ભયના માહોલમાં ઉછરી રહેલા બાળકો માટે આશાનું કિરણ છે ‘સબા હાજી’

0

આ વાત વર્ષ 2008ની છે જ્યાર સબા હાજી ઉદાસ ચહેરે પોતાની ઓફિસમાં બેસીને અમરનાથમાં શરૂ થયેલા રમખાણોને જમ્મુ કાશ્મીર સુધી ફેલાતા જોઇ રહી હતી. જમ્મુ કાશ્મીરના નાનકડા ગામ ડોડામાં જન્મેલી સબા સમાચારોના માધ્યમથી રમખાણગ્રસ્ત ડોડા જીલ્લાની માહિતી મેળવી રહી હતી. સબા કહે છે, “ઘર પરિવારની સ્થિતિ જાણવા માટે મેં મમ્મીને ફોન કર્યો, પણ મમ્મી ફક્ત એટલું જ કહી શક્યા કે, એક મોટું ટોળું તેમના ગામ તરફ વધી રહ્યું છે.”

...અને બેંગલોર છોડી યુવતી પહોંચી કાશ્મીરની ખીણમાં!

કેપીએમજીમાં ઓડિટ ઇન્ટર્ન તરીકે કામ કરી રહેલી સબાએ નક્કી કરી લીધું કે હવે પોતાના વતન પરત ફરવાનો સમય પાકી ગયો છે. સબા કહે છે, “વર્ષ 2008માં હું એ સમયે બેંગલોરમાં હતી. મેં પોતાનો સામાન પેક કર્યો અને થોડાંક વર્ષો પોતાના ગામમાં વ્યતિત કરવાના ઇરાદા સાથે હું ડોડા પરત આવી ગઇ.”

ગામમાં સ્કૂલ ખોલવા માટે લોકોએ સબા અને અને એના પરિવારનો સંપર્ક કર્યો. સબાના કાકા સમયાંતરે ગામના નબળા લોકોની મદદ માટે નાણાંકીય સહાય મોકલતા હતા. સબાએ એની માતાને પુછ્યું કે શું આપણે સ્કૂલ શરૂ કરી શકીશું. સબાની માતાએ તેને પ્રોત્સાહિત કરી અને આમ પર્વતોની વચ્ચે એક નાનકડા ગામ બ્રેસવાનામાં હાજી પબ્લિક સ્કૂલના પાયા નાંખવામાં આવ્યા.

ખૂબ જ ટૂંકા સમયગાળામાં સબાની સ્કૂલ આસપાસના ગામોમાં લોકપ્રિય બની ગઇ. સબા કહે છે, “છેલ્લા 30 વર્ષોમાં કોઇએ ક્યારેય ગામના વિદ્યાર્થીઓના શિક્ષણ માટે કોઇ કામગીરી કરી નહોતી. એટલું જ નહીં, આસપાસના ગામમાં જો કોઇ ભણેલી વ્યક્તિ હોય તો એવા લોકો પણ આ બાબતને લઇને દંભ પણ કરતા. શિક્ષિત લોકો ગામના અશિક્ષિત બાળકોના શિક્ષણ માટે વિચારતા જ નહોતા. જ્યારે આજના સમયમાં શિક્ષણની જરૂરીયાતને જોતાં સ્વયંસેવકોની મોટી ફોજ તૈયાર કરવાની જરૂર છે.

સ્વયંસેવકોને ડોડાના પર્વતિય વિસ્તારના પડકારરૂપ વાતાવરણમાં રહેવા માટે રાજી કરવા એ સબા માટે સૌથી મોટી ચેલેન્જ છે. સબા કહે છે, “અડીખમ રહીને જોખમી અને ખતરનાક પરિસ્થીતિઓનો સામનો કરવાના મક્કમ મનોબળ સાથે આવનાર યુવાનો જ અહીં એક વર્ષ પૂર્ણ કરી શકતા હોય છે. જોકે સંસ્થાની સ્થાપના સમયથી સબા સાથે જોડાયેલો એક સ્વયંસેવક આજે સંસ્થાના ઉચ્ચ પદ પર સેવા આપી રહ્યો છે.

વાલીઓ સ્કૂલની બારી સામે કતારબદ્ધ રીતે ઉભા રહી જતા

હાજી પબ્લિક સ્કૂલની શરૂઆતથી જ ઉસ્તાહી ગ્રામજનો સ્કૂલને સહયોગ આપતા. વાલીઓ સ્કૂલની બારી સામે કતારબદ્ધ રીતે ઉભા રહી જતા અને પોતાના બાળકોને સ્કૂલમાં ભણી રહેલા જોવા માટે કલાકો સુધી રાહ જોતા. પર્વતિય વિસ્તારના આ અંતરિયાળ ગામના લોકો માટે આ એક સપના સમાન હતું.

ધર્મ અને સમુદાયના જૂના રાજકરણ વચ્ચે લટકી રહેલા જમ્મુમાં આજે પણ હિન્દુઓ અને મુસલમાનો વચ્ચે જૂના પૂર્વાગ્રહો અને તાણ સ્પષ્ટપણે જોઇ શકાય છે. સબા કહે છે, “બન્ને જૂથો વચ્ચે કટૂતા નથી પણ અંતર જોઇ શકાય છે. જ્યારે અમારા સ્વયંસેવકો અહીં આવતા જતા હતાં ત્યારે શરૂઆતમાં બાળકોને એવું લાગતું કે કંઈક ખોટું થઇ રહ્યું છે. પણ વખત જતા બાળકો પણ સ્વયંસેવકો સાથે હળીમળી ગયા. હવે સ્થિતિ એવી છે કે બાળકો પોતાના ઘરમાં જ્યારે કોઇને ધાર્મિક ભેદભાવની વાતો કરતા જોવે છે ત્યારે બાળકો વડીલોને આવી વાતો બંધ કરવાનું કહી દે છે.” પોતાના છાત્રોની આવી પરિવક્વતા પર સબાને ખૂબ જ ગર્વ છે.

સરકારના બેજવાબદાર વર્તનને કારણે જ રાજ્યમાં શિક્ષણની સ્થિતિ ખરાબ

આગળ વાત કરતા સબા કહે છે, “મેં ક્યારેય શિક્ષણ વિભાગના અધિકારીઓને સ્કૂલ્સની મુલાકાત લેતા નથી જોયા. જોકે પેપરવર્કની ઔપચારિકતા પૂર્ણ કરવા અધિકારીઓ પહોંચી જાય છે.” સબાનું માનવુ છે કે સરકારના બેજવાબદાર વર્તનને કારણે જ રાજ્યમાં શિક્ષણ અને સ્કૂલ્સની સ્થિતિ ખરાબ છે. સરકારી કર્મચારીયો લાંચ લીધા વગર કામ કરવા તૈયાર નથી હોતા. અને સરકાર બદલતાની સાથે જ જૂના બધા કામો અધવચ્ચે અટકી જતા હોય છે. છેલ્લા આઠ વર્ષ દરમિયાન બિનકાર્યક્ષમ સરકારી કર્મચારીઓ સામે લડતા લડતા અમને સજા આપાવવામાં સફળતા મેળવનાર હાજી સ્કૂલની સંચાલિકા આસપાસના વિસ્તારોમાં ખૂબ પ્રસિદ્ધ થઇ ગઇ છે. સદનસીબે સબાના પિતા ગામના સરપંચ છે અને તેઓ સબાને ખૂબ મદદરૂપ થતા હોય છે.

સબા કહે છે, અમને પણ ઘણાં બધા હાસ્યાસ્પદ નિયમો પાળવા પડે છે. દાખલા તરીકે તમેં કોઇ વિદ્યાર્થીને નપાસ નથી કરી શકતા. જો કોઇ બાળક ભણવામાં નબળો હોય અને માતાપિતા તેને એ જ ધોરણમાં ફરીથી બેસાડવા માટે સહમત હોય તો સરકારે તેમાં દખલગીરી ન કરવી જોઇએ. આવા બાળકને પાસ કરીને આગળના ક્લાસમાં મોકલવાનો કોઇ અર્થ નથી. નબળા બાળકોને પાસ કરી સાક્ષતરતા દરને કાગળ પર વધતો દેખાડવાનું કામ આપણા દેશમાં વર્ષોથી થઇ રહ્યું છે.

જમ્મુ કાશ્મીરમાં થતાં સારા કામો પર કોઇની નજર નથી જતી

નવા વિચારો અને હકારાત્મક અભિગમ સાથે કામ કરી રહેલી સબાને વિશ્વાસ છે કે તે વધુમાં વધુ વિદ્યાર્થીઓને પોતાની સાથે જોડવામાં સફળ થશે. સબાનો સૌથી મોટું ધ્યેય છે તેના રાજ્યના શહેરોમાં વસતા શિક્ષિત યુવાનોને ગામડાંના બાળકોના ભણાવવાના કાર્યમાં જોડવા. સબા કહે છે, “આપણાં દેશમાં સારી કોલેજોની કોઇ કમી નથી છતાં લોકો ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવાનું પસંદ કરે છે. જમ્મુ કાશ્મીરમાં થઇ રહેલા સારા કામો પર કોઇની નજર નથી જતી. ફક્ત ખરાબ ઘટનાઓને જ સમાચારપત્રોની હેડલાઇન બનાવવામાં આવે છે. પણ ભારત માતાના માથાના તાજની વાસ્તવિકતા જુદી જ છે.”

સબા હસતા હસતા કહે છે, “મીડિયા અને ગામડાંઓની વચ્ચે કોઇ સબંધ જ નથી. તેમના માટે કાશ્મીર તદ્દન અલગ જગ્યા છે. અમારી નજરમાં અમે પોતે પ્રહરી છીએ જેમની પોતાની સંસ્કૃતિ છે. મીડિયાનું ધ્યાન પણ અમારા પર ત્યારે જ જાય છે જ્યારે બોર્ડર પરના વિસ્તારોમાં કોઇ ઘટના ઘટે. ચૂંટણી ટાણે રાજનેતાઓ અને પાર્ટીઓ અમારા પર દિલ ખોલીને પૈસાની વર્ષા કરે છે જે અમારા માટે તદ્દન નવો અનુભવ હોય છે. કારણ કે અમે ક્યારેય આટલી મોટી રકમ જોઇ જ નથી હોતી. જો તમે અમને ચૂંટણીનો મતલબ પૂછો તો અમારા માટે ચૂંટણીનો મતલબ ફક્ત રૂપિયા છે.

ડોડા પરત ફરવું સબા માટે ‘ઘર વાપસી’ સમાન હતું

આજથી આઠ વર્ષ પહેલા સબાએ ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું કે તે કાશ્મીરના પર્વતિય વિસ્તારમાં કોઇ સ્કૂલ ચલાવતી હશે. તે કહે છે, “મેં તો ક્યારેય ડોડામાં રહેવા અંગે પણ વિચાર્યું નહોતું. અમે મધ્યમવર્ગી લોકો જમીન સાથે જોડાયેલા રહીએ છીએ.” વર્ષો સુધી દુબઇ અને બેંગલોરમાં સમય વ્યતિત કર્યા પછી ડોડા પરત ફરવું સબા માટે ઘર વાપસી સમાન હતું.

સબા કહે છે, “મારા તમામ સગા સબંધીઓના બાળકો મારા માટે વિદ્યાર્થીઓ છે. આ મારા આવા સબંધીઓ છે જેમનો શિક્ષણ સાથે કોઇ જ સંબંધ નહોતો. એજ મારા અને એમના વચ્ચેનો મુખ્ય તફાવત છે. તેઓ પોતાના બાળકોને ભણાવીને કઇંક બનતા જોવા માટે કેટલા અધીરા છે એ ફક્ત હું જ જાણું છું.”

અને આજ લાગણી સબાને દુનિયાથી 8000 ફૂટ કરતા પણ વધુ ઉંચાઇ પર રહી બાળકોને શિક્ષિત કરવા માટે પ્રેરિત કરે છે.

Related Stories