વડોદરાના VBI ગ્રુપનો સાક્ષરતા માટે ચાલતો શ્રમયજ્ઞ

0

શિક્ષણ મેળવવું એ આપણા સૌ કોઈનો બંધારણીય હક છે. ૧૪ વર્ષ સુધીના બાળકને ફરજીયાત શિક્ષણ મળે તેવી જોગવાઈ તો છે પણ છતાં ઘણાં બધા બાળકોને આ હક મળી શકતો નથી.

અત્યારે શિક્ષણનો વ્યાપ વધ્યો છે. શાળાઓ, કોલેજીસ, યુનિવર્સિટી પાર વિનાની છે. કદાચ બીજી રીતે કહીએ તો શિક્ષણનો વેપાર વધ્યો છે. છતાં પણ નાણાંકીય અભાવને લીધે ઘણા બધા બાળકો ભણી શકતા નથી. આ ક્ષતિને દૂર કરવાનો એક નાનકડો પ્રયાસ અમદાવાદના વૈભવ સેને શરુ કર્યો હતો અને તેનો પડઘો ઝીલીને વડોદરામાં પણ ઈશા દંગ નામની વિદ્યાર્થીનીએ આ અભિયાન આગળ વધાર્યું.

પોતાનો પરિચય આપતા બાળકો
પોતાનો પરિચય આપતા બાળકો

'VBI- વૉલન્ટિયર્સ ફોર બ્રાઇટ ઇન્સ્પિરેશન'. આ NGOના નામ પાછળનો ઉદેશ્ય જ લોકોના ઉજ્જવળ ભવિષ્ય માટેનો છે. તેમના ગ્રુપ થકી લોકોને ભણતર આપવાનો. લોકોને સાક્ષરતાનું મહત્વ સમજવવાનો અને સમાજને ગતિશીલ તેમજ જાગૃત બનાવવાનો.

પાંચ મિત્રોએ અમદાવાદમાં આશરે ૨ વર્ષ પહેલાં ઝૂંપડપટ્ટીમાં રહેતાં ગરીબ વર્ગના બાળકોને ભણવાનું શરુ કર્યું હતું. તેના માટે નાણાંની તો જરૂર પડે જ! માટે તેને વિવિધ ખાણીપીણીની વસ્તુઓ વેચીને નાણાં ભેગા કર્યા અને વડોદરામાં તેમને અનેક લોકોનો સાથ મળ્યો. ચાર મહિના પહેલા આ ગ્રુપ વડોદરામાં શરુ કર્યું હતું અને ધીરે ધીરે બીજા યુવાનોનો પણ સાથ મળતો ગયો.

કેન્ડી ખવડાવી બાળકોના ચહેરા પર સ્મિત લાવતા VBIના સ્વયંસેવકો
કેન્ડી ખવડાવી બાળકોના ચહેરા પર સ્મિત લાવતા VBIના સ્વયંસેવકો

તેમના સ્વયંસેવકે અહેવાલમાં જણાવ્યું કે તેને વડોદરાના યુવાનોનો આ અભિયાન માટે ખૂબ જ સારો સપોર્ટ છે. તેમજ તેમનાથી બનતા એ લોકો બધા જ પ્રયાસ કરે છે. શનિ-રવિ ચાલતા શિક્ષણના શ્રમયજ્ઞમાં અત્યારે લગભગ ૫૪ જેટલા વિદ્યાર્થીઓ છે. તેમજ બાળકોના માતા-પિતા પણ એટલે સપોર્ટીવ છે. જે પોતાના બાળકોને યોગ્ય તેમજ ભવિષ્યમાં ઉચ્ચ શિક્ષણ લેવાનો આગ્રહ ધરાવે છે. ફક્ત ભણતર જ નહીં, પરંતુ તેઓ બીજી વિવિધ પ્રવૃત્તિ જેવી કે શિષ્ટાચાર, સભ્યતા, રોજ-બરોજના નિયમો અને સ્વચ્છતા પર ભાર પણ આપે છે. જે આવનાર સમયના શ્રેષ્ઠ નાગરિક બનાવવાનો પ્રયાસ કરે છે.

તેમજ સ્વયંસેવકના જણાવ્યા મુજબ તેઓ આ અભિયાનમાં બીજા વિષયોને પણ આવરી લેવા માગે છે. જેવા કે, વ્યસન મુક્તિ, સ્ત્રી સુરક્ષા, સાક્ષરતાનું મહત્વ તેમજ પર્યારણ જાળવવા વિશે સજાગતા.

લેપટોપ પર વ્યસન મુક્તિને અનુરૂપ નાનકડી ફિલ્મ જોતા બાળકો
લેપટોપ પર વ્યસન મુક્તિને અનુરૂપ નાનકડી ફિલ્મ જોતા બાળકો

તદુપરાંત અમુક અંતરે તેઓ બાળકો માટે પરીક્ષાનું પણ આયોજન કરે છે. તેનાથી બાળકોને ભણવાની ધગસ અને વધુ માર્ક્સ લાવવાની પણ ઈચ્છા થાય છે.

સપ્તાહના બે દિવસના બે કલાકના અભિયાનમાં તેઓ ભણતર સાથે બીજી અન્ય પ્રવૃત્તિઓ જેમ કે, રમત-ગમત, પિકનિકનું આયોજન તેમજ નાસ્તો આપી એ સમયને મનોરંજક બનાવી દે છે. આ અભિયાનના સ્વયંસેવકો પણ પોતાનો ઉત્સાહ જાળવી ભણતર તરફ જાગરૂતતાનો સંદેશ પ્રસરે છે.

આર્થિક રીતે પહોંચી વળવા તેઓ પોતે જ પ્રવૃત્તિઓ યોજી પૈસા મેળવે છે. હાલમાં તેઓએ પાણીપુરીનો સ્ટોલ રાખ્યો હતો. તેમાંથી તેમણે કમાવેલ આવક બાળકોને પુસ્તિકા તેમજ તેમના ભણતર પાછળ ઉપયોગ કર્યો હતો. જો કોઈ તેમને ડોનેશન આપવા ઈચ્છે અથવા બીજી કોઈ પણ રીતે મદદ કરવા ઈચ્છે તો તેઓ સ્વીકારે છે.

પાણીપુરીનો સ્ટોલ
પાણીપુરીનો સ્ટોલ

અંતમાં જણાવે છે કે,

"અમે અમારાથી બનતા બધા જ લોકોને ભણતર આપવા માગીએ છે. કારણ કે તેઓ જયારે બહાર કામ માટે જાય ત્યારે પોતાનું નામ લખવામાં તેમજ વાંચવામાં કોઈની સહાય લેવી ન પડે. અમારી પાસે જેમ યુવા પેઢીની તાકાત વધુ અને મજબૂત બને તેમ તેમ આ VBI ગ્રુપને વડોદરા તેમજ અમદાવાદના વધુ વિસ્તારમાં શુભારંભ કરી નિરક્ષરતાનું પ્રમાણ ઘટાડી શકાય."

એટલે જ તેઓ ડગલે ને પગલે બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે કઠીન પ્રયાસો કરી રહ્યા છે. જરૂર છે તો ફક્ત આપણા સપોર્ટની! યુવા પેઢીના જોશની!

કહેવાય છે ને કે સૂરજ તો ના બની શકીએ પણ જો દિવો બનીને પણ કોઈક ખૂણામાં અજવાળું આપી શકીએ તો આપણું જીવન સાર્થક થાય.


The Writer. Anything to do with Literature in any form! You can reach him at note2jigar@gmail.com

Related Stories