જરૂરીયાતમંદોને મળ્યું નવજીવન, મેળવો તમારો પણ સ્વર આ ‘ગૂંજ’માં

0

આજકાલ મોટા ભાગના શહેરોમાં જોવા મળે કે લોકો પોતાના કપડાંથી બહુ જલ્દી કંટાળી જાય. અને એટલે તેઓ તેમના જૂના કપડાંને બહું જલ્દી રિટાયરમેન્ટ (ફેંકી) આપી દેતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે તમારા આ બેકાર થઇ ગયેલા કપડાં કેટલાંયે જરૂરીયાતમંદ લોકોને કામમાં આવી શકે છે? અથવા તો તમારા આ બેકાર કપડાં કેટલાંક ગામડાઓમાં રહેતા લોકોની પ્રગતિના કામમાં આવે શકે છે? જાણીને આશ્ચર્ય થયું ને ? પરંતુ આ હકીકત છે. ‘ગૂંજ’ નામની એક સંસ્થાએ આ કરી બતાવ્યું છે. આ સંસ્થાએ લોકોના જૂના કપડાં જરૂરીયાતમંદ લોકો સુધી તો પહોંચાડ્યા પરંતુ સાથે સાથે તેના દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં એક પ્રગતિનું મોડેલ પણ રજૂ કર્યું. ‘ગૂંજ’ના પ્રયત્નો દ્વારા ભારતના ઘણાં ગામડાંઓમાં હકારાત્મક બદલાવ પણ જોવા મળી રહ્યો છે અને આ બધાનો શ્રેય જાય છે ગૂંજના સંસ્થાપક અંશુ ગુપ્તાને.

અંશુ ગુપ્તાનો જન્મ એક મધ્યમવર્ગીય પરિવારમાં થયો. એન્જિનિયર બનવાની ઇચ્છા હોવાના કારણે તેમણે દસમું ધોરણ પાસ કર્યા બાદ સાયન્સ સ્ટ્રીમ પર પસંદગી ઉતારીને આગળનું ભણતર શરૂ કર્યું. પરંતુ બારમાં ધોરણના ભણતર દરમિયાન તેમનો એક્સિડન્ટ થતા તેમણે ઘણો સમય પથારીવશ રહેવું પડ્યું. આ સમય દરમિયાન તેમણે તેમના કરિયરમાં આગળ શું કરવું તે અંગે ઘણું વિચાર્યું અને પત્રકાર બનવાનું નક્કી કર્યું. દેહરાદૂનમાં ગ્રેજ્યુએશન કર્યા બાદ તેમણે દિલ્હીની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ ક્મ્યૂનિકેશન દ્વારા પત્રકારત્વનો કોર્સ કર્યો. આ દરમિયાન તેમણે અનેક ન્યૂઝપેપર્સમાં તેમના આર્ટિકલ્સ આપ્યા. ત્યારબાદ તેમણે એક એડ એજન્સીમાં કોપી રાઇટર તરીકે કામ કરવાની શરૂઆત કરી દીધી. અને ત્યાર પછી તેમણે પાવર ગેટ નામની કંપનીમાં કામ કર્યું. પણ એવો સમય આવ્યો જ્યારે અંશુ નોકરી કરીને કંટાળી ગયા. તેઓ તેમના જીવનમાં કંઇક નવું કરવા માંગતા હતાં. કંઇક એવું જેનાથી સમાજને કંઇક ફાયદો થાય.

બસ, અહીંથી શરૂ થઇ ‘ગૂંજ’ સંસ્થા

નોકરીથી કંટાળીને સમાજ માટે કંઇક નવું અને સારું કરવાની ઇચ્છાએ ‘ગૂંજ’ની સ્થાપના કરી. આ સંસ્થાનું એક મહત્ત્વનું કામ હતું કે તે લોકોના જૂના કપડા જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવા. અંશુ અને તેમની પત્નીએ તેમના કબાટમાં મૂકેલા 67 જૂના કપડાથી આ શરૂઆત કરી હતી. ઝૂંપડપટ્ટીઓમાં અને રસ્તા પર રહેતા લોકોને કપડાંની વહેંચણી કરવાની શરૂઆત કરી હતી. ‘ગૂંજ’ સંસ્થા સાથે હવે અન્ય લોકો પણ જોડાવવા લાગ્યા હતાં. ઇ.સ. 1999માં ચમોલીમાં ભૂકંપ આવ્યો ત્યારે ‘ગૂંજ’ સંસ્થાએ રેડક્રોસની મદદથી ઘણાં કપડાં અને જૂતાં લોકો સુધી પહોંચાડ્યા. અંશુ દરેક સ્તરે કામ કરી ‘ગૂંજ’નો વિસ્તાર વધારવા કટિબદ્ધ હતા.

‘ગૂંજ’ લોકો સુધી સરળતાથી પહોંચી શકે અને મદદરૂપ થઇ શકે તે માટે અંશુએ તેમના પીએફની રકમ પણ આ સંસ્થામા લગાવી દીધી. છતાં પણ પૈસાની અછત તો રહેતી જ. તેમની પાસે સામાન ઘણો હતો પરંતુ તે સામાન સમયસર લોકો સુધી પહોંચે તે વધારે મહત્ત્વનું હતું. આ માટે તેમણે રેડક્રોસની મદદ લીધી.

કોઈ પણ એજન્સી ફંડિંગ માટે તૈયાર નહોતી

1999માં ‘ગૂંજ’ એક રજિસ્ટર્ડ એનજીઓ તો બની ગઇ પરંતુ અંશુ ગુપ્તા સામે પડકારો પણ એટલા જ હતા. કોઇ પણ એજન્સી તેમને ફંડ આપવા માટે તૈયાર નહોતી. ફંડ વગર કામ કરવું ઘણું મુશ્કેલબની રહ્યું હતું. કારણ કે સંસ્થા ચલાવવાનો ખર્ચ અને કામ કરતા કારીગરોના પગારનો ખર્ચ પણ ઘણો આવતો હતો. આ સમયે અંશુએ તમિલનાડુ સરકાર સાથે એક કરાર કર્યો. જેનાથી ત્યાં આવેલી કુદરતી આપદા દરમિયાન જે કપડાનું વિતરણ નહોતું થયું તે જરૂરીયાતમંદો સુધી પહોંચાડી શકાય.

કપડાંની સાથે હવે અન્ય વસ્તુઓની પણ વહેંચણી થવા લાગી

‘ગૂંજ’ સંસ્થાનું નામ હવે ગૂંજવા લાગ્યું હતું. હવે માત્ર કપડા જ નહીં પરંતુ જીવનજરૂરીયાતની વસ્તુઓ જેવી કે સ્ટેશનરી, રમકડાં, જૂતા, ફર્નિચર પણ એકત્ર થવા લાગ્યા હતાં અને લોકો સુધી પહોંચાડવામાં પણ આવતા હતાં. આ ઉપરાંત હવે ગૂંજ સાથે અનેક સ્વયંસેવકો પણ જોડાવા લાગ્યા હતાં. ગામડાની પંચાયતોમાં પણ ગૂંજનું નામ ગૂંજવા લાગ્યું હતું. ગૂંજ મૂખ્યત્વે ભારતના ગ્રામીણ વિસ્તારમાં વધારે કાર્યરત હતી. ગૂંજ દ્વારા ‘ક્લોથ ફોર વર્ક’ નામનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો. જેના દ્વારા કેટલાક ગામડાઓમાં નાના પુલ બન્યા તો કેટલાંક ગામડામાં કૂવા ખોદવામાં આવ્યા. ક્યાંક પાણી સંરક્ષણ માટેનું કાર્ય થયું તો ક્યાંક સફાઇનો કાર્યક્રમ થયો. આ ક્રાયક્રમમાં ગામડાના જે પણ વ્યક્તિ કાર્ય કરે તેને તેની જરૂરીયાત પ્રમાણે કપડાં કે પછી અન્ય સાધનસામગ્રી આપવામાં આવતી હતી.

સિસ્ટમથી કામ થાય તે માટે મહિલા કાર્યકર વધારે

ગૂંજમાં દરેક પ્રકારનાં કાર્યો ખૂબ જ સિસ્ટમથી થતા હતાં. અહીંયા કપડાના સેટ બનાવવામાં આવતા અને ત્યારબાદ તેને જુદા જુદા રાજ્યોમાં મોકલવામાં આવતા. દરેક રાજ્યોમા ત્યાનાં વાતાવરણને ધ્યાનમાં રાખીને કપડાં મોકલવામાં આવતા હતાં. સારી રીતે કાર્ય થાય તે માટે ગૂંજમાં વધારે પ્રમાણમાં કામગીરી મહિલાઓના હાથમાં આપવામાં આવી હતી. આ સંસ્થામાં અનેક પ્રકારની સામગ્રી પણ બનાવવામાં આવતી હતી.

વાર્ષિક બજેટ ત્રણ કરોડથી પણ વધારે

આજની તારીખમાં ગૂંજનું વાર્ષિક બજેટ ત્રણ કરોડથી પણ વધારે પહોંચી ગયું છે. પરંતુ રૂપિયા ભેગા કરવા કરતા પણ વધારે આ સંસ્થાનો ઉદ્દેશ સામાજીક છે. બજેટનો મોટા ભાગનો ભાગ દાન દ્વારા આવે છે જ્યારે બાકીનો ભાગ કેટલીક ઉત્પાદિત વસ્તુઓના વેચાણ દ્વારા થાય છે.

માત્ર 67 કપડાથી શરૂ થયેલ આ સંગઠન આજે દર મહિને 80થી 100 ટન જેટલા કપડાં ગરીબોમાં વહેંચે છે. આજની તારીખમાં ગૂંજના સંગ્રહણ કેન્દ્રો 21 રાજ્યોમાં છે. 10 ઓફિસ અને ટીમમાં 150થી પણ વધારે સાથીદારો છે.

Related Stories

Stories by YS TeamGujarati