10 વર્ષોથી આંતરવસ્ત્રો ભેગા કરવાનો 'લિમ્કા બુક ઑફ રેકોર્ડ' ધરાવે છે રજનીશ બંસલ

0

ગાઝિયાબાદ અને તેની આસપાસના વિસ્તારોમાં રહેતા મોટાભાગના લોકો માટે મંગલી હોઝિયરી અને તેના માલિક 39 વર્ષીય રજનીશ બંસલ કોઈ અજાણ્યું નામ નથી. કંઈક અલગ કરીને પોતાના જીવનમાં સફળ થવાનું સ્વપ્ન જોનારા રજનીશ આંતરવસ્ત્રો ભેગા કરવાના પોતાના શોખના કારણે લિમ્કા બુક ઑફ રેકોર્ડમાં નામ નોંધાવવામાં સફળ રહ્યા છે. હાલમાં તેમની પાસે 22,000થી પણ વધારે આંતરવસ્ત્રોનો સંગ્રહ છે અને છેલ્લાં 10 વર્ષથી તે સતત આ રેકોર્ડ પોતાના નામે રાખવામાં સફળ રહ્યા છે. તેમણે 1990માં માત્ર 14 વર્ષની ઉંમરે 50 હજાર રૂપિયાના રોકાણ દ્વારા પોતાના વેપારનો પાયો નાખ્યો હતો અને આજે તે વર્ષે 5 કરોડથી પણ વધુનો વેપાર કરી છે.

આજથી 25 વર્ષ પહેલાં 1990માં 14 વર્ષના રજનીશ દસમા ધોરણમાં અભ્યાસ કરતા હતા અને તે સમયે તત્કાલિન કેન્દ્ર સરકારે નોકરીઓમાં અનામત લાગુ કરી. રજનીશને લાગ્યું કે હવે તેમને સરકારી નોકરી તો નહીં જ મળે. તેના કારણે તેમણે પોતાનો વેપાર શરૂ કરવાનું નક્કી કર્યું. તે સમયની સ્થિતિ અંગે યોરસ્ટોરી સાથે વાત કરતા રજનીશ જણાવે છે,

"તે દરમિયાન મારા પિતાજી પાસે રોહિણીમાં એક પ્લોટ હતો જે તેમણે રૂપિયા 1.22 લાખમાં વેચ્યો અને તેમાંથી 50 હજાર મને વેપાર કરવા માટે આપ્યા."

રજનીશે પિતા તરફથી મળેલા પૈસા દ્વારા ઘરે રહીને જ કોઈ વ્યવસાય શરૂ કરવાનું નક્કી કર્યું અને તેઓ દોરા ખરીદીને પગમાં પહેરવાના મોજા બનાવીને વેચવા લાગ્યા.

રજનીશ વધુમાં જણાવે છે,

"તે સમયે મેં દોરામાંથી મોજા બનાવતા ફેબ્રિકેટર્સનો સંપર્ક કર્યો અને મોજા તૈયાર કરીને વેચવા લાગ્યો. મેં મારી બ્રાન્ડનું નામ સુપરટેક્સ રાખ્યું. માત્ર ચાર મહિના બાદ ગાઝિયાબાદના તુરાબનગર વિસ્તારમાં એક દુકાન ખોલી જ્યાં માત્ર મોજા જ મળતા હતા. તે સમયે મારી મજાક ઉડાવાતી કારણ કે એવી દુકાન કે જ્યાં માત્ર મોજા જ મળે એવું કોઈએ જોયું કે સાંભળ્યું નહોતું."

તેમની દુકાન સમયાંતરે લોકોમાં પોતાનું વિશેષ સ્થાન બનાવવામાં સફળ રહી અને ખરીદી માટે તેમની દુકાને ગ્રાહકોની સંખ્યા વધવા લાગી. ગ્રાહકોના જ સૂચનના આધારે તેમને પોતાની દુકાનમાં આંતરવસ્ત્રો પણ રાખવાનું શરૂ કરી દીધું.

1992 આવતા સુધીમાં તો તેમણે પોતાની મોજાની દુકાનને સંપૂર્ણ રીતે હોઝિયરીના શોરૂમમાં પરિવર્તિત કરી દીધી. રજનીશ જણાવે છે,

"અમારી પાસે મોજા ખરીદવા આવનારા ગ્રાહકો કાયમ અમને કહેતા હતા કે અમારે આ દુકાનમાં આંતરવસ્ત્રો પણ વેચવા માટે રાખવા જોઈએ. ગ્રાહકોને વાતને માન આપીને અમે 1992માં અમારી મોજાની દુકાનને મંગલી હોઝિયરી નામ આપીને સંપૂર્ણ રીતે હોઝિયરીની દુકાનમાં પરિવર્તિત કરી દીધી."

સમય પસાર થતો ગયો અને તેમની મહેનતના કારણે તેમનો વેપાર ‘દિવસે ન વધે એટલો રાતે વધે’ એ કહેવતને સાર્થક કરતા વધવા લાગ્યો. આંતરવસ્ત્રોની વિવિધતાના કારણે તેમનો શોરૂમ આસપાસના વિસ્તારોમાં પણ પ્રસિદ્ધ થઈ ગયો.

2003 આવતા સુધીમાં તો તેમની દુકાનમાં પુરુષ અને સ્ત્રીઓના આંતરવસ્ત્રોની સંખ્યા એટલી વધી ગઈ કે સમગ્ર વિસ્તારમાં એક ધારણા બંધાઈ ગઈ કે કોઈને બીજી ક્યાંય કોઈ આંતરવસ્ત્ર ન મળે તો તે રજનીશને ત્યાં તો મળી જ જશે. તેમણે જણાવ્યું,

"વર્ષ 2003માં એક દિવસ એક ગ્રાહક અમારી દુકાને આવ્યો અને કાઉન્ટર પર હાજર કર્મચારીને પોતાની પસંદગીનું આંતરવસ્ત્ર આપવા જણાવ્યું. તે સમયે કાઉન્ટર પર હાજર કર્મચારીને તે ન મળ્યું. ગ્રાહકે જણાવ્યું કે, એવું બની જ ન શકે તે તેને જે જોઈએ છે તે અહીંયા ન મળે. તેના કહેવાથી ફરીથી શોધ કરવામાં આવી અને કલાકોની મહેનત બાદ તે આંતરવસ્ર મળ્યું."

ત્યારબાદ ખ્યાલ આવ્યો કે તેમની પાસે આંતરવસ્ત્રોની જે પ્રોડક્ટ અને પ્રમાણ છે તે બીજે ક્યાંય નથી.

આ દરમિયાન રજનીશે અખબારમાં વિવિધ પ્રકારની વસ્તુઓ ભેગી કરનારા લોકો વિશે વાંચ્યું અને તેને પણ લાગ્યું કે, લોકો વિચિત્ર વસ્તુઓ ભેગી કરતા હોય તો પછી આંતરવસ્ત્રો કેમ નહીં. રજનીશ વધુમાં જણાવે છે,

"તે સમયે મેં અખબારમાં વિવિધ વસ્તુઓનો સંગ્રહ કરનારા લોકો અંગે એક લેખ વાંચ્યો જેનું શિર્ષક મને આજે પણ યાદ છે. તે લેખનું શિર્ષક હતું ‘અજબ તેરી દુનિયા-ગજબ તેરે શૌક’. ત્યારબાદ મેં મારી પાસે રહેલા તમામ આંતરવસ્ત્રોની ગણતરી કરાવી અને તે આંકડો 22,000ને પાર જતાં મેં લિમ્કા બુક ઑફ રેકોર્ડ્સનો સંપર્ક સાધ્યો."

પહેલી વખત તેમના દ્વારા કરાયેલી અરજી પર લિમ્કા બુકના અધિકારીઓએ કોઈ ધ્યાન આપ્યું નહીં. ત્યાં સુધી કે બીજી વખત પણ તેમણે કરેલી અરજીનો કોઈ જવાબ આપ્યો નહીં.

ત્યારબાદ રજનીશ જાતે જ ગુડગાંવ ખાતે આવેલી 'લિમ્કા બુક ઑફ રેકોર્ડ'ના કાર્યાલય પહોંચ્યા અને તેના સંપાદક સાથે મુલાકાત કરી. આ મુલાકાત અંગે રજનીશ જણાવે છે,

"તેમણે મને કહ્યું કે તેમને એમ લાગતું હતું કે આ રેકોર્ડ અંગે મેટ્રો શહેરમાંથી પણ કોઈ દાવેદારી આવશે. તે સમયે ગાઝિયાબાદનું નામ સમગ્ર દેશમાં અપરાધોના કારણે બદનામ હતું તેથી તેમને મારો દાવો ખોટો લાગ્યો હતો. મારી મુલાકાત બાદ તેમણે ખરાઈ કરવાની તમામ પ્રક્રિયા હાથ ધરી અને 22,315 પ્રકારના વિવિધ આંતરવસ્ત્રો સાથે મારું નામ લિમ્કા બુક ઑફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું."

વર્ષ 2004માં પહેલી વખત તેમનું નામ લિમ્કા બુકમાં નોંધાયા પછી દર વર્ષે તેમનું જ નામ આવે છે અને આજની તારીખે પણ આ રેકોર્ડ કોઈ તોડી શક્યું નથી.

કેટલાક વર્ષો પૂર્વે રજનીશે ગિનીઝ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ્સમાં પોતાનો દાવો રજૂ કર્યો પણ તે સમયે ગિનીઝ બુક પાસે આ ક્ષેત્રમાં એવા કોઈ સંગ્રહની શ્રેણી જ નહોતી તેથી રજનીશનું સ્વપ્ન અધુરું રહ્યું. 

"વર્ષ 1990માં 14 વર્ષની ઉંમરે માત્ર 50 હજાર રૂપિયા દ્વારા વેપારની શરૂઆટ કરતી વખતે મેં સ્વપ્નેય વિચાર્યું નહોતું કે હું આ તબક્કે પહોંચી કે સફળ થઈશ. વર્તમાન સમયમાં મારું વાર્ષિક ટર્નઓવર રૂપિયા પાંચ કરોડ કરતા વધારે છે અને આઈએસઓ 9001: 2008થી પ્રમાણિત થનારી કદાચ મારી પહેલી જ કંપની છે."

રજનીશ ટૂંક સમયમાં પોતાના ગ્રાહકોની સગવડ માટે મોબાઈલ એપ પણ લાવી રહ્યા છે જેના પર કામ ચાલી રહ્યું છે. રજનીશ વધુમાં જણાવે છે, "વેપારની બાબતમાં અમારો દાવો છે કે અમારી પાસે સૌથી વધુ વિવિધતા ધરાવતા ઉત્પાદનો છે અને તેની કિંમત માટે પણ અમે પડકાર ફેંકીએ છીએ. અમે અમારા ગ્રાહકોને બજારમાં સૌથી સસ્તી કિંમતે આંતરવસ્ત્રો આપીએ છીએ. આવા સંજોગોમાં દૂર રહેતા અમારા ગ્રાહકો અમારી એપ દ્વારા ખરીદી કરી શકે છે અને અમે તેમના ઓર્ડરની વસ્તુઓ તેમના સુધી પહોંચાડવા માટે કેટલાક લોજિસ્ટિક્સ પાર્ટનર સાથે ચર્ચા પણ કરી રહ્યા છીએ જે અંતિમ તબક્કામાં છે."

રજનીશને આશા છે કે આગામી સમયમાં તે પોતાના આ સંગ્રહના કારણે પોતાનું નામ ગિનીઝ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવવામાં પણ સફળ રહેશે.


લેખક- નિશાંત ગોએલ

અનુવાદક- એકતા રવિ ભટ્ટ

Related Stories

Stories by YS TeamGujarati