એક સફળ 'સામાજિક ઉદ્યોગસાહસિક' કેવી રીતે બનશો?

0

છેલ્લા એક દાયકાનો ભારત દેશનો ટ્રેન્ડ જોશો તો તમને લાગશે કે ખાસ કરીને યુવાનો સમાજ પ્રત્યે જાગરૂક થયા છે. તેઓ પૈસા કમાવા માગે જ છે પરંતુ સાથે સાથે સમાજ માટે પણ કંઈક પ્રદાન કરવા માગે છે. સમાજમાં પરિવર્તન કેવી રીતે લાવી શકાય તે અંગેના તમામ શક્ય પ્રયાસો તેઓ કરવા માગે છે. તેના કારણે જ છેલ્લા કેટલાક સમયથી એનજીઓ, સોશિયલ એન્ટરપ્રાઇઝિસ અને સામાજિક સંગઠનોની સંખ્યામાં વૃદ્ધિ જોવા મળી છે. એવું નથી કે પહેલાં આવાં સંગઠનો નહોતાં, પહેલાં પણ સંગઠનો હતાં જ પરંતુ ફેર તેમની એકાએક વધી રહેલી સંખ્યાનો છે. આ સમાજ અને દેશ માટે ખૂબ જ સારી બાબત છે કારણ કે જે દેશનો યુવાન દેશમાંથી અસમાનતા હટાવવાનો પ્રયાસ કરશે તે દેશને આગળ વધતો કોઈ નહીં રોકી શકે. પરંતુ કોઈ પણ સામાજિક એન્ટરપ્રાઇઝ શરૂ કરતાં પહેલાં કેટલીક વાતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. માત્ર જોશ અને ઝનૂન ક્યારેક નુકસાનકારક સાબિત થઈ શકે છે.

ઉતાવળ ન કરશો

જાણીતી કહેવત છે કે 'ઉતાવળા સો બહાવરા, ધીરા સો ગંભીર.' કેટલીક વખત લોકો ઉપર સમાજ માટે કામ કરવાનું એટલું ઝનૂન સવાર હોય છે કે તેઓ એક રાતમાં જ બધું બદલી નાખવા માગતા હોય છે.સમાજ અને દેશ માટે કામ કરવું ખૂબ જ સારી વાત છે. પરંતુ તમારે એ ધ્યાન રાખવાનું રહેશે કે તમારા દ્વારા કરવામાં આવતો નાનો પ્રયાસ પણ ખૂબ જ લાભકારક હોય. એટલે બધું જ બદલી નાખવાની એકાએક ઇચ્છા ન રાખો. અને સમજી વિચારીને ઉતાવળ કર્યા વિના નિર્ણય લો. સોશિયલ એન્ટરપ્રાઇઝ અંગે વિચારવું અને તેને ચલાવવું બંને અલગ બાબતો છે. તેથી સમજી વિચારીને રિસર્ચ કર્યા બાદ જ આગળ વધો અને તમારું કામ શરૂ કરો. તમારી લાગણીઓને તમારા નિર્ણયથી દૂર રાખો અને ભાવાવેશમાં આવીને કોઈ નિર્ણય ન લેશો.

તમામ જોખમોને તપાસી લો

દરેક ધંધા કે વેપારમાં નાનું-મોટું જોખમ રહેલું હોય છે. ક્યારેક આપણે નક્કી કરી લઈએ છીએ કે આપણે શું કરવું છે પરંતુ તે કામમાં કેટલું જોખમ રહેલું છે તેનો ખ્યાલ તે કામ શરૂ કર્યા બાદ જ આવે છે. જો તમે તે જોખમ લઈ શકો તો સારી વાત છે પરંતુ જો ન ખમી શકતા હો તો ભારે નુકસાન વેઠવું પડે છે. સોશિયલ એન્ટરપ્રાઇઝ શરૂ કરતાં પહેલાં જોખમ વિશે તપાસ ચોક્કસથી કરી લો. આ જોખમો વિવિધ પ્રકારના હોઈ શકે છે કે જે કામ શરૂ કરો ત્યારે અચાનક જ સામે આવે છે.

પોતાનું યોગ્ય મૂલ્યાંકન કર

મોટાભાગના સામાજિક એન્ટરપ્રાઇઝ તે લોકો શરૂ કરે છે કે જે આ ક્ષેત્રમાં નવા હોય છે અને તેમને કોઈ કંપની શરૂ કરવાનો અનુભવ નથી હોતો. કંપનીમાં કામ કરવામાં અને પોતાની કંપનીમાં કામ કરવું બંનેમાં મોટો ફેર છે. ઘણી વખત સામે એકદમ સરળ લાગતું કામ એટલું સરળ નથી હોતું જેટલું તે દેખાય છે. તેવામાં તમારે પોતાની જાતનું મૂલ્યાંકન કરવું જરૂરી બની જાય છે. પોતાની જાતનું મૂલ્યાંકન કરો જો તમારી અંદર વિઝન હશે, સમજણ હશે અને કામ કરવાનો ઉત્સાહ હશે તો તમે તે કામ કરવામાં સફળ થશો અને તમારી કંપનીને સફળતાપૂર્વક ચલાવી શકશો.

કોઈની સાથે મળીને કે ટીમ સાથે કામ કરવા માટે તૈયાર રહો

એક સોશિયલ એન્ટરપ્રાઇઝની શરૂઆત ખૂબ જ નાના પાયે થાય છે. જેમાંની કેટલીક કંપનીઓ આગળ જતાં ખૂબ જ મોટી બની જાય છે તો કેટલીક પાછળ રહી જાય છે. જ્યારે કોઈ કંપનીનું વિસ્તરણ થાય છે તો તેમાં ઘણા લોકો જોડાય છે. કેટલીક વખત બીજી કંપની સાથે ભાગીદારી કરવી પડે છે. એક વ્યક્તિ કે જે સોશિયલ એન્ટરપ્રાઇઝની શરૂઆત કરવા જઈ રહી છે તેણે પોતાનાં મનમાં એક વાત ગાંઠ બાંધી લેવી જોઇએ કે ભવિષ્યમાં તેમણે ઘણા લોકો સાથે મળીને કામ કરવું પડી શકે છે.

સંયમ જ સફળતાની ચાવી

જો કોઈ વ્યક્તિમાં સંયમ હોય તો તે કઠિન પરિસ્થિતિમાં પણ ધીરજ અને સંયમ રાખીને સરળતાથી તેમાંથી બહાર નીકળી શકે છે. આ બાબત દરેક જગ્યા અને વસ્તુ ઉપર લાગુ પડે છે. જો તમે કોઈ સોશિયલ એન્ટરપ્રાઇઝ ચલાવતા હોવ તો ઘણી વખત તમારે તકલીફોનો સામનો કરવો પડે છે. ઘણી વાર એવી સ્થિતિ આવે છે કે જેમાં તમારે આગળ શું કરવું તેની ખબર નથી પડતી. તેવામાં તમારી ધીરજ અને સંયમની કસોટી થાય છે. જો તમે આવી કઠિન પરિસ્થિતિઓમાંથી પસાર થઈ જાવ તો તમને આગળ વધતા કોઈ નથી રોકી શકતું.

અનુવાદક- મનીષા જોષી

Related Stories

Stories by manisha joshi