10 વર્ષે લગ્ન, 20 વર્ષે ચાર સંતાનો અને 30 વર્ષે બન્યા ઉદ્યોગસાહસિક!

એક આદિવાસી મહિલા જે એક સમયે અન્નના એક એક દાણા માટે વલખાં મારતી હતી તે આજે અનેક લોકોને રોજગાર આપી રહી છે!

0

એ મહિલા જેના 10 વર્ષે લગ્ન થઈ ગયા હતા તે આજે બાળવિવાહ સામે જંગે ચઢી છે. એક સમયે સમાજ જેની ગરીબીની હાંસી ઉડાવતો હતો તે આજે તેની પડખે છે અને તેના એક ઈશારે કંઈ પણ કરવા તૈયાર છે. છત્તીસગઢના રાજનાંદગાંવ જિલ્લાના સુકુલદૈહાન ગામમાં રહેનારી ફુલબાસન યાદવ માત્ર રાજનાંદગાંવ જિલ્લામાં જ નહીં પણ સમગ્ર છત્તીસગઢમાં મહિલા સશક્તિકરણના આદર્શ તરીકે જાણીતી છે.

આર્થિક રીતે સ્થિતિ કફોડી હોવા છતાં તેમણે 7મા ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો. 10 વર્ષની ઉંમરે તેમના લગ્ન પાડોશના જ એક ગામમાં રહેતા ચંદુલાલ યાદવ સાથે થઈ ગયા હતા અને 13 વર્ષે તો તે સાસરે આવી ગયા હતા. તેમના પતિ ચંદુલાલ પાસે ન તો જમીન હતી ન તો કોઈ વ્યવસાય. ચંદુલાલ ગાયો ચરાવતા હતા અને તેથી તેમની આવક નહીંવત્ જેવી હતી. આવા સમયમાં તેમના માટે બે ટંક ખાવાનું પણ મુશ્કેલ હતું. તે સમયે ભોજન નહોતું, શરીર ઢાંકવા સાડી અને પગમાં ચપ્પલ પણ નહોતા. ખૂબ જ મુશ્કેલીથી દિવસો પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન 20 વર્ષની થવા સુધીમાં ફુલબાસને 4 સંતાનોને જન્મ આપી દીધો હતો.

ગરીબનું કોઈ નથી હોતું તે ફુલબાસન સારી રીતે જાણતી હતી. લોકો તેને મદદ કરવાના બદલે તેની ગરીબાઈની હાંસી ઉડાવતા. ગરીબીના કારણે બાળકો ભૂખ્યા રહેતા, રોકકળ કરતા. ત્યારે ફુલબાસને કંઈક એવું કરવાનું નક્કી કર્યું જે આજના લોકો માટે ઉદાહરણ બની ગયું. ફુલબાસને દિવસ-રાત, તડકો-છાંયડો જોયા વગર 2011માં ‘માં બમ્બલેશ્વરી સ્વ-સહાયતા સમૂહ’નું નિર્માણ કર્યું. તે માટે તેમણે 11 મહિલાઓનું એક જૂથ બનાવ્યું અને શરૂઆતમાં બે મુઠ્ઠી ચોખા અને બે રૂપિયાથી શરૂઆત કરી. આ દરમિયાન ગામના લોકોએ તેમના અભિયાનનો વિરોધ કર્યો અને તેમના પતિએ પણ સાથ ન આપ્યો. પતિના વિરોધના કારણે ઘણી વખત ફુલબાસનને રાત્રે ઘરની બહાર રહેવું પડતું પણ જેમની પાસે હિંમત અને સાહસ હોય છે તે પોતાનું લક્ષ્ય પાર પાડી જ લે છે. તેના કારણે જ આજે રાજાનાંદગાંવ જિલ્લાના તમામ ગામમાં ફુલબાસનના બનાવેલા મહિલા સંગઠનો મળે છે. આ સંગઠનો મહિલાઓને સ્વાવલંબી બનાવવાની સાથે સાથે તેમની આર્થિક સ્થિતિ સુધારવામાં પણ મદદ કરે છે.

અભ્યાસ, મદદ અને સ્વચ્છતાના વિચાર સાથે ફુલબાસને મહિલાઓને અથાણું, વડી, પાપડ બનાવવાની તાલિમ આપવાની સાથે બમ્લેશ્વરી બ્રાન્ડના નામે તૈયાર અથાણાને છત્તીસગઢમાં ત્રણસોથી વધારે જગ્યાએ વેચે છે. ફુલબાસન જિલ્લાની મહિલાઓ આત્મનિર્ભર બને તે માટે તેમણે સાઈકલ ચલાવવા માટે પણ પ્રેરણા આપી. તેની પાછળ વિચાર એ હતો કે મહિલાઓમાં આત્મવિશ્વાસ આવશે અને તે સામાજિક કુરીતિઓ સામે લડવાનું શીખશે. તેમનો આ વિચાર સાચો સાબિત થયો જ્યારે ગ્રામ્ય મહિલાઓએ લોકોમાં દારૂની આદત જોઈને દારૂબંદીનું આંદોલન ચલાવ્યું. આજે પણ દર આઠ માર્ચે મહિલાઓ ઉપવાસ રાખે છે અને સાબિત કરે છે કે તેઓ દારૂબંદીમાં માને છે અને ગામે ગામ કાર્યક્રમો યોજાય છે જેમાં માત્ર મહિલાઓ જ ભાગ લે છે. ફુલબાસનના અભિયાનની જ અસર છે કે તેમના આંદોલનના પરિણામે 650 ગામોમાં દારૂનું વેચાણ બંધ થઈ ગયું. લગભગ 600 ગામમાં હવે બાળવિવાહ પણ નથી થતા.

આજે ફુલબાસનના સમૂહ સાથે 2 લાખથી વધારે મહિલાઓ જોડાયેલી છે અને આ સંગઠને કોઈપણ સરકારી સહાય વગર 25 કરોડ ભેગા કર્યા છે. તેનો ઉપયોગ તેઓ સામાજિક કામમાં કરે છે. તેઓ ગરીબ યુવતીઓના લગ્ન કરાવે છે. તેઓ માત્ર લગ્ન જ નથી કરાવતા પણ તેમને અભ્યાસ કરાવે છે અને આત્મનિર્ભર બનાવવા માટે સામાન્ય વ્યાજે ખેતીવાડી, મરઘાઉછેર, બકરીપાલન જેવા રોજગારના સંસાધનો ઉપલબ્ધ કરાવે છે.

તે ફુલબાસન જ છે જે શાસનની મદદ લીધા વગર 2001થી નિઃશુલ્ક સ્વચ્છતા અભિયાન ચલાવી રહી છે. ટૂંક સમયમાં રાજનાંદગાંવનો ચોકી બ્લોક પહેલો એવો વિસ્તાર હશે જ્યાં દરેક ઘરમાં શૌચાલયની વ્યવસ્થા હશે. તેના માટે માં બમ્બલેશ્વરી જનહિતકારી સમિતિ ખાસ અભિયાન ચલાવીને લોકોને જાગ્રત કરી રહી છે. અભિયાનને સફળ બનાવવા માટે આસપાસના બીજા બ્લોકની લગભગ 200 મહિલાઓ શ્રમદાન કરી રહી છે જેથી તેમના ઘરે શૌચાયલનું નિર્માણ થઈ શકે.

ફુલબાસનની આજ ઉપલબ્ધિઓના કારણે ભારત સરકારે 2012માં તેમને પદ્મશ્રીથી સન્માનિત કર્યા હતા. ત્યારબાદ ફુલબાસને જણાવ્યું કે હવે તેમના પર સમાજ પ્રત્યેની જવાબદારી પહેલાં કરતા વધી ગઈ છે.

લેખક- હરિશ બિશ્ત

અનુવાદક- એકતા રવિ ભટ્ટ

Related Stories