19 વર્ષના યુવા ઉદ્યોગસાહસિકનું સ્ટાર્ટઅપ અને તેની સામેના પડકારો 

0

કહેવાય છે કે વ્યક્તિ જ્યારે 18 વર્ષની થાય છે ત્યારે તેના જીવનમાં મહત્વપૂર્ણ ફેરફાર આવવાની શરૂઆત થઈ જાય છે અને તે પહેલાની સરખામણીએ પોતાના ભવિષ્ય અંગે વધારે ગંભીર થઈ જાય છે. આજે આ વાતના માધ્યમથી તમને જે વ્યક્તિ સાથે અવગત કરાવી રહ્યા છીએ તેણે આ ઉંમરે બધું જ મેળવી લીધું જ્યારે મોટાભાગના સિમિત સંસાધનોના કારણે બેસી રહે છે.

વાત કરી રહ્યાં છીએ નિતિન શર્માની જેણે 18 વર્ષની ઉંમરે કંઈક મોટું કરવાની પોતાની ક્ષમતા પર વિશ્વાસ કરીને સફળતા મેળવી. નિતિન પરંપરાગત સ્નાતક અને ત્યારબાદ કોઈ વિદેશી વિશ્વવિદ્યાલયમાં એમબીએની ડિગ્રી લઈને બેસવા નહોતો માગતો. નિતિન એ જાણતો હતો કે એક સાથે બે નૌકાઓ પર સવાર થઈ શકાય નહીં. તેણે પારંપરિક અભ્યાસ છોડીને એમિટી યુનિવર્સિટીમાંથી કોરસ્પોન્ડસ કોર્સ કરીને પોતાની ડિગ્રી મેળવી.

ગત વર્ષની શરૂઆતમાં નિતિને પોતાનું સંશોધન કાર્ય શરૂ કર્યું અને બજારમાંથી નવા બિઝનેસ આઈડિયા શોધવા લાગ્યો. તેણે હાયપર લોકલ ડિલિવરી મોડલ વિકસાવવાનું નક્કી કર્યું પણ પછી તે વિચાર પડતો મૂકી દીધો. આ દરમિયાન તેને ખ્યાલ આવ્યો કે, ભારતમાં લોકોને ડ્રાઈવર મેળવવામાં સૌથી વધારે મુશ્કેલી થાય છે. તેણે આ ક્ષેત્રનો અભ્યાસ શરૂ કર્યો અને પોતાના વિચારોને તે દિશામાં આગળ ધપાવી 'ડ્રાઈવર ઓન ડિમાન્ડ' સેવા શરૂ કરી.

ડ્રાઈવ બડની ટીમ

પોતાના આ બિઝનેસ માટે સંશોધન દરમિયાન તે 1,500 જેટલા ડ્રાઈવર્સને મળ્યો અને તેમાંથી તેણે 1,000 ડ્રાઈવર્સનો ડેટાબેઝ તૈયાર કર્યો જે પોતાને વ્યવસાય મળે તે માટે નિતિનના સાહસમાં જોડાવા માગતા હતા. તેણે મુંબઈની પણ મુલાકાત લીધી અને ત્યાં પણ 300 ડ્રાઈવર્સનો ડેટાબેઝ બનાવ્યો. કોલકાતામાં પણ તેણે 100 ડ્રાઈવર્સને જોડ્યા.

આ દરમિયાન તે કેટલાક રોકાણકારોને પણ મળ્યો જે તેના સાહસમાં રોકાણ કરવા તૈયાર થાય. ઓગસ્ટમાં તેને વિવિધ રોકાણકારો પાસેથી 10 લાખ રૂપિયાનું રોકાણ મળ્યું.

નવેમ્બર 2015માં નિતિને 'ડ્રાઈવ બડ' લોન્ચ કર્યું. આ એક એવું પ્લેટફોર્મ હતું જે દેશભરના ડ્રાઈવર્સને જોડતું હતું.

ડ્રાઈવબડનો 19 વર્ષીય સીઈઓ નિતિન જણાવે છે,

"અમે સ્થળ આધારિત ઓનલાઈન ડ્રાઈવર ઓન ડિમાન્ડ સર્વિસ આપનાર પ્લેટફોર્મ છીએ. અમે લોકો ફૂલ ટાઈમ ડ્રાઈવર રાખવાનો પણ વિકલ્પ આપીએ છીએ. અમે પોષાય તેવા વિકલ્પ આપીને લોકોને ચોક્કસપણે ડ્રાઈવરની સેવા પૂરી પાડવી ખાતરી આપીએ છીએ."

તે વધુમાં જણાવે છે, "મારી ઈચ્છા ભારતમાં સૌથી મોટું ડ્રાઈવર ડેટાબેઝ તૈયાર કરીને ટ્રેઈન્ડ ડ્રાઈવરોને એક જ પ્લેટફોર્મ પર લાવવા."

બિઝનેસ પ્લાન

આ માધ્યમ દ્વારા તે પ્રતિ કલાકના ધોરણે ચાર્જ વસુલે છે અને ત્યારબાદ પ્રતિ મિનિટ ચાર્જ લગાવવામાં આવે છે. તે એક કલાકનો 125, ચાર કલાકનો 450 અને આઠ કલાકનો 650 રૂપિયા ચાર્જ વસુલે છે.

ડ્રાઈવબડની યુએસપી છે કે તે ગમે ત્યાંથી 30 મિનિટમાં સેવા આપે છે. ડ્રાઈવબડ બીટુબી માર્કેટમાંથી બિઝનેસ લાવવા માગે છે. તેણે દિલ્હી અને એનસીઆરની એનજીઓ તથા નાઈટ ક્લબ સાથે ટાઈઅપ કર્યું છે. ડ્રાઈવબડ વનવે અને નાઈટ ટ્રિપ દરમિયાન વધારાનો ચાર્જ નથી વસૂલતા. નિતિન જણાવે છે,

"અમારા ડ્રાઈવરને એક અઠવાડિયાની તાલિમ આપવામાં આવે છે જેથી ખાતરી થઈ જાય કે ગ્રાહકોને યોગ્ય સેવા મળી રહેશે."

રોકાણ અને વિકાસ

નિતિન જણાવે છે કે, તેણે તેના રોકાણમાંથી ડ્રાઈવબડ શરૂ કરી હતી. તેણે બચાવેલા પોતાના આઠ લાખ આ સાહસમાં રોકી દીધા હતા. ડ્રાઈવબડની 11 લોકોની ટીમ છે તથા આ સેવા એન્ડ્રોઈડ અને આઈઓએસ પર પણ ઉપલબ્ધ છે. અમે નવેમ્બરમાં સેવા શરૂ કરી અને હાલમાં રોજની 150 થી 200 કલાકની સેવા આપીએ છીએ. અમે ધીમે પણ મક્કમ વિકાસ કરી રહ્યા છીએ તથા મને એક વાતનો આનંદ છે કે અમારા 90 ટકા ગ્રાહકો ફરીથી અમારી સેવા લે છે.

તેમની પાસે 25 ડ્રાઈવર્સ પે રોલ પર જ્યારે 80 ડ્રાઈવર્સ ફ્રીલાન્સ કામ કરે છે. ડ્રાઈવબડ પાસે 1,500 રજિસ્ટર્ડ ગ્રાહકો છે અને તેઓ ઓછામાં ઓછી અઠવાડિયામાં ત્રણ વખત તેમની સેવાઓનો ઉપયોગ કરે છે.

સ્ટાર્ટઅપ અંગેના પોતાના અનુભવ વિશે નિતિન જણાવે છે,

"બજારમાં મારા જેવા ઘણા સાહસિકો છે પણ તેઓ પોતાની ઉંમરના કારણે સ્ટાર્ટઅપ શરૂ કરવામાં ખચકાય છે. હાલના સમયમાં કંપનીના વિકાસ માટે જે ઉત્સાહ અને ધગશની જરૂર છે તે યુવાન સાહસિકોમાં વધારે હોય છે. બીજી તરફ હું અનુભવને પણ એટલું જ પ્રાધાન્ય આપું છું. કોઈ વ્યક્તિ પોતાની ટીમમાં વૈવિધ્ય લાવતા યુવાન અને અનુભવીઓને સાથે તક આપે તો તેઓ સરળતાથી બજારમાં છવાઈ શકે છે."

બજાર અને સ્પર્ધા

કારની માલિકીની વાત કરીએ તો વિશ્વમાં ભારત 160મા ક્રમે છે જ્યાં દર 1,000 લોકો વચ્ચે 18 પાસે કાર છે. હાલના સમય પ્રમાણે અંદાજ લગાવીએ તો 2025 સુધીમાં પ્રતિ 1,000 વ્યક્તિએ આ દર 35 ટકા વધે તેમ લાગી રહ્યું છે.

બેંગલુરુ ખાતે ડ્રાઈવયુ એવી જ કંપની છે જે આ પ્રકારની સેવા આપે છે. તે પહેલી કંપની છે જેણે એપ દ્વારા આવી સેવા દેશમાં શરૂ કરી હતી.

સંદેશ

નિતિન જણાવે છે,

"18 વર્ષે સ્ટાર્ટઅપ શરૂ કરવું તે દરેકની ક્ષમતાની વાત નથી. ભારતમાં સાહસ કરવામાં અને જોખમ લેવામાં ખૂબ જ ઓછા લોકો માને છે અને તમે આવું કોઈ સાહસ કરતા હોવ તો તમને સાથ આપનારા પણ ખૂબ જ ઓછા મળે છે. હું ક્યારેય મારા સાહસ વિશે લોકોને જણાવતો નથી કારણ કે મને વિશ્વાસ છે કે નકારાત્મક પ્રતિભાવ આવશે. મારી ઉંમરના કારણે ઘણા લોકોએ મને હતોત્સાહ કરવાનો પ્રયાસ કર્યો હતો. મેં મારા પ્રોજેક્ટ માટે સખત મહેનત કરી છે અને સફળ થયો છું."

લેખક- તૌસિફ આલમ

અનુવાદક- એકતા રવિ ભટ્ટ

આવા અન્ય સ્ટાર્ટઅપ્સ વિશે જાણવા અમારું Facebook Page લાઈક કરો

Related Stories