કાનપુરના આ યુવાનો ફૂલોમાંથી ખાતર બનાવીને ગંગાને સ્વચ્છ કરવાનું અભિયાન ચલાવે છે

0

અંકિત અગ્રવાલ અને કરણ રસ્તોગી કાનપુરમાં ટ્યુશન સેન્ટરમાં મળ્યાં હતાં. પછી તેમણે ઉચ્ચ શિક્ષણ અને નોકરી મેળવી. પણ તેમણે એક સ્વપ્ન સેવ્યું હતું – પોતાના શહેરની કાયાપલટ કરવી. તેમની પોતાના શહેર પ્રત્યેના પ્રેમને વશ થઈને તેમણે નોકરીમાંથી રાજીનામું આપ્યું અને બંને મિત્રો કાનપુર પરત ફર્યા. બંને મિત્રોએ વર્ષ 2015માં ‘હેલ્પ અસ ગ્રીન’ નામની સામાજિક સંસ્થા સ્થાપિત કરી અને તેમનું મિશન છે – 'ગંગામૈયાનું સંરક્ષણ'.

અંકિત (ડાબે) અને કરન
અંકિત (ડાબે) અને કરન

26 વર્ષીય કરને વોરવિક બિઝનેસ સ્કૂલમાંથી બિઝનેસ એનાલિટિક્સ અને કન્સલ્ટિંગમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી. માસ્ટર ડિગ્રીના અભ્યાસ દરમિયાન તેમણે આબોહવામાં પરિવર્તન અને કાર્બન ક્રેડિટ્સ પર થીસિસ કરવાનો નિર્ણય લીધો હતો. તે જ રીતે 26 વર્ષીય અંકિત કાનપુરમાં પુનરાગમન કરતા અગાઉ સિમેન્ટેક કોર્પોરેશનમાં ઊંચા હોદ્દા પર કાર્યરત હતા. તેણે પૂણેની સીમ્બાયોસિસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બિઝનેસ મેનેજમેન્ટમાંથી માસ્ટર ઇન ઇન્નોવેશન મેનેજમેન્ટમાં એન્જિનિયરિંગ કર્યું હતું. તેને વાહનના નકામા ટાયર દ્વારા પર્યાવરણે થતા નુકસાનની જાણકારી મળી ત્યારે તેને સ્થાયી વિકાસમાં રસ જાગ્યો હતો. તેણે વિવિધ ઇન્ટરનેશનલ જર્નલમાં 13 રિસર્ચ પેપર લખ્યાં છે અને તેમના કેટલાંક લખાણોની પેટન્ટ ઓફિસ દ્વારા સમીક્ષા થઈ છે.

વિવિધ સ્થળોના પ્રવાસ અને ચર્ચાવિચારણામાં તેમના પોતાના શહેર કાનપુરમાં પર્યાવરણની હાલત કેટલી ખરાબ છે અને ગંગા કેટલી અશુદ્ધ છે જેવા વિષયો પર અંકિતનું ધ્યાન ગયું હતું.

ગંગા હજુ પણ પવિત્ર છે?

ગંગા વિશ્વની બીજી સૌથી વધુ પ્રદૂષિત નદી છે અને 40 કરોડ લોકોને અસર કરે છે. ભારતમાં કોલેરા, ડાયરિયા, હિપેટાઇટિસ જેવા રોગો બાળમૃત્યુ માટે સૌથી વધુ જવાબદાર છે.

અંકિત અને કરણ ઉમેરે છે કે,

"લાખો-કરોડો ભારતીય લોકો મંદિરો, મસ્જિદો અને ગુરુદ્વારાઓમાં પુષ્પો અર્પણ કરે છે. આ પુષ્પો ભક્તિ અને સમર્પણનું પ્રતીક છે. એટલે ફૂલોને નદીમાં પધરાવવામાં આવે છે. પણ આ પવિત્ર ફૂલો સડીને માછલીઓના જીવ પર જોખમ ઊભું કરે છે અને પાણીમાં પ્રદૂષણ કરે છે. પુષ્પોની ખેતીમાં જંતુનાશકો અને રાસાયણિક પદાર્થોનો ઉપયોગ થાય છે, જે નદીના પાણીમાં ભળીને તેને ઝેરીલું (પીએચ 4.7) બનાવે છે. દર વર્ષે ભારતીય નદીઓમાં 800,000 ટન પુષ્પોનો કચરો ઠાલવવામાં આવે છે. ગંગાના પ્રદૂષણ માટે આ મોટું પરિબળ છે."

અંકિત અને કરણ જાણતા હતા કે જો તેઓ લોકોની માનસિકતા બદલવાનો પ્રયાસ કરશે તો તેમને થોડી સફળતા જરૂર મળશે. ચોક્કસ, તેમને લોકોના વિરોધનો સામનો કરવો પડશે.

ફૂલોમાંથી ખાતર

જ્યારે અંકિતે નોકરી છોડવાનો નિર્ણય જણાવ્યો ત્યારે તેમની માતાએ કહ્યું હતું કે, “લો બોલો, હવે ગગાજી નોકરી છોડીને ફૂલો ભેગા કરશે.” કરણના પરિવારજનોએ ભેગા થઈને તેને સમજાવવાનો પ્રયાસ કર્યો, પણ બંને યુવાનો તેમના નિર્ણય પર મક્કમ હતાં.

તેમણે ફૂલોમાંથી ખાતર કેવી રીતે દાટીને બનાવી શકાય તેના પર સંશોધન કર્યું હતું. તેમણે બોટનીના પ્રોફેસર, ખેડૂતો, ખાતર બનાવવામાં રસ ધરાવતા લોકો, મંદિર સમિતિઓ, ઓર્ગેનિક ખાતરના ઉત્પાદકો અને ફૂલોના વેપારીઓ પાસેથી જાણકારી મેળવી હતી. તેમણે ગાય, ઘોડા, બકરી, મરઘા, ઘેટા જેવા વિવિધ પશુઓના છાણ સાથે ખાતર બનાવવાનું પરીક્ષણ કર્યું હતું અને શ્રેષ્ઠ એનપીકે (નાઇટ્રોજન-ફોસ્ફરસ-પોટેશિયમ) મેળવવા વિવિધ સંયોજનો અજમાવ્યા હતા. છ મહિના પછી તેમણે અળસિયાની મદદથી ફૂલોમાંથી ખાતર બનાવવા આદર્શ ‘17 રેસાઇપ’ (17 કુદરતી ઘટકો) બનાવ્યું હતું. આ રેસાઇપમાં એક ઘટક કૉફીના અવશેષ છે, જેને કાનપુરમાં વિવિધ કૉફી શોપમાંથી મેળવવામાં આવે છે. કૉફીના અવશેષો વર્મિકમ્પોસ્ટમાં નાઇટ્રોજનનું સ્તર વધારવા મદદ કરે છે. તેમણે આ ખનીજ તત્ત્વો અને એન્ઝાઇમથી સમૃદ્ધ ઉત્પાદનનું નામ ‘મિટ્ટી®’ રાખ્યું હતું. મિટ્ટી રાસાયણિક ખાતરોનો સુરક્ષિત અને શ્રેષ્ઠ વિકલ્પ છે, જેમાં કાર્બનનું પ્રમાણ બિલકુલ નથી. મિટ્ટી તમામ પ્રકારના રાસાયણિક પદાર્થોથી મુક્ત હોવાથી તેનો ઉપયોગ કરીને ઉગતા વનસ્પતિઓ અને શાકભાજીઓ ઓર્ગેનિક છે.

‘મિટ્ટી’ની સફળતા પછી તેમણે અગરબત્તીનો અભ્યાસ કર્યો હતો. તેમણે આ ફૂલોનો ઉપયોગ કરીને અગરબત્તી વણવાની પદ્ધતિ વિકસાવી હતી, કારણ કે પરંપરાગત પદ્ધતિમાં કાર્સિનોજેનિક કોલસો સંકળાયેલો હોય છે. ‘સ્ટિક્સ એન્ડ સ્ટોન્સ’ તેમના હાથવણાટની કુદરતી અગરબત્તીઓ અને ધૂપની રેન્જ છે.

દરરોજ તેઓ વિવિધ ધાર્મિક સ્થળોમાંથી ફૂલો એકત્ર કરે છે. પછી તેઓ દૂધના પેકેટ, પુષ્પમાળા, ચાંદી અને પ્લાસ્ટિકના વાટકા છૂટાં પાડે છે. છેલ્લે તેમાંથી યોગ્ય મિશ્રણ તૈયાર કરીને ‘મિટ્ટી®’ અને ‘સ્ટિક્સ એન્ડ સ્ટોન્સ®’ બનાવવામાં આવે છે.

પેપરથી બીજ સુધી

જ્યારે પેકેજિંગ પર રિસર્ચ કર્યું ત્યારે તેઓ તેમને રસપ્રદ હકીકત જાણવા મળી હતી – ભગવાનના ફોટોનો ઉપયોગ કરવાથી તેમનું વેચાણ વધ્યું હતું, પણ ધાર્મિક આસ્થાના કારણે લોકો રેપરને કચરાપેટીમાં ફેંકતા નહોતા. એટલે બંનેએ તેમની પેકેજિંગ મટિરિયલ માટે સીડ પેપરમાંથી બનેલા ભગવાનના ફોટોનો ઉપયોગ કર્યો – સીડ પેપરમાં બીજ ફેલાયેલા હોય છે. રેપરને કુંડા જેવો આકાર આપે છે અને થોડા દિવસમાં તેમાંથી અંકુરો ફૂટે છે.

સિદ્ધિઓ

'હેલ્પ અસ ગ્રીન'ને સારી કામગીરી બદલ પુરસ્કારો મળ્યાં છે. તેમણે આઇઆઇએમ ઇન્દોરમાં આયોજિત કલ્પવૃક્ષ ચેલેન્જ 2015, આઇએસબી આઇદિયા ચેલેન્જ અને આઇઆઇટી કાનપુર સોશિયલ ચેલેન્જ 2015માં જીત મેળવી હતી. તેઓ ટાટા સોશિયલ એન્ટરપ્રાઇઝ ચેલેન્જ 2016 (ટીએસઇસી)માં ફાઇનલિસ્ટ બન્યાં હતાં. આ તમામ સિદ્ધિઓએ પરિવાર અને મિત્રોની માન્યતામાં મોટું પરિવર્તન કર્યું છે.

અસર

અંકિત કહે છે કે તેમણે કામગીરી શરૂ કરી છે ત્યારેથી દરરોજ 500 કિલોગ્રામના ફૂલોનું અને અત્યાર સુધી 135,000 કિલોગ્રામ ફૂલોનું રિસાઇકલિંગ કર્યું છે. અત્યારે તેઓ 13 મંદિરો અને ત્રણ મસ્જિદોમાંથી ફૂલો ભેગા કરે છે. હેલ્પ અસ ગ્રીને કાનપુરના 85 કુટુંબોની ગરીબ મહિલાઓને આજીવિકા મેળવવા સક્ષમ બનાવી છે.

લક્ષિત વર્ગ અને આવક

કરણ કહે છે કે તેઓ નિકાસ સેગમન્ટને લક્ષ્યાંક બનાવે છે કે. અંકિત ઉમેરે છે કે સ્વિત્ઝર્લેન્ડ અને જર્મની તેમનું મુખ્ય લક્ષ્યાંક છે. તેની પાછળનું કારણ એ છે કે તેઓનું ઉત્પાદન ઓછું છે અને આ બંને દેશોમાં વેચાણ કરવાથી મળતું નફાનું ધોરણ ઊંચું છે. પણ ઉત્પાદનો ભારતમાં નહીં વેચાણનું કારણ શું છે?

કરણ કહે છે કે, “દુનિયામાં આર્ગેનિક ઉત્પાદનોનું કુલ બજાર રૂ. 48,743 કરોડ છે. અગરબત્તીનું બજાર જ રૂ. 3,000 કરોડનું છે. બીજું કારણ એ છે કે, પશ્ચિમના દેશો પર્યાવરણને અનુકૂળ ચીજવસ્તુઓનો સ્વીકાર ઝડપથી કરે છે અને આ માટે ઊંચી કિંમત ચુકવવા તૈયાર છે. ભારતમાં લોકો સસ્તી ચીજવસ્તુઓ ખરીદવાની માનસિકતા ધરાવે છે અને ડિસ્કાઉન્ટ મળે ત્યાં દોટ મૂકે છે.”

અંકિત ઉમેરે છે,

"લોકો ચંદનની અગરબત્તી બજારમાંથી રૂ. 30ની કિંમતે ખરીદે છે. ચંદનના તેલના કિલોના ભાવ રૂ. એક લાખથી વધારે છે. થોડી પણ સમજણ હોય તો તમને અહેસાસ થશે કે તમે ફક્ત કેમિકલ્સ ખરીદી રહ્યાં છો. અમારી અગરબત્તીઓ હાથથી બનાવવામાં આવે છે અને જૂની પદ્ધતિને અનુસરવામાં આવે છે. સ્ટિક અને સ્ટોનને શુદ્ધ તેલોમાં ડૂબાડવામાં આવે છે."

હેલ્પ અસ ગ્રીને ભારતીય બજારમાં નાના પાયે પ્રવેશ કર્યો છે. તેમણે તેમના ઉત્પાદનો લૉન્ચ કર્યા છે. ફ્લિપકાર્ટ, અમેઝોન, સ્નેપડીલ વગેરે ઇ-કોમર્સ પોર્ટલ્સ પર ‘યજ્ઞ’ નામનું ઉત્પાદન લોંચ કર્યું છે. આ પોર્ટલ્સમાંથી થતું વેચાણ તેમના કુલ વેચાણમાં આશરે 2 ટકા હિસ્સો ધરાવે છે.

પાશેરામાં પહેલી પૂણી

અંકિત અને કરણ ગંગાના 2,000 કિલોમીટરથી વધારે લાંબા કિનારા પર પોતાની કામગીરી ફેલાવવા ઇચ્છે છે અને 25,000 મહિલાઓને રોજગારી પ્રદાન કરીને તેમના બાળકોમાં શિક્ષણનું સિંચન કરવા ઇચ્છે છે. તેઓ કાનપુર મોડલનું અનુસરણ સમગ્ર ભારતમાં કરવા ઇચ્છે છે અને દેશ તેમને સાથસહકાર આપશે તેવી આશા છે. તેઓ જાણે છે કે તેમને લાંબી મજલ કાપવાની છે, પણ તેમને સફળતા મળશે તેવો વિશ્વાસ છે. કરણની પ્રેરણામૂર્તિ રતન ટાટા છે, જ્યારે અંકિત હેરી પોટર સીરિઝમાંથી પ્રોત્સાહન મેળવે છે. અંકિત કહે છે,

"જો તમે શરૂઆત કરો તો બધું શક્ય છે. તમે સારું કામ કરશો તો લોકો તમારામાં વિશ્વાસ મૂકે જ છે."

વેબસાઇટ


લેખક- સ્નિગ્ધા સિંહા

અનુવાદક- કેયૂર કોટક