"મૂલ્યનું સર્જન કરવાની સ્વતંત્રતા જ સ્ટાર્ટઅપનો શ્રેષ્ઠ ગુણ છે"- મિશા ગુડીબંદા, સ્કાય ગુડીઝ

"મૂલ્યનું સર્જન કરવાની સ્વતંત્રતા જ સ્ટાર્ટઅપનો શ્રેષ્ઠ ગુણ છે"- મિશા ગુડીબંદા, સ્કાય ગુડીઝ

Thursday April 28, 2016,

7 min Read

જ્યારે મિશા અને અમિત ગુડીબંદાએ પોતાનો વ્યવસાય વર્ષ 2006માં શરૂ કર્યો ત્યારે તેઓ પોતાના આઇડિયા અંગે ખૂબ જ ઉત્સાહી હતા કે એક દિવસ તેમનો સમય પણ આવશે. એક ઇન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું,

"વર્ષ 2006માં સ્કાય ડિઝાઇનની શરૂઆત એ આશયથી કરવામાં આવી હતી કે આગામી દિવસોમાં ડિઝાઇન તેમજ ટેકનોલોજીનાં સમન્વયની સેવાનો યુગ શરૂ થશે. એ વખતથી છેલ્લા એક દાયકાથી સ્કાય ડિઝાઇન ફિલ્મ અને કોર્પોરેટ ક્ષેત્રમાં ધરખમ કામ કરી રહી છે."
image


પરંતુ આ બાબતે કામ કરવા છતાં જોઇએ તેટલો સંતોષ ન મળવાને કારણે તેમણે નક્કી કર્યું કે આ એ કામ નથી કે જે તેમણે કરવું જોઇએ. મિશા કહે છે,

"સ્કાય ડિઝાઇન સરસ કામ કરી રહ્યું હતું અને ખૂબ જ ઝડપથી વિકાસ સાધી રહ્યું હતું. પરંતુ અમે એમ વિચાર્યું હતું કે અમારે કંઇક એવું કરવું જોઇએ કે જે લોકોને મૂલ્ય આપે અને અમને પણ કંઇક યોગ્ય કામ કર્યાનો સંતોષ મળે. વર્ષ 2013માં અમે બ્રેક લીધો અને જે વસ્તુ અમારે બનાવવી હતી તે અંગે અમે વિચારવા લાગ્યાં. ઘણું વિચાર્યાં બાદ તેમણે વ્યક્તિગત વપરાશની વસ્તુઓ ઈ-કોમર્સનાં માધ્યમ મારફતે વેચવા મૂકવાનો નિર્ણય લીધો."

વધુમાં મિશા જણાવે છે, 

"ડીઆઈવાય (ડૂ ઇટ યોર સેલ્ફ) અને ભેટમાં આપી શકાય તેવી વસ્તુ બનાવવા અંગેનું અમારું જ્ઞાન શૂન્ય હતું. કારણ કે તેનું ઉત્પાદન મોટાપાયે થતું હોય છે અને તેની સાથે લોકોનો ભાવનાત્મક લગાવ હોય છે. પરંતુ અમે અમારા સૌથી મોટા પ્રેમ કાગળ અને હાથેથી દોરવામાં આવતી ચિત્રકળા ઉપર પસંદગી ઉતારી." 

image


અમારો ઇરાદો બજારનો પ્રતિભાવ જોવાનો અને તે માર્ગ ઉપર ધીમી પણ મક્કમ ગતિએ આગળ વધવાનો હતો. મિશાએ જણાવ્યું કે કાગળમાંથી વસ્તુ બનાવવી અને અનેક ચમકદાર વસ્તુઓ સાથે ટકી રહે તેવી વસ્તુ બનાવીને સ્પર્ધામાં ટકી રહેવું તે જોખમી હતું પરંતુ અમને શરૂઆતથી જ સારો પ્રતિભાવ મળી રહ્યો હતો.

તેઓ ખૂબ જ ઉત્સાહિત હતાં કે તેમના ઉત્પાદનો એટ્સી બ્લોગ, ડિઝની બેબલ, બઝ ફીડ, ધીસ ઇઝ કોલોસાલ વગેરે ઉપર જોવાં મળતાં હતાં. તેમને સમગ્ર વિશ્વના ગ્રાહકો તરફથી પ્રતિભાવ અને સૂચનો મળી રહ્યાં હતાં. નિશા કહે છે,

"તેમને અમારું કામ ગમતું હતું અને તેઓ વધુ કામની માગણી કરતાં હતાં. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલાં દર્દીઓ મુલાકાતીઓ માટે અમારી ડીઆઈવાય બનાવતાં હતાં. અમારાં રમકડાંથી ઓટિસ્ટિક અને દિવ્યાંગ બાળકો તેમની મોટર ક્ષમતાં વધારવામાં સફળ રહ્યાં છે. ઘણા કુટુંબોમાં માતા-પિતા અને બાળકો સાથે મળીને અમારી ડીઆઈવાયને માણી રહ્યાં છે."

સ્કાય ગુડીઝ

"તેથી અમે સ્કાય ગુડીઝને સ્નેહાકર્ષણની બ્રાન્ડ તરીકે વિકસાવવા લાગ્યાં. અમે અગાઉથી કાપી રાખી હોય અને વાળેલી હોય તેવી ફિઝિકલ ડીઆઈવાયનું ઉત્પાદન શરૂ કર્યું. તેની પાછળનો આશય એ હતો કે ગ્રાહકો કાતર કે ચપ્પાંનાં ઉપયોગ વિના સરળતાથી તેને જોડી શકે. તેના કારણે તમામ લોકોને કંઇક સર્જન કર્યું હોવાનો આનંદ મળે. સ્કાય ગુડીઝનો મુદ્રાલેખ ભાવનાત્મક અપિલ ધરાવતાં અને પરવડી શકે તેવી ભેટસોગાદો બનાવવાનો છે કે જેને મેળવીને ગ્રાહકો ખુશ થાય."

તેમ મિશાએ જણાવ્યું.

image


મિશા અને અમિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન (એનઆઈડી)માં સાથે ભણતાં હતાં. બંનેનાં ક્ષેત્રો અલગ હતાં અમિત પ્રોડક્ટ ડિઝાઇનમાં હતો અને મિશા ગ્રાફિક ડિઝાઇનમાં હતી. પરંતુ લહેરાતા સૌંદર્યમાં રસ ધરાવતા હોવા ઉપરાંત તેઓ પોતાનાં કામ પાછળ પાગલ હતાં. શરૂઆતની મિત્રતા બાદ તેમણે સાથે કામ કરવાનું શરૂ કર્યું. ત્યારબાદ તેઓ જીવનસાથી ઉપરાંત કંપનીનાં સ્થાપકો પણ બની ગયાં. સ્કાય ગુડીઝ તેમની અત્યાર સુધીની જીવન યાત્રાનું પરિણામ છે.

સ્કાય ગુડીઝ ઓરિજિનલ ડિઝાઇન પેપર પ્રોડક્ટ અને ક્રાફ્ટ્સનું વેચાણ કરે છે. મિશાએ જણાવ્યું,

"અમે વિવિધ પ્રકારના વાળેલા પેપર્સનું વેચાણ કરીએ છીએ કે જેને જોડીને ઉપયોગી ગિફ્ટ બનાવી શકાય છે અને તેને જોડવાથી કશુંક બનાવ્યું હોવાનો આનંદ મળે છે. અમારાં ઉત્પાદનો હાથેથી દોરેલી વસ્તુઓ હોય છે. અમે કળાને લોકભોગ્ય બનાવવા માગીએ છીએ અને લોકો રોજિંદા જીવનમાં તેનો ઉપયોગ કરે તેમ ઇચ્છીએ છીએ."
image


તેઓ વધુમાં જણાવે છે,

"અમારી કળા ઇન્ડિયન સ્ટ્રીટ આર્ટ અને ટ્રક આર્ટથી પ્રેરિત છે. તદુપરાંત કેટલીક વસ્તુઓ જૂની કળાથી પણ પ્રેરિત છે. અમે પહેલેથી કાપેલાં અને વાળેલાં કાગળો આપીએ છીએ કે જેથી કરીને ક્રાફ્ટમાં રસ ધરાવતા લોકો કશુંક બનાવ્યું હોવાનો આનંદ માણી શકે. આ કળા દરેક લોકો અને દરેક ઉંમરના લોકો માટે છે. આ ઉપરાંત અમે નોટબુક્સ, ગિફ્ટ બોક્સ, પ્લાનર્સ અને લેબલ્સ પણ વેચીએ છીએ પરંતુ તેની પાછળનો અંતિમ ઉદ્દેશ ગ્રાહકોને ખુશ રાખવાનો છે. અને જ્યારે પણ તે અમારાં ઉત્પાદનનો ઉપયોગ કરે ત્યારે તેના ચહેરા ઉપર સ્મિત આવે તે માટેનો અમારો આશય છે."

સ્કાય ઇઝ ધ લિમિટ

સ્કાય ગુડીઝ મુંબઈ સ્થિત છે. આ નામમાં સ્કાય શબ્દનું ખાસ મહત્વ છે. મિશાએ જણાવ્યું,

"શરૂઆતના દિવસોમાં અમે મુંબઈની ખીચોખીચ ભરેલી લોકલ ટ્રેનોમાં મુસાફરી કરતા હતા. ટ્રેનમાં ભીડ એટલી હોય કે બારીમાંથી આકાશ પણ જોઈ ન શકાય. અમારા માટે આકાશ એટલે અવકાશ અને આઝાદી કે જેની કોઈ મર્યાદા ન હોય. જ્યારે ગુડીઝનો મતલબ થાય છે કે વેચવા માટે મૂકેલી વસ્તુઓ તદુપરાંત બે સારા મિત્રોને પણ ગુડીઝ કહે છે. વળી અમારી અટક ગુડીબંદા છે પણ તે લાંબી છે તેના બદલે અમે આ શબ્દ રાખ્યો છે."
image


શરૂ થઈ ત્યારથી બે વર્ષમાં સ્કાય ગુડીઝે નોંધપાત્ર વિકાસ સાધ્યો છે. આ અંગે મિશા કહે છે, "જોખમ લીધાં વિના તમે નફો ન મેળવી શકો. હા, અમે જોખમથી વાકેફ હતાં. પરંતુ અમારું વિઝન એકદમ સ્પષ્ટ હતું. અમને ખબર હતી કે જે વસ્તુ અમારા મનમાં છે તે ભારતનાં બજારમાં ક્યાંય મતી નથી. વિદેશનાં જારોમાં પણ તે ખૂબ જ મર્યાદિત માત્રામાં મળે છે. અમારાં ઉત્પાદનનાં વખાણ પહેલાં દિવસથી વિદેશનાં બજારોમાં થઈ રહ્યાં છે. શરૂઆતમાં ડીઆઈવાય ગિફ્ટ ભારતનાં બજારોમાં રજૂ કરવી કપરું કામ હતું."

કંપનીએ મુંબઈ ખાતે પોતાનો પ્રથમ બ્રિક એન્ડ મોર્ટાર સ્ટોર શરૂ કર્યો છે. મિશાનું કહેવું છે, "હાલમાં રિઅલ એસ્ટેટ બજાર આસમાને છે તેવામાં અમે આ સાહસ કર્યું છે. આ સ્ટોરમાંથી અમને સારી આવક થઈ રહી છે તેમજ અન્ય ચેનલ્સ મારફતેનાં વેચાણથી પણ અમને સારી આવક થઈ રહી છે. અમારી આવકમાં વધારો થઈ રહ્યો છે. આ ઉપરાંત અમે અમારાં ઉત્પાદનોની રેન્જમાં પણ વધારો કર્યો છે. હાલમાં અમારા વેપારનો કુદરતી વિકાસ થઈ રહ્યો છે અને અમે થોડો સમય તેના ઉપર ચાલ્યા કરીશું. અમારી પાસે કેટલીક યોજનાઓ છે તેને અમલમાં મૂક્યા પછી અમારા વેપારમાં આવતાં ઉતાર-ચઢાવ સ્થિર થશે."

image


તાજેતરમાં આ દંપત્તિને તેમના વ્યવસાયમાં રોકાણ માટેની ઓફરો થઈ રહી છે પરંતુ હાલમાં તેઓ આ રસ્તે જવા માગતાં નથી. મિશાએ જણાવ્યું,

"અમે રાહ જોઈ રહ્યાં છીએ. જે વ્યક્તિ અમારાં ઉત્પાદન તેમજ તેની ફિલોસોફીને સમજી શકે અમે તેની પાસેથી રોકાણ મેળવીશું. અમે સ્કાય ગુડીઝને સારી રીતે સ્થાપિત કરવા માગીએ છીએ. એક વખત તે સારી રીતે સ્થાપિત થઈ જશે પછી અમે તે અંગે વિચારણા કરીશું."

કપરી સ્થિતિનો સામનો

ઉદ્યોગસાહસિક બનવાની ખરાબ સ્થિતિ અંગે મિશા પાસે અનેક મુદ્દાઓ હતાં. તેણે જણાવ્યું,

"ભારતમાં ઉદ્યોગસાહસિક બનવામાં ટેક્સ સિસ્ટમ મોટો અવરોધ છે. ઉપરાંત સ્ટાર્ટઅપે અનેક નિયમોનું પાલન કરવાનું રહે છે જે ખૂબ જ અઘરાં છે. કાગળીયાંની કાર્યવાહીથી માણસ કંટાળી જાય છે."

તેનું ઉદાહરણ આપતાં તેણે જણાવ્યું, 

"જો અમારે અમારાં ઉત્પાદનનું વેચાણ કોઈ પ્રદર્શનમાં મહારાષ્ટ્રની બહાર કરવું હોય તો ટેમ્પરરી વેટ નંબર લેવો પડે છે. તેમાં ખૂબ જ સમય અને પૈસા વેડફાય છે. તેના કારણે યુવા કંપનીઓ પોતાની પાંખ ઝડપથી ફેલાવી શકતી નથી. તેમનાં શરૂઆતનાં વર્ષોમાં આ બધી કડાકૂટ હોવાને કારણે તેમનો વિકાસ રૂંધાય છે."

વડાપ્રધાન મોદીની સ્ટાર્ટઅપ યોજના જાણીને તેમને આનંદ થયો છે. તેમને આશા છે કે તે ઝડપી અમલી બનશે.

સ્ટાર્ટઅપનાં સારા ગુણો વિશે મિશાએ જણાવ્યું,

"મૂલ્યનું સર્જન કરવાની આઝાદી, જ્ઞાન અને અમારાં કામને કારણે લોકોને થતી ખુશી અમારા માટે અમૂલ્ય છે. ઉચ્ચ ગુણવત્તા મેળવવાની ક્ષમતા અને અમારા વિઝનમાં કોઈ બાધા નથી આવતી તે વાતનો અમને ખૂબ જ આનંદ છે."

સલાહ

મિશાએ જણાવ્યું,

"મને અત્યાર સુધીની સૌથી સોનેરી સલાહ મારા એસીના વેપારીએ આપી હતી. તેણે મને મોટું ઘર ખરીદવાની ના પાડી અને કહ્યું હતું કે તમે એક ઓફિસ ખરીદશો તો અનેક ઓફિસ બનાવી શકશો પરંતુ જો તમે એક મોટું ઘર ખરીદશો તો તેમાંથી અનેક ઘર નહીં બનાવી શકો. તેથી અમે સાદગીભર્યું જીવન જીવીએ છીએ, નાની કાર ચલાવીએ છીએ અને અમારા વેપારમાં નાણાં રોકીએ છીએ."

અંતે તેણે પોતાનાં જીવનમાંથી મેળવેલી શીખ વર્ણવતાં જણાવ્યું,

"સારાં ઉત્પાદન અને સેવા બનાવો કે જે લોકોનાં જીવનમાં ઉપયોગી થાય. પહેલેથી સ્પષ્ટતાપૂર્વક સારી ભાગીદારી બનાવો. ઉદ્યોગસાહસિક બનવાથી તાણ વધશે તેથી તમારી માનસિક તંદુરસ્તી જાળવો એક શોખ કેળવો અને તમે જ્યાં સુધી તેમાં સફળ ન થાવ ત્યાં સુધી મંડ્યા રહો." 

લેખિકા- રાખી ચક્રવર્તી

અનુવાદક- YS ટીમ ગુજરાતી