એક સમયે અમદાવાદની ફૂટપાથ પર ગાંઠિયા વેચનાર આજે IIMના વિદ્યાર્થીઓને શીખવે છે મેનેજમેન્ટના પાઠ!

0

- ફૂટપાથ પર વેચ્યા ગાંઠિયા, આજે ધરાવે છે ગાંઠિયા રથની 8 બ્રાન્ચ!

- અમદાવાદ આવ્યા ત્યારે વાલજીભાઇ પાસે એક રૂપિયાની પણ મૂડી નહોતી પણ હા, તેમના માથે રૂપિયા 2 હજારનું દેવું જરૂર હતું!

શેફાલી કે. કલેર

Image Courtesy: Zomato.com

લક્ષ્મી ગાંઠિયા રથના વાલજીભાઇ ટાંક કહે છે,

“આજે પણ જ્યારે ઘરાકી ખૂબ વધી જાય અને કારીગરો પહોંચી ન વળે ત્યારે હું પોતે ગાંઠિયા બનાવવા લાગી જાઉ છું. ગ્રાહકો કતારમાં ઉભા હોય ત્યારે આપણે શાંતિથી કેવી રીતે બેસી શકીએ?”

આજે અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાં લક્ષ્મી ગાંઠિયા રથની 8થી વધુ શાખાઓ ધમધમે છે પરંતુ આ સફળતા કંઈ રાતોરાત નથી મળી ગઇ. આ સિદ્ધિની ઇમારત મહેનત અને સંઘર્ષના મજબૂત પાયા પર ઉભી છે. ગાંઠિયા રથની સફળતા પાછળની વાર્તા ખૂબ જ રોચક અને પ્રેરણાદાયક છે. વાલજીભાઇ ટાંક પોતે કંઇ ખાસ ભણ્યા નથી પણ તેમની પાસે આજે બિઝનેસના ગુણ શીખવા IIM અમદાવાદના વિદ્યાર્થીઓ જતા હોય છે. લક્ષ્મી ગાંઠિયા રથની સફળતાને મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ આજે એક કેસ સ્ટડીની દ્રષ્ટિએ જોવે છે, તો ચાલો તમને પણ જણાવીએ આ ગાંઠિયા રથની સફર...


આ સ્ટોરી પણ વાંચો:

IIM-Aના પૂર્વ વિદ્યાર્થીની અનોખી ‘જી-ઑટો’, માત્ર એક ફોન કે ક્લિક પર જ રિક્ષા હાજર!

માથે રૂપિયા 2 હજારનું દેવું લઇને આવ્યા હતા અમદાવાદ!

લક્ષ્મી ગાંઠિયા રથના સ્થાપક વાલજીભાઇ ટાંક વર્ષ 1985માં અમદાવાદ આવ્યા હતા. તેઓ મૂળ સૌરાષ્ટ્રના છે અને આજથી 30 વર્ષ પહેલા વાલજીભાઇ અમદાવાદ આવ્યા ત્યારે તેમની પાસે પોતાની કહી શકાય એવી કોઇ મૂડી નહોતી. પણ હા, તેમના માથે રૂ. 2000નું દેવું જરૂર હતું. વાલજીભાઇ કહે છે,

“મેં વિચાર્યુ હતું કે અમદાવાદ જઇને 2-4 મહિના સુધી નોકરી કરીને રૂપિયા ભેગા કરીશ. અને બચત કરીને દેવું ચૂકવી દઇશ. અમદાવાદ આવવું મને એટલું ફળ્યુ કે દેવું ચૂકતે કર્યા પછી પણ મારી પાસે રૂપિયા વધ્યા.”

ફૂટપાથથી શરૂ થઇ હતી ગાંઠિયા રથની ભવ્ય યાત્રા!

વાલજીભાઇ ટાંક કહે છે,

“હું અમદાવાદ આવ્યો ત્યારે મારે પાસ કશું જ નહોતું. બસ, ભજીયા અને ગાંઠિયા બનાવવામાં મારી માસ્ટરી હતી. મેં 1500 રૂપિયા રોકીને નહેરૂનગર ચાર રસ્તા પાસે ફૂટપાથ પર ગાંઠિયાની રેકડી કરી. હું જેટલા પણ ગાંઠિયા બનાવતો એ ચપોચપ વેચાઇ જતા. મારે દર બીજા દિવસે સામાન ખરીદવા બજાર જવું પડતું. બસ ત્યારે જ મેં નક્કી કરી લીધું કે, આનાથી સારો બિઝનેસ કોઇ હોઇ જ ન શકે, મેં નક્કી કરી લીધું હતું કે, ગાંઠિયાના ધંધામાં જ હવે આગળ વધવું છે. એકધારી ગુણવત્તાને કારણે ગ્રાહકો અને ધંધો વધતા ગયા. રૂપિયા એકઠા કરીને મેં તેજ ફૂટપાથ નજીક ગાંઠિયાની પ્રથમ દુકાન કરી. અમદાવાદમાં ધંધો કરતા કરતા ધંધો કરવાની એવી તો સૂઝ વિકસી ગઇ કે એક પછી એક ગાંઠિયા રથની 8 શાખાઓ શરૂ થઇ ગઇ.”

Image Courtesy: foodsahmedabad.blogspot.com

IIMના વિદ્યાર્થીઓ પણ વાલજીભાઇ પાસે ધંધો કરવાની કળા શીખવા આવે છે!

કહેવાય છે જ્યારે વ્યક્તિના મનમાં શિખવાની ઇચ્છા હોય ત્યારે એ નાનકડી કીડી પાસેથી પણ શીખી શકે છે. તો વાલજીભાઇ ટાંક તો આજે અમદાવાદના સફળ ઉદ્યોગસાહસિક ગણાય છે. આવા ઉદ્યોગસાહસિક પાસે બિઝનેસ કરવાની કળા શીખવા કોણ ન આવે. વાલજીભાઇ કહે છે,

“હું તો વધુ ભણ્યો નથી પરંતુ મારા ધંધાકીય અનુભવથી જેટલું શીખ્યો છું એ વહેંચતો તો રહું છું. કેટલીક વખત IIM અમદાવાદના વિદ્યાર્થીઓ પણ અમારા લક્ષ્મી ગાંઠિયા રથની સફળતા પર અધ્યયન કરવા આવતા હોય છે.”

50થી વધુ કારીગરોની ફોજ છતાં જાતમહેનત જીંદાબાદમાં ધરાવે છે વિશ્વાસ!

“મારી પાસે આજે 50 કારીગરો કામ કરે છે પરંતુ આજે પણ કોઇ દિવસ ઘરાકી ખૂબ વધી જાય અને કારીગરો પહોંચી ન વળતા હોય ત્યારે હું પોતે ગાંઠિયા બનાવવા લાગી જાઉ છું. ગ્રાહકો કતાર લગાવીને ઉભા હોય ત્યારે આપણે શાંતિથી કેવી રીતે બેસી શકીએ?”

મહેનતુ ઉદ્યોગસાહસિકને સફળ થવાથી કોણ રોકી શકે છે, શહેરના નહેરૂનગર ઉપરાંત અને બોપલ સહિત અમદાવાદના જુદા-જુદા 8 વિસ્તારોમાં લક્ષ્મી ગાંઠિયા રથના આઉટલેટસ એમજ નથી ધમધમી રહ્યા!

એકધારી ગુણવત્તા છે સફળતાની ચાવી!

ધંધો કોઇ પણ કેમ ન હોય ગુણવત્તા તો આપવી જ પડે, અને ગુણવત્તા એકધારી પણ હોવી જરૂરી છે. અને જ્યારે વાત ખાણી-પીણીના ધંધાની થતી હોય ત્યારે ગુણવત્તા અને સ્વચ્છતા બન્ને અનિવાર્યા બાબત બની જાય છે. વાલજીભાઇના મત અનુસાર જો કોઇ વેપારી પોતાના નફાની સાથે ગ્રાહકને પૂરેપૂરું વળતર આપવાનું લક્ષ્ય રાખે અને એકધારી ગુણવત્તા સાથે સર્વિસ આપતો રહે તો એને સફળ થવાથી કોઇ રોકી ન શકે!


આ પ્રકારની અન્ય પ્રેરણાત્મક સ્ટોરીઝ વાંચવા અમારા Facebook Page ને લાઈક કરો


હવે વાંચો આ સંબંધિત સ્ટોરીઝ:

ન બોલી શકે છે, ન સાંભળી શકે છે છતાં કરે છે કરોડોનું ટર્નઓવર!

જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણ, સુવિધાઓ પૂરી પાડવા આ યુવાનો ચલાવે છે IIM-A રોડ પર 'ફૂડ કોર્ટ'

ડાન્સ કરીને પણ કેવી રીતે કરી શકાય સમાજસેવા? જણાવે છે અમદાવાદની આ યુવતીઓ!

Related Stories