દર્દીના તમામ હેલ્થ રીપોર્ટસને સાચવતું ‘ડિજીટલ લૉકર’, હેલ્થ ટેક. સ્ટાર્ટઅપ kivihealth.comની અમદાવાદથી શરૂઆત

0

ડિેસેમ્બર, ૨૦૧૪માં શરૂ થયું ‘કિવી હેલ્થ ડૉટ કૉમ’

૬૦ હજાર કરતા પણ વધારે દર્દીઓનો રેકોર્ડ!

અમદાવાદમાં ‘કિવી હેલ્થ ડૉટ કૉમ’ આપી રહ્યું છે આ સુવિધા!

‘એપ’ અને ‘વેબસાઇટ’ દ્વારા ડૉક્ટર અને દર્દીને જોડીને રાખે છે!

તમે ક્યારેય તેવા દર્દીઓ વિશે વિચાર્યું છે, જેમની સારવાર વર્ષો સુધી ચાલતી રહે છે અને તે દરમિયાન તેમની ઘણા પ્રકારે આરોગ્ય તપાસ પણ કરવામાં આવે છે. તેવામાં તેમણે સંખ્યાબંધ તપાસ રિપોર્ટ્સને સંભાળીને રાખવામાં ઘણી તકલીફો અને સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. પણ હવે ‘કિવી હેલ્થ ડૉટ કૉમે’ આવા દર્દીઓના જીવનને થોડી શાંતિ અને રાહત આપવાનો પ્રયાસ કર્યો છે. આ એક પ્રકારનું ડિજિટલ લોકર છે જે આરોગ્ય સંબંધિત તમામ જાણકારીઓને સંભાળપૂર્વક જાળવી રાખે છે.

"આ એક એવું પ્લેટફોર્મ છે જ્યા દર્દીની સારવારના રેકોર્ડને સંભાળીને રાખવામાં આવે છે, જેને કોઇપણ તબીબ, દર્દીની મંજૂરી બાદ જ જોઇ શકે છે." 

આમ કહેવું છે ભાનુ મહાજનનું. જેઓ સ્વયં એક તબીબ છે અને ‘કિવી હેલ્થ ડૉટ કૉમ’ના સહ-સંસ્થાપક પણ છે. ભાનુ વર્ષ ૨૦૧૦માં અમેરિકા જતા રહ્યાં હતાં અને ત્યાં જઇને તેમણે પહેલા મેડિકલ રિસર્ચના ક્ષેત્રે કામ કર્યું અને તે બાદ જનરલ સર્જરીમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું. ભાનુની ઇચ્છા હતી કે દેશમાં રહીને, દેશ માટે કાંઇ કરવામાં આવે. પોતાની આ ઇચ્છાને સાકાર કરવા માટે જ તેઓ ભારત પરત ફર્યા અને હૈદરાબાદની ‘ઇન્ડિયન સ્કૂલ ઓફ બિઝનેસ’માં પ્રવેશ લીધો હતો. અહીં ભાનુની મુલાકાત ‘કિવી હેલ્થ ડૉટ કૉમ’ના બીજા સહ-સંસ્થાપક રાજનદીપ સિંહ સાથે થઇ હતી. જેમણે જલંધરની એનઆઈટી કોલેજથી કમ્પ્યુટર સાયન્સમાં બીટેક કરેલું છે અને તે બાદ માઇક્રોસોફ્ટ જેવી કંપનીઓમાં કામ કર્યા બાદ તેઓ પણ સ્વદેશ પરત ફર્યા હતા.

ઇન્ડિયન સ્કૂલ ઓફ બિઝનેસથી કોર્સ પૂરો કર્યા બાદ બંન્નેના માર્ગ ભલે અલગ થઇ ગયા હોય પણ તેમણે એકબીજા સાથેનો સંપર્ક નહોતો છોડ્યો. આ દરમિયાન બંન્નેને જ્યારે પણ તક મળતી તેઓ આંત્રપ્રિન્યોરશિપ ક્લબના વિભિન્ન કાર્યક્રમો અને લેક્ચરમાં ભાગ લેતા. ભાનુ કહે છે, 

"હેલ્થકેર તરફ મારો ઝુકાવ શરૂઆતથી જ હતો અને હું આ ક્ષેત્રમાં કાંઇ કરવા માગતો હતો.” 

ભાનુ દિલ્હીમાં મેક્સ હોસ્પિટલ માટે કામ કરવા લાગ્યા હતા. તેઓ વધુમાં જણાવે છે, 

“મેં જોયું કે અહીં આવનારા તમામ દર્દીઓ પાસે તેમના જૂના રેકોર્ડ નહોતા રહેતા તેથી તેમની જૂની બિમારીઓ અને તપાસ રિપોર્ટ વિશે ખબર નહોતી પડી શકતી. તે ઉપરાંત જો કોઇ દર્દી પાસે આ જાણકારી ઉપલબ્ધ રહેતી હતી તો તેણે તે બધુ એક બેગમાં લઇને ચાલવું પડતું. એટલું જ નહીં, તબીબ પાસે પણ એટલો સમય નહતો રહેતો કે તે દર્દીની જૂની ફાઇલને ધ્યાન આપીને જોઇ શકે.” 

દર્દીની આ સમસ્યાઓને જોઇને જ ભાનુ અને રાજનદીપ હંમેશા તે અંગે વાતચીત કરતા રહેતા. ત્યારે તેમણે વિચાર્યું કે એક એવું પ્લેટફોર્મ બનાવવામાં આવે જ્યાં દર્દીઓના જૂના તપાસ રિપોર્ટનો સારાંશ ઉપલબ્ધ હોય સાથે જ તે ડિજિટલ સ્વરૂપે પણ ઉપલબ્ધ હોય.

ખાસ વાત એ હતી કે એકની પાસે તબીબી ક્ષેત્રનો અનુભવ હતો તો બીજાની પાસે ટેક્નિકનો. તે બાદ ભાનુ અને રાજનદીપ એક એવું પ્લેટફોર્મ તૈયાર કરવામાં જોતરાઇ ગયા હતા, જેમાં દર્દી પોતાની તમામ મેડિકલ જાણકારી સંભાળીને રાખી શકે છે અને એટલુ જ નહીં, તે પ્લેટફોર્મનો ઉપયોગ જો તબીબ કરવા માગે તો તેઓ પણ કરી શકે છે. જેથી તેમને પોતાના દર્દીની જૂની સારવારની જાણકારી મળી શકે. જો ક્યારેય કોઇ દર્દી કોઇ અન્ય તબીબ પાસે જાય તો તેઓ પણ જાણી શકે કે તે દર્દીની ક્યારે, કઇ સારવાર થઇ હતી. આ તમામ જાણકારી સરળ રીતે એક પાનામાં તબીબ અને દર્દીને મળી જાય છે. જેથી બધા તેને સરળતાથી સમજી શકે. ભાનુના જણાવ્યા પ્રમાણે, 

"આજના સમયમાં જ્યારે તમામ જરૂરી જાણકારીઓ લોકોના મોબાઇલમાં આવી ગઇ છે ત્યારે જે તબીબ કમ્પ્યુટર સાયન્સનો ઉપયોગ નથી કરતા તેમને મોબાઇલની મારફત દર્દી પોતાના આરોગ્યની જાણકારી આપી શકે છે."

‘કિવી હેલ્થ ડૉટ કૉમ’માં કોઇપણ દર્દીના લેબ રિપોર્ટને ગ્રાફિક્સ મારફત સમજાવવામાં આવે છે જેથી તબીબને તે રિપોર્ટને સમજવામાં સરળતા રહે અને તેમને તેમાં સમય પણ ઓછો લાગે. સાથે જ દર્દી પણ પોતાના તપાસ રિપોર્ટને ગ્રાફમાં જોઇને જાણી શકે કે ક્યારે તેનો રિપોર્ટ સામાન્ય આવ્યો હતો અથવા તેના રિપોર્ટમાં ક્યારે ગરબડ જોવા મળી હતી. આ રીતે દર્દીએ પોતાના મેડિકલ રિપોર્ટને સાથે લઇને જવાની પણ જરૂર રહેતી નથી અને દર્દીને ખબર પડતી રહે છે કે તેના આરોગ્યમાં કેટલો સુધારો થઇ રહ્યો છે. તે ઉપરાંત બીમારી સાથે જોડાયેલા જૂના તમામ રેકોર્ડ તેને મળી જાય છે.

‘કિવી હેલ્થ ડૉટ કૉમ’નો ફાયદો દર્દીઓ અને તબીબો બંન્ને ઉઠાવી શકે છે. ઉદાહરણ તરીકે જોઇએ તો કોઈ તબીબ ક્યાંક હેલ્થ કેમ્પનું આયોજન કરી રહ્યા હોય તો તેઓ પોતાના દર્દીઓને તેની જાણકારી આપી શકે છે. તે ઉપરાંત દરેક તબીબ આ વેબસાઇટ મારફત ક્લિનિક મેનેજમેન્ટ સિસ્ટમ સાથે જોડાઇ શકે છે. તેમાં તબીબ પાસે એપોઇન્ટમેન્ટથી લઈને બિલિંગ, કર્મચારીઓનું મેનેજમેન્ટ વગેરે અન્ય પ્રકારની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. તે ઉપરાંત જ્યારે કોઇ દર્દીની સર્જરી થાય છે, ત્યારે તેણે ફરીવાર ક્યારે તબીબને બતાવવા આવવાનું, તેણે ક્યારે કઇ તપાસ કરાવવાની છે તે ઉપરાંત સર્જરી સાથે જોડાયેલી તમામ જાણકારીઓ એસએમએસ મારફત મળતી રહે છે. ‘કિવી હેલ્થ ડૉટ કૉમે’ દર્દી અને તબીબ માટે અલગ-અલગ મોબાઇલ એપ બનાવી છે. જે એન્ડ્રોઇડ, આઈઓએસ અને વિન્ડોસ વર્ઝનમાં ઉપલબ્ધ છે. તેવામાં કોઈ દર્દી ઈચ્છે તો પોતાની તપાસનો રિપોર્ટ જાતે જ એપમાં નાખી શકે છે અથવા તો તેનો ફોટો પાડીને તે આ લોકોને પણ મોકલી શકે છે, જેઓ પછી તેને તે દર્દીના ડેટામાં ઉમેરી દે છે.

આ પ્લેટફોર્મની સાથે અત્યાર સુધીમાં ૫૦ કરતા વધારે તબીબો જોડાઇ ચુક્યા છે જ્યારે ૬૦ હજાર કરતા વધારે દર્દીઓનો ડેટા તેમની પાસે છે. ભાનુના જણાવ્યા પ્રમાણે,

"નાના ક્લિનિકને વધારે તકલીફ થાય છે. તેથી અમારું મુખ્ય ધ્યાન આવા ક્લિનિક્સ પર છે."

તેઓ સબસ્ક્રિપ્શન મોડલ હેઠળ કામ કરી રહ્યા છે. તેમાં તબીબો પાસેથી સબસ્ક્રિપ્શન લેવામાં આવે છે. હાલ તેમની ટીમમાં દસ સભ્યો છે. 

વેબસાઇટ

લેખક- હરીશ બિશ્ત

અનુવાદક- YS ટીમ ગુજરાતી

વિવિધ સ્ટાર્ટઅપ્સને લગતી સ્ટોરીઝ વાંચવા Facebook પર અમારી સાથે સંપર્કમાં રહો

આ સંબંધિત વધુ સ્ટોરીઝ વાંચો:

'આઈઓર્ડરફ્રેશ' સપ્લાય ચેઇનમાં રહેલી ખામીઓને દૂર કરીને ખેતરમાંથી 12 કલાકમાં જ વસ્તુ રસોડામાં પહોંચાડે છે!

કલાકારો અને ડિઝાઇનર્સને ખીલવા માટેનું પ્લેટફોર્મ - Canvs.in

ભારતનાં 3 બાઇકર્સે વિશ્વનું સૌથી ફાસ્ટ બાઇક ધોતું મશીન શોધ્યું

Related Stories