પોતાનું સ્વપ્ન સાકાર કરવા અમેરિકાથી ભારત આવેલા અભિનેતા અને ઉદ્યોગસાહસિક પ્રશાંત ગુપ્તા

તેઓ વારંવાર નિષ્ફળતા મળવાથી ડિપ્રેશનનો ભોગ બન્યા હતાં, તેમ છતાં હિંમત હાર્યા વિના પોતાના સ્વપ્નોને સાકાર કરવાની જિદ પૂર્ણ કરી હતી

પોતાનું સ્વપ્ન સાકાર કરવા અમેરિકાથી ભારત આવેલા અભિનેતા અને ઉદ્યોગસાહસિક પ્રશાંત ગુપ્તા

Wednesday April 27, 2016,

5 min Read

સફળતા મેળવવા સતત મહેનત અને ખંત જરૂરી છે, પણ પોતાના લક્ષ્યાંક તરફ સતત સફર બહુ ઓછો લોકો ખેડી શકે છે. કીડી દિવાલ પર ચડે છે, પડે છે અને ફરી ચડવાનું શરૂ કરે છે. છેવટે તે પોતાની મંઝિલ સુધી પહોંચી જાય છે. કીડી પોતાની હિંમત હારતી નથી. આવી જ હિંમત પ્રશાંત ગુપ્તાએ દેખાડી છે. તેમને પોતાના લક્ષ્યાંક સુધી પહોંચવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે – તેમને અસ્વીકાર્યતા કોઠે પડી ગઈ હતી, પારિવારિક જવાબદારીઓ નિભાવી છે અને પોતાના લક્ષ્યાંક સુધી પહોંચવામાં વારંવાર નિષ્ફળતા મળી હતી. એટલું જ નહીં તેઓ ડિપ્રેશનનો ભોગ પણ બન્યાં હતાં. આ તમામ સમસ્યાઓ વચ્ચે પણ તેમણે તેમનું સ્વપ્ન સાકાર કરવાનો પ્રયાસો કરવાનું જાળવી રાખ્યું હતું.

image


રોમાચંક સફર

તેમણે થોડા સમય પહેલા જ નીરજા ફિલ્મમાં 1986ના એ પેન એમ એરલાઇન્સની કમનસીબ દુર્ઘટનાનો ભોગ બનેલા એક ભારતીય-અમેરિકન વ્યક્તિનું પાત્ર આબાદ રીતે ભજવ્યું છે. અગાઉ પ્રશાંતે ઇસાક અને આઇડેન્ટિટી કાર્ડમાં કામ કર્યું હતું.

તેઓ ફક્ત અભિનય જ કરતાં નથી. સિલિકોન વેલીમાં ધ ફેસ્ટિવલ ઓફ ગ્લોબના ભારતીય એમ્બેસેડર છે, રાજસ્થાન આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવના સલાહકાર છે. વળી એક ઉદ્યોગસાહસિક તરીકે હોલિવૂડની ફિલ્મ નિર્માણ કંપની મલબેરી ફિલ્મ્સમાં પાર્ટનર પણ છે, જેનું હેડક્વાર્ટર લોસ એન્જિલસમાં છે. તેમની ઉદ્યોગસાહસિક તરીકેની સફરમાંથી આપણને ઘણું બધું શીખવા મળે છે. તેમાંથી સૌથી મોટો બોધપાઠ એ છે કે – સ્વપ્ન જુઓ અને તેને સાકાર કરવાના પ્રયાસો ક્યારેય પડતાં ન મૂકો.

મેરા એક સપના હૈ...

પ્રશાંત મૂળે જયપુરના છે. તેમનો પરિવાર ન્યૂયોર્કમાં સ્થાયી થયો છે. તેમનો જન્મ પણ 1982માં ન્યૂયોર્કમાં જ થયો હતો. તેમના પિતાના ત્રણ સંતાનો પૈકી સૌથી નાનું સંતાન પ્રશાંત. તેમના કહેવા મુજબ, તેઓ ત્રણ વર્ષની બાલ્યાવસ્થામાં જ શાળાના નાટકોમાં અભિનય કરતાં હતાં. ન્યૂયોર્કમાં મારવાડી સમુદાય દ્વારા આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમોમાં અભિનય કરતાં હતાં. તેમના પરિવારે તેમને સાથસહકાર આપ્યો હતો અને શાળાનો અભ્યાસ પૂર્ણ કરીને તેમણે અભિનયની તાલીમ મેળવી હતી. જોકે તેમના પિતાની સલાહ માનીને તેમણે અભિયનની સાથે બરુક કોલેજમાં ફાઇનાન્સનો કોર્સ કર્યો હતો.

પ્રશાંત હિંદી ફિલ્મ ઉદ્યોગના મહાનાયક અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન સાથે

પ્રશાંત હિંદી ફિલ્મ ઉદ્યોગના મહાનાયક અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન સાથે


સંઘર્ષ

તેઓ સવારે ફાઇનાન્સનો અભ્યાસ કરતાં હતાં અને સાંજે મેનહેટનમાં અભિનયના પાઠ શીખતાં હતાં. તેમણે 21 વર્ષની વયે સ્ક્રિપ્ટ લખી હતી. વર્ષ 2003માં કેવિન સ્પેસીની કંપનીએ તેમની સ્ક્રિપ્ટનો અભ્યાસ કરવામાં રસ દાખવ્યો ત્યારે તેઓ અતિ ખુશ થઈ ગયા હતા, પણ સ્ક્રિપ્ટ પસ્તીના ઢગલાંમાં પહોંચી ગઈ હતી. એ જ વર્ષે તેમણે અક્સ નામની કવિતાનું પુસ્તક પ્રકાશિત કરવા પ્રકાશકોનો સંપર્ક કર્યો, પણ કોઈ જાણીતા પ્રકાશકે તેમની કવિતાઓનું કલેક્શન પ્રકાશિત કરવાની હિંમત ન કરી. છેવટે મેનહેટનમાં એક નાના ભારતીય બુકસ્ટોરે તેમની સ્વયં-પ્રકાશિત હસ્તપ્રતની ડઝન કોપી ખરીદી હતી. બાકીની કોપી તેમની માતાએ તેમના મિત્રોમાં 10 ડોલરના ભાવે વેચી દીધી હતી.

જોકે તેમણે તેમની સ્ક્રિપ્ટ અમિતાભ બચ્ચનને મોકલી હતી. ભારતીય ફિલ્મ ઉદ્યોગના અત્યાર સુધી સૌથી પ્રસિદ્ધ અને લોકપ્રિય સુપરસ્ટાર અમિતાભ બચ્ચને છ મહિના પછી એક પત્ર લખીને સ્ક્રિપ્ટની પ્રશંસા કરી હતી. આ પત્રએ પ્રશાંતને મુંબઈમાં આવવાનું અને ફિલ્મ ઉદ્યોગમાં કિસ્મત અજમાવવાની પ્રેરણા આપી હતી. તેઓ વર્ષ 2007માં મુંબઈમાં ફિલ્મ ઉદ્યોગમાં સ્વપ્ન સાકાર આવ્યા હતા.

મુંબઈમાં પ્રશાંતે પ્રોડક્શન ઇન્ટર્ન તરીકે કામગીરી કરી હતી અને કમર્શિયલ, નાટકો, ટૂંકી ફિલ્મો તથા ફિચર ફિલ્મ બનાવી હતી. મોટો બ્રેક મેળવવાનો સંઘર્ષ ચાલુ જ હતો.

પ્રશાંત હિંદી ફિલ્મ ઉદ્યોગની પ્રસિદ્ધ અભિનેત્રી દિપ્તી નવલ સાથે

પ્રશાંત હિંદી ફિલ્મ ઉદ્યોગની પ્રસિદ્ધ અભિનેત્રી દિપ્તી નવલ સાથે


યે મુંબઈ હૈ મૈરી જાન...

પ્રશાંત મુંબઈમાં આગમન વિશે કહે છે, 

"હું 30 જૂન, 2007ની રાતે મુંબઈ આવ્યો હતો. મારી રિટર્ન ટિકિટ બે મહિના પછીની હતી. મને લાગતું હતું કે મારા માટે આટલો સમય પર્યાપ્ત છે. તેમાં ફિલ્મ ઉદ્યોગના લોકોને મળીશ અને એક કે બે ફિલ્મ સાઇન કરીશ."

પછી પ્રશાંતે બધાને મળવાની શરૂઆત કરી. તેમણે નિર્માતા-નિર્દેશકોના ફોન નંબર મેળવ્યાં, તેમને મેસેજ કર્યા, સારી સ્ક્રિપ્ટ સાથે રાઇટરને મળ્યાં. વળી સારી ભૂમિકા મળે એ માટેની સંભાવના પણ ચકાસી. ત્યારબાદ જયપુર, મુંબઈ અને અમેરિકામાં કેટલાંક રોકાણકારો તથા નિર્માતાઓ સાથે બેઠકો કરી.

નિરાશામાંથી આશા

તેમનો સંઘર્ષ ચાલુ હતો. વર્ષ 2011માં પણ નિરાશા ઘેરી વળી હતી. તેઓ અતિશય ચિંતિત થઈ ગયા હતા, નિષ્ફળતાને પગલે તેઓ ડિપ્રેશનમાં આવી ગયા હતા અને અનિંદ્રાનો લાંબો તબક્કો શરૂ થયો હતો. લગભગ છ મહિના આવી સ્થિતિ જળવાઈ રહી હતી. તેઓ અમેરિકા પરત ફરવાનો વિચાર કરતાં હતાં, પણ એ સમયે ઇસાક સ્વરૂપે આશાનું કિરણ પ્રકટ થયું. તેમણે ઇસાકમાં અભિનય કર્યો. આ ફિલ્મે તેમની પ્રગતિનો માર્ગ મોકળો કરી દીધો. તેમને બહુ વ્યાવસાયિક સફળતા મળી નથી, પણ એક અભિનેતા તરીકે તેમને ઓળખ મળી છે. એક વર્ષ પછી તેમને આઇડેન્ટિટી કાર્ડમાં પોલીસ અધિકારીની ભૂમિકા મળી. આ ફિલ્મને વિવેચકોએ વધાવી લીધી અને પ્રશાંતે સિલિકોન વેલીમાં ધ ફેસ્ટિવલ ઓફ ગ્લોબમાં બેસ્ટ સપોટિંગ એક્ટરનો એવોર્ડ મેળવ્યો હતો.

વર્ષ 2014માં તેમની પ્રગતિની શરૂઆત થઈ હતી અને કન્નડ ફિલ્મની રિમેકમાં મુખ્ય ભૂમિકા મળી હતી. એક સમયે તેઓ નિર્માતા-નિર્દેશકોના દરવાજાં ખખડાવતા હતા, પણ હવે તેમના માટે દ્વાર ખુલી ગયા હતા. તેઓ કહે છે, 

"અભિનેતા હોય કે ઉદ્યોગસાહસિક, તમારી સફળતામાં નસીબ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પણ કોઈ પણ સ્થિતિમાં તમારા સ્વપ્નોને સાકાર કરવા પ્રયાસ કરવા હિંમત રાખવાની જવાબદારી તમારી છે."

તેમને મુંબઈમાં આઠ વર્ષ સંઘર્ષ કર્યો ત્યારે 2015માં સફળતા મળી. તેમને રાજસ્થાન આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં રાજસ્થાન એવોર્ડ મળ્યો હતો, પ્રસિદ્ધ ડિઝાઇનર રોહિત વર્મા માટે મોડલિંગ કર્યું, દિપ્તી નવલ સાથે 19 જાન્યુઆરી ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કર્યું અને ફોક્સ સ્ટાર સ્ટુડિયોની ફિલ્મ નીરજામાં એક ભૂમિકા મળી હતી.

તેઓ અત્યારે આગામી ફિલ્મ ઇરાદા માટે શૂટિંગ કરે છે, જેમાં પીઢ અભિનેતા નસીરુદ્દીન શાહ છે. જીવન એક ફિલ્મ જેવી છે. પ્રશાંતે કોલેજમાં અભિનયની પાઠશાળાથી લઈને બોલિવૂડ સુધીની લાંબી મઝલ કાપી છે. તેઓ કહે છે,

"જીવનમાંથી ડગલે ને પગલું હું ઘણું શીખ્યો છું. મારી તમને એક જ સલાહ છે કે ક્યારેય તમારા સ્વપ્નોને અધૂરાં ન છોડો. તમારાથી બનતો પ્રયાસ કરો. તમને રસ હોય એ જ કામ કરો. અવશ્ય સફળતા મળશે."

લેખક પરિચયઃ તન્વી દુબે

અનુવાદકઃ YS ટીમ ગુજરાતી

સંઘર્ષ અને સફળતાની અન્ય સ્ટોરીઝ વાંચવા Facebook પર અમારી સાથે સંપર્કમાં રહો

આ સંબંધિત વધુ સ્ટોરીઝ વાંચો:

‘ઇવેન્ટ મેનેજમેન્ટ’ ક્ષેત્રે ‘આકાશ’ને આંબતા એક યુવાનની સફળ સંઘર્ષયાત્રા

AC રીપેરિંગથી બૉલિવૂડ-હૉલિવૂડમાં સફળતાની ટોચ પર પહોંચેલા અભિનેતા ઈરફાન ખાનની અજાણી વાતો

8 વર્ષ અગાઉ રૂ. 13 હજારમાં સ્પ્લેન્ડર બાઈક વેચી, સંઘર્ષ કરી, BMW સુધી પહોંચેલા શચિન ભારદ્વાજની સફર