ગઈ છે. સંસદની શિષ્ટાચાર વિરોધી ભાષા તથા અભિવ્યક્તિ એટલી વધી ગઈ છે કે, ઘણી વાર શું સંસદ વિરોધી છે અને શું નહી, તેમાં તફાવત કરવો મુશ્કેલ થઈ પડે છે. શરૂઆતમાં, આને રાજનીતિમાં પડેલી ગાંઠ કહી શકાય. જે રીતે ગુનેગારો, વિવિધ ધારાસભાઓ, તથા સરકાર અને પાર્ટીઓમાં મહત્વપૂર્ણ પદ પર કબ્જો કરી રહ્યાં છે, તે જોતા આવું તો થવાનું જ હતું. આનું વર્ચસ્વવાદી સ્પષ્ટીકરણ એવું હોઈ શકે કે, ‘હાથ નીચે રાખવાની રાજનીતિ’ ની આડપેદાશનાં પ્રતિકરૂપે ગણી શકાય છે.

પણ આના માટે, ઊંડાણપૂર્વક વિશ્લેષણ તથા આત્મનિરીક્ષણની જરૂર છે. સ્વતંત્રતાના સંઘર્ષનો એક સમય હતો, જ્યારે કોંગ્રેસ પાર્ટીના સમસ્ત ઉચ્ચ પદનાં નેતાઓને, સમાજના એવા તબક્કાથી લેવામાં આવ્યાં હતાં, જેમણે સર્વોચ્ચ શિક્ષણ સંસ્થાનોમાં તથા ઈંગલૅન્ડની યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હોય. તેઓ ઇંગ્લિશ ભાષા તથા ઇંગ્લિશ સંસ્કૃતિનાં કુશળ જાણકાર હતાં અને તેમણે ઇંગ્લિશ સંસ્કારિતાને આત્મસાત કરી હતી. તેઓ પોતાની સાથે એક ભાષા અને પહેરવેશ લાવ્યા, જે ભારતીય પર્યાવરણ માટે નવા હતાં, પણ દેશનાં નેતૃત્વ માટે, સૌથી પ્રામાણિક ચિહ્ન બની ગયાં. આ પરંપરાને મહાત્મા ગાંધી દ્વારા તોડવામાં આવી, જેમણે, ખાદીને ફેશન બનાવી. ચર્ચિલ તેમનાં પહેરવેશથી એટલાં રોષે ભરાયાં હતાં કે તેઓ ધિક્કારપણે ગાંધીજીને 'અડધો નગ્ન ફકીર' કહેતાં. ચર્ચિલ પણ કંઈ બહુ અમીર નહોતો, પણ તેનો જન્મ લાક્ષણિક ઇંગ્લિશ મેનર્સમાં થયો હતો અને તેને તેના સિગાર તથા સાંજના સમયે મદીરાપાન ઘણું પ્રિય હતું. ગાંધીજી અલગ હતાં. તેઓ જાણતા હતાં કે લોકો સાથે જોડાવા માટે તેઓ વિદેશી પહેરવેશ તથા વિદેશી ભાષામાં સંપર્ક નહીં સાધી શકે. ખાદી સાથે તેમનો પ્રયોગ સફળ રહ્યો.

બીજી બાજુ, નહેરૂ, અંગ્રેજો સાથે વધુ પ્રેમમાં હતાં. અંગ્રેજી ભાષા પર, તેમની સારી પકડ હતી. તેમને એવા લોકોને પ્રમોટ કરવું ગમતું હતું, જેઓ તેમની સાથે એ ઢબમાં વાત કરતાં હતાં. તેમના અનુયાયીઓમાં લાલ બહાદૂર શાસ્ત્રી એકમાત્ર એવી વ્યક્તિ હતી, જેમણે નહેરૂના હાથ નીચે કેળવણી પામી હોય. પણ ભાષાની સીમા તથા ભારતીય રાજકીય ક્લાસનાં વર્ચસ્વને, સૌ પ્રથમ રામ મનોહર લોહીયા દ્વારા તોડવામાં આવી હતી, જેઓ પછાત રાજનીતિ તથા ઍન્ટી-કોંગ્રેસી માહોલના પ્રારંભિક આર્કિટેક્ટ હતાં. તેમનો પ્રવેશ તથા સંધાન, ભારતીય રાજનીતિમાં 'સબલટર્ન'નો પ્રથમ પરિચય હતો. ત્યાં સુધી, કોંગ્રેસ જ એકમાત્ર પ્રબળ પાર્ટી હતી અને સમાજનાં ‘બ્રાહ્મણો’ દ્વારા ચલાવવામાં આવતી હતી. લોહીયાએ કહ્યું, “જે લોકો મોટી સંખ્યામાં છે, તેઓ સમાજનાં શાસક બનવા જોઈએ”. તે સમયનાં શાસકોની ઈચ્છા વિરુદ્ધ, તેમનો લોકશાહી તર્ક, અત્યંત ખામીરહિત હતો. જોકે તેઓ તેમની પછાત રાજનીતિની સફળતાને જોવા જીવતા ન રહ્યાં પણ, 90નાં દાયકાની શરૂઆતમાં મંડલ કમિશનનાં આગમન સાથે, એક નવાં નેતૃત્વનું આગમન થયું, જે બધી રીતે અલગ હતું.

લાલુ, મુલાયમ, કાશીરામ, કલ્યાણસિંહ તથા ઉમા ભારતી, મોભાદાર પરિવારમાં નહોતાં જન્મ્યા તથા તેમને વર્ચસ્વવાદી સ્વાદ પ્રાપ્ત કરવામાં રુચિ પણ નહોતી. તેઓ રસ્તાની ધૂળથી મોટા થયાં છે. તેમણે ભારતીય રાજનીતિમાં નવી ભાષાનો પરિચય કરાવ્યો, જે અલબત્ત રીતે, એક સમયનાં ‘સર્વોચ્ચ’ રાજકીય સમૂહને પસંદ નહોતી આવી. આ સમૂહ દ્વારા, લાલુ, મુલાયમ તથા માયાવતીની મજાક ઉડાવવામાં આવતી. તેમની ભાષાનો ઉપહાસ બનાવી દેવાઈ. આ નેતાઓ, તેમના સંધાનમાં વ્યવહારદક્ષ નહોતાં. મોટાભાગનાં નેતાઓને, ઇંગ્લિશ બોલવામાં તકલીફ હતી. તેમાં જાતિય પક્ષપાત પણ હતાં. ઉંચી જાતિ તથા ઉંચા વર્ગનાં લોકો દ્વારા, તેમની સાથે તિરસ્કૃત વ્યવહાર કરવામાં આવતો. તેમનાં મુદ્દાને સાબિત કરવા માટે, ભ્રષ્ટાચાર તથા બિનકાર્યક્ષમતા, તેમના માટે વધુ બે કારણો હતાં. પણ, ‘એક સમયનાં વર્ચસ્વવાદી સમૂહ’ પાસે, ‘મોટી સંખ્યા’ ને સ્વીકાર કરવા સિવાય, અન્ય કોઈ માર્ગ નહોતો. આ તબક્કાનો રવૈયો, સંવિધાનની રચના સમયે થયેલ ચર્ચાની આજ્ઞાનું ઉલ્લંઘન હતું કે વોટ આપવાનાં અધિકાર માટે, શિક્ષણ માપદંડ હોઈ શકે, જેને ઝડપથી નકારી દેવામાં આવ્યો હતો.

હું એવું નથી કહેતો કે, હાથ નીચેની રાજનીતિ જ એકમાત્ર કારણ છે, જેનાં લીધે શુદ્ધ ભાષાકીય અર્થમાં, ભાષામાં પડતર આવ્યું હોય. પણ હાં, આના લીધે સંભાષણમાં એક નવી ભાષા આવી ગઈ છે. ઇંગ્લિશનાં બદલે, સ્થાનિક ભાષા આવી ગઈ. આ નવી ભાષા સંસ્કૃતિ, ઇંગ્લિશ ભાષા બોલતાં વર્ગ માટે, ઝટકા સમાન સાબિત થઈ. વર્ચસ્વ ધરાવતા વર્ગને, નવાં રાજકીય વર્ગ દ્વારા પડકાર પામવા તથા તેના બદલે આગળ આવતું જોઈ, ઘણું દુ:ખ થતું હતું. આનાં લીધે, ભારતીય રાજનીતિમાં ખામીની રેખા ઊંડી થતી ગઈ. આ વિભાજન ઘણું મૂળભૂત હતું; કડવાશ ઘણી તીવ્ર હતી. બન્ને રાજકીય પક્ષો, એક જ રાજકીય જગ્યા માટે લડી રહ્યાં હતાં. બે માંથી કોઈ પણ સમર્પણ કરવા તૈયાર નહોતું. પણ સંખ્યાઓ, પછીના વર્ગની તરફેણમાં હતી. એકબીજા માટે પારસ્પરિક સન્માન તથા પ્રેમભાવ, પ્રથમ ઘાયલ હતાં. રાજકીય તફાવત, રાજકીય દુશ્મનીમાં પલટાઈ ગઈ. અને ચર્ચાનું સ્થાન અપશબ્દોએ લઈ લીધું હતું.

AAP (આમ આદમી પાર્ટી) એ, એક નવું પરિમાણ ઉમેર્યું. રાજનીતિની આ નવી રમત છે. અને આ, પરંપરાગત રાજનીતિને પડકાર આપે છે. જૂના ખેલાડીઓ, નવી વાસ્તવિક્તા સાથે બંધ બેસવામાં તકલીફ અનુભવે છે. AAP એ, પહેલેથી જ ચાલતા સંઘર્ષને, ભારયુક્ત બનાવ્યું છે. આના પ્રવેશે, વધુ કડવાશ લાવી દીધી છે. તમામ સ્થાપિત પાર્ટીઓને, AAP સાથે મતભેદ છે. તેઓ, આ નવાં બાળકને કેવી રીતે બાલાવવું તે વિશે મુશ્કેલી અનુભવે છે. પાર્ટીનાં બન્યાં પહેલાં જ, AAPનાં નેતૃત્વને પસંદીદા અપશબ્દો કહેવામાં આવતાં. અમને ગટરનાં ઉંદરો કહેવામાં આવ્યાં. દિલ્હીનાં ઍસેમ્બલી ઈલેક્શન સમયે, પ્રધાનમંત્રી મોદીએ પણ અમને છોડ્યાં નહોતાં, અને અમને નક્સલ કહ્યાં હતાં, જેમણે જંગલોમાં રહેવું જોઈએ. તેમણે અમને ‘બદનસીબ' કહ્યાં હતાં. એક પ્રધાનમંત્રી માટે, આ એક નવું નીચાણ હતું. આવી ભાષા, પ્રધાનમંત્રીનું પદ સંભાળતા વ્યક્તિને છાજે તેવી ભાષા નહોતી. ભાજપનાં અન્ય એક નેતા ગિરીરાજ કિશોરે, અમને રાક્ષસ કહ્યાં. સાધ્વી જ્યોતિ નિરંજન, તેમના કરતાં એક ડગલું આગળ જતાં રહ્યાં. તેમના અલગ શબ્દપ્રયોગ હતાં. તેમણે અમને હરામજાદા કહ્યાં. ભાજપનાં નેતાઓએ તેમને રોકવાની અથવા સાવચેતી રાખવાનું નહોતું કહ્યું. આ લિસ્ટ ઘણું લાંબુ છે.

મને હજીયે યાદ છે કે, શ્રીમાન મોદીએ, સોનિયા ગાંધી તથા 2007નાં ગુજરાતની ચૂંટણી સમયનાં ચીફ ઈલેક્શન કમિશનર, જે.એમ લિંગદોહને કેવી રીતે સંબોધ્યા હતાં. હું તે વાતને ફરી રજૂ કરવા નથી માંગતો, પણ તે સ્પષ્ટપણે સારી નહોતી. યશવંત સિન્હાએ તે સમયનાં પ્રધાનમંત્રી મનમોહન સિંઘને ‘શિખંડી’ કહ્યાં હતાં, જેનો અર્થ નપુંસક થાય છે, તે વાત પણ યાદ છે. યશવંત સિન્હા, વાજપાયી કેબિનેટનાં એક સશક્ત રાજનેતા હતાં. હવે, અરૂણ જેટલી તથા સમસ્ત ભાજપનાં આગેવાનોને, અરવિંદ કેજરીવાલે પ્રધાનમંત્રી માટે વાપરેલા શબ્દથી આપત્તિ છે.

હું એટલું જ કહેવા માગુ છું કે અન્યો પર આક્ષેપ મૂકવા અને પોતાની અંદર ઝાંકવું પણ નહીં, એ સારી વાત નથી. તેઓ જે શીખ આપી રહ્યાં છે, તેને વાસ્તવિક જીનવમાં અપનાવવી પણ જોઈએ. AAP, આ મુદ્દાથી અવગત છે, પણ આપણે બધાએ આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે અને સુધારાત્મક પગલા લેવા જોઈએ. જ્યારે AAPનો જન્મ પણ નહોતો થયો ત્યારે, સાંસદે એક આચારશાસ્ત્રની એક કમિટી બનાવી હતી, જેથી સંસદસભ્યોનાં વ્યવહાર વિશે માર્ગદર્શિકા ઘડી શકે, પણ તેને ક્યારેય ગંભીરતાથી લેવામાં નહોતી આવી. અને તેનું કારણ સહેલું છે. ભારતની રાજનીતિ બદલાઈ ગઈ છે. ઐતિહાસિક કારણો સિવાય, જૂની પાર્ટીઓ તથા જૂના રાજકીય પક્ષો માટે, પોતાનો ભાગ ઘણો ભારે થઈ ગયો છે અને કોઈ તેને સરળતાથી છોડવા તૈયાર નથી. ઈતિહાસ અને વર્તમાન, બન્ને આ સમયબિંદુ પર મળી રહ્યાં છે, અને એક એવી ભાષામાં પરિણમી રહ્યાં છે, જેને ઘૃણાજનકનો ખિતાબ આપવામાં આવ્યો છે. પણ હું તમને જણાવી દઉ કે, તેમાં બદલાવ આવી રહ્યો છે, અને, કંઈક સારું થવા માટે પરિવર્તન આવી રહ્યું છે.

 

આ લેખ મૂળ અંગ્રેજીમાં લખાયો છે જેનો અહીંયા ગુજરાતીમાં ભાવાનુવાદ કરાયો છે. તેના મૂળ લેખક વરિષ્ઠ પત્રકાર અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા આશુતોષ છે. અહીં દર્શાવેલ વિચારો લેખકના અંગત વિચારો છે.

અનુવાદક: નિશિતા ચૌધરી