સફળતાનો મંત્ર શું છે? આ નીડર મહિલા ઉદ્યોગસાહસિકો આપણને જણાવે છે...

સફળતાનો મંત્ર શું છે? આ નીડર મહિલા ઉદ્યોગસાહસિકો આપણને જણાવે છે...

Monday December 21, 2015,

3 min Read

શું આપણે બધા એવી આશા નથી રાખતા કે કોઈ આપણને સફળતાનો સિક્રેટ ફોર્મ્યૂલા આપી દે? મહિલા ઉદ્યોગસાહસિકતાનાં દિવસે, HerStory એ સફળ ઉદ્યોગસાહસિકોને પાંચ સવાલો કર્યા!

અમે તેમને પૂછ્યું કે એવી કઈ એક બાબત છે જે વ્યવસાયને સફળ બનાવવા માટે જરૂરી છે? અમને શું જાણવા મળ્યું તે અહીં પ્રસ્તુત છે:

image


સ્વાતિ ભાર્ગવ, 'કૅશ કરો'ની કૉ-ફાઉન્ડર છે, આ કંપનીએ થોડા સમય અગાઉ જ પોતાનાં ફંડિંગની જાહેરાત કરી હતી. કંપનીએ કલાકારી કેપીટલમાંથી Series A માં 25 કરોડ રૂપિયા ઊભા કર્યા છે. સ્વાતિ માને છે કે, સફળતાની ચાવી છે, મલ્ટી-ટાસ્કિંગ.

તેઓ કહે છે, 

"મહિલાઓ પાસે ઘર તથા પરિવારની વિવિધ જવાબદારીઓ હોય છે, જેને નિભાવવી જ પડે છે, પછી ભલે ને તમે તમારી કારકિર્દીમાં ગમે તેટલાં સફળ હોવ. સ્ટાર્ટઅપને 200% જેટલો સમય જોઈતો હોય છે, તો મહિલાઓનો સમય તથા ધ્યાન માગતા અન્ય કેટલાક કાર્યોની સાથે, તેને સંચાલિત કરવું એક પડકાર છે. મારા મતે, મોટાભાગની મહિલાઓ ઉત્તમ મલ્ટી-ટાસ્કર હોય છે, ઘણીવાર પુરુષો કરતાં પણ સારી."

પોતાનાં વાત્સલ્ય ફાઉન્ડેશન દ્વારા, સ્વાતિ બેડેકર, ગ્રામીણ વિસ્તારની મહિલાઓ માટે હાઈજીનિક ઈકૉ-સિસ્ટમ બનાવવા તરફ કામ કરી રહી છે. સ્વાતિના મતે, મહિલા ઉદ્યોગસાહસિકે પોતાનાં વિઝન, ક્ષમતા અને જ્ઞાન પર વિશ્વાસ રાખવો પડશે. સાથે જ, સતત ધગશ પણ મહત્વપૂર્ણ છે.

BitGiving’s ની 26 વર્ષીય કૉ-ફાઉન્ડર અને CEO ઈશિતા આનંદ કહે છે, "સતત પરિશ્રમ તથા કાઠું કાળજું સફળતાની ચાવી છે. ઘણીવાર મહિલાઓ પોતાની જાત પર વધુ પડતી કઠોર થઈ જાય છે, અને એક ઉદ્યોગસાહસિકની યાત્રા આકરી હોવાના લીધે, તેમણે વિશ્વાસ ન ગુમાવવો જોઈએ તથા પોતાની ક્ષમતાઓ પર પણ સંદેહ ન કરવો જોઈએ. એક ઉદ્યોગસાહકસિક તરીકે, આમ કરવું ઘણું જ ખરાબ સાબિત થશે”, તેઓ ચેતવે છે.

કહેવાય છે કે, જીવનમાં તમે જે નક્કી કરો, એ જ સીમાઓ હોય છે. અને આ વાત, એવી મહિલા ઉદ્યોગસાહસિકો પર દુ:ખદ રીતે લાગુ પડે છે, જેઓ પોતાને ઊંડાણપૂર્વક રોકાણ કરવાથી રોકે છે, આગળ વધવાથી તથા મોટા સપના જોવાથી રોકે છે. તેથી, સફળ થવા માટે આપણી ક્ષમતાઓ પર વિશ્વાસ રાખવો એ એવી મહત્વપૂર્ણ બાબત છે, જે મહિલા ઉદ્યોગસાહસિકોએ પોતાનાં સ્ટાર્ટઅપને સફળતાપૂર્વક ચલાવવા માટે ધ્યાનમાં રાખવી જોઈએ.

JobsForHer ની ફાઉન્ડર નેહા બગરીયા કહે છે, 

"આપણે પોતાનાં ઉછેર તથા સમાજે બનાવેલી દિવાલોમાં કેદ થવાનાં બદલે, સફળતા મેળવવા માટે આપણી સીમાઓની બહાર પગ મૂકવો પડશે." 

આ વેન્ચર, મહિલાઓને તેમનાં લગ્ન, બાળ-ઉછેર તથા વડીલ સેવા માટે લીધેલા બ્રેક પછી, તેમને નોકરીની યોગ્ય તક ઝીલીને, નવેસરથી તેમની કારકિર્દી શરૂ કરવામાં મદદ કરે છે.

HygieneandYouની કો- ફાઉન્ડર પ્રિયંકા જૈન કહે છે કે, એવી એક બાબત જે મહિલા ઉદ્યોગસાહસિકમાં હોવી જોઈએ, તે છે ‘તેનાં વિઝન પ્રત્યેની પ્રતિબદ્ધતા’. કારણ કે, તમારી યાત્રા દરમિયાન વિવિધ પડકારોનો સામનો કરતી વખતે, ઘણીવાર સરળતાથી વિચલિત થઈ જવાય છે.

તો અમને જણાવો, તમારી સફળતાની રેસિપી શું છે?


લેખક: તન્વી દૂબે

અનુવાદક: નિશિતા ચૌધરી