બાળકોની આ વાનરસેનાએ સિટી વગાડીને ઇન્દોરના 4 ગામોને ખુલ્લામાં શૌચક્રિયાની સમસ્યાથી કર્યાં મુક્ત! 

0

ઇન્દોરના ચાર ગામોને બાળકોની વાનરસેનાએ ખુલ્લામાં શૌચક્રિયાથી મુક્ત કર્યાં

પાંચથી બાર વર્ષનાં બાળકોએ આ કામમાં અગત્યની ભૂમિકા ભજવી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સ્વચ્છ ભારત યોજનાએ આ કામ માટે પ્રેરણા આપી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત યોજના શરૂ કરી છે જેને દેશવાસીઓ વિવિધ રીતે અમલમાં લાવી રહ્યા છે. તેમજ અન્ય લોકોને સ્વચ્છ રહેવા માટેની પ્રેરણા પણ આપી રહ્યા છે. દરેક લોકોએ સ્વચ્છ રહેવાનું છે અને પોતાની આસપાસના વિસ્તારોમાં તે અંગેની જાગરૂકતા લાવવાની છે. સ્વાભાવિક છે કે આ એક અભિયાન હોવાને કારણે તેમાં ઉંમરનો કોઈ બાધ નથી. રામાયણમાં વાનરસેનાનાં કારસ્તાનો ખૂબ જ પ્રખ્યાત છે. પરંતુ મધ્યપ્રદેશના ઇન્દોર જિલ્લામાં લગભગ 10 હજાર બાળકોની વાનરસેનાએ આશ્ચર્યજનક કામ કર્યું છે. આ ભૂલકાંઓએ ખુલ્લામાં શૌચક્રિયાને સંપૂર્ણપણે નાથવામાં અગત્યની ભૂમિકા ભજવી છે.

ઇન્દોરના જિલ્લા અધિકારી પી. નરહરિએ દેપાલપુર વિસ્તારમાં ખુલ્લામાં શૌચક્રિયાથી મુક્ત થયેલા ચાર ગામોનું નીરિક્ષણ કર્યા બાદ યોરસ્ટોરીને જણાવ્યું,

"ખુલ્લામાં શૌચક્રિયાથી મુક્તિના અભિયાનમાં 5થી 12 વર્ષની ઉંમરના લગભગ 10 હજાર બાળકોની ટોળીનું અગત્યનું યોગદાન છે. આ ટોળકીનાં બાળકોની તોફાની હરકતોને કારણે અમે તેમને વાનરસેના નામ આપ્યું છે. આ બાળકોએ દરેક ગામમાં 20-30 બાળકોની ટોળકી બનાવીને તેમને વાનરસેના સાથે જોડ્યાં. પછી એવાં સ્થળો શોધ્યાં કે જ્યાં લોકો ખુલ્લામાં શૌચક્રિયા કરવા જતાં હતાં. આ સ્થળે જતા રસ્તાઓ ઉપર બાળકોની ટોળકી ગોઠવાઈ જતી. જ્યારે આ બાળકોએ ખુલ્લામાં શૌચક્રિયા કરતાં લોકો સામે વારંવાર સિટી વગાડી તો લોકોને ક્ષોભ થયો. અને તેમણે પાકાં શૌચાલયોનો ઉપયોગ કરવાનો શરૂ કરી દીધો."

જિલ્લાઅધિકારી પી. નરહરિએ જણાવ્યું હતું કે વાનરસેનામાં સામેલ કેટલાંક નટખટ બાળકો એવાં પણ હતાં કે તેઓ ખુલ્લામાં શૌચક્રિયા કરવા જઈ રહેલાં લોકોના હાથમાં રહેલાં ડબલાંનું પાણી ઢોળી નાખતા હતા. તેવામાં તે લોકોએ તરત જ પાછા ઘરે જવું પડતું હતું. તેમણે જણાવ્યું કે જિલ્લાની 312 ગ્રામ પંચાયતોના 610 ગામોના લગભગ તમામ ઘરોમાં પાકાં શૌચાલયોનો ઉપયોગ શરૂ થઈ ચૂક્યો છે.

શરૂઆતમાં તો ખુલ્લામાં શૌચક્રિયા કરનારા લોકોને વાનરસેનાની હરકતો વિચિત્ર લાગતી હતી. પરંતુ જ્યારે તેમને ખ્યાલ આવ્યો કે બાળકો લોકોનાં આરોગ્ય માટે જ આ બધું કરી રહ્યાં છે ત્યારે તેમને ભાન થયું કે આવું કરવું ખોટું છે. ધીમે ધીમે ખુલ્લામાં શૌચક્રિયા કરનારા લોકોએ આ પ્રવૃત્તિ ઓછી કરવાનું શરૂ કર્યું અને આજે એવી સ્થિતિ છે કે આખા ઇન્દોર જિલ્લામાં ખુલ્લામાં શૌચક્રિયા કરવા ઉપર ખૂબ જ મોટો અંકુશ આવી ગયો છે. ટૂંક સમયમાં તેને ખુલ્લામાં શૌચક્રિયાથી મુક્ત જિલ્લો જાહેર કરવામાં આવશે.

ખુલ્લામાં શૌચક્રિયા માટે જ્યારે લોકોને સિટી વગાડીને વાનરસેનાએ રોકવાનું કામ શરૂ કર્યું તો લોકોએ તેમને એક સવાલ કર્યો કે આખરે શૌચક્રિયા કરવા માટે ક્યાં જઇએ? ઘરમાં તો શૌચાલય છે જ નહીં. તેવામાં જિલ્લાનું વહીવટીતંત્ર આગળ આવતું અને શૌચાલય બનાવવા માટે તેમને ગ્રાન્ટ આપતું હતું. લોકોને ગ્રાન્ટ મળવા લાગી અને વહીવટીતંત્ર સાથે વાનરસેનાની મહેનત પણ રંગ લાવવા લાગી. જોતજોતામાં જિલ્લામાં છેલ્લા ચાર મહિનામાં 25 હજાર કરતાં વધારે શૌચાલયો બનાવવામાં આવ્યા છે. જ્યારે 15 હજાર શૌચાલયો અન્ય સ્રોતો મારફતે બનાવવામાં આવ્યા છે.

એમ કહેવાય છે કે મોડેમોડે પણ લોકોમાં સમજ આવે છે પરંતુ તેના માટે તેમને તેમની રીતે સમજાવવા પડે, રોકવા પડે અને તેમને વિકલ્પ પણ આપવો પડે છે. ઇન્દોરમાં વાનરસેનાની સિટી જો ખુલ્લામાં શૌચક્રિયા કરનારાને રોકી શકતી હોય તો માની લો કે દેશમાં ચાલી રહેલાં સ્વચ્છતા અભિયાનો પણ અસરકારક નીવડશે. અને સ્વચ્છ ભારતનું સપપનું જરૂરથી સાકાર થશે.

લેખિકા- રૂબી સિંહ

અનુવાદ- મનીષા જોશી 

Related Stories