કેળાના રેસામાંથી બનતાં ઇકો-ફ્રેન્ડલી સેનેટરી પેડ્સ- ‘સાથી’

કેળનાં નકામા વૃક્ષમાંથી સંપૂર્ણ (100 ટકા) ઇકો-ફ્રેન્ડલી સેનેટરી પેડ બનાવનારી ‘સાથી’ પ્રથમ સંસ્થા છે, જે ભારતના ગ્રામ અને શહેરી વિસ્તારમાં સરળતાથી ઉપલબ્ધ થઈ શકે છે.

1

ભારતના ગ્રામવિસ્તારોમાં માસિકમાં આવતી મોટા ભાગની મહિલાઓ પરવડે તેવા સેનેટરી પેડ્સ લઈ શકતી નથી. માસિકને કારણે દર વર્ષે ગામડાંની અનેક મહિલાઓ અને કિશોરીઓને કામ કે શાળાના 50 દિવસ ગુમાવવા પડે છે. અહેવાલો અનુસાર, ‘માસિક સમયે ઉપયોગી સંરક્ષણોની અછતને કારણે કિશોરીઓ (12-18 વયજૂથ)ને શાળામાં દર મહિને 5 દિવસ (વર્ષના 50 દિવસ) રજા પાડવી પડે છે. માસિક સ્રાવ શરૂ થયા બાદ અંદાજે 23 ટકા કિશોરીઓ આ જ કારણસર શાળાએ જવાનું છોડી દે છે.’

આર્થિક પડકારોની સાથેસાથે પરંપરાગત સાંસ્કૃતિક રીતરિવાજોને કારણે અનેક મહિલાઓ, ખાસ કરીને ભારતના અંતરિયાળ વિસ્તારોની મહિલાઓ સુરક્ષિત સેનેટરી પ્રોટેક્શન મેળવવાથી વંચિત રહે છે. માસિકસ્રાવ માટેની યોગ્ય અને પૂરતી વ્યવસ્થા ઘણી વાર ઇન્ફેક્શન અને વંધ્યત્વ તરફ દોરી જાય છે.

ક્રિસ્ટિન કાગેસ્ટુ, અમૃતા સેહગલ, ગ્રેસ કાને, આશુતોષ કુમાર અને ઝેચરી રોસે આ સમસ્યાના ઉકેલ માટે ‘સાથી’ની સ્થાપના કરી. કેળાનાં વૃક્ષના નકામા ફાઇબરમાંથી પરવડે તેવા સેનેટરી પ્રોટેક્શનનું નાના પાયે ઉત્પાદન કરવાનો આ સંસ્થાનો હેતુ હતો.

‘સાથી’ વિશે...

ક્રિસ્ટિન પોતાની જ વાત કહે છે,

“મને શરૂઆતથી જ વિકાસ અને ઇજનેરી ક્ષેત્રમાં રસ હતો. MITએ આ બંને માટે મદદ કરી. તેના થકી મને સોશિયલ એન્ટરપ્રાઇઝ શરૂ કરવાની પ્રેરણા મળી.”

પ્રાકૃતિક સંસાધનો વિકસાવવા માટે તે સૌપ્રથમ ફિલ્ડ વર્ક કરવા ભારત આવી.

“નવા વિકાસાત્મક અને ટકાઉ ઉત્પાદનો માટે હું ઘણી ઉત્સાહી હતી.”

પ્રોજેક્ટ પૂરો થયા બાદ ક્રિસ્ટિન પાછી ફરી અને ઉત્તરાખંડમાં બિન સરકારી સંગઠન અવન્તીમાં થોડા મહિના વિતાવ્યા.

“એનાથી સોશિયલ એન્ટરપ્રાઇઝ પ્રત્યેના મારા રસ-રુચિમાં વધારો થયો. હું યુએસ પરત ફરી અને ઓરેકલમાં નોકરી શરૂ કરી દીધી, પરંતુ આ નિર્ણય યોગ્ય ન હોવાની મને અનુભૂતિ થઈ. લોકોને સૌથી વધુ અસર કરે તેવું કાંઈક કરવાની મને ઇચ્છા હતી.”

અમૃતા સેહગલ અને ક્રિસ્ટિનાએ MITમાં ઇજનેરીનો અભ્યાસ કર્યો હતો. ગ્રામવિસ્તારોની મહિલાઓ માટે સસ્તા સેનેટરી પેડ્સ બનાવવાનો અમૃતાને વિચાર આવ્યો. ‘સાથી’ પ્રોજેક્ટ શરૂ થયો તે પહેલાં અમૃતા પોતાના વિચારને આગળ ધપાવવા માટે એક ટીમ તૈયાર કરવા ઇચ્છતી હતી. ક્રિસ્ટિને કહ્યું,

“મહિલા સશક્તિકરણમાં હું પણ ઊંડો રસ ધરાવું છું. મહિલા ઇજનેર તરીકે તમે આ સમસ્યા વધુ સમજી શકો છો.”

હાર્વર્ડ દ્વારા 2014માં પૂર્વવિદ્યાર્થીઓ માટે યોજાયેલી સ્પર્ધામાં ‘સાથી’ને ‘સોશિયલ એન્ટરપ્રાઇઝ’ શ્રેણીમાં અમૃતાને ઇનામ મળ્યું હતું. (અમૃતાએ હાર્વર્ડમાંથી એમબીએ કર્યું છે) અમૃતા અને ક્રિસ્ટિનને ઇનામ સ્વરૂપે 50,000 ડૉલર મળ્યા હતા.

યોજનામાં ફેરફાર

ગ્રામવિસ્તારોની મહિલાઓ માટે ઓછી કિંમતે સેનેટરી પેડ્સ બનાવવાનો ‘સાથી’નો મૂળ ઉદ્દેશ્ય હતો, પરંતુ હવે એ હેતુ બદલાઈ ગયો છે. આ વિશે ક્રિસ્ટિન કહે છે,

“કોઈ ઉત્પાદન શરૂ કરવા માટે અમે વિચાર્યું જ ન હોય તેવું હું નથી માનતી. માત્ર ઓછી કિંમતના સેનેટરી પેડનું ઉત્પાદન કરવા માટે, તેના ટકાઉપણા વિશે પણ વિચાર્યું હતું. જો તમે ડિસ્પોઝલ પ્રોડક્ટનું ઉત્પાદન કરતાં હોવ તો તમારે તેના થકી પર્યાવરણ પર થતી અસર અંગે વિચાર કરવો જોઈએ. નહીંતર, સેનેટરી પેડ બનાવતી અન્ય કંપની કરતાં આપણે કઈ રીતે જુદા પડીએ?”

ક્રિસ્ટિના કેટલીક આંકડાકીય માહિતી પણ આપે છે.

ભારતમાં માત્ર 12 ટકા મહિલાઓ જ સેનેટરી પેડ્સનો ઉપયોગ કરે છે, અને આ આંકડો બહુ જ ઓછો છે. એટલું જ નહીં, દર મહિને 9000 ટન સેનેટરી વેસ્ટનું ઉત્પાદન થાય છે. હાલમાં એકસમાન પાયાના મટેરિયલ સાથે તમામ કેટેગરીના સેનેટરી પેડ્સ બજારમાં ઉપલબ્ધ છે. આ પેડમાં વપરાતા ‘સુપર એબ્સોર્બન્ટ’ (શોષી લે તેવા) મટેરિયલ્સ અને રસાયણો પર્યાવરણને નુકસાન કરે છે.

આ પેડ્સનો અસંખ્ય મહિલાઓ ઉપયોગ કરે છે ત્યારે પર્યાવરણને થતા નુકસાન વિશે વિચારવું જોઈએ.

ઓછી કિંમતના સેનેટરી પેડ્સ માત્ર ગ્રામવિસ્તારની મહિલાઓની જ સમસ્યા દૂર કરી શકે છે, પરંતુ પર્યાવરણને અસર કરતા મુદ્દે હજી પણ પ્રશ્નાર્થચિહ્ન છે. તેઓએ વિચાર બદલ્યો અને ગ્રામવિસ્તારની મહિલાઓ માટે ઉપયોગી એવા મટેરિયલ પર ધ્યાન કેન્દ્રિત કર્યું, સાથેસાથે પેડ્સના ઉત્પાદનની પ્રક્રિયા અંગે તેઓ વધુ સભાન હતા.

લાંબો છતાં ટકાઉ માર્ગ

એ પ્રશ્નનો ઉત્તર કાચા માલની કાળજીપૂર્વકની પસંદગીમાં રહેલો છે. કેળનાં નકામા વૃક્ષમાંથી સંપૂર્ણ (100 ટકા) ઇકો-ફ્રેન્ડલી સેનેટરી પેડ બનાવનારી ‘સાથી’ પ્રથમ સંસ્થા છે, જે ભારતના ગ્રામ અને શહેરી વિસ્તારમાં સરળતાથી ઉપલબ્ધ થઈ શકે છે.

તેઓએ ભારતના ગ્રામ અને શહેર વિસ્તારોની મહિલાઓ અને કિશોરીને ધ્યાનમાં રાખ્યાં છે. પેડની કિંમત અંગે ક્રિસ્ટિન કહે છે,

“શહેરની મહિલાઓ અત્યારે જે કિંમતના પેડનો ઉપયોગ કરે છે, તેટલી જ કિંમત નિર્ધારિત કરી છે. એ જ કિંમતે વેચાણ કરવાથી અમે ગ્રામવિસ્તારની મહિલાઓ માટે કિંમતમાં ઘટાડો કરીએ છીએ અને સુરક્ષિત માસિક માટેની ક્ષમતાનો વિસ્તાર કરીએ છીએ.”

થોડું વધુ

અમદાવાદ નજીકના કેળાની ખેતી કરનારા ખેડૂતો પાસેથી તેઓએ કેળાના ફાઇબર મેળવવા લાગ્યા. કેળાનું ફાઇબર ખેડૂતો માટે બિનઉપયોગી હોય છે. તેથી ‘સાથી’ નકામી વસ્તુમાંથી આવક મેળવવામાં ખેડૂતોને મદદરૂપ થઈ.

તેઓની યોજનાના ભાગરૂપે શહેર અને ગ્રામવિસ્તારોમાં રહેતા ઓછી આવક ધરાવતા પરિવારોની મહિલાઓને નોકરી અને તાલીમ પણ આપવામાં આવે છે. ક્રિસ્ટિન કહે છે, “ભારતના સમગ્ર ગ્રામવિસ્તારની તમામ મહિલાઓને પરવડે તેવા, સરળતાથી મળી શકે તેવા ઇકો-ફ્રેન્ડલી સેનેટરી પેડ્સ આપવાનું ‘સાથી’નું સ્વપ્ન છે. ‘સાથી’ પેડ્સને કારણે વિદ્યાર્થિનીઓ શાળામાં જઈ શકે છે, અને શિક્ષણ મેળવવા સાથે પોતાનામાં રહેલું સામર્થ્ય સાર્થક કરી શકે છે.”

વિશાળ મેન્યુફેક્ચરિંગ યુનિટ શરૂ કર્યું અને પેડ્સનો પુરવઠો પૂરો પાડવા માટેની ચેઇન સામે રહેલા જોખમો દૂર કરવાનો તેઓનો સૌપ્રથમ પડકાર હતો. ક્રિસ્ટિન કહે છે, “તે એક પડકારરૂપ હોઈ શકે છે, પરંતુ અમે તેનો ઉકેલ લાવીશું. એ માત્ર સમયને કારણે જ છે. (ગ્રામવિસ્તારની તમામ મહિલાઓ સુધી પહોંચવા)નો અંતિમ ઉદ્દેશ્ય એ જ છે, પરંતુ અમારે હજી અનેક ડગલાં ભરવા પડશે.”

લેખક- સ્નિગ્ધા સિંહા

અનુવાદક- YS ટીમ ગુજરાતી

Related Stories