પતિની બેવફાઈએ એક પત્નીને બનાવી દીધી સફળ ઉદ્યોગસાહસિક

પતિની બેવફાઈએ એક પત્નીને બનાવી દીધી સફળ ઉદ્યોગસાહસિક

Saturday April 02, 2016,

4 min Read

જુસ્સા અને ખંતથી સુદેશના એન્જીનિયરિંગની દુનિયામાં છવાયા

પતિની બેવફાઈએ સુદેશનાને બનાવી આત્મનિર્ભર

આજે ઘણી નામાંકિત કંપનીઓને સેવા આપી રહ્યાં છે!

શિક્ષકના રૂપમાં સફરની કરી હતી શરૂઆત

કોલકાત્તાના એક શિક્ષક પરિવારમાં જન્મેલા સુદેશના બેનર્જી આજે એક એન્જીનિયરિંગ કંપનીનાં સર્વેસર્વા છે અને તેઓ દેશની ઘણી નામાંકિત કંપનીઓને સેવાઓ આપી રહ્યા છે. એક સામાન્ય ગૃહિણીથી માંડી સ્કૂલ ટીચર સુધી અને ટીચરથી આજ સુધીની, તેમની ગાથા તેવી મહીલાઓ માટે પ્રેરણાદાયક છે, જેઓ પોતાનું આત્મસન્માન જાળવી રાખીને જીવવા માગે છે.

સુદેશનાએ પોતાનો અભ્યાસ પૂરો કર્યા બાદ પ્રેમલગ્ન કર્યા હતા અને કદાચ આ નિર્ણય જ તેમની સફળતાનું રહસ્ય છે. લગ્ન પછી સુદેશનાને માલૂમ પડ્યું કે તેમના પતિને તેમના ઉપરાંત અન્ય ઘણી મહીલાઓ સાથે પણ સંબંધ છે. જ્યારે તેમને ખબર પડી હતી કે તેમની જ એક બહેનપણી સાથે પણ તેમના પતિના અનૈતિક સંબધો છે અને તે સંબંધને કારણે તેમને એક સંતાન પણ છે ત્યારે તો તેમના પગ નીચેથી જમીન જ સરકી ગઇ હતી. તે બાદ નિ:સંતાન સુદેશનાએ એક મોટો નિર્ણય લીધો હતો. તેમણે પોતાના પતિ સાથે છુટાછેડા લઇ લીધા હતા.

image


આ દરમિયાન સુદેશના એક સ્થાનિક સ્કૂલમાં ટીચર તરીકે નોકરી કરી રહ્યા હતા. પતિનો સાથ છોડ્યા બાદ સુદેશના સામે સૌથી મોટો પડકાર માથા માટે છતની વ્યવસ્થા કરવાનો હતો. સુદેશનાએ ઘણી મહેનત બાદ એક ઘર ભાડે લીધુ હતું અને સંઘર્ષ અને મેહનતથી ભરેલી પોતાની સફર શરૂ કરી હતી.

તે દિવસોને યાદ કરતા સુદેશના જણાવે છે,

“તે જમાનામાં એક એકલી મહીલાને કોઇ પણ ભાડા પર ઘર આપવા માટે તૈયાર નહતું. મને સ્કૂલમાંથી ૧૦ હજાર પગાર મળતો હતો અને મકાનનું ભાડું ચૂકવ્યા બાદ ઘણીવાર મહીનાનાં અંતમાં મારી પાસે કાંઈ નહતું બચતું. પણ હું હિંમત નહોતી હારી અને તે વિકટ દિવસોમાં પણ મેં કોઇની સામે હાથ નહતો લંબાવ્યો.”

સુદેશનાએ કોલેજના દિવસોમાં ઓટોકેડ શીખ્યું હતું અને આ દરમિયાન તેમણે સ્કૂલની નોકરી બાદ એક મિત્રની સંસ્થામાં કમ્પ્યુટર શીખવાડવાનું પાર્ટ ટાઇમ કામ પણ શરૂ કર્યુ હતું. પોતાની મેહનતના જોરે તેઓ જલ્દી જ પોતાના મિત્રની તે સંસ્થામાં જ ભાગીદાર બની ગયા હતા અને તેનું નામ બદલીને ‘ડિજિટેક એચઆર’ રાખવામાં આવ્યુ હતું. આ કામને શરૂ કરવા માટે તેમને મૂડીની જરૂર હતી જેની વ્યવસ્થા તેમણે પોતાના કેટલાક દાગીના વેચીને કરી હતી.

“દાગીના એટલા માટે જ હોય છે કે તેને વેચીને મુશ્કેલ સમયમાં તેમનો ઉપયોગ કરી શકાય. અમારી કંપનીનું મુખ્ય લક્ષ્ય ઓટોકેડ અને સ્ટાઈપ્રો ટ્રેનિંગ શરૂ કરવાનું હતું અને આ કામને પૂરો સમય આપવા માટે મેં ટીચરની નોકરી પણ છોડી દીધી હતી. જલ્દી જ અમારી સામે એક નવી તક આવી હતી જ્યારે અમારી સંસ્થામાંથી તાલીમ લઇ ચુકેલ કેટલાક લોકોએ અમને સલાહ આપી હતી કે અણે અમારી પાસે રહેલા કેડ ડ્રોઇંગ્સને હાર્ડ કોપીમાંથી સોફ્ટ કોપીમાં બદલીએ.આ રીતે અમે ડિજિટાઈજેશનની દુનિયામાં પગ મુક્યો.”

એન્જીનિયરિંગની પ્રાથમિક જાણકારી ન હોવા છતા સુદેશના પોતાની મજબૂત ઇચ્છાશક્તિના બળે સતત શીખતા રહ્યાં અને સુદેશનાને તેમની મેહનતનું ફળ વર્ષ 2008માં મળ્યું જ્યારે તેઓ એક ટ્રેનિંગ સેશન માટે રાયપુર ગયા હતા અને તેમને સ્ટુવર્ટ એન્ડ લોઇડ નામક કંપની માટે ‘ડિટેઇલ્ડ એન્જીનિયરિંગ પ્રોજેક્ટ’ તૈયાર કરવાનું કામ મળ્યુ હતું.

સુદેશનાનાં જણાવ્યા પ્રમાણે,

“મેં આ પ્રોજેક્ટને સફળતાપૂર્વક પૂરો કરવા માટે તનતોડ મેહનત કરી હતી અને તેને સફળતાપૂર્વક પૂરો કર્યો હતો. કંપની અમે કરેલા કામથી ખૂબ ખુશ થઇ હતી અને તે બાદ અમને માનેટ ઇસ્પાત. જિંદલ સ્ટીલ એન્ડ પાવર સહિત ઘણી મોટી કંપનીઓ તરફથી આવા જ ટ્રેનિંગ સેમિનાર કરવાના કોન્ટ્રાક્ટ મળ્યા હતા.”

૨૦૧૧માં સુદેશનના વ્યવસાયિક જીવનમાં એક સુખદ વળાંક આવ્યો હતો જ્યારે તેમણે પોતાની કંપનીને પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં બદલીને તેનું નામ પીએસ ડિજીટેક એચઆર રાખ્યુ હતું જેમાં પીએસનો અર્થ પ્રોજેક્ટ સોલ્યુશન હતો. તે સમયે જ તેમની કંપની એસીસી સિમેન્ટની મોનીટરિંગ પાર્ટનર બની હતી.

સુદેશના આટલે જ ન રોકાયા. પોતાની કંપનીનો વિસ્તાર કરતા તેમણે વિદેશ તરફ પણ મીટ માંડી હતી. તેમણે ઓસ્ટ્રેલિયા અને દુબઈમાં પ્રોજેક્ટ મેળવ્યા હતા. તેના ઉપરાંત તેમની કંપનીએ શ્રીલંકામાં ત્રાટકેલી ભયાવહ સૂનામીમાં તારાજ થયેલ રેલવે લાઇનને પૂરી કરવાનો પ્રોજેક્ટ પણ પોતાના હાથમાં લીધો હતો અને તેને સફળતાપૂર્વક પૂરો કર્યો હતો.

સુદેશના જણાવે છે કે હવે કામના સંદર્ભમાં તેમણે મહીનામાં ૨૦ જેટલા દિવસ તો સફર કરવી પડે છે.

“હું કંપનીમાં મેનેજિંગ ડાયરેક્ટર અને ચેરપર્સનનો હોદ્દો સંભાળી રહી છું અને સંપૂર્ણપણે કંપની પ્રત્યે સમર્પિત છું. માર્ચ ૨૦૧૨માં અમારી કંપનીની વાર્ષિક આવક લગભગ દોઢ કરોડ રૂપિયા હતી અને હું ભવિષ્યમાં કંપનીના ટર્નઓવરને વાર્ષિક ૬૦ કરોડ રૂપિયા સુધી લઇ જવા માગુ છું.”

સુદેશનાનું માનવુ છે કે તેમની સફળતાનું રહસ્ય તેમના પૂર્વ પતિ છે. જેને તેઓ દેખાડવા માગે છે કે એક એકલી મહીલા પણ પ્રગતિ કરી શકે છે અને દુનિયા જીતી શકે છે. તે ઉપરાંત તેઓ આમ પણ માને છે કે જીવનમાં આવેલી અગવડોએ તેમને આગળ વધવા માટે પ્રેરિત કરવા ઉપરાંત એક સારી માનવ પણ બનાવી છે.

સુદેશના અંતે કહે છે,

“ચાહત તો હું પણ કોઇની જેમ એક ટીચરની નોકરી કરીને મારૂ જીવન વ્યતિત કરી શકતી હતી પણ હું માત્ર જીવવા જ નહતી માગતી પણ શાન સાથે જીવવા માગતી હતી અને આજે હું જ્યાં છું, તેને જોતા મને લાગે છે કે હું મારા મિશનમાં સફળ રહી છું.”

લેખક- નિશાંત ગોયલ

અનુવાદક- YS ટીમ ગુજરાતી

આવી જ અન્ય જીવનસંઘર્ષ અને સાફલ્યગાથા વિશે જાણવા અમારું Facebook Page લાઈક કરો