રાજુ સૈનીએ અપરાધની દુનિયામાં જતા બાળકોને રોકીને મફત ભણાવી અપાવી જીવનમાં સફળતા!

રાજુ સૈનીએ અપરાધની દુનિયામાં જતા બાળકોને રોકીને મફત ભણાવી અપાવી જીવનમાં સફળતા!

Saturday January 09, 2016,

5 min Read

તેમનો અપરાધનો રસ્તો બંધ કરીને શિક્ષણ અને રોજગારનો માર્ગ ચીંધ્યો

ગરીબ વસતીના હજારો બાળકોને શિક્ષિત કરીને નોકરીઓ અપાવી

ઇન્દોરના સરકારી બગીચામાં છેલ્લાં 13 વર્ષથી સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાના મફત કોચિંગ ક્લાસ ચાલી રહ્યા છે

1 હજાર કરતા વધારે વિદ્યાર્થીઓએ સરકારી નોકરી મેળવી, 5 હજાર કરતાં વધારે શિક્ષણ લેવા જોડાયા

એમ કહેવાય છે કે મનમાં જો કામ કરવાની ધગશ હોય. તો રસ્તો ગમે તેટલો કપરો હોય પણ માર્ગ સરળ બની જાય છે. ઘણી વખત એમ પણ કહેવામાં આવે છે કે સ્રોતોની ઉણપના કારણે કામ થઈ શકતું નથી પરંતુ ઇન્દોરના રાજુ સૈની વિશે તમે વાંચશો તો તમને વિશ્વાસ બેસી જશે કે મનમાં ધગશ હોવી જોઇએ તો જિંદગી સમય અને માર્ગ જાતે બનાવી લે છે.

ઇન્દોરના નહેરુ પાર્કમાં છેલ્લાં 13 વર્ષથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવવા માટે એક ખાસ કોચિંગ ક્લાસ ચાલે છે. રાજુ સૈની સરના કોચિંગ ક્લાસ અહીં છતનાં નામે આકાશ છે અને બેસવા માટે જમીન. ભણવાનાં સાધનોનાં નામે તેમની પાસે કશું જ નથી. આ તમામ મુશ્કેલીઓ છતાં સફળ થવાની 100 ટકા ગેરંટી છે. અહીંની ખાસ વાત એ છે કે સફળતાની 100 ટકા ગેરંટી હોવા છતાં ભણવા માટે કોઈ ફી નથી ચૂકવવી પડતી. ભણવાનું તદ્દન મફત. આજે આ કોચિંગ ક્લાસમાં આવેલા એક હજાર જેટલા વિદ્યાર્થીઓને સરકારી નોકરી મળી ગઈ છે. આમાંના અનેક વિદ્યાર્થીઓને જો રાજુ સૈનીનો સાથ ન મળ્યો હોત તો તેઓ અંધારી આલમમાં પોતાની ધાક જમાવી ચૂક્યા હોત.

image


રાજુ સૈનીના જુસ્સાની આ કથાને સમજવા માટે અમે તમને તેમનાં બાળપણમાં લઈ જઈએ. ઇન્દોર માલવા મિલ વિસ્તારની ચાર ગરીબ ઝૂંપડપટ્ટીઓ પંચમ કી ફેલ, ગોમા કી ફેલ, લાલા કા બગીચા અને કુકર્ણી ભટ્ટા અપરાધ માટે આખા શહેરમાં જાણીતી હતી. રાતની વાત તો દૂર રહી દિવસે પણ અહીંથી કોઈ નીકળવાનું પસંદ નહોતું કરતું. પંચમ કી ફેલમાં રહીને કેટલાક ગરીબ બાળકો સાથે અભ્યાસ કરનાર રાજુની આસપાસ દિવસ-રાત અપરાધિક વાતાવરણ જ જોવા મળતું હતું. રાજુનાં ઘરની સ્થિતિ સારી નહોતી. પિતા રિક્ષા ચલાવતા હતા. તેના કારણે આખું ઘર ચાલતું હતું. રાજુના ઘણા મિત્રોએ ભણવાનું છોડી દીધું હતું. પરંતુ રાજુ આ સ્થિતિ સાથે લડતા-લડતા 8મા ધોરણ સુધી પહોંચ્યા.

રાજુએ યોરસ્ટોરીને જણાવ્યું,

"એક સમયે મને એવું લાગ્યું હતું કે આસપાસમાં લડાઈ-ઝઘડા, પોલીસના હોબાળા વચ્ચે અહીં ભણવું શક્ય નથી. તેથી મેં શાળામાંથી છૂટીને સીધો સરકારી બગીચા નહેરુપાર્કમાં આવીને ભણવાનું શરૂ કરી દીધું. અંધારું થાય ત્યાં સુધી હું ત્યાં જ વાંચતો અને રાતે ઘરે આવી જતો હતો. ગ્રેજ્યુએશન સુધી નહેરુપાર્કમાં જ ભણ્યો અને પછી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી શરૂ કરી દીધી."

આ દરમિયાન રાજુએ જ ત્યાંના કેટલાક વિદ્યાર્થીઓને બગીચામાં ભણાવવાનું શરૂ કરી દીધું. અને પોતાની પણ સરકારી નોકરીની પરીક્ષાની તૈયારીઓ ચાલુ રાખી. વર્ષ 2002માં રાજુએ સરકારી નોકરી માટે મફતમાં કોચિંગ આપવાનું શરૂ કરી દીધું. એટલું જ નહીં ઝૂંપડપટ્ટીમાં જઈને એવાં બાળકો શોધ્યાં કે જેમણે પોતાનો અભ્યાસ છોડી દીધો હતો. તેમને સમજાવીને ફરીથી ભણવાનું શરૂ કરાવડાવ્યું. ગ્રેજ્યુએશન કરી ચૂકેલા યુવાનોને સરકારી નોકરી માટેની પરીક્ષાઓની તૈયારી કરાવવાનું શરૂ કર્યું. વર્ષ 2002ની પહેલી બેચમાં માત્ર પાંચ જ વિદ્યાર્થીઓ હતા. ઝૂંપડપટ્ટીમાં રાજુ સૈનીનાં આ કામની મજાક પણ ઉડાડવામાં આવી કે પોતાને તો નોકરી મળી નથી બીજાને શું અપાવશે. વસતીમાં ગરીબીના કારણે બાળકોને ભણાવવાનું મુશ્કેલ હતું. તેના કારણે ભણવાનાં અને નોકરીનાં સપનાં દેખાડવા જ રાજુ માટે કપરું કામ હતું. પરંતુ તે પાંચ વિદ્યાર્થીઓની મહેનત રંગ લાવી અને તેમાંથી ચાર વિદ્યાર્થીઓને પહેલી વખતમાં જ નોકરી મળી ગઈ. એક વિદ્યાર્થી અજય જારવાલ પરીક્ષામાં પાસ થઈને સિકંદરાબાદ રેલવેમાં ગુડ્ઝ ગાર્ડની નોકરીમાં લાગ્યો. બીજો વિદ્યાર્થી અખિલેશ યાદવ મધ્યપ્રદેશ પોલીસમાં, ત્રીજો હેમરાજ ગુરસનિયા આરપીએફમાં અને ચોથો લોકેશ જારવાલ આસિસ્ટન્ટ પ્રોફેસરની નોકરીમાં લાગી ગયો. આ તમામ લોકોનું ઝૂંપડપટ્ટીમાં ફૂલ-હાર અને ઢોલ નગારાં સાથે સ્વાગત કરવામાં આવ્યું. આ વાત આખા વિસ્તારમાં આગની જેમ પ્રસરી ગઈ. અને તે પછી તે લોકોની વિચારધારામાં પરિવર્તન શરૂ થયું. બધાંને લાગવા લાગ્યું કે અપરાધ અને મજૂરીની કારમી જિંદગી કરતાં પણ દુનિયામાં કંઈક કરવા જેવું છે. પછી શું હતું રાજુને અભ્યાસની અલખ જગાવવામાં વધારે મહેનત ન કરવી પડી. 2003ની બેચમાં 8માથી માંડીને સ્નાતક થઈ ચૂકેલા 40 વિદ્યાર્થીઓ પોતાનું ભાવિ સુધારવા માટે રાજુ સરના કોચિંગમાં આવી ચૂક્યા હતા. ધીરેધીરે સંખ્યા વધવા લાગી અને છેલ્લાં 13 વર્ષમાં 1 હજાર વિદ્યાર્થીઓ રાજુ સરના કોચિંગમાંથી સરકારી નોકરી મેળવવામાં સફળતા મેળવી ચૂક્યા છે.


image


વર્ષ 2004માં રાજુ પણ સફળ થઈને રેલવેમાં સ્ટેશન માસ્તરની નોકરીએ લાગી ગયા. ઇન્દોરની પાસે દેવાસમાં રાજુનું પોસ્ટિંગ થયું. ત્યારથી માંડીને આજ સુધી રાજુ નોકરી પૂરી કરીને સીધા ઇન્દોર આવે છે અને ઘરે નહીં પરંતુ નહેરુ પાર્ક પહોંચી જાય છે. જ્યાં તેમના વિદ્યાર્થીઓ તેમની રાહ જોતા હોય છે. રાજુ સૈનીનું કહેવું છે કે તેમને નોકરી મળ્યા બાદ માહોલમાં ઝડપથી પરિવર્તન આવ્યું. જે લોકો મને નોકરી નથી મળી એવાં મહેણાં મારતાં હતાં તે લોકો પોતાનાં બાળકોને નોકરી મેળવવા માટે મારી પાસે મોકલવા લાગ્યા. અચાનક આવેલાં પરિવર્તને તે વિસ્તારના માહોલને પણ બદલી નાખ્યો. 1990 સુધી આ વિસ્તારને અપરાધ માટે ઓળખવામાં આવતો હતો. અહીં દરેક ઘરમાં એક અપરાધી રહેતો હતો અથવા તો દારૂણ ગરીબીમાં જીવન વ્યતિત કરવું પડતું હતું. પરંતુ આજે આ વસતીમાં 500 કરતાં વધારે સરકારી કર્મચારીઓ રહે છે. કે જેઓ પોતાની આગામી પેઢી માટે એક દાખલો બેસાડી રહ્યા છે. અહીંની ઘણી યુવતીઓ પણ સરકારી ઓફિસોમાં સારા હોદ્દા ઉપર પોતાની સેવા આપી રહી છે. રાજુ છેલ્લાં 15 વર્ષથી દર 12 જાન્યુઆરીએ યુવા દિવસ મનાવે છે. જેમાં ઘરેઘરે જઈને ગરીબ પરિવારોમાં શિક્ષણ અંગે જાગરૂકતા ફેલાવવામાં આવે છે. કોચિંગમાં મદદ માટે રાજુના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જ તેમને મદદ કરે છે.

image


રાજુએ યોરસ્ટોરીને જણાવ્યું,

"ઘણાં લોકો મને સવાલ કરે છે કે લાંચ આપ્યા વિના સરકારી નોકરીઓ મળતી નથી પરંતુ મારું એવું કહેવું છે કે પૈસો ક્યાંય ચાલતો નથી. માત્ર માર્ગદર્શન ચાલે છે. સાચી દિશામાં જો બાળકોને આગળ ધપાવવામાં આવે તો તે સફળતા મેળવીને જ જંપશે."

આજે રાજુ પાસે ઇન્દોર ઉપરાંત આસસપાસના જિલ્લાના ગરીબ લોકોને ભણાવે છે. ઘણા વિદ્યાર્થીઓનું કહેવું છે કે જો રાજુ સર ન હોત તો આજે તેઓ કોઈ નાની-મોટી દુકાનમાં નોકરી કરતાં હોત અથવા તો પોલીસના ચોપડે ચડી ગયા હોત. 38 વર્ષીય રાજુએ બીજા લોકોનું જીવન સુધારવા માટે હજી સુધી લગ્ન નથી કર્યાં.

લેખક- સચિન શર્મા

અનુવાદ- અંશુ જોશી