એક સમયે કોલ સેન્ટરમાં નોકરી કરતી સૌમ્યા આજે ઓનલાઈન ફેશન પોર્ટલની માલિક, દર વર્ષે કરે છે કરોડોનું ટર્નઓવર!

નિષ્ફળતા સામે ઝઝૂમી સફળતાના શિખર સર કરતી સૌમ્યા ગુપ્તા!

0

એક સમયે સૌમ્યા ગુપ્તાને તેના ઓળખતાં લોકો એક નિષ્ફળ વ્યક્તિ માનતા હતા. તેમના સગાસંબંધી, મિત્રો અને પ્રિયજનો બધાને એક જ ચિંતા હતી કે સૌમ્યાનું શું થશે? બધાને સૌમ્યા દિશાહિન લાગતી હતી અને તેમનું જીવન અનિશ્ચિતતાઓથી ઘેરાઈ ગયું હતું. પણ તમામ અવરોધો અને નકારાત્મકતા વચ્ચે સૌમ્યાએ ગજબની હિંમત દાખવી.

સૌમ્યાએ શાળાનું શિક્ષણ મુંબઈમાં પૂર્ણ કર્યું અને અમેરિકામાં પાયલોટ બનવા ઉચ્ચ અભ્યાસ કરવા ગઈ હતી. તેણે અમેરિકામાં પાયલોટ બનવા રૂ. 50 લાખનો ખર્ચ કર્યો હતો. તેને અને તેના પરિવાજનોને આશા હતી કે પાયલોટનો અભ્યાસક્રમ પૂર્ણ થતાં જ સૌમ્યા કોઈ જાણીતી એરલાઇન્સ કંપનીના વિમાનો ઉડાવતી હશે. પણ સ્થિતિ સંજોગો ક્યારેય બદલાય છે તેની કોઈને ખબર હોતી નથી.

વર્ષ 2008માં સૌમ્યા પાયલોટ બની ગઈ હતી. તે જ વર્ષે અમેરિકામાં લેહમન બ્રધર્સ નામની નાણાકીય સંસ્થાના પતન સાથે સમગ્ર વિશ્વમાં મંદીનું મોજું ફરી વળ્યું હતું. તેમાં સૌથી વધુ ફટકો એરલાઇન્સ કંપનીઓ અને પાયલોટ સમુદાયને પડ્યો હતો. એરલાઇન્સ કંપનીઓએ તેમની ઘણી ફ્લાઇટ્સ કેન્સલ કરી હતી અને પાયલોટને છૂટાં કર્યા હતા. આ સમયે સૌમ્યાને પાયલોટની નોકરી મેળવવી મુશ્કેલ જ નહીં, અશક્ય હતી.

સૌમ્યા એક વર્ષ સુધી ઘરે બેસી રહી અને વિવિધ એરલાઇન્સ કંપનીઓમાં અરજી કરતી રહી. યુવાન વયે કોઈ પણ પ્રકારના કામ વિના ઘરે બેસી રહેવું મુશ્કેલ છે અને નિરાશા ઘર કરી જાય છે. આ મુશ્કેલ સમયગાળાને યાદ કરીને તે કહે છે,

"વર્ષ 2008માં મહામંદીનો તબક્કો શરૂ થયો હતો અને બરોબર એ જ સમયે મેં પાયલોટનો કોર્સ પૂર્ણ કર્યો. હું એક વર્ષ સુધી વિવિધ એરલાઇન્સ કંપનીઓમાં અરજી કરતી રહી. પણ ક્યાંયથી જવાબ મળતો નહોતો. એરલાઇન્સ કંપનીઓ પાયલોટ છૂટાં કરતી હતી તેવામાં મને નોકરી ન મળે એ સ્વાભાવિક હતું. જેમ જેમ મહિનાઓ પસાર થયા, તેમ તેમ મારી નિરાશા વધતી ગઈ અને હું ડિપ્રેશનમાં આવી ગઈ. મને ભાતભાતના વિચારો આવતા હતા. હું પાયલોટ છું તો પણ મને વિમાન ઉડાવવાની તક કેમ મળતી નથી તેવા વિચારો આવતા હતા. મને લાગતું હતું કે જો અનુભવ નહીં મળે તો મારી કારકિર્દી પર પૂર્ણવિરામ મૂકાઈ જશે."

આ વિકટ સમયમાં સૌમ્યાના માતાપિતાએ તેને અન્ય કોઈ નોકરી શોધી લેવાની સૂચના આપી. પણ અન્ય કોઈ ક્ષેત્રમાં નોકરી મેળવવી તેના માટે સરળ નથી. તે 12 સાયન્સ પાસ હતી અને પછી સીધો પાયલોટનો કોર્સ કર્યો હતો. ભારતમાં 12મા ધોરણ પાસને કોઈ નોકરી ન આપે. તેમાં સૌમ્યાને સારા પગારની નોકરી જોઇતી હતી. તેની ઉંમર 20 વર્ષ હતી. તે મૂંઝાઈ ગઈ હતી, પણ કહેવાય છે કે તમારી નિયત સારી હોય તો અંધારામાં પણ આશાનું કિરણ ફૂટે છે.

સૌમ્યા અંગ્રેજી ભાષા પર સારું પ્રભુત્વ ધરાવતી હતી એટલે તેને કોલ સેન્ટરમાં મહિને રૂ. 20,000ની નોકરી મળી ગઈ. સૌમ્યાએ નવેસરથી એકડો ઘૂંટવાનો શરૂ કર્યો. આ વિશે તે કહે છે,

"હકીકતમાં હું પાયલોટ બનવા માગતી હતી. હું જાણતી હતી કે આ કામ મારું નથી અને હું આ કામ માટે બની નથી. પણ સ્થિતિ સાથે સમાધાન કર્યા વિના છૂટકો નહોતો. મેં આઠ મહિના કોલ એટેન્ડ કર્યા અને નાણાં બચાવવાની શરૂઆત કરી. હું જાણતી હતી કે આ જ નાણાંમાંથી નવી દિશામાં આગળ વધવાનું સાહસ કરી શકીશ."

દરમિયાન એક દિવસ સૌમ્યા સંપૂર્ણપણે ભાંગી પડી. તેને અહેસાસ થયો કે તે હવે બીપીઓમાં કામ નહીં કરી શકે. આ સમયે તેના મમ્મીએ તેને શાંતિથી સમજાવી. સૌમ્યા સાથેની વાતચીતમાં તેની મમ્મીને અહેસાસ થયો કે તેને કશું નવું કરવું છે. તેમણે સૌમ્યા સાથે આ અંગે ચર્ચા કરી. તેમાં સૌમ્યાને ગાર્મેન્ટના વ્યવસાયમાં તેને પોતાને રસ હોવાનો અહેસાસ થયો. આ અંગે સૌમ્યા કહે છે,

"હું ફક્ત ગાર્મેન્ટ વિશે જ વિચારી શકતી હતી. મને તેનો શોખ હતો અને તેના વિશે સારું જાણતી હતી. મેં મારી મમ્મીને જણાવ્યું કે હું થોડા ગાર્મેન્ટ વેચવાનો અનુભવ લઉઁ. પછી આપણે ઘરે તેનું પ્રદર્શન રાખીશું. મારી માએ હંમેશા મને સાથસહકાર આપ્યો છે."

તેમાંથી ટેન ઓન ટેન ક્લોથિંગના બીજા રોપાયા.

તે દિવસે સૌમ્યાએ પાયલોટ બનવાના સ્વપ્નને કાયમ માટે ભૂલી જવાનો નિર્ણય લીધો. તેના માતાપિતાએ તેના નિર્ણયને વધાવી લીધો, પણ રૂપિયાની આશા ન રાખવાનું સ્પષ્ટ કહી દીધું. જોકે સૌમ્યા માટે તેમની સંમતિ જ સૌથી મોટી મૂડી હતી. તેણે શરૂઆતમાં બે જ લક્ષ્યાંક નક્કી કર્યાઃ એક તમામ બિલોની ચુકવણી કરવી અને રૂપિયા ફરતા રાખવા.

સૌમ્યાએ ગાર્મેન્ટ એક્સપોર્ટ કરતી વ્યક્તિનો સંપર્ક કર્યો, જેમની પાસે રોબર્ટો કેવેલી અને જીન પોલ ગોશર જેવી હાઇ-ફેશન બ્રાન્ડ સરપ્લસ હતી. તે આ વિશે કહે છે, 

"હું તે સમયે ફક્ત 30 પીસ ખરીદી શકું તેવી સ્થિતિમાં હતી. મેં મુંબઈમાં મારા તમામ મિત્રોને નાના એક્ઝિબિશનમાં આવવા ફોન કર્યા. તેમણે મને સાથસહકાર અને પ્રોત્સાન આપ્યું અને અમે પ્રદર્શનના એક દિવસ અગાઉ જ તમામ ચીજવસ્તુઓ વેચી દીધી!"

પછી મહિનાઓ આ પ્રક્રિયા ચાલી અને ધીમે ધીમે ગાર્મેન્ટનું વેચાણ વધતું ગયું. તેમાં ટૂંકા ગાળાના લક્ષ્યાંકોમાંથી લાંબા ગાળાના સ્વપ્નો સાકાર થવા લાગ્યા.

સૌમ્યા ફેશન અને યૂ જેવી પોર્ટલ બનાવવા ઇચ્છતી હતી. પણ તેમની પાસે ગાર્મેન્ટની તસવીરો લેવા કેમેરો નહોતો અને વેબસાઇટ બનાવવા પૂરતું ભંડોળ નહોતું. પછી એક દિવસ તેણે તેના ફોટોગ્રાફર મિત્રને ફોટો લેવા ફોન અને મોડલ તરીકે તેમની મોટી બહેનની ફ્રેન્ડ બોસ્કી (સ્પ્લિટવિલા ફેમ)નો સંપર્ક કર્યો. બોસ્કીએ એક પણ રૂપિયો લીધા વિના સૌમ્યાની વેબસાઇટ માટે મોડલ બનવાની તૈયારી દાખવી. એટલું જ નહીં તેણે મેક-અપનો ખર્ચ પણ ઉઠાવ્યો.

સૌમ્યાએ આ ફોટો ફેશન એન્ડ યૂ પર મોકલ્યા અને તેઓ વેબસાઇટ પર ટેનઓનટેનના ગાર્મેન્ટ વેચવા તૈયાર થઈ ગયા. પણ પ્રોફેશનલ મોડલ પાસેથી ફોટોશૂટ કરાવવું જરૂરી હતી. આ માટે સૌમ્યા અને તેની માતાએ કોલેજની વિદ્યાર્થીઓને બોર્ડ પર લેવાનો વિચાર કર્યો. તેઓ બંને મીઠીબાઈ કોલેજની બહાર કેટલીક વિદ્યાર્થીઓની મળ્યાં. તેમાંથી કેટલીક વિદ્યાર્થીઓને ગાર્મેન્ટની સામે મોડેલિંગ કરવા અને તેમના ફોટો ફેસબુક પર મૂકવા તૈયાર થઈ ગઈ. બંને પક્ષ માટે આ ફાયદાકારક સ્થિતિ હતી. ધીમે ધીમે ફેશન એન્ડ યુ પર ટેનઓનટેનના ગાર્મેન્ટની માંગ વધતી ગઈ. સૌમ્યાનો ફેશન એન્ડ યૂ પર પહેલો સોદો 60 ગાર્મેન્ટનો હતો. અત્યારે તેમણે કુલ રૂ. 6,00,000ના ગાર્મેન્ટ વેચી દીધા છે, જે દર વર્ષે 150 ટકાની વૃદ્ધિ છે. ત્યારબાદ ટેનઓનટેનને આઇએસઓ સર્ટિફિકેશન મળ્યું અને અત્યારે બોમ્બેના કોર્પોરેટ સંકુલમાં 5,000 ચોરસ ફૂટની ઓફિસ ધરાવે છે. સૌમ્યા તેમના વ્યવસાયનો વર્તમાન ચિતાર આપતાં કહે છે,

"અમે દર મહિને રૂ. 1 કરોડથી રૂ. 1.25 કરોડનો વેપાર કરીએ છીએ. વર્ષે સરેરાશ રૂ. 10 કરોડથી રૂ.15 કરોડનો વેપાર થાય છે."

તેઓ કુનાલ બહલને પોતાના રોલ મોડલ માને છે અને ગયા વર્ષે તેના હાથે જ વર્ષ 2015 માટે મહિલા ઉદ્યોગસાહસિકનો એવોર્ડ મળ્યો હતો. સૌમ્યા પોતાની સફળતા માટે સાહસ, સમર્પણ, ધૈર્ય અને સિદ્ધાંતને ચાવીરૂપ માને છે. તેઓ કહે છે,

"જેટલું મહત્ત્વ સારાં વિચારોનું છે તેટલું જ મહત્ત્વ તેના અમલનું છે. મેં એ જ કર્યું હતું. હું મારી બ્રાન્ડના લક્ષ્યાંક વર્ગને જાણતી હતી, સમજતી હતી. શરૂઆતમાં જ ગુણવત્તા મારા માટે પ્રાથમિકતા હતી. હું પોતે જ ગાર્મેન્ટ પહેરતી નથી તેનું વેચાણ કરતી નથી!"

મહિને રૂ. 20,000ની કોલ સેન્ટરની નોકરીમાંથી વર્ષે કરોડો રૂપિયાના ટર્નઓવરનો વ્યવસાય કરતી સૌમ્યા આજે પણ સંઘર્ષના દિવસોને ભૂલી નથી. તેઓ કહે છે,

"તમારી સફળતા અને નિષ્ફળતા માટે તમે જ જવાબદાર છે. લોકો તમારી નિષ્ફળતા તરફ આંગળી ચીંધશે અને તેમને વધુ નિરાશ કરશે. પણ તમને જે કાર્યમાં રસ હોય તેને વળગી રહેવું જોઈએ. મને સારાં વસ્ત્રો પહેરવાનો શોખ હતો. તેના વિશે હું સારી એવી જાણકારી ધરાવતી હતી. એટલે મેં એ ક્ષેત્ર પસંદ કર્યું. તમને જે ક્ષેત્ર પસંદ હોય છે તેમાં પડકારો ઝીલવાનું પણ તમને ગમે છે. એટલે તમારા સ્વપ્નો જુઓ અને તેને સાકાર કરવા પ્રયાસ કરો. દુનિયાની પરવા છોડી દો."

લેખિકા- બિંજલ શાહ

અનુવાદકઃ કેયૂર કોટક

Related Stories