એક આદિવાસી વિસ્તારના જીવનને મળી ગતિ, જાણો 'બાઈસિકલ પ્રોજેક્ટ' વિશે...

એક આદિવાસી વિસ્તારના જીવનને મળી ગતિ, જાણો 'બાઈસિકલ પ્રોજેક્ટ' વિશે...

Thursday November 19, 2015,

6 min Read

બાઈસિકલ પ્રોજેક્ટની શરૂઆત વર્ષ 2008માં થઈ.

આ પ્રોજેક્ટ અંતર્ગત જૂની સાઈકલો એકઠી કરીને આદિવાસીઓમાં વહેંચવામાં આવે છે

આદિવાસી બાળકોને મફતમાં સાઈકલ અપાય છે 

જીવનની સરખામણી મોટાભાગે જે વસ્તુ સાથે કરવામાં આવે છે તે છે પૈડું. પૈડાંનો અર્થ છે કે સ્થિર ન રહેવું, સતત ચાલતાં રહેવું. એમ કહેવાય છે કે ચાલતાં રહેવું તેનું નામ જ જીવન છે. જો આ પૈડું સાઈકલનું હોય તો? સાઈકલ એક એવી સવારી છે કે જેને શહેરના લોકો ફિટનેસ સાથે જોડે છે. પરંતુ અંતરિયાળ ગામડાંઓમાં આ જ સાઈકલ જીવન સાથે જોડાઈને ગતિ આપનારી બને છે. તમે ક્યારેય વિચાર્યું છે કે આ જ સાઈકલ કોઈ આદિવાસી વિસ્તારોમાં પરિવર્તન લાવી શકે છે? ત્યાં રહેતા લોકોમાં આત્મવિશ્વાસ ભરી શકે છે? બાળકોને આગળ વધવા માટે પ્રોત્સાહિત કરી શકાય છે? મુંબઈમાં રહેતા વેપારી હેમંત છાબડાએ જ્યારે આ અંગે વિચાર્યું તો આ કામને એક પ્રોજેક્ટ તરીકે શરૂ કર્યું અને તેનું નામ 'બાઈસિકલ પ્રોજેક્ટ' રાખ્યું.

image


મહારાષ્ટ્રના સૌથી મોટા આદિવાસી વિસ્તારોમાંના એક વિક્રમગઢ તાલુકામાં આવેલું ઝડપોલી નામનું ગામ. હેમંત અવારનવાર અહીં આવન-જાવન કરતા હતા. આજે હેમંત મુંબઈ છોડીને અહીં જ રહે છે અને રૂરલ ટૂરિઝમની સાથે સાથે પોતાના બાઈસિકલ પ્રોજેક્ટ ઉપર પણ કામ કરી રહ્યા છે. બાઈસિકલ પ્રોજેક્ટની શરૂઆત વર્ષ 2008માં ત્યારે કરવામાં આવી હતી જ્યારે હેમંત ગામના બસ સ્ટેન્ડ ઉપર ઊભા હતા અને એ સમયે ધોધમાર વરસાદ પડી રહ્યો હતો. ત્યારે હેમંતે જોયું કે ભારે પવનના કારણે શાળામાંથી આવી રહેલી છોકરીઓની છત્રી કાગડો થઈ ગઈ. તેના કારણે તેઓ પલળી ગઈ. હેમંતને તે યોગ્ય ન લાગ્યું. ત્યારે તેમણે વિચાર્યું કે મુંબઈ અહીંથી માત્ર 100 કિ.મિ. દૂર છે. મુંબઈથી આ ગામનું અંતર માત્ર બે કલાકનું છે. હેમંત જણાવે છે, "તે વખતે શાઇનિંગ ઇન્ડિયા જોરશોરથી ચાલી રહ્યું હતું. મુંબઈ અને દિલ્હી જેવાં શહેરોની ચમક વધી રહી હતી પરંતુ તેમ છતાં એવાં ગામો પણ હતાં કે જ્યાં વીજળી અને રસ્તાઓ નહોતા. પીવાનાં પાણી માટે લોકોએ દૂર સુધી જવું પડતું હતું. ત્યારે મેં વિચાર્યું કે આદિવાસી વિસ્તારોમાં પરિવર્તન લાવવા માટે જાતે જ પ્રયાસો કરવામાં આવે તો કેવું?"

image


તે વખતે હેમંત પોતાના પરિવાર સાથે મુંબઈના અંધેરી વિસ્તારમાં રહેતા હતા. તેમણે જોયું કે તેમની સોસાયટીમાં ઘણી એવી નકામી સાઈકલો પડી રહે છે કે જેનો ઉપયોગ કરવામાં નથી આવતો અને તે ધૂળ ખાયા કરે છે. તેમને લાગ્યું કે આ સાઈકલને રિપેર કરાવીને આદિવાસી બાળકોને આપવામાં આવે તો તેનો સારામાં સારો ઉપયોગ થઈ શકે છે. હેમંત જણાવે છે, "મેં જોયું કે ભણવા માટે ઘણા આદિવાસી છોકરા-છોકરીઓ 10થી 12 કિ.મિ. દૂર સુધી પગે ચાલીને જાય છે. એવામાં આ બાળકો માટે સાઈકલ ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે." હેમંતને વિશ્વાસ થવા લાગ્યો કે જો તેઓ આ વિસ્તારમાં સાઈકલ લાવવામાં સફળ થયા તો ઝડપોલી અને તે વિસ્તારની આસપાસ ખૂબ જ મોટું પરિવર્તન જોવા મળી શકે તેમ છે. હેમંત યોગ્ય દિશામાં આગળ વધી રહ્યા હતા. આ કામને આગળ વધારવા માટે તેમણે પોતાની મિત્ર સિમોના ટેરનની મદદ લીધી. તે વ્યવસાયે પત્રકાર પણ હતી. જ્યારે હેમંતે આ વાત સિમોનાને કરી તો તેણે જણાવ્યું, "તમારી વિચારધારા નાની છે. તમે આ પ્રોજેક્ટને શરૂ કરવા માગતા હો તો આસપાસના અન્ય વિસ્તારોને પણ કેમ નથી આવરી લેતા?" આ વાત હેમંતને પણ ગમી અને તેઓ તેના માટે તૈયાર થઈ ગયા.

image


સિમોનાએ એક લેખ લખ્યો અને લોકોને સાઈકલ આપવા માટેની અપિલ કરી. તેમજ તેના માટે લોકોને પ્રોત્સાહિત પણ કર્યા. ત્યારબાદ હેમંતે પણ આ લેખ અન્ય મિત્રોને બતાવ્યો. બીજા દિવસે એક મહિલાએ તેમને ફોન કર્યો અને સાઈકલ તો ન આપી પરંતુ રૂપિયા 3 હજાર આપ્યા. ત્યારબાદ હેમંતે પાછું વાળીને જોયું નથી. લોકો તેને જૂની સાઈકલ આપવા માટે આગળ આવવા લાગ્યા. લોકો પાસેથી મળી રહેલા આવા પ્રતિસાદથી હેમંત પણ હેરાન હતા. હવે લોકો તેમને સાઈકલ આપવા માટે આગળ તો આવતા હતા પરંતુ તે કામમાં સૌથી મોટી તકલીફ એ હતી કે લોકો પાસેથી સાઈકલ લેવી અને તેને રિપેર કરાવીને જરૂરીયાતમંદ લોકો સુધી પહોંચાડવી. એટલું જ નહીં, સાઈકલને ગામ સુધી લઈ જવી તે પણ એક મોટો પડકાર હતો. તેના માટે હેમંતે એક સાઈકલ મિકેનિકને પોતાની સાથે લીધો. હેમંત અને સાઈકલ મિકેનિક બંને સાઈકલ એકઠી કરતાં અને તેને લાવીને પોતાની સોસાયટીમાં ઊભી રાખી દેતા.

image


મહેનત કરીને પડકારોને મ્હાત આપવામાં વિશ્વાસ રાખનારા હેમંતની હજી એક પરીક્ષા બાકી હતી અને તે હતી ગામ સુધી સાઈકલ પહોંચાડવી. તે વખતે તેમણે એક મિની ટ્રક ભાડે લીધી. ટ્રક વાળાને જ્યારે ખબર પડી કે તેણે સાઈકલો નાખીને મુંબઈની બહાર લઈ જવાની છે તો તેણે ના પાડી દીધી. તેણે હેમંતના આ પ્રયાસને ગાંડપણ ગણાવ્યું હતું. ત્યારે હેમંતને વિચાર આવ્યો કે આ મારો આઇડિયા છે તો મારે જ તેના ઉપર કામ કરવું પડશે. "ઉપરાંત મને એમ પણ વિચાર આવ્યો કે જ્યાં સુધી હું પોતે કામ નહીં કરું ત્યાં સુધી મને કેવી રીતે ખબર પડશે કે તેમાં કેટલી હેરાનગતિઓ છે." તેથી હેમંતે પોતાની કારની પાછલી સીટો કાઢી નાખી કે જેથી કરીને વધુમાં વધુ સાઈકલો ગાડીમાં આવી શકે. તે ઘડી અને આજના દિવસ સુધી હેમંત આ આદિવાસી વિસ્તારમાં એક હજાર કરતાં વધુ સાઈકલો ગરીબ બાળકોને વહેંચી ચૂક્યાં છે.

image


હેમંત જણાવે છે, "સાઈકલ પ્રોજેક્ટ અંતર્ગત લોકોને મળનારી સાઈકલ આસપાસની શાળાઓને આપવામાં આવે છે. શાળા જ નક્કી કરે છે કે કયા બાળકને સાઈકલ આપવામાં આવે. જોકે, બાળકોને સાયકલ આપવાનાં કેટલાંક ધારાધોરણો પણ છે. જેમ કે શાળામાં ભણનારું બાળક ઓછામાં ઓછા 3 કિ.મિ. કરતાં વધારે દૂરનાં અંતરે રહેતું હોવું જોઇએ. બાળકનાં માતા-પિતા ખેડૂત હોવા જોઇએ અને તેમની પાસે આવકનું અન્ય કોઈ સાધન ન હોવું જોઇએ. ઉપરાંત જો કોઈ વિદ્યાર્થી કે વિદ્યાર્થીની ભણવામાં હોંશિયાર હોય તો તેને પણ સાઈકલ આપવામાં આવે છે." હેમંતના જણાવ્યા અનુસાર આ પ્રોજેક્ટની અસર એ થઈ કે શાળામાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની સંખ્યા વધી ગઈ. સાઈકલનાં કારણે ગામનું જીવન બદલાઈ ગયું. આજે આ સાઈકલ બાળકોને શાળાએ લઈ જવામાં મદદ કરે છે એટલું જ નહીં પરંતુ ઘરનાં દૂરનાં કામ માટે પણ કામ લાગે છે. હેમંત જણાવે છે, "એક વખત તેમણે જોયું કે એક માણસ નાની સાઈકલ ઉપર સવાર થઇને પોતાની મોટી દીકરીનાં લગ્નની કંકોતરી વેચતો હતો. આ વાત તેમનાં હૃદયને સ્પર્શી ગઈ.ખાસ વાત તો એ છે કે સત્ર પૂરૂં થયા બાદ વિદ્યાર્થીએ સાઈકલ શાળાને પરત કરવી પડે છે. અને નવાં સત્રની શરૂઆતમાં જ તેને પાછી આપવામાં આવે છે."

image


સાઈકલ પ્રોજેક્ટની અસર એ થઈ કે બાળકોમાં શિક્ષણ ચેતનાનો સંચાર થયો છે. તેમને સમજાવા લાગ્યું છે કે ભણીશું તો સાઈકલ મળશે. આ વાતે હેમંતનો ખૂબ જ ઉત્સાહ વધાર્યો હતો. આજે પણ લોકો હેમંતના અભિયાનમાં હોંશે હોંશે ભાગ લઈ રહ્યા છે. તેઓ જણાવે છે, "આજે પણ ઘણા લોકો તેમને મળે છે અને જૂની સાઈકલ દાનમાં આપે છે. એટલું જ નહીં, પરંતુ દાનમાં આપતાં પહેલાં તેને રિપેર પણ કરાવીને આપે છે. મને ઘણા એવા લોકોએ પણ સાઈકલ આપી છે કે જેઓ મને જાણતા પણ નહોતા. લોકો દિલ ખોલીને મારી મદદ માટે તૈયાર છે. તેના કારણે જ વર્ષ 2008થી હેમંતે શરૂ કરેલા બાઈસિકલ પ્રોજેક્ટની સફર આજે પણ અવિરતપણે ચાલુ છે."

લેખક – હરિશ બિશ્ત (હિન્દી)