દરેકને કામ અપાવે છે ‘kaam24.com’

0

બ્લ્યૂ કે પછી ગ્રે કોલર જોબ માટે kaam24.com એક એવું મંચ છે જે રોજગારી શોધતા લોકોની સમસ્યાને ઘટાડી આપે છે. આ kaam24.comનો ઉદ્દેશ છે બ્લ્યૂ અને ગ્રે કોલર કર્મચારીઓ અને કંપનીઓ વચ્ચે એક એવા સેતુનું સર્જન કરવું જેથી બંનેને લાંબા સમય સુધી લાભ મળતો રહે. કંપનીઓને સારા કર્મચારીઓ મળે અને કર્મચારીઓને સારો પગાર મળવાની સાથે કટુવ્યવહારથી પણ બચાવી શકાય. હાલમાં બજારમાં એવી કેટલીક કંપનીઓ છે જે બ્લ્યૂ અને ગ્રે કોલર જોબની જરૂરિયાત પૂરી કરી છે પણ જ્યારે યોરસ્ટોરીએ kaam24.comના સ્થાપકોને તેના વિશે પૂછ્યું તો તેમણે કહ્યું કે હાલમાં બજારમાં બેથી ત્રણ કંપનીઓ જ છે પણ હાલ આ ક્ષેત્રમાં કોઈ ટોચની કંપની નથી. તેમણે એમ પણ જણાવ્યું કે, તેમની રણનીતિ એવી છે જે તેમને અન્ય કરતા અલગ રાખે છે. જેમ કે મિસ્ડ કોલની સુવિધા અને નોકરીની શોધ કરનારા લોકોનું ઓફલાઈન રજિસ્ટ્રેશન. કંપની જણાવે છે કે, હવે અન્ય કંપનીઓ પણ આ કોન્સેપ્ટ અપનાવી રહી છે. કંપની સતત પોતાના ડેટાબેઝને મજબૂત કરવા પ્રયાસ કરી રહી છે અને સાથે સાથે એવા કર્મચારીઓની પણ મદદ કરે છે જે ઈન્ટરનેટનો ઉપયોગ નથી કરતા. કંપની પોતાના ડેટાબેઝમાં હજારો પ્રોફાઈલ રાખે છે જેથી કંપનીઓને કર્મચારી પસંદ કરવામાં સરળતા રહે. કંપની જણાવે છે કે, કર્મચારીઓની શોધ કરનારી કંપનીઓ તેમની પાસે આવે છે તેમને માર્કેટમાં હાજર અન્ય ખેલાડીઓની સરખામણીએ 50 ટકા ઓછી કિંમતે રિઝ્યૂમ પેકેજ મળે છે. કંપનીનું રિઝ્યૂમ પેકેજ 899 રૂપિયાથી શરૂ થાય છે. કંપનીના તમામ સ્થાપકો સીએ છે અને તેમના મતે તેમના બેકગ્રાઉન્ડના કારણે જ તેઓ આ જોખમ ઉઠાવી રહ્યા છે.

કંપનીના સહસ્થાપક ફારુક લારી, મયંક બંસલ, માનવ બજાજ અને સચિન જૈન તમામ ફાઈનાન્સ અને પ્રોસેસ કન્સલ્ટિંગનો અનુભવ ધરાવે છે. સ્થાપકોનું માનવું છે કે, તે જોખમ દ્વારા સમાજમાં એક સકારાત્મક પ્રભાવ પાડવા માગે છે અને તેથી જ તેમણે કંપનીનું વિઝન, ‘કમાયેગા ઈન્ડિયા, બઢેગા ઈન્ડિયા’ રાખ્યું છે. kaam24.comની શરૂઆત અંગે સહસ્થાપક ફારુક લારી જણાવે છે,

"પ્રોફેશનલ કરિયર દરમિયાન જ્યારે અમે અમારી ઓફિસમાં કામ કરતા હતા ત્યારે અમે અનુભવ્યું કે, દરેક ઓફિસ પછી તે નાની હોય કે મોટી, દરેક દુકાન, દરેક શોરૂમમાં આવા લોકોની જરૂર પડતી હતી. અમાપ શક્યતાઓ છતાં આ ક્ષેત્રમાં નોકરીની શોધ કરવી પડતી અને તે ખૂબ જ મોટા પડકાર જેવી હતી. બીજી તરફ માલિકોને પણ કર્મચારીઓ શોધવામાં મુશ્કેલી પડતી હતી. અખબાર અને એજન્ટો દ્વારા સારા કર્મચારીઓ શોધવામાં આવતા. આ વિચારોએ જ મોબાઈલ અને વેબ આધારિત પ્લેટફોર્મ તૈયાર કરવામાં મદદ કરી. આ રીતે નોકરી શોધનારને તો મદદ મળશે જ સાથે સાથે નોકરી રાખનારા લોકોને પણ યોગ્ય સમયે યોગ્ય કર્મચારી શોધવામાં મદદ મળશે. સાથે સાથે દેશના સામાજિક, આર્થિક વિકાસમાં પણ યોગદાન આપી શકાશે."

કંપની દાવો કરે છે કે તેમણે અત્યાર સુધીમાં 50,000 લોકોને નોકરી આપનારા સાથે જોડી આપ્યા છે. હાલમાં કંપની રિઝ્યૂમ સબસ્ક્રિપ્શન અને જોબ પ્રમોશન દ્વારા આવક ઉભી કરી રહી છે અને આ નફો કંપનીને સીધો જ નોકરી રાખનારા પાસેથી મળે છે. ભવિષ્યમાં કંપની અન્ય પ્રોડક્ટ લોન્ચ કરવાનું વિચારી રહી છે.

આ અંગે kaam24.comનું કહેવું છે કે, તેઓ નોકરીની શોધ કરનારા લોકોને અને નોકરી રાખનારા લોકોને વધુ મહત્વ આપવાની માનસિકતાને વિકસિત કરવા માગે છે. આ માટે કંપની સતત સંશોધન કરતી રહે છે જેથી નોકરી રાખનારા લોકો માટે શક્ય એટલા તમામ પ્રયાસ કરી શકાય. તેનાથી ઉમેદવારી ભરતીનો સમય ઓછો થાય અને સરળતાથી કર્મચારી પણ આ સેવાનો ઉપયોગ કરે.

કંપની જણાવે છે કે, તે તબક્કાવાર પોતાને પેન ઈન્ડિયામાં સ્થાપિત કરવાનું લક્ષ્ય ધરાવે છે. તે ઈચ્છે છે કે આ એક એવું પ્લેટફોર્મ બને જેનાથી માત્ર મોટા અને મધ્યમ વેપારીઓની જથ્થાબંધ જરૂરિયાતો પૂરી કરી શક્યા અને નાના વેપારીઓથી માંડીને નાની દુકાનો અને ઘરેલુ જરૂરિયાતો માટે પણ કર્મચારીઓ રાખવાની પ્રક્રિયા સરળ બને. જે અત્યાર સુધી મોબાઈલ અને ટેકનિક અધારિત હાયરિંગ બેઝ્ડ પ્રક્રિયાથી વંચિત હતું. કંપની જણાવે છે કે તે દરેક બ્લ્યૂ અને ગ્રે કોલર જોબ શોધનારને પોતાના પ્લેટફોર્મ પર લાવવા માગે છે અને તેના દ્વારા તેમને સારી નોકરી અને ગુણવત્તાસભર જીવન આપવામાં મદદ કરવા માગે છે.

કંપનીના સહસ્થાપકો જણાવે છે કે, તે આ જોખમથી સંપૂર્ણ સંતુષ્ટ છે. તેઓ જણાવે છે,

"આ તો માત્ર શરૂઆત છે અને તેમણે ઘણી લાંબી મજલ કાપવાની છે. આ સાહસ દ્વારા નોકરી આપનારા અને નોકરી શોધનારા લોકોની ખૂબ જ મોટી સમસ્યાનું નિરાકરણ લાવવા માગે છે. આ વર્ગના લોકોની મદદ કરીને તેઓ દેશને વિકાસના આગળના તબક્કે લઈ જવા માગે છે."

લેખક- એસ ઈબ્રાહિમ

અનુવાદક- મેઘા નિલય શાહ

Related Stories