રાજકોટના દંપત્તિની 'સ્વસ્થ' પહેલ, બનાવટી પીણાંને ટક્કર આપવા માર્કેટમાં લાવ્યા 'નેચરલ ફ્લેવર્ડ મિલ્ક'

1

આજકાલ માર્કેટમાં ઘણાં ઠંડા પીણા મળે છે. પણ વારંવાર વિવિધ તારણો થકી એ ઠંડા પીણા ક્યાંક ને ક્યાંક સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે તેમ પણ સામે આવતું રહ્યું છે. તેવામાં રાજકોટના ગૌરવ પારેખ અને તેમના પત્નીએ મનાલી પારેખે વિચાર્યું કે કેમ લોકોને સ્વાદ પણ મળી રહે, તેમણે ઠંડક પણ મળે પણ સાથે સાથે હેલ્ધી પણ હોય અને વિદેશી કંપનીઓના પીણાંની સામે ટક્કર આપી શકે તેવા કોઈ ડ્રિંકને માર્કેટમાં કેમ ન લાવવામાં આવે? બસ એ જ વિચાર સાથે શરૂઆત થઇ રીવાઈવ ટેકનોલોજીસની. અને આ કંપનીની સૌ પ્રથમ પ્રોડક્ટ જે માર્કેટમાં ઉતારી તે છે 'રીવાઈવ ફ્લેવર્ડ મિલ્ક.'

"અમારો આશય એક એવું ડ્રિંક બનાવવાનો હતો કે જે એક નાના બાળકથી લઈને કોઈ વૃદ્ધ વ્યક્તિ પણ પી શકે. અને એટલે અમે 100% નેચરલ ફ્લેવર્ડ મિલ્ક સાથે બજારમાં આવ્યા, જેમાં કોઈ જ કૃત્રિમ ફ્લેવર્સ, કે પ્રિઝર્વેટિવ્સ કે કૃત્રિમ કલર્સનો બિલકુલ ઉપયોગ નથી થતો."

તેમ મનાલી પારેખનું કહેવું છે.

ઘરના રસોડેથી થઇ હેલ્ધી ફ્લેવર્ડ મિલ્કની શરૂઆત

જોકે આ ફ્લેવર્ડ મિલ્કને લોન્ચ કર્યા પહેલા તેમણે ૨ વર્ષ જેટલો સમય માત્ર રીસર્ચ પાછળ લગાવ્યા. તેમના ઘરના રસોડેથી જ આ રીસર્ચની શરૂઆત કરવામાં આવી. અને એક મશીનરીથી શરૂ કરાયેલું રીસર્ચ ૨ વર્ષના સમયગાળામાં ખૂબ મોટા પાયાના પ્રોડક્શન સુધી પહોંચી ગયું. જોકે આ ૨ વર્ષના સમયગાળામાં એવી ઘણી ક્ષણો આવી જ્યારે આ કપલ એ મૂંઝવણમાં રહેતું કે તેમની પ્રોડક્ટને સફળતા મળશે કે નહીં? પરંતુ એકબીજાને તેઓ સતત પ્રોત્સાહિત કરતા રહેતા અને આખરે 2 વર્ષના સમયગાળામાં તેમણે જે સપનું જોયું હતું તે સાકાર તેઓ કરી શક્યા. તેમની ૨ વર્ષની મહેનત બાદ તેમણે વર્ષ 2015માં 100% નેચરલ ફ્લેવર્ડ મિલ્ક લોન્ચ કર્યું. 

ઉત્પાદન પૂરું કરવા દિવસ-રાત કર્યાં એક!

તેમની સામે આવેલા પડકારો અંગે ગૌરવ જણાવે છે,

"શરૂઆતનો સમય એવો પણ હતો કે જયારે અમારી પાસે પૂરતાં કારીગરો કે સ્ટાફ ન હતો તેવામાં હું અને મનાલી દિવસ-રાત જાગતા અને પ્રોડક્શન પૂરું કરતા. અમે કેસર, બટરસ્કોચ, મોકા અને કૉલ્ડ કૉફી એમ ૪ ફ્લેવર્સ સાથે અમે માર્કેટમાં પ્રવેશ્યા." 

પ્રોડક્ટ માર્કેટિંગમાં પડી મુશ્કેલી

જ્યાં શરૂઆતમાં ગૌરવ અને મનાલીને પ્રોડક્શનમાં ઘણાં પડકારોનો સામનો કરવો પડ્યો ત્યાં માર્કેટિંગ માટે પણ તેમણે ઘણી મુશ્કેલીઓ વેઠવી પડી. આ અંગે ગૌરવ જણાવે છે,

"અમને નહોતી ખબર કે પ્રોડક્શનમાં આવેલા પડકારો તો હજી શરૂઆત છે. હજી તો અમે રાહતનો શ્વાસ લઇ, હિંમતપૂર્વક પ્રોડક્શન કામને સરળ બનાવી રહ્યાં હતા ત્યાં જ ફ્લેવર્ડ મિલ્કના માર્કેટિંગમાં તકલીફો પડવા લાગી. પહેલેથી જ માર્કેટમાં જે ફ્લેવર્ડ મિલ્ક પ્રોડક્ટ્સ ઉપલબ્ધ હતી તેના કરતા અમારું ફ્લેવર્ડ મિલ્ક કિંમતમાં વધારે હતું કારણ કે અમે કોઈ જ કૃત્રિમ વસ્તુઓનો ઉપયોગ ન કરી માત્ર કુદરતી સામગ્રીથી જ ફ્લેવર્ડ મિલ્કનું ઉત્પાદન કરતા. પણ લોકો એ વાત નહોતા સમજતા કે ઓછી કિંમત આપી તેઓ હલકી ગુણવત્તાના પીણાં પીવે છે." 

એક એવો સમય હતો કે આ કપલને લોકો અપોઈન્ટમેન્ટ માટે દિવસો રાહ જોવડાવતા. અને તેમની પાસે રાહ જોવા સિવાય અન્ય કોઈ વિકલ્પ પણ નહોતો. પરંતુ ગૌરવ અને મનાલીએ હિંમત ના હારી અને તેમના ધ્યેય સુધી પહોંચવા મક્કમપણે આગળ વધતાં રહ્યાં. પરંતુ ધીરે ધીરે તેમની તમામ સમસ્યા દૂર થવા લાગી અને કામ સરળ બનવા લાગ્યું. જોકે આજે તે બંનેનું માનવું છે કે એ કઠિન પરિસ્થિતિઓને કારણ જ તેઓ આજે સફળ થઇ શક્યા છે. 

ગામો બાદ શહેરોમાં લીધી એન્ટ્રી!

શરૂઆતમાં રીવાઈવ ફ્લેવર્ડ મિલ્કને ગુજરાતમાં વિવિધ ગામો સુધી પહોંચાડવામાં આવ્યું. અને ત્યારબાદ ફાઉન્ડર્સને લાગ્યું કે આ પ્રોડક્ટ મોટા શહેરોમાં પણ એટલી જ લોકપ્રિય બનશે. ધીરે ધીરે શહેરોમાં માર્કેટિંગ શરૂ કરવામાં આવ્યું અને આજે આ ફ્લેવર્ડ મિલ્ક સુરત, વડોદરા, મુંબઈ, પૂણે, હૈદરાબાદ અને બેંગલુરુના માર્કેટમાં લોકપ્રિયતા મેળવી રહ્યું છે. જ્યારે હાલ રીવાઈવે યુવાનોને આકર્ષવા ચોકૉ મિન્ટ તેમજ દેસી ફ્લેવર ગણાતા શાહી ગુલકંદ ફ્લેવર્સમાં પણ નેચરલ મિલ્ક તૈયાર કરી લોન્ચ કર્યું છે. 

બિનઆરોગ્યપ્રદ પીણાંનો ઉપયોગ ઘટે તેવા પ્રયાસો પણ હાલ આ રાજકોટનું દંપત્તિ કરી રહ્યું છે, જેથી સૌ કોઈ એક હેલ્ધી લાઈફ જીવી શકે. જ્યારે આગામી શહેરમાં દેશના અન્ય શહેરોમાં પણ આ ફ્લેવર્ડ મિલ્ક પહોંચાડવામાં આવશે.

Khushbu is the Deputy Editor at YourStory Gujarati. You can reach her at khushbu@yourstory.com

Related Stories