સંઘર્ષની સુંદર ગઝલનું નામ છે રણજીત રજવાડા

0

એક સમય હતો કે જ્યારે રણજીત ઘેર-ઘેર જઈને પોતાની ગઝલ લોકોને સંભળાવતા હતાં અને હવે લોકો દૂર-દૂરથી તેમની પાસે ગઝલ સાંભળવા આવે છે!

એ વાત સાચી છે કે પ્રતિભા ક્યારેય કોઈની ગુલામ રહેતી નથી. જો પ્રતિભા, અતૂટ મહેનત અને સંઘર્ષ એકબીજાની સાથે જોડાઈ જાય તો સફળતા આપોઆપ પોતાનો રસ્તો કરી લે છે. તમારે જરૂર છે માત્ર પોતાની જાતને ઓળખવાની. દરેક વ્યક્તિ પોતાની ક્ષમતા અને નબળાઈઓ સાથે જીવતી હોય છે, પણ તેણે મહેનત પણ વધુ કરવી પડે છે. એક નાનકડી નકારાત્મકતા અનેક બાબતોની સકારાત્મકતા પર પાણી ફેરવી નાખે છે. પોતાની પ્રતિભાને જાળવી રાખવા અને વિકસાવવા સતત રિયાઝ કરતા રહેવું પડે છે. આ વાતની પોતાના મનમાં ગાંઠ વાળીને કામ કરનારા રણજીત રજવાડા ગઝલ ગાયકીના ઈતિહાસમાં પોતાનું નામ જોડવામાં મહેનત કરી રહ્યા છે. શાસ્ત્રીય સંગીતના માર્તંડ પંડિત જસરાજ જેવી મહાન હસ્તીએ યુવા રણજીત રજવાડા વિશે કહ્યું હતું કે તે ગઝલ વિશ્વનું ભાવિ છે. ગાયકી અને ગઝલને પોતાની સાથે જોડી દેનારા યુવા રણજીત રાજસ્થાની માટીની સુગંધ લઈને ઉછર્યા છે જે એક રીતે ગાયકીનો ગઢ માનવામાં આવે છે. કંઈક તો અસર હશે તે માટીના સંસ્કારની અને પરિવારની કે આજે જ્યાં જ્યાં ગઝલ સાંભળવામાં આવે છે ત્યાં રણજીત શ્રોતાઓના મનમાં અંકિત થઈ ગયા છે. તેમના ચાહકો તેમને પ્રિન્સ અને રાજકુમાર કહે છે.

રણજીતે જ્યારે યોરસ્ટોરીને પોતાની વાત જણાવી તો તેની આ સફળતા પાછળ રહેલા સંઘર્ષની એ પળો તાજી થઈ ગઈ, જ્યારે તેણે પોતાની ક્ષમતા સાબિત કરવા મુંબઈ ફરવું પડ્યું હતું. પોતાના પ્રારંભિક જીવન અંગે રણજીત જણાવે છે, “4 વર્ષની ઉંમરથી જ મને વારસામાં ગાયન મળ્યું હતું. ગાયન અને વાદન પહેલેથી જ અમારા પરિવારનો એક ભાગ હતો. પિતાજી સવારે 6-30થી 9 વાગ્યા સુધી રિયાઝ કરાવતા અને ત્યાર પછી મને સ્કૂલ મોકલવામાં આવતો. આ ક્રમ સતત ઘણા વર્ષો સુધી ચાલ્યો. સાત વર્ષની ઉંમરે મેં પહેલો રાષ્ટ્રીય એવોર્ડ જીત્યો હતો. 12 વર્ષની ઉંમર સુધી અનેક એવોર્ડ્સ મળ્યા હતા. મને અનુભવ થયો કે પ્રતિભા અને પ્રતિસ્પર્ધાની વચ્ચે પોતાના વિચારોને મક્કમ બનાવવાથી જ આગળ વધી શકાય છે. હું તેના માટે એક શેર કહીશઃ-

‘જો અપની ફિક્ર કો ઉંચી ઉડાન દેતા હૈ

ખુદા ઉસકો ખુલા આસમાન દેતા હૈ...’”

સંગીતના ક્ષેત્રમાં રિયાલિટી શોથી શરૂઆત કર્યા પછી પ્રતિભામાં ઘણો વધારો થયો. પ્રતિસ્પર્ધામાં પણ વધારો થયો. આવા સંજોગોમાં પોતાની જાતને ટકાવી રાખવી એક મોટો પડકાર હતો. આ વિશે રણજીત કહે છે, “હું મારી સાથે જ સ્પર્ધા કરું છું. હું ઈચ્છું છું કે મારી આજ મારી ગઈકાલ કરતા વધારે સારી હોય. હું લોકોની સામે જોયા વગર મારામાં જ ખોવાઈને આગળ વધવા માગું છું. મને લાગે છે કે દરેક કલાકાર પોતાના રંગો અને સુવાસ લઈને જ આવે છે.”

સારેગામાના અંતિમ પાંચ સ્પર્ધકોમાં સ્થાન પામનારા રણજીતસિંહ રજવાડા રિયાલિટી શોમાં આવતા પહેલાં બાળકલાકાર તરીકે પોતાની ઓળખ બનાવી ચૂક્યા છે. અનેક મંચ અને રેડિયો પર પોતાના ગાયનને ફેલાવી ચૂક્યા છે. સારેગામા પર આવ્યા પછી તેના જીવનમાં શું પરિવર્તન આવ્યું? આ સવાલના જવાબમાં તે જણાવે છે, “પહેલા ક્યારેય વિચાર્યું નહોતું કે રિયાલિટી શોમાં ભાગ લઈશ. કોલકાતા રેડિયો પર ગાવા દરમિયાન મને રિયાલિટી શોમાં આવવાનું કહેવામાં આવ્યું અને ઓડિશન બાદ પસંદગી પણ થઈ ગઈ. મને યાદ છે કે તે સમયે અનેક લોકો રિયાલિટી શોમાં ગઝલ ગાયકીને લાવવાની વિરુદ્ધ હતા. લોકો માનતા હતા તે તેનો ચાહક વર્ગ ઓછો હોય છે, પણ જેમ જેમ શો આગળ વધતો ગયો તેમ તેમ તેમનો અભિપ્રાય બદલતો ગયો. હું તે સફળતાને શબ્દોમાં નથી વર્ણવી શકતો.”

રણજીત માટે એક સમય એવો પણ આવ્યો કે તેણે પોતાનું અસ્તિત્વ સાબિત કરવા ઘણો સંઘર્ષ કરવો પડ્યો. આ વિશે તે જણાવે છે, “જ્યારે પિતાજી રાજસ્થાનથી મુંબઈ આવ્યા તો અહીંયા કોઈ ખાસ ઓળખાણ નહોતી. અમે વાજું લઈને અનેક જગ્યાએ જતા અને અમારા ગીતો સંભળાવતા. ઘણા દિવસો સુધી આ સંઘર્ષ ચાલુ રહ્યો. ત્યારબાદ ધીમે ધીમે સ્થિતિ સુધરતી ગઈ અને લોકો અમને સ્વીકારતા ગયા.”

રણજીત માને છે, “ગાવું-વગાડવું ખૂબ જ મુશ્કેલ કળા છે. અહીંયા દરરોજ નવી જિંદગી છે તેમ જ જીવવું પડે છે. જે દિવસે કોઈ એમ માની લે કે મેં ઘણું શીખી લીધું છે તે દિવસ તેનો અંતિમ દિવસ હોય છે. આ વારસાને સાચવવામાટે દરરોજ વિદ્યાર્થી બનીને રહેવું પડે છે. હું લોકોની આશાને તેમના આશિર્વાદ માનીને જીવતો હોઉં છું. સફળતા મેળવવા માટે દરરોજ રિયાઝ કરું છું.” ગાયકી વિશે કહેવામાં આવે છે કે, તે દરેક માટે શક્ય નથી. રણજીત માને છે કે આ કળા શીખવાડી શકાય નહીં. મહેનત દ્વારા કંઈક મળી શકે છે, પણ ટોચના ક્રમે પહોંચવા માટે પોતાના અંદરના સૂર પણ મેળવવા પડે છે. તે જણાવે છે કે ગાયન કળાનો મુખ્ય ઉદ્દેશ આનંદ છે. આ આનંદની પ્રાપ્તિ કલાકાર અને કલારસિકો વચ્ચેના સંબંધને મજબૂત કરે છે. કલાકારને ખ્યાલ હોવો જોઈએ કે તેને જે અભિનંદન મળી રહ્યા છે તે સાચા છે. સફળતા અંગે અહંકાર કરવા કરતા તેને આશિર્વાદ તરીકે સ્વીકારવી જોઈએ.

રણજીત અત્યારે યુવાન છે અને એક સુવર્ણ ભવિષ્ય તેની રાહ જોઈ રહ્યું છે. તે ગુલામ અલી, મેહદી હસન અને જગજીત સિંહને પોતાના આદર્શ માને છે, પણ તે ખૂબ જ મહત્વનું છે કે ગુલામ અલી અને જગજીત સિંહની પેઢી પછી ગઝલ ગાયકીમાં સારું ગાનારા લોકોની અછત છે. નવા કલાકારોની જવાબદારી આ સમયે વધી ગઈ છે. આ વિશે રણજીત કહે છે, “સતત રિયાઝ કરતા રહેવાની સાથે હું સમજું છું કે સંગીતના મૂળ આધાર સાથે જોડાયેલા રહેવું. ગઝલોને જીવવી પડે છે અને શાયરના વિચારોને પોતાની ગઝલમાં રજૂ કરવા પડે છે.”

રણજીત ‘તેરે ખ્યાલ સે’ આલબમ પછી હવે એક નવા આલબમ ‘પૈગામ’ની તૈયારી કરી રહ્યા છે. તેમની સામે ગઝલોને ચાહનારા વર્ગનું મોટું વિશ્વ છે.

લેખક- ડૉ.અરવિંદ યાદવ, મેનેજિંગ એડિટર, યોરસ્ટોરી

અનુવાદક- મેઘા શાહ