મધ્યપ્રદેશના મંડસૌર ગામથી પ્રિન્ટિંગ કંપનીના સીઈઓ સુધીની નીધિ અગ્રવાલની પ્રેરણાત્મક સફર

0
"અમે જ્યારે અમેરિકાના ગ્રાફ એક્સપો 2012 નામના પ્રિન્ટિંગ પ્રદર્શનમાં પહેલી વખત ભાગ લીધો ત્યારે હું મારા સ્ટોલ ઉપર ઊભી હતી અને તેવામાં જ એક યુવાન આવ્યો અને તેણે પૂછ્યું કે કંપનીના સીઈઓ કોણ છે. ત્યારે મેં ઉત્સાહપૂર્વક જવાબ આપ્યો કે હું છું. તે થોડી ક્ષણો સુધી મારી સામે જોઈ રહ્યો અને કશું જ બોલ્યા વિના ત્યાંથી જતો રહ્યો. ત્યારે મને ભાન થયું કે હવે હું વેપારની દુનિયામાં આવી ગઈ છું કે જ્યાં આવવાનું મેં વિચાર્યું પણ નહોતું."

આ શબ્દો છે પ્રિન્ટર્સ માટે સોફ્ટવેર તૈયાર કરી રહેલી કંપની ડિઝાઇન 'એન બાય'નાં સીઈઓ નીધિ અગ્રવાલનાં.

33 વર્ષીય નીધિએ જણાવ્યું હતું કે પ્રિન્ટિંગના વ્યવસાયમાં મોટાભાગે પુરુષોનું જ રાજ હોય છે અને તેના કારણે જ તેમને આ વ્યવસાયમાં પ્રવેશવાની પ્રેરણા મળી હતી.

"હું હંમેશા મારી પોતાની આગવી ઓળખ ઊભી કરવાનો પ્રયાસ કરું છું અને લોકો અનુમાન કરી શકે તેવું ક્યારેય મેં કર્યું નથી."

મધ્યપ્રદેશના મંડસૌર ગામમાં જન્મેલી અને ઉછરેલી નીધિ પાંચ બહેનોમાં સૌથી નાની હતી. તેના કરતાં પણ નાનો એક ભાઈ છે. તેમનાં વેપારી પિતા પાસેથી છ ભાઈ બહેનોને શીખવવામાં આવ્યું છે કે જીવનમાં પોતાનું કંઇક કરવું જોઇએ અને તમારા જુનૂનને પૂરૂં કરવું જોઇએ. નીધિ 10મા ધોરણ સુધી હિન્દી માધ્યમમાં ભણેલી છે અને ત્યારબાદ તેણે દરેક વસ્તુ જરા જુદી રીતે કરવાનું નક્કી કર્યું હતું.

નીધિ જણાવે છે,

"સંયુક્ત કુટુંબમાં ઉછરવું એક આનંદની વાત હોય છે. મારા પિતાના 11 ભાઈ-બહેનો અને તેમના પિતરાઇઓ એકસાથે ઉછરીને મોટા થયા છે."

જ્યારે નીધિએ 10મું ધોરણ પાસ કર્યું ત્યારે તેની સૌથી મોટી બહેનનાં લગ્ન થઈ ગયાં હતાં અને તેણે મંડસૌરની બહાર ભણવા જવા માટે પિતાની પાસે પૈસાની માગણી કરી ત્યારે તેમણે જણાવ્યું કે લગ્નમાં વધારે ખર્ચો થઈ ગયો હોવાને કારણે તેમની પાસે હવે પૈસા રહ્યાં નથી. તે વખતે નીધિએ એક અનોખો રસ્તો અપનાવ્યો અને નજીકમાં આવેલી રાષ્ટ્રીયકૃત બેન્કની શાખામાં ગઈ. ત્યાં જઈને તેણે લોનની માગણી કરી. તેની શૈક્ષણિક કારકિર્દી શાળાકીય કાળથી જ તેજસ્વી હોવાને કારણે તેની લોન મંજૂર થઈ ગઈ.

હિન્દી માધ્યમમાંથી અંગ્રેજી માધ્યમની સફર

આમ, નીધિનું મંડસૌરની બહારનું જીવન શરૂ થયું. તેણે ધો. 11માં અંગ્રેજી માધ્યમમાં પ્રવેશ મેળવ્યો. અને ઉચ્ચ અભ્યાસ માટે ઇન્દોર તરફ ગમન કર્યું.

નીધિએ જણાવ્યું હતું કે અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ માત્ર અંગ્રેજીમાં અપાતું હોવાને કારણે મારા માટે પ્રથમ આવવું ખૂબ જ કપરું કામ હતું. પરંતુ તે માટે મેં મારી જાતને માનસિક રીતે તૈયાર કરી લીધી હતી અને પહેલાં વર્ષથી જ હું દરેક વિષયમાં પ્રથમ આવતી હતી. ત્યારબાદ નીધિએ કમ્પ્યૂટર સાયન્સમાં સ્નાતક અને અનુસ્નાતકની ડિગ્રી મેળવી હતી.

ત્યારબાદ તેના વ્યાવસાયિક જીવનની શરૂઆત થઈ. તેણે એક કંપનીમાં નોકરી મેળવી અને કૉડિંગ તેમજ ડિઝાઇનિંગ ઉપર હાથ અજમાવ્યો. તેણે ટેકનિકલ મીટીંગમાં જવાનું શરૂ કર્યું અને કંપનીનાં સંચાલનનું બારીકાઈથી નીરિક્ષણ કર્યું. તેની પ્રથમ નોકરી જે કંપનીમાં હતી ત્યાં 150 લોકો કામ કરતાં હતાં અને 2006માં કંપનીએ તેને ત્રણ મહિનાના એક કામ માટે યુએસ મોકલી હતી.

"આ કંપની નંબર પોર્ટેબિલિટી માટે એક ઓટોમેટિક ટૂલ બનાવી રહી હતી. મને તે પ્રોજેક્ટનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો. તેના કારણે મારા જેવી નાનાં ગામડાંમાંથી આવતી છોકરીને ખૂબ જ શીખવા મળ્યું.તેમજ તેના કારણે મારો દૃષ્ટિકોણ બદલાયો." તેમ નીધિએ જણાવ્યું હતું.

નીધિની ઉદ્યોગસાહસિક તરીકેની સફર

વર્ષ 2007માં યુએસથી પરત ફર્યા બાદ નીધિનાં લગ્ન થઈ ગયાં અને તે અમદાવાદ આવી ગઈ. અહીં તેનાં પતિ અભિષેક તેમનાં બે મિત્રો સાથે પોતાની આઈટી કંપની RWS નામથી ચલાવતા હતા. ધીમેધીમે તેણે કંપનીમાં રસ લેવાનું શરૂ કર્યું અને તેણે વિકાસ અને ડિલિવરી માટે એચઆર, એડમિનિસ્ટ્રેશન, માર્કેટિંગ, સેલ્સનાં ક્ષેત્રે પોતાનું કૌશલ્ય વિકસાવ્યું. આ બાબતને કારણે તેનામાં રહેલાં ઉદ્યોગસાહસિકતાના ગુણોનું તેને ભાન થયું અને તેને ઉદ્યોગસાહસિકતા તરફ હાથ અજમાવવાની પ્રેરણા મળી. બંને કુટુંબો તરફથી સંપૂર્ણ સહકાર મળવાને કારણે તેણે RWSમાં ડાયરેક્ટર એન્જિનિયરિંગના હોદ્દા ઉપર કામ શરૂ કર્યું.

RWS મુખ્યત્વે પ્રોજેક્ટ આધારિત ઓપન સોર્સ ટેકનોલોજી આપતી કંપની હતી. ઓપનસોર્સ પ્રત્યે તેમનાં આકર્ષણને કારણે તેઓ આધુનિક ઓપનસોર્સ ટેકનોલોજી સાતત્યપૂર્ણ રીતે આપવા લાગ્યા. નીધિએ પોતાનાં પતિએ સ્થાપિત કરેલી વસ્તુઓ સિવાય કશુંક અલગ કરવાનું નક્કી કર્યું અને તેના કારણે 'ડિઝાઇન એન બાય'નો જન્મ થયો.

નીધિએ જણાવ્યું હતું કે "ભારે માગને ધ્યાનમાં રાખીને મેં એક ઇન-હાઉસ ટીમ બનાવી અને અમારી પ્રોડક્ટ ઉપર કામ શરૂ કર્યું. અમારું પ્રથમ વેબ ટુ પ્રિન્ટ સોલ્યુશન ટી-શર્ટ પ્રિન્ટર માટેનું હતું. જે વર્ષ 2009ના અંતે બહાર પાડ્યું હતું. તેમાં અમને ખૂબ જ સારો પ્રતિભાવ મળ્યો. અમારા ગ્રાહકોની માગણી અને તેમના ટેકાના કારણે અમે પહેલાં જ વર્ષે તેના 100 કરતાં વધારે લાઇસન્સસ્ડ સોલ્યુશન્સ આપ્યાં હતાં. અમે અમારાં પહેલાં ઉત્પાદનનું નામ ડિઝાઇન એન્ડ બાય આપ્યું અને ત્યારથી અમે પાછું વળીને જોયું નથી."

વિકાસગાથા

જ્યારે તેનો વેપાર વિકાસ સાધી રહ્યો હતો ત્યારે શરૂઆતના દિવસોમાં નીધિને ખ્યાલ આવ્યો કે તે ગર્ભવતી છે. નીધિ જણાવે છે,

"મને લાગ્યું કે હું મારાં નવજાત શિશુ અને વેપાર બંનેને એકસાથે ન્યાય નહીં આપી શકું. હું મારા કાઉન્સેલરને મળવા ગઈ તો તેમણે મને જણાવ્યું કે દરેક કામ કરતી સ્ત્રીનાં જીવનમાં આ પડકાર આવતો હોય છે તેથી તમારે બંને વચ્ચે સંતુલન જાળવવું પડશે."

મને આજે પણ યાદ છે કે ગર્ભાવસ્થાના દિવસો દરમિયાન હું મારા ઇન્ટિરિયર ડિઝાઇનર સાથે શેક કરવાની કોથળી લઈને કલાકો સુધી બેસી રહેતી અને ઓફિસની સજાવટનું બારીકાઈથી ધ્યાન રાખતી મારી દીકરી અનન્યાનો જન્મ 1 જાન્યુઆરી 2011ના રોજ થયો તેના 15 દિવસ પહેલાં જ અમે નવી ઓફિસમાં સ્થળાંતર કર્યું હતું.

ટૂંક સમયમાં જ નીધિએ પોતાની દીકરીને લઈને ઓફિસે આવવાનું શરૂ કરી દીધું. તેણે પોતાની દીકરી અને વેપાર બંનેની સંભાળ લેવાનું શરૂ કરી દીધું.

નીધિ જણાવે છે કે તે વખતે તેને પોતાનામાં રહેલી એક સ્ત્રીની શક્તિ સમજાઈ. તેને લાગ્યું કે સ્ત્રીઓ એક કરતાં વધારે જવાબદારી સરળતાથી સંભાળી શકે છે. તેથી તેણે સ્ત્રી કેન્દ્રિત ટીમનું નિર્માણ કર્યું.

નીધિ ઇન્દિરા ગાંધીને પોતાનો આદર્શ માને છે અને દરેક વિષમ સ્થિતિમાં તે મજબૂત બનીને ટકી રહેવા માગે છે. જ્યારે નીધિ પુસ્તકો નથી વાંચતી હોતી ત્યારે તે પોતાની દીકરી સાથે રમે છે અને તેની પાસેથી શીખે છે. તે જણાવે છે,

"મારી દીકરી પાસેથી ઘણું શીખવા જેવું છે. તેની આસપાસ રહેલી તમામ વસ્તુઓ અંગેનો તેનો દૃષ્ટિકોણ એકદમ નવો છે."

લેખક – સાસ્વતિ મુખરજી

અનુવાદ – YS ટીમ ગુજરાતી

Related Stories