નાના પરિવારની મહિલાઓની મોટી સફળતા

YourStoryએ ઉપલબ્ધ સાધનો સાથે નાના ઉદ્યોગ ચલાવનારી પાંચ મહિલા ઉદ્યોગસાહસિકો સાથે વાતચીત કરી.

0

એક તરફ વાહનોનો ઘોંઘાટ, બીજી તરફ ફેરિયાઓનો શોરબકોર. આવું વાતાવરણ મુંબઈના મોહમ્મદ અલી રોડ પાસે આવેલા ભીંડી બજાર પાસેથી પસાર થતાં જોવા મળે છે. ત્યાંથી પસાર થવું કોઈ યુદ્ધ લડવા જેવું છે. આમ, તો ભીંડી બજારમાં ઘણું બધું વેચાય છે પરંતુ સાથે જ અહીં ગુજરાત અને મહારાષ્ટ્રના મુસ્લિમ સમુદાયના લોકો પણ રહે છે. હવે ભીંડી બજાર બુરહાની ઉત્થાન ટ્રસ્ટ પાસેથી બદલાવની આશાની મીટ માંડીને બેઠું છે. જેનાથી આ જગ્યાને સુધારવા તેમજ લોકોનાં ઘરો-દુકાનોને નવી રીતે બનાવવા માટેની યોજના શરૂ કરવામાં આવી છે.

નવીનીકરણ દરમિયાન અહીંના લોકોને 2 ટ્રાન્ઝિટ હોમમાં લઈ જવામાં આવ્યા હતા. જેમાં આ સમુદાયની મહિલાઓ માટે નવો માર્ગ ખૂલ્યો હતો. તેના કારણે તેમને ઘરેથી ગમે ત્યાં નીકળવાની અને પોતાનું નેટવર્ક બનાવવા માટેની સ્વતંત્રતા મળી ગઈ. જેમાંની ઘણી મહિલાઓ પોતાનો વેપાર ચલાવવા માટે ઇન્ટરનેટનો વપરાશ કરે છે.

YourStoryએ ઉપલબ્ધ સાધનો સાથે નાના ઉદ્યોગ ચલાવનારી પાંચ મહિલા ઉદ્યોગસાહસિકો સાથે વાતચીત કરી.

સકિના વાસણવાલા, એવાં ઘરેણાં ઉપર ચાંપતી નજર રાખે છે કે જેને તે વિવિધ સ્રોતો પાસેથી ખરીદે છે અને પોતાના ગ્રાહકોને વ્હોટ્સ એપ અને ફેસબૂકનાં માધ્યમથી વેચે છે. સકિનાએ આ વેપાર 3 વર્ષ પહેલાં શરૂ કર્યો હતો. તેમની નેટવર્ક બનાવવાની કાબેલિયત જ તેમની ખાસિયત છે.

સકિના અન્ય મહિલાઓ સાથે વાતચીત વધારવા માટે અને તેમને પોતાના વેપાર સાથે સાંકળવા માટે મુંબઈની લોકલ ટ્રેઇન્સ અને સાર્વજનિક જગ્યાઓનો ઉપયોગ કરે છે. જો રસ્તામાં કોઈ મહિલાને તેમનાં ઘરેણાં પસંદ પડે તો તે તેનું વેચાણ કરવા માટે તેની સાથે ફોન નંબરની આપ-લે કરે છે. સકિના કહે છે કે એક મહિલા બીજી મહિલા સાથે વાતચીત કરવા માટે હંમેશા તૈયાર રહે છે. ઘણી વખત બસસ્ટોપ ઉપર થયેલી નાની વાતચીત પણ નેટવર્ક વધારવામાં મદદ કરે છે. જોકે આ બાબત સામેની મહિલા કેટલી મિલનસાર છે તેના ઉપર આધારિત છે.

સકિના 39 વર્ષની છે અને તે એક દીકરો અને એક દીકરી એમ બે બાળકોની માતા છે. પોતાની બી.કોમ ડિગ્રી અને સી.એસ ફાઉન્ડેશન કોર્સ સાથે તે પોતાનાં પતિની પણ મદદ લે છે કે જેઓ આઈટી ક્ષેત્રમાં છે. હું દાહોદની છું અને જ્યારે ત્યાં રહેતી હતી ત્યારે ક્લાર્કની નોકરી કરતી હતી. અહીં આવ્યા બાદ મેં પત્રવ્યવહાર મારફતે આગળ અભ્યાસ કરવાની શરૂઆત કરી પરંતુ તેને પૂરો નહોતી કરી શકી અને તેને વચમાંથી છોડી દેવો પડ્યો હતો. તેમ સકિનાએ જણાવ્યું હતું.

સકિનાનાં લગ્નજીવનને 14 વર્ષ થઈ ગયાં છે. તેના માટે સૌથી મોટો પડકાર ઘર તેમજ પરિવારની સંભાળ છે અને તેનાં સાસરિયાંઓ પણ સાથે જ રહે છે. તેની ઇચ્છા એવી છે કે જીવનમાં જે વસ્તુઓથી તે વંચિત રહી તેનાથી તેની દીકરીએ વંચિત ન રહેવું પડે. “આપણા સમાજમાં લોકો એક જ ટ્રેન્ડને ફોલો કરે છે. ઘરની એક છોકરી બી.કોમ કરે તો બાકીની બધી પણ તે જ કરે છે. કોઈ આપણું માર્ગદર્શક કે સલાહકાર નથી કે જે આપણને કહે ક આપણું સાચું હિત શેમાં છે અને આપણી રૂચિ શું છે. આજકાલ શાળાનાં બાળકો ખૂબ જ મહત્વાકાંક્ષી છે અને તેઓ તકોને ઓળખી શકે છે. તેઓ સારી રીતે જાણે છે કે તે તકોને મેળવવા માટે શું કરવું જોઇએ. તેથી હું મારી દીકરીને તેનાં લક્ષ્યો અને સપનાંઓ સાકાર કરવા માટે મદદ કરવા માગું છું.” સકિનાએ જણાવ્યું. તે મને તેનાં સપનાં કહે છે.

સકિના પોતાના પરિવાર અને નિકટના મિત્રોનો સહકાર બદલ આભાર માને છે.

મારિયા જસદણવાલા

48 વર્ષની મારિયા જસદણવાલા વૃદ્ધોને ફરવા લઈ જાય છે. ભીંડી બજારમાંથી બહાર નીકળીને તેને એમ લાગ્યું કે મોટાભાગનાં વૃદ્ધો લાંબા અંતરે આવેલાં મંદિર અને મસ્જિદની જાત્રા કરે છે. જેમાં 58થી માંડીને 94 વર્ષ સુધીના લોકોનો સમાવેશ થાય છે. તેઓ વર્ષભરમાં એક લાંબી અને બે મહિને એક નાની જાત્રા કરે છે. તેમાં સાહસિક જાત્રા તેમજ તીર્થ જાત્રાનો સમાવેશ થાય છે.

શરૂઆતમાં તેમણે વૃદ્ધ નાગરિકોને ઘરે જઈને આ જાત્રાઓને વધારે રોચક તેમજ સરળ બનાવવા માટેની રીતો જણાવી.

હવે તેમના વેપારનો વ્યાપ વધી ગયો છે અને વધારે લોકો તેમની સાથે આ કામમાં જોડાવા માગે છે.

જોકે, વૃદ્ધો માટે નાણાંકીય ખર્ચની પણ સમસ્યા રહે છે. તેવામાં મારિયા તેમને ઓછા ખર્ચે સારી સુવિધા મળી રહે તે માટે પ્રયાસો કરે છે. હું આને એક વેપારની રીતે નથી જોતી. હું તેને વૃદ્ધો માટે સમર્પિત એક સેવાની રીતે જોઉં છું.

તમામ જાત્રા બધા માટે એક સુંદર અનુભવ બની રહે તેના માટે મારિયાની બહેન પણ તેમની સાથે મુસાફરીમાં જોડાય છે. વૃદ્ધોની જરૂરીયાત તેમજ તેમના માટે વધારાની સંભાળનાં મુદ્દાને ધ્યાનમાં રાખતાં તે કહે છે કે “અમે એ વાતનું ધ્યાન રાખીએ છીએ કે તેમની મુસાફરી એસી ધરાવતાં વાહનમાં થાય અને કેટલીક વખત અમે હવાઈ મુસાફરી પણ કરીએ છીએ. અમે દવાઓ પણ સાથે રાખીએ છીએ અને એવી હોટલ પસંદ કરીએ છીએ કે જ્યાં એક ફોન ઉપર તબીબી સેવા ઉપલબ્ધ થાય.”

તે બી.કોમની સ્નાતક છે અને પોતાનાં પતિ તેમજ સાસુ સાથે રહે છે. તેનો સૌથી મોટો પડકાર એકલતા ઉપર કાબૂ મેળવવાનો છે. પોતાના જેવી મહિલા ઉદ્યોગસાહસિકો વિશે તે કહે છે, “મને લાગે છે કે તેમણે પોતાનાં સહજ જ્ઞાન અનુસાર કામ કરવું જોઇએ. તેમણે પોતાનાં મન અનુસાર કામ કરવા માટે તૈયાર થઈ જવું જોઇએ. તેમણે એ વાત સમજી લેવી જોઇએ કે પહેલું ડગલું માંડશો તો જ સફળતા મળશે. તેમણે એવું વિચારીને નિરાશ ન થવું જોઇએ કે હું આ બધું ન કરી શકું.”

નજીકનાં ભવિષ્યમાં તે વૃદ્ધ પુરુષોને પણ જાત્રામાં સામેલ કરશે. તેમજ વૃદ્ધ મહિલાઓ માટે પણ એક વિદેશ યાત્રા યોજવા માટે વિચારી રહી છે.

જમિલા પેટીવાલા

તે 22 વર્ષની છે અને એક સંતાનની માતા છે. તે જ્યારથી 12મા ધોરણમાં ભણતી હતી ત્યારથી સિલાઈ કામ કરે છે.

હવે તેણે પરિવારની મદદથી ‘રિદાસ’- એક પારંપરિક પોષાક, નામથી ઘણી શાખાઓ શરૂ કરી છે. જેમાં નાનાં સ્તરે સિલાઇ કામ કરવામાં આવે છે. જમિલા હવે પગરખાં, ઘડિયાલ અને ટી-શર્ટનું કામ પણ કરે છે.

તે ‘રિદાસ’ માટે કપડાં ડિઝાઇન કરવાનું કામ કરે છે અને તેનાં સાસુ તેને સીવવાનું કામ કરે છે. જમિલાની પોતાની વેબસાઇટ પણ છે જેને ડિઝાઇન કરવા માટે તેનાં ફોટોગ્રાફર પતિએ તેની મદદ કરી હતી. તે પોતાનાં ઉત્પાદનોનો પ્રચાર કરવા માટે સોશિયલ મીડિયા ઉપર તેની તસવીરો મૂકે છે. તેના ગ્રાહકોની સંખ્યા 550-600ની છે. જેમાં મુંબઈ અને ભોપાલના ગ્રાહકોનો પણ સમાવેશ થાય છે.

બી.કોમ સ્નાતક મુંબઈની જમિલા કહે છે, “હું મારી દીકરીને એક શ્રેષ્ઠત્તમ જીવન આપવા માગું છું. હું તેનાં દરેક સપનાં સાકાર કરવા માગું છું. હું નથી ઇચ્છતી કે તે પોતાનાં જીવનમાં તેની પસંદગીની કોઈ પણ વસ્તુ મેળવવામાં પોતાની જાતને અશક્ત સમજે.”

શહેનાઝ ઇલેક્ટ્રિકવાલા

તે પહેલાં ટ્યુશન ભણાવતી હતી. પરંતુ હવે તેણે નાના પાયે ટિફિન સેવા શરૂ કરવાનો નિર્ણય લીધો છે. તેણે શરૂઆત ભીંડી બજારમાં જ કરી દીધી હતી. હવે તે વૃદ્ધો અને કારખાનાનાં કામદારોને ટિફિન મોકલાવે છે. તે પોતે જ તમામ ભોજન બનાવી શકે તે માટે તે ટિફિનની સંખ્યા મર્યાદિત રાખે છે. તેને રાંધવું પસંદ છે અને પોતાનું માર્કેટિંગ તે બોલચાલના માધ્યમથી જ કરે છે.

તે 48 વર્ષની છે અને તેને એક દીકરી તેમજ દીકરો છે. તે કહે છે, “અમે સંયુક્ત પરિવારમાં રહેતા હોવાને કારણે આ કામ ખૂબ જ મુશ્કેલ હતું. બધું યોગ્ય હતું પરંતુ હું એમ ઇચ્છું છું કે મારી જેમ જ મારાં બાળકોને આના કરતાં પણ વધારે સવલતો મળે અને તેઓ ભવ્ય જીવન જીવી શકે.” તેના જણાવ્યા અનુસાર શિક્ષણે લોકોની માનસિકતા બદલી છે. આજકાલ લોકો પત્ની અને દીકરીઓને અલગ દૃષ્ટિએ જુએ છે.

જૈનબ પિપરમિન્ટવાલા

તેને બેકિંગનો વધારે શોખ નહોતો. પરંતુ ભોજન બનાવવામાં રસ હોવાને કારણે તે બેકિંગ તરફ ખેંચાઈ આવી. તેણે ચોકલેટ બનાવવાની શરૂઆત કરી અને ટૂંક સમયમાં તેની વેબસાઇટ શરૂ થવાની છે.તે ધીમે ધીમે પોતાના ગ્રાહકો વધારવા માટે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક જેવા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહી છે. સાથે જ તે પોતાના પરિવાર, સંબંધી, મિત્રો મારફતે બોલીચાલીને પોતાના વેપારનો પ્રચાર-પ્રસાર કરી રહી છે.

શરૂઆતમાં તેણે સાધારણ કેક બનાવી અને ત્યાર બાદ કલાત્મક અને થીમ કેક બનાવવાનું શરૂ કર્યું. અહીં પણ ઇન્ટરનેટે તેને ખાસ્સી મદદ કરી. બેસિક કોર્સ કર્યા બાદ ઇન્ટરનેટ ઉપર પ્રાપ્ય જાણકારી અને વીડિયો મારફતે તે ઘણું શીખી. કોલેજ પહેલાનું ભણતર તેણે પત્રવ્યવહાર અભ્યાસક્રમથી કર્યું હતું અને એક કંપનીના એકાઉન્ટ વિભાગમાં નોકરી કરતી હતી. તે જ્યારે ગર્ભવતી હતી ત્યારે તેણે નોકરી છોડી દીધી હતી. હવે તેનાં બાળકો તેમજ પતિ અને સસરા સાથે પરિવાર સંપૂર્ણ બની ચૂક્યો છે. તે ફોટોગ્રાફી સહિત તમામ વસ્તુ જાતે જ તૈયાર કરે છે. વધારે કામ હોય ત્યારે તેનાં પતિ પણ મદદ કરે છે.

ઘરમાં રહીને જ કામ કરવું અને પરિવારનો ટેકો તેને તેને સારી રીતે કામ કરવા માટે ટેકો કરે છે. તેણે આ શરૂઆત એટલા માટે કરી હતી કે બાળક આવ્યા બાદ તે ઘરે નવરી બેસી રહેવા નહોતી માગતી. પરંતુ હવે તે મોટા પાયે જથ્થાબંધ ઓર્ડર લઈને વધુ કંપનીઓ સુધી પહોંચવાના પ્રયાસમાં છે.

જૈનબ કહે છે, “ટેકનોલોજીએ આપણાં જીવનને બદલી નાખ્યું છે. જો ઇન્ટરનેટ ન હોત તો આપણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડત.”

Khushbu is the Deputy Editor at YourStory Gujarati. You can reach her at khushbu@yourstory.com

Related Stories