એક સમયે રોજના 9 રૂપિયા કમાઈ અભ્યાસ કરનાર આરતી આજે અનેક છોકરીઓને ભણાવી બની તેમની 'સખી'

0

મુંબઈના સ્લમ વિસ્તારમાં રહેનારી છોકરી જે દસમા ધોરણમાં નાપાસ થઈ હતી અને તે સમયે આર્થિક સંકડામણના કારણે તેના પરિવારે તેને આગળ ભણવા નહોતી દીધી. ત્યારબાદ આ છોકરીએ રોજના 9 રૂપિયા મળતી મજૂરી કરીને પૈસા ભેગા કર્યા અને આગળનો અભ્યાસ પૂરો કર્યો. આજે આ જ છોકરી પોતાના સંગઠન ‘સખી’ દ્વારા સલ્મ વિસ્તારની અન્ય છોકરીઓને ભણાવવાનું કામ કરે છે, જેથી આ છોકરીઓનું ભણતર અધવચ્ચે ન છૂટે.

કોઈપણ સમાજના વિકાસમાં શિક્ષણનું યોગદાન મહત્વનું હોય છે. આપણા દેશમાં આઝાદીના 69 વર્ષ બાદ પણ સમાજના અનેક ભાગમાં શિક્ષણનું સ્તર અત્યંત ખરાબ છે અને સાતમા અને આઠમા ધોરણમાં પહોંચેલા બાળકોને પણ સામાન્ય ગણતરી, પલાખા, ઘડીયા, સરવાળો-બાદબાકી અને અંગ્રેજીનું પણ સામાન્ય જ્ઞાન હોતું હતું. આ કારણે આવા બાળકો દસમા ધોરણના પરીક્ષામાં નાપાસ થાય છે. બાળકોની આ જ મુશ્કેલી દૂર કરવાનો પ્રયાસ કરી રહી છે મુંબઈના મુલુંડમાં રહેનારી આરતી નાઈક. આરતી પોતાના સંગઠન સખી દ્વારા સ્લમ વિસ્તારોમાં રહેતી લગભગ 400 છોકરીઓને શિક્ષણની પ્રાથમિક જાણકારી આપે છે.

આરતી જણાવે છે,

"મને આ સંસ્થા શરૂ કરવાનો વિચાર ત્યારે આવ્યો જ્યારે 10મા ધોરણમાં નપાસ થવાના કારણે મારો મારો અભ્યાસ છોડવો પડ્યો કારણ કે મારા માતા-પિતાની આર્થિક હાલત એવી સારી નહોતી કે મને આગળ અભ્યાસ કરાવી શકે. અભ્યાસ છૂટ્યા બાદ મેં ચાર વર્ષ સુધી ઘરે રહીને બંગડીઓ અને ફ્રેન્ડશિપ બેન્ડ બનાવવાનું કામ કર્યું, જેના માટે મને દરરોજ 9 રૂપિયા મળતા હતા. આ રીતે ચાર વર્ષ સુધી પૈસા જમા કર્યા પછી મેં પોતાનો અભ્યાસ ચાલુ કરવાનો નિર્ણય કર્યો અને 12 ધોરણમાં પહેલા નંબરે પાસ થઈ."

આરતી માત્ર ત્યાંથી જ ન અટકી અને તેણે નાસિકના યશવંત રાવ મુક્ત વિશ્વવિદ્યાલયથી સમાજશાસ્ત્ર સાથે બીએ શરૂ કર્યું છે અને તે ઈન્ટરનેશનલ મોન્ટેસરી ટીચર ટ્રેનિંગનો કોર્સ પણ કરી રહી છે.

આરતીના જણાવ્યા પ્રમાણે,

"વર્ષ 2008માં મેં પાંચ છોકરીઓ સાથે મારી સંસ્થા સખીની શરૂઆત કરી હતી. શરૂઆતમાં લોકો મારી પાસે છોકરીઓને અભ્યાસ માટે નહોતા મોકલતા કારણ કે હું બાળકોને પ્રાથમિક સમજ આપતી હતી અને સ્લમ વિસ્તારોમાં રહેતા લોકો કહેતા હતા કે તેમની છોકરીઓ અભ્યાસ માટે સ્કૂલમાં જાય છે તે જ તેમના માટે પૂરતું છે."

એક વર્ષ બાદ તેણે આ છોકરીઓ સાથે એક રોડ-શોનું આયોજન કર્યું જેને આરતીએ નામ આપ્યું, ‘બાલ મેલાવા’. તેમાં છોકરીઓએ પોતાના સ્વપ્નો અને ઈચ્છા અંગે જણાવવાનું હતું કે તેઓ શું બનવા માગે છે. તેના જવાબમાં કેટલીક છોકરીઓએ જણાવ્યું કે તેઓ શિક્ષક બનવા માગે છએ તો કેટલાકે નર્સ બનીને લોકોની સેવા કરવાની ઈચ્છા વ્યક્ત કરી. ખાસ વાત એ હતી કે આ અભિયાનનો લોકો પર સકારાત્મક પ્રભાવ પડ્યો. તે ઉપરાંત કેટલાક મહિનાઓ પછી આ છોકરીઓનું પરિણામ આવ્યું તે પણ ઘણું સારું આવ્યું. ત્યાર પછી તેની પાસે આવતી છોકરીઓની સંખ્યા વધવા લાગી. આજે લગભગ 400 છોકરીઓને તે ભણાવવાનું કામ કરે છે. છોકરીઓને તે બે તબક્કામાં ભણાવે છે, પહેલી પાલી સાંજે 5 થી 7 અને બીજી પાલી 7 થી 9 સુધીની હોય છે.

આરતી એક ઘટનાને યાદ કરતા જણાવે છે કે, એક છોકરી જેનું નામ સાક્ષી હતું તેની માતા જ્યારે બજારમાંથી કંઈક મગાવતી તો તે બજાર પહોંચતા સુધીમાં બધું ભુલી જતી. આ જોઈને તેની મા ખૂબ જ ચિંતા કરતી હતી ત્યારે મેં તેમને કહ્યું કે સાક્ષીને મારી પાસે અભ્યાસ કરવા મોકલો. હું તેને છેલ્લાં પાંચ વર્ષથી અભ્યાસ કરાવું છું અને તે આજે 11મા ધોરણમાં છે.

આરતી છોકરીઓને ભણાવવા ઉપરાંત તેમના માટે ગર્લ્સ સેવિંગ બેંક પણ ચલાવે છે. આ યોજના હેઠળ દરેક છોકરીને એક ગલ્લો આપવામાં આવે છે જેમાં છોકરીઓ પોતાના બચતના પૈસા નાખે છે. દર મહિનાના અંતે છોકરીઓના માતા-પિતાની હાજરીમાં આ ગલ્લો ખોલવામાં આવે છે અને દરેકે કેટલી બચત કરી તેની નોંધ કરવામાં આવે છે. છોકરીઓને પોતાના અભ્યાસની જરૂરીયાતો પૂરી કરવા માટે તેમાંથી પૈસા કાઢવાની પરવાનગી આપવામાં આવેલી છે.

આરતી 2011થી એક અંગ્રેજી ગર્લ્સ લાઈબ્રેરી પણ ચલાવે છે જેમાં સામાન્ય જ્ઞાનને લગતા લગભગ 400 પુસ્તકો છે. છોકરીઓને રોટેશન દ્વારા દર અઠવાડિયે પુસ્તકો મળે છે. આરતીને આ કામમાં સી જે હેડન નામની મહિલા મદદ કરે છે. તેમની મદદથી આરતીએ પોતાના સ્લમ વિસ્તારમાં એક કોમ્યુનિટી હોલ તૈયાર કરાવ્યો છે જેમાં તેમણે લાઈબ્રેરી ખોલી છે. અહીંયા આવીને સ્લમ વિસ્તારની છોકરીઓ મફતમાં પુસ્તકો વાંચી શકે છે.

આરતી છોકરીઓને અભ્યાસ અને લાઈફ સ્કિલની સાથે રમતગમતનું પણ જ્ઞાન આપવા માગતી હતી તેથી તેણે ગત વર્ષે પોતાના જન્મ દિવસે ગર્લ્સ સ્પોર્ટ્સ સ્કૂલની સ્થાપના કરી. તેમાં છોકરીઓને તે ઈન્ડોર અને આઉટડોર બંને પ્રકારની રમતો રમાડે છે. ઈન્ડોર ગેમ્સમાં છોકરીઓને કેરમ અને ચેર જેવી રમત જ્યારે આઉટડોરમાં તે બેડમિન્ટન, બેલેન્સિંગ, બેલૂની અને બીજી રમતો રમાડે છે. જગ્યાનો અભાવ હોવાના કારણે ઈન્ડોર ગેમ્સ કોમ્યુનિટી હોલની અંદર જ્યારે આઉટડોર ગેમ્સ હોલની બહારના રસ્તા પર રમાડે છે.

આરતી અભ્યાસ અને રમતગમત સાથે બાળકોના સ્વાસ્થ્યનું પણ પૂરતું ધ્યાન રાખે છે. બે મહિના પહેલાં જ તેણે છોકરીઓ માટે પ્રોટિન એક્ટિવિટી શરૂ કરી છે જેથી તેમના શરીરનો યોગ્ય વિકાસ થાય. આ અંતર્ગત તેઓ માતાને જ મેનુ આપે છે જેમાં પ્રોટિન વધારે હોય. તેના દ્વારા તે છોકરીઓના માતાઓને સમજાવે છે કે શેમાં કેટલું પ્રોટિન હોય છે અને કેવી રીતે તથા કેટલા પ્રમાણમાં આપવું જોઈએ.

પોતાને નડતી મુશ્કેલીઓ અંગે આરતી જણાવે છે કે, જગ્યા ઓછી હોવાના કારણે તે 45 છોકરીઓને બે શિફ્ટમાં ભણાવે છે. 400 છોકરીઓને તે શનિવારે તેમના ઘરે ઘરે જઈને ભણાવે છે. તેમને અભ્યાસમાં જે મુશ્કેલીઓ નડતી હોય તેનો ઉકેલ લાવે છે. તે આ છોકરીઓને ગર્લ્સ બુક બેંકમાંથી પુસ્તકો પણ આપે છે. પુસ્તકો વહેંચવા માટે બે મહિલાઓ અને એક પુરુષ તેની મદદ પણ કરે છે.

તાજેતરમાં જ આરતીને શિક્ષણના ક્ષેત્રમાં સારું કામ કરવા બદલ મુંબઈમાં આયોજિત એશિયન કોન્ફરન્સમાં સ્પીકર તરીકે બોલાવવામાં આવી અને સિલ્વર મેડલથી સન્માનિત પણ કરાઈ. ભવિષ્યની યોજનાઓ અંગે તેણે જણાવ્યું કે, આગામી ત્રણ વર્ષમાં તે લગભગ 1 હજાર છોકરીઓ સુધી અભ્યાસ પહોંચાડવા માગે છે. તેના માટે તે ત્રણ ગર્લ્સ લર્નિંગ સેન્ટર અને ગર્લ્સ બુક બેંક ખોલવા માગે છે, જેથી છોકરીઓને સારું શિક્ષણ મળે. તે ઉપરાંત તે પોતાના સ્ટાફમાં પણ વધારો કરવા માગે છે કારણ કે, હાલમાં અભ્યાસનું સમગ્ર કામ તે એકલી જ કરે છે. આરતી ભંડોળ ઓછું હોવાના કારણે સતત ભંડોળ ભેગું કરવા પ્રયાસ કરે છે જેથી તે વધારેમાં વધારે છોકરીઓ સુધી પોતાની પહોંચ વિસ્તારી શકે.

લેખક- હરિશ

અનુવાદક- મેઘા નિલય શાહ

Related Stories