મહિલાઓના સ્ટાર્ટઅપ્સને સફળ બનાવવામાં મદદ કરે છે પૂણેની આન્ત્રપ્રેન્યોર દિના!

મહિલાઓના સ્ટાર્ટઅપ્સને સફળ બનાવવામાં મદદ કરે છે પૂણેની આન્ત્રપ્રેન્યોર દિના!

Friday August 11, 2017,

4 min Read

દિના વાલેચા પૂણેના છે. તેઓ અન્ય મહિલાઓના સ્ટાર્ટઅપ્સ શરૂ કરાવવામાં અને તેનો ફેલાવો કરવામાં મદદ કરે છે. દિના એક એવું ઉદાહરણ છે જે મહિલા સમાજમાં બદલાવ લાવી શકે છે.

image


પૂણેના દિના વાલેચાએ એ કરી બતાવ્યું છે જેના વિશે આપણે વાતો તો કરીએ છીએ પણ ક્યાંક ને ક્યાંક તેના પર અમલ નથી કરતા. પરંતુ દિનાએ માત્ર વાતો કરવાના બદલે કરી પણ બતાવ્યું છે! 

વર્ષ 2001માં જ્યારે દિના વાલેચાએ પ્રદર્શનની શરૂઆત કરી ત્યારે તેનું ચલણ ખૂબ જ ઓછું હતું. લોકોનું માનવું હતું કે પ્રદર્શનનું આયોજન કરીને કોઈ કેવી રીતે વ્યવસાય કરી શકે? આવો, જાણીએ કે તેમની આ સફરને તેમણે કેવી રીતે સફળ બનાવી અને કેવી રીતે દિના આજે અન્ય આન્ત્રપ્રેન્યોર્સને આગળ વધારી રહી છે! 

જયારે એક મહિલા કોઈ વ્યવસાય શરૂ કરે છે ત્યારે સામાન્ય રીતે લોકો વિચારે કે ફેશન કે ગ્લેમર ઈન્ડસ્ટ્રીને લગતો હશે. પરંતુ દિના વાલેચાએ આ ધારણાને પાછળ છોડીને પોતાનું આગવું મુકામ હાંસલ કર્યું. દિનાએ વર્ષ 2001માં વિવિધ પ્રદર્શનોનું આયોજન કરવાની શરૂઆત કરી જેમાં એ મહિલાઓ માટે સોનેરી તક હતી કે જેઓ પોતાના ઉત્પાદનોને લોકો સુધી પહોંચાડવા માગતી હોય. 

દિના વાલેચા પૂણેના છે અને અન્ય મહિલાઓના સ્ટાર્ટઅપ્સ શરૂ કરવામાં મદદ કરે છે. જોકે પોતાના જીવનમાં આવેલા ટર્નિંગ પોઈન્ટ વિષે દિના કહે છે,

"હું હાલ એ જ કામ કરી રહી છું જે પહેલેથી કરવા માગતી હતી. જ્યારે અમે મુંબઈથી પૂણે ગયા તો અમે ગોરેગાંવ પાર્કમાં એક દુકાન ખરીદી લીધી. એ સમયે હું કપડાં તૈયાર કરતી અને વેચતી જેવું હાલ ઘણી મહિલાઓ કરે છે. ત્યારબાદ મેં અમારી દુકાન ત્રણ ભાગોમાં વહેંચી દીધી. પહેલાં ભાગમાં અમારા બાળકોના કમ્પ્યુટર ક્લાસ ચાલતા, બીજા ભાગમાં મારા પતિ વિનોદ ઓટો સીટ કવરનું વેચાણ કરતા અને ત્રીજા ભાગમાં હું કપડાં વેચતી." 

અને એજ સમય હતો કે જ્યારે દિનાને કંઇક વધારે કામ કરવાની જરૂરીયાત વર્તાઈ. તેમણે નોટીસ કર્યું કે ઘણી મહિલાઓ જે ત્યાં કમ્પ્યુટર શીખવા આવે છે અને તેમની પાસેથી કપડાં ખરીદે છે, તે તમામમાં કંઇક ને કંઇક વિશેષ આવડત તો છે જ.

એ સમયે તેમણે અનુભવ્યું કે આ મહિલાઓની એક મોટી સંખ્યા છે જે કંઇક કરી રહી છે, હકીકતમાં સારો સામાન બનાવી રહી છે, જેમ કે અથાણા, જામ ડાઈ કે પછી કપડાં. ત્યારે તેમણે વિચાર્યું કે આ મહિલાઓ પાસે એવું કોઈ મંચ ન હતું કે જેના માધ્યમથી તેઓ બજાર સુધી પહોંચી શકે અને તેમનો કારોબાર વધારી શકે. તેમનું માનવું હતું કે મહિલાઓના વિકાસમાં જો કોઈ બાબત અડચણરૂપ બની રહી છે તો તે છે કોઈ મંચનો અભાવ. અને એટલે દિના વાલેચાએ એક પ્રદર્શનનું આયોજન કરવાનું નક્કી કર્યું કે જેમાં માત્ર મહિલાઓ દ્વારા બનાવેલી વસ્તુઓનું પ્રદર્શન કરવામાં આવશે.

દિનાની આ સફરમાં ઘણી અડચણો આવી પરંતુ તેને પોતાના પર ઘણો વિશ્વાસ હતો. તેઓ આ અંગે કહે છે,

"હું આ ક્ષેત્રમાં નવી હતી. સૌને એક જગ્યાએ ભેગા કરવા અને જાહેરાત કરવી, અઘરૂ તો હતું જ. જોકે આ બધી તૈયારી થાય ત્યારબાદ એક પ્રદર્શનનું આયોજન કરવું સરળ લાગી શકે. પરંતુ મને ખબર હતી કે પ્રારંભિક તબક્કે તમારે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવા તૈયાર રહેવું પડે છે."

પોતાની આ સફળ સફર વિશે વધુમાં દિના જણાવે છે,

"મને યાદ છે કે અઠવાડિયામાં 3-4 વાર મુંબઈ જઈને મહિલા ઉદ્યમીઓની યાદી અને આંકડા ભેગા કરતી હતી. એક એક કરીને તેમનો સંપર્ક કરતી અને તેમને મારા પ્રદર્શનમાં ભાગ લેવા મનાવતી. એક સમય એવો પણ આવ્યો કે મને પૈસાની તંગી વર્તવા લાગી. એક વખત તો પ્રદર્શનની જગ્યા પણ બૂક કરાવવાની અને બીજી બાજુ જાહેરાત માટે પૈસા પણ આપવાના. હું આ બધું સારી રીતે કરવા માગતી હતી. મેં મારા પતિ પાસેથી થોડી રકમ ઉધાર લીધી. મારા પતિ બહુ સપોર્ટિવ છે. મારા પહેલા પ્રદર્શન વખતે મને 2 લાખ રૂપિયાની જરૂર હતી. હું આ પ્રદર્શન એક સારી જગ્યાએ કરવા માગતી હતી અને એટલે મેં તાજ બ્લૂ ડાયમંડ પસંદ કર્યું."

તેમણે આ પ્રથમ પ્રદર્શનમાં 35 મહિલાઓને આમંત્રિત કરી જેઓ પોતાનો સામાન પ્રદર્શિત કરવા માગતી હતી. તેમણે શહેરભરની મહિલા આન્ત્રપ્રેન્યોર્સને બોલાવી. તેમનો આ પહેલો શો ઘણો સફળ રહ્યો. સૌ કોઈએ તેમની આ પહેલની ઘણી પ્રશંસા કરી.

17 વર્ષ પહેલાં આયોજિત થયેલા આ પ્રદર્શન બાદ દિના આ દિશામાં વધુ વિચારવા લાગ્યા. દિના કહે છે,

"પહેલા પાંચ-છ વર્ષો તો ચારેયબાજુ મારા કામનો પ્રચાર કરવા ઘણી મહેનત કરવી પડી. મારે મારો આ આઈડિયા મહિલાઓને સમજાવવો હતો જેથી એ મહિલાઓ પણ મારી સાથે જોડાઈ શકે. પણ ત્યારબાદ જેમ જેમ મારા કામની જાણ લોકોને થવા લાગી તેમ તેમ મોટી સંખ્યામાં મહિલાઓ મારી સાથે જોડવા લાગી અને પોતાના સામાનના પ્રદર્શન માટે મારે ત્યાં બુકિંગ કરાવવાનું શરૂ કરી દીધું. આજકાલ તો મારા સ્ટોલ પરથી સામાન, પ્રદર્શનની તારીખથી એક મહિના પહેલાં જ વેચાઈ જાય છે."

દિના માને છે કે તેમની આ સફળતામાં જાહેરાતોની એક મોટી ભૂમિકા રહી છે. દિનાએ એ કરી બતાવ્યું જેની આપણે વાતો કરીએ છીએ. પરંતુ દિનાએ વાતો કરવામાં સમય ન વેડફ્યો, તેમણે ડગ માંડ્યા, મુશ્કેલીઓનો સામનો કર્યો અને સફળતાપૂર્વક તેઓ જે ઈચ્છતા હતાં તે કરી બતાવ્યું.


જો આપની પાસે પણ કોઈ વ્યક્તિની રસપ્રદ સફરની વાત છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ, તો અમને લખી મોકલાવો [email protected] પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે દ્વારા અમારી સાથે Facebook અને Twitter પર જોડાઓ...