'જે ઘરમાં શૌચાલય નહીં, એ ઘરમાં લગ્ન નહીં', UPના એક ગામનું સરાહનીય પગલું

'જે ઘરમાં શૌચાલય નહીં, એ ઘરમાં લગ્ન નહીં', UPના એક ગામનું સરાહનીય પગલું

Wednesday August 23, 2017,

2 min Read

હાલ જ બોલિવૂડ ફિલ્મ 'ટોયલેટ-એક પ્રેમકથા'એ ખાસ્સી ચર્ચા જગાવી છે. તે ફિલ્મમાં 'ઘેર ઘેર શૌચાલય' જેવા મહત્ત્વના મુદ્દાને બખૂબી દર્શાવાયો છે. પરંતુ આ પરિસ્થિતિ માત્ર ફિલ્મી પડદે થોડી છે? આજે પણ દેશના એવા કેટલાંયે ગામો છે જ્યાં ઘરમાં શૌચાલય બનાવવાનો વિરોધ કરવામાં આવે છે અને આખાયે ગામમાં ગણ્યા ગાંઠ્યા ઘરોમાં જ શૌચાલય જોવા મળે. તેવામાં ઉત્તર પ્રદેશના આ ગામની પંચાયતે જે મહત્ત્વનો નિર્ણય લીધો છે તે ખરેખર ગ્રામજનો અને દેશ માટે ફાયદાકારક સાબિત થશે.

image


પંચાયતમાં ગ્રામજનોએ નિર્ણય લીધો કે જે ઘરમાં શૌચાલય નહીં હોય, તે ઘરમાં બ્રહ્મણપુટ્ઠી ગામનો કોઈ નાગરિક પોતાની દીકરીના લગ્ન નહીં કરાવે!

પ્રાઈમરી સ્કૂલમાં આયોજિત આ પંચાયતમાં સરપંચ સહિત ગામના તમામ લોકોએ પોતપોતાનું મંતવ્ય આપ્યું. મહિલાઓ, સ્કૂલની છાત્રાઓ પણ આ પંચાયતમાં મોટી સંખ્યામાં હાજર રહી.

ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લાના બ્રહ્મણપુટ્ઠી ગામના લોકોએ 'સ્વચ્છ ભારત અભિયાન' અંતર્ગત એક સરાહનીય પગલું ભર્યું છે. ગ્રામજનોએ પંચાયતમાં ખુલ્લામાં શૌચ ન કરવાના પ્રણ લીધા છે. પંચાયતમાં ગ્રામીણોએ નિર્ણય લીધો છે કે જે ઘરમાં શૌચાલય નહીં હોય તે ઘરમાં કોઈ પોતાની દીકરી નહીં પરણાવે. 

પંચાયતના આ નિર્ણય બાદ ગામની મહિલાઓ અને બાળકોના ચહેરા ખુશીથી ખીલી ઉઠ્યા છે. ખુલ્લામાં શૌચ કરવામાંથી ગ્રામજનોને બહાર લાવવા આ નિર્ણય ઘણો કારગર સાબિત થઇ રહ્યો છે. પહેલી વખત બાગપતની કોઈ પંચાયતે આ પ્રકારનો નિર્ણય લીધો છે.

ગ્રામજનો માટે ગર્વની ક્ષણ

ગ્રામજનો પણ કેન્દ્ર સરકારના સ્વચ્છ ભારત મિશનને હવે સમજીને સ્વીકારી રહ્યાં છે. આ ગામના રહેવાસીઓ કહે છે કે ખુલ્લામાં શૌચ કરવાથી કીટાણું પેદા થાય છે, ગામમાં ગંદકી ફેલાય છે જેના કારણે ગમે તેવી બીમારીઓ ઘર કરે છે. ગામની એક મહિલા મુન શર્માએ કહ્યું,

"અમાર ગામ બ્રહ્મણપુટ્ઠીના તમામ રહેવાસીઓ અને અમારા ગામના સરપંચનો આ નિર્ણય છે કે અમે અમારા બાળકોના લગ્ન એવા જ ઘરમાં કરીશું જે ઘરમાં શૌચાલય હોય. તેનાથી અમને મહિલાઓને ઘણો ફાયદો રહેશે, નહીંતર અમારે અવારનવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે."

ખુલ્લામાં શૌચ એટલે બીમારીઓને નિમંત્રણ

આપણા દેશમાં કરોડો લોકો ખુલ્લામાં શૌચ કરે છે. તેનાથી વાતાવરણ તો પ્રદૂષિત થાય જ છે પણ સાથે સાથે બીમારીઓનો પણ ફેલાવો થાય છે. સર્વેક્ષણમાં એ વાત પણ સામે આવી કે ખુલ્લામાં શૌચ કરવાથી બાળકોનો શારીરિક ગ્રોથ ઓછો થઇ રહ્યો છે. ખુલ્લામાં થયેલું શૌચ કોઈ ને કોઈ રીતે વ્યક્તિના ખાવા-પીવામાં સામેલ થાય છે. તેના કારણે ઘણી બીમારીઓ થઇ શકે છે. ખુલ્લામાં શૌચ કરવાથી પાણીની ગુણવત્તા ખત્મ થઇ જય છે અને પાણી પીવાલાયક નથી રહેતું. જેનાથી ઘણી બીમારીઓ થવાની સંભાવના રહે છે. 


જો આપની પાસે પણ કોઈ વ્યક્તિની રસપ્રદ સફરની વાત છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ, તો અમને લખી મોકલાવો [email protected] પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે દ્વારા અમારી સાથે Facebook અને Twitter પર જોડાઓ...