‘She is me’, એક એવી ફિલ્મ જે મહિલાઓ પર થતાં અત્યાચારનો ફોડે છે ભાંડો!

0

'She is Me' નામની ફિલ્મની નિર્માત્રી યામિની રમેશ કહે છે, "ફિલ્મે સમાજનો બીજો ચહેરો બતાવ્યો છે, આ એક જાણકારી માત્ર નથી, એક વાસ્તવિકતા છે."

છોકરીઓ, મહિલાઓનું શોષણ સતત ઝડપથી વધી રહ્યું છે. એવું પણ કહી શકાય કે હવે આવી ઘટનાઓની જાણકારીઓ સતત સામે આવી રહી છે. સામાન્ય રીતે બસોમાં મુસાફરી કરતી, ભીડભાડમાં, રોડ પર ચાલતાં અને ઑફિસોમાં મહિલાઓએ છેડતીનો સામનો કરવો પડે છે. ‘She is me'ની નિર્માતા યામિની રમેશ કહે છે, “ભારતમાં ઘણી યુવતી સાથે બળજબરી થતી હોય છે. મારી સાથે પણ થઈ છે. જે આ લેખ વાંચતા હશે તેની સાથે પણ કદાચ થયેલી હશે. એટલે આ મહત્ત્વપૂર્ણ છે. મારું માનવું છે કે દરેકના અવાજ અને સકારાત્મક બદલાવનું મહત્ત્વ છે. એટલે હું આ કહી રહી છું અને એટલે આ ફિલ્મ મારા માટે મહત્ત્વપૂર્ણ છે. હું લોકોને મળી અને તેમની સાથે જે થયું એ સાંભળીને આત્મા હચમચી ઉઠ્યું."

યામિની અગાઉ મુંબઈમાં મીડિયા ક્ષેત્રે કામ કરતી હતી. તેની પાસે ફિલ્મ બનાવવાનો કોઈ અનુભવ નહોતો અને ન તે સક્રિય રીતે તે ક્ષેત્રમાં કંઈ કરવા માગતી હતી. ‘શી ઇઝ મી’ જેવી ફિલ્મ બનાવવી એ તેના માટે ભાવનાઓ વ્યક્ત કરનાર હતું. આ ફિલ્મ દિલ્હી અને એનસીઆરમાં મહિલાઓ પર થયેલા અત્યાચાર પર છે. આ ફિલ્મની દરેક સ્ટોરી રૂંવાડા ઉભા કરી દેનારી છે. તે આ અંગે કહે છે, "આ વાર્તાઓ માત્ર અરુણા શાનબાગ, ભંવરી દેવી, સ્કારલેટ કિલિંગ અને નિર્ભયાની નથી, આ એ સૌની છે, જે મહિલા, આપણા આ સમાજમાં ફેલાયેલા અત્યાચારને સહન કરી રહી છે. દરેક પીડિતને જ્યારે હું મળતી હતી ત્યારે એવું લાગતું હતું કે જાણે તે હું જ છું.”

યામિની જ્યારે ભણતી હતી ત્યારથી જ તેણે આ ફિલ્મ પર કામ કરવાનું શરૂ કરી દીધેલું. સંસાધન ઓછાં હતાં, પરંતુ તેના મિત્રોએ તેને મદદ કરી. તેનું કહેવું છે, "ચાર લોકોની ટીમ મારી સાથે કામ કરતી હતી. અમારી પાસે બે DSLR કેમેરા હતા. અમે સગા-સંબંધીઓના ઘરે રોકાતાં હતાં અને મેટ્રો કે બસમાં મુસાફરી કરતાં હતાં."

સંસાધનોના અભાવ છતાં પણ તે આ બધું કરવામાં સફળ થઈ ગઈ. તે હર્ષભેર કહે છે, "અમે આ કાર્ય એટલા માટે કરી શક્યાં કે લોકો બહુ સારા છે. કિરણ બેદી અને અર્નબ ગોસ્વામીની અમે મદદ લીધી. અમે એ લોકોને ઈ-મેઈલ અને મેસેજ કરતાં અને તેઓ મળવા માટે સંમત થઈ જતા."

તે માને છે કે એક ચીજ તે વધારે સારી રીતે કરી શકી હોત, “અવાજ, કાશ અમારી પાસે માઇક હોત તો અમે વધુ સારું કાર્ય કરી શક્યા હોત. આમાં અવાજ સંભળાય તો છે, પરંતુ મજા નથી આવતી. આ મારી પહેલી ફિલ્મ હતી અને મને ઝાઝી ખબર નહોતી પડતી, કદાચ એટલે અવાજ બહુ સારો નથી આવ્યો. મોટાભાગે, ફિલ્મને સારી પ્રતિક્રિયા મળી છે. અનેક લોકોએ આ ફિલ્મ જોયા પછી મને લાંબા લાંબા મેસેજ કર્યા. તેમણે મને પોતાની વાતો-અનુભવો જણાવ્યા અને મને આ મુદ્દો ઉઠાવવા બદલ અભિનંદન પાઠવ્યા. કમનસીબે બહુ ઓછા લોકોએ આ ફિલ્મ જોઈ છે. જોકે, જેણે પણ જોઈ છે, તેમને આ ફિલ્મ બહુ ગમી છે."

આ ફિલ્મ બનાવવામાં બહુ ઓછા પૈસા ખર્ચાયા છે અને તેમાંથી પૈસા કમાવવાનો કોઈ ઈરાદો પણ નહોતો. આ એક કોશિશ હતી, જેમાં યામિનીએ પોતાના અનુભવોને ફિલ્મના માધ્યમથી દર્શાવ્યા. આ ફિલ્મ દ્વારા પરિવર્તનની શરૂઆત કરવામાં આવી. "હું એમ નહીં કહું કે આ ફિલ્મ બનાવ્યા પછી હું બદલાઈ ગઈ, કારણ કે મેં હંમેશાં હમદર્દીની ભાવના મહેસૂસ કરી અને આજે પણ કરી રહી છું. હું એ માતાઓ સાથે રડી, જેમની દીકરીને તેની સાસુએ મારી હોય, કારણ કે તે ગર્ભધારણ નથી કરી શકતી. આવી બાબતો તમે ક્યારેય ન ભૂલી શકો. આવી બાબતોએ મારો દૃષ્ટિકોણ જ બદલી નાખ્યો છે."

યામિની કહે છે, “આ ફિલ્મ બનાવવામાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો, પરંતુ છેલ્લે બધું અમારા પક્ષમાં રહ્યું. મારી ટીમનો મને બહુ સહકાર મળ્યો. લોકો કહેતા હતા કે આનાથી કોઈ ફરક પડશે નહીં, અને તે સૌથી ખરાબ બાબત હતી. પણ હકીકત તો એ છે કે આનાથી ફરક પડે છે અને હજી પણ પડશે."

યામિની કહે છે, “આ ફિલ્મ સમાજમાં મહિલાઓ પ્રત્યેના દૃષ્ટિકોણને ખુલ્લો પાડે છે. આ ફિલ્મમાં કિરણ બેદી કહે છે, આપણે ‘દીકરો થશે’ જેવા આશીર્વાદને આપવા અને લેવાનું અટકાવવું પડશે. કવિતા કૃષ્ણન કહે છે કે આ પ્રકારના અપરાધ મહિલાઓ માટે સજારૂપ છે. બળાત્કારી જ નહીં, આપણો સમાજ પણ મહિલાઓને મજબૂર કરવા માટે જવાબદાર છે. મને આશા છે કે આ ફિલ્મના માધ્યમથી સમાજની માનસિકતામાં પરિવર્તન આવશે.”

જેણે પણ આ ફિલ્મ જોઈ છે તે આની પ્રશંસા કરી રહ્યું છે. ઘણા લોકો યામિનીને આ જ ક્ષેત્રમાં કરિયર બનાવવા માટે કહી રહ્યા છે, પરંતુ યામિની કંઈક જુદું જ માને છે. તે કહે છે, “આ ફિલ્મ બનાવવી એટલે મહત્ત્વપૂર્ણ હતી કે વિષય સારો હતો. મારે ઘણાં બધાં સાર્થક કામ કરવા છે. હું કાં તો સમસ્યાઓને ઉકેલી દઈશ અથવા પછી કોશિશ કરતાં કરતાં મરી જઈશ.”

તે અત્યારે યુવાન જરૂર છે, પરંતુ તેની માનસિકતા તેની ઉંમર કરતાં ઘણી આગળ છે. અનેક યુવાનો પરિવર્તન માટે આગળ આવી રહ્યાં છે. આશા છે કે યામિની લોકોને આરામદાયક જીવનશૈલીથી બહાર લાવવા અને પોતાના ઝુનૂન માટે કાર્ય કરવા માટે પ્રેરિત કરશે. સમાજ ઉપરાંત એ આપને પણ મદદ કરશે.

યામિની કહે છે, “ફિલ્મે સમાજનો બીજો ચહેરો બતાવ્યો છે, આ એક જાણકારી માત્ર નથી, એક વાસ્તવિકતા છે. હું ખુદને એ જગ્યાએ મૂકી જોઉં છું અને એ તમે પણ હોઈ શકો છો કે પછી તમારી ઓળખાણવાળું કોઈ પણ હોઈ શકે છે. કોઈ મદદ ન મળે, અન્યાય અને દર્દ, હવે વધારે સાંખી શકાય એમ નથી. 6 વર્ષની બાળકી પર બળાત્કાર અને પરિણીત યુવતીને એસિડ પીવડાવી દેવું, એ સમાજની હકીકત છે. તમે જો આ દુઃખ અને અન્યાયને સહન ન કરી શકો તો અવાજ ઉઠાવો. જેથી તમને પસ્તાવો ન રહે. મને લાગે છે કે તમે તમારા બાળકોને આ દુનિયા આપવા ઇચ્છશો નહીં અને આ જ બાબત તમને પરિવર્તન માટે પ્રેરિત કરશે.”

'She is me' ફિલ્મ જોવા અહીં ક્લિક કરો

લેખક- રેખા ચક્રવર્તી

અનુવાદ- સપના વ્યાસ

Freelance Journalist

Related Stories

Stories by Sapana Baraiya Vyas