સંગીતની સાથે શિક્ષણનો સમન્વય કરતી એક શાળા

સંગીતની સાથે શિક્ષણનો સમન્વય કરતી એક શાળા

Tuesday January 26, 2016,

6 min Read

રાજસ્થાનના ધારવાડમાં 'કલ્કેરી સંગીત વિદ્યાલયે' સંગીતના સૂરોને સથવારે ગરીબ કુટુંબોમાં શિક્ષણનો દીપ પ્રકટાવ્યો છે

વાત થોડા વર્ષ અગાઉની છે. દુલુ અદોલકર નામનો ગવળી જ્ઞાતિનો એક છોકરો ગાયો ચરાવતો હતો. પરંપરાગત રીતે ગવળી જ્ઞાતિના પુરુષો ગાયો-ભેંસો ચરાવે છે. આપણા ગુજરાતમાં આ જ્ઞાતિ ભરવાડ તરીકે ઓળખાય છે. ધારવાડ જિલ્લાના હુન્સિકુમારી ગામમાં રહતો દુલુ પણ નિયમ મુજબ સવાર પડતા આસપાસના ગામોમાં ગાયો ચરાવવા નીકળી જતો હતો. એક દિવસ એવું બન્યું કે ગાયો ચરાવતાં તેના કાનોમાં મધુર સંગીત સંભળાયું. આ જંગલમાં આટલો સુંદર અવાજ ક્યાંથી આવે છે તેવો પ્રશ્ર થયો. પછી દરરોજ એ તે જ જગ્યાએ જઈને ગાયોને ચરાવવા છોડી દેતો અને પોતે સંગીત સાંભળતો. દિવસેદિવસે તેની આતુરતા વધતી ગઈ. એક દિવસ પોતાની આતુરતાનો અંત લાવવા તે અવાજની દિશામાં ચાલતો ગયો તો એક મોટા મકાનની સામે આવીને ઊભો રહ્યો. હિંમત કરીને તે મકાનની અંદર ગયો તો તેને એક નવી જ દુનિયાના દર્શન થયા.

કેએસવીના વિદ્યાર્થીઓ સ્ટેજ પર પર્ફોર્મ કરી રહ્યાં છે

કેએસવીના વિદ્યાર્થીઓ સ્ટેજ પર પર્ફોર્મ કરી રહ્યાં છે


દુલુએ જોયું કે નાનાં-મોટાં કેટલાંક છોકરાઓ સિતાર અને તબલા વગાડતાં હતાં. કેટલાંક હાર્મોનિયમ પર પ્રેક્ટિસ કરતાં હતાં. તે ઘરે ગયો અને તેના પિતાજીને બધી વાત કરી. દુલુની સંગીત પ્રત્યેની પ્રીત તેના પિતાએ પીછાણી. બીજા દિવસે તેઓ દુલુ સાથે આ સંસ્થામાં પહોંચી ગયા. જ્યારે તેમણે આ સંસ્થા વિશે જાણકારી મેળવી, ત્યારે તેઓ દુલુ કરતાં પણ વધારે ચકિત થઈ ગયા.

રાજસ્થાનના ધારવાડ જિલ્લાના કલ્કેરી નામના નાનકડાં ગામમાં એકાંતમાં ચાલતી આ સંસ્થાના સંચાલક કોઈ હિંદુસ્તાની નથી. કેનેડાના એક દંપતિ માથી અને અગાથે ફોર્ટિયરે નવેમ્બર, 2002માં આ સંગીત વિદ્યાલયની સાધના કરી હતી. તેમણે શરૂઆત સાંજે સંગીતના ટ્યુશન ક્લાસ સાથે કરી હતી. પણ એક જ દાયકામાં તેણે કલ્કેરી સંગીત વિદ્યાલયનું સ્વરૂપ ધારણ કર્યું છે. અહીં સંગીતની સાથે સાથે નિયમિત શિક્ષણ પણ આપવામાં આવે છે. મજાની વાત એ છે કે અહીં આસપાસના છોકરાઓ સંગીત શીખવા આવે છે અને સંગીતના બહાને નિયમિત શિક્ષણ મેળવે છે.

માથી ફોર્ટિયર એક મુલાકાતી સાથે વાત કરી રહ્યાં છે

માથી ફોર્ટિયર એક મુલાકાતી સાથે વાત કરી રહ્યાં છે


દુલુના પિતાએ પોતાના સંતાનને સંસ્થામાં પ્રવેશ આપવાની વિનંતી કરી અને દુલુએ તબલા પર હાથ અજમાવ્યો. તમને જાણીને નવાઈ લાગશે કે એક સમયે ગાયો ચરાવતો આ છોકરો અત્યારે 23 વર્ષનો યુવાન છે. અત્યારે દુલુ ધારવાડ યુનિવર્સિટીમાંથી માસ્ટર્સની ડિગ્રી મેળવવા અભ્યાસ કરી રહ્યો છે. તેણે સંગીત વિષય સાથે ગ્રેજ્યુએશન કર્યું છે અને ડિસ્ટિન્ક્શન સાથે યુનિવર્સિટીમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું. અત્યારે દુલુ તેના ગામમાં પણ સૌથી વધુ શિક્ષિત વ્યક્તિ છે. પણ દુલુ માટે ગાયો-ભેંસો છોડીને સંગીતની સાધના કરવાની સફર સરળ નહોતી. તે કહે છે,

23 વર્ષીય દુલુ અદુલકર

23 વર્ષીય દુલુ અદુલકર


"જ્યારે હું વિદ્યાલયમાં જોડાયો હતો, ત્યારે ગામના લોકો બહુ વિચિત્ર વાત કરતા હતા. તેઓ કહેતા કે વિદ્યાલય ગોરા લોકો ચલાવે છે. તેમનો ભરોસો ન કરતો. તેઓ ભરતી કરીને કિડની કાઢી લે છે. આપણી કિડની કાઢીને પરદેશ મોકલે છે."

દુલુના પિતા મક્કમ હતાં. તેમણે ગામના લોકોની મનઘડત વાતોને ધ્યાનમાં ન લીધી. દુલુ વિદ્યાલયમાં જોડાયો ત્યારે તેને માતૃભાષા મરાઠી સિવાય બીજી કોઈ ભાષા આવડતી નહોતી. શરૂઆતમાં તે નિરાશ થયો હતો. પણ તેના પિતાએ તેને સમજાવ્યું હતું કે તારો પહેલો પ્રેમ સંગીત છે. તું પ્રયાસ કરીશ તો બીજા બધા અવરોધો આપમેળે દૂર થઈ જશે. પછી દુલુએ સંગીત શીખવા પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. તે દરરોજ આઠથી 10 કલાક સિતાર પર પ્રેક્ટિસ કરતો હતો. તેના ગુરુ ઉસ્તાદ હામિદ ખાન છે. જેમ જેમ તે આગળ વધતો ગયો તેમ તેમ ગામના લોકોની શંકાઓ દૂર થઈ. દુલુ આ વિશે કહે છે,

"મારા પિતાજી મને ગાયો-ભેંસો ચરાવવાના કામમાંથી છોડાવવા માગતા હતા. તેઓ પોતે ભણ્યા નહોતાં, પણ હું ભણીને જીવનમાં નવી શરૂઆત કરું તેવું ઇચ્છતાં હતાં. બીજું, તેમણે મને જેમાં રસ હોય તેમાં આગળ વધવાની પ્રેરણા આપી હતી. અત્યારે મારી પ્રગતિ જોઈને ગામના લોકોની વિચારસરણ બદલાઈ છે અને તેમણે પણ તેમના બાળકોને શાળાઓમાં મોકલવાનું શરૂ કર્યું છે."

દુલુના નાના ભાઈબહેન 16 વર્ષનો દુંદુ અને 14 વર્ષની જાનુ સંગીત વિદ્યાલયમાં અભ્યાસ કરે છે. દુંદુ સિતાર અને જાનુ તબલા શીખે છે. હવે તેમના ઘરમાં સવારસાંજ સંગીત સંભળાય છે.

અત્યારે દુંદુ અને જાનુની સાથે વિદ્યાલયમાં 257 વિદ્યાર્થીઓ સંગીતના એક યા બીજા સાધનો શીખી રહ્યાં છે. આ વિદ્યાલય ધારવાડથી 15 કિમી દૂર છે અને કલ્કેરીની બહાર છે. વિદ્યાલયમાં સંગીતના સૂરો રેલાય છે અને બાળકોમાં હકારાત્મક ઊર્જા દેખાય છે. અહીં તબ્બસુમ નામની છોકરી નવમા ધોરણમાં અભ્યાસ કરે છે અને વાયોલિન વગાડે છે. તે મોટી થઈને હિંદીમાં લેક્ચરર થવા માંગે છે. તેજસ્વિની પાંચમા ધોરણમાં ભણે છે અને તેનો મનપસંદ વિષય અંગ્રેજી છે. તે મોટી થઈને અંગ્રેજીમાં પ્રોફેસર બનવા માંગે છે. સુનિલ આઠમાં ધોરણમાં ભણે છે અને મોટો થઈને ગાયક બનવાનું સ્વપ્ન સેવે છે.

સામાન્ય રીતે મોટા ભાગના છોકરાઓ શાળાએ જતાં રડે છે, ત્યારે આ સંગીત વિદ્યાલયમાં રજાના દિવસે પણ વિદ્યાર્થીઓ આવવા આતુર હોય છે. વિદ્યાલયના ડિરેક્ટર એડમ વૂડવર્ડ છે. તેમણે અમને આ વિદ્યાલય વિશે વધારે માહિતી આપી હતી.

આ વિદ્યાલયને કર્ણાટક સેકન્ડરી એજ્યુકેશન બોર્ડની માન્યતા પ્રાપ્ત છે. સંસ્થા અહીં અભ્યાસ કરતા દરેક બાળક કોઈને કોઈ શાખામાં માસ્ટર ડિગ્રી મેળવે એ માટે તમામ પ્રકારનો સાથસહકાર આપે છે. અહીં દસમા ધોરણ સુધી ભણવાની સુવિધા છે. પણ પછી વિદ્યાલય નાણાકીય મદદ અને માર્ગદર્શન બંને પ્રદાન કરે છે. શાળામાં 65 ટકા છોકરાઓ છે અને છોકરાઓ અને છોકરીઓની સંખ્યા એકસરખી થાય તે માટે પ્રયાસ કરવામાં આવે છે. ઉપરાંત વિદ્યાલયમાં 40 કિમીની આસપાસ સ્થિત ગામડાઓમાંથી જ બાળકોની ભરતી કરવામાં આવે છે. એટલું જ નહીં દરેક ગામમાંથી પાંચથી વધારે બાળકોની પસંદગી કરવામાં આવતી નથી.

વિદ્યાલયના ડિરેક્ટર એડમ વૂડવર્ડ

વિદ્યાલયના ડિરેક્ટર એડમ વૂડવર્ડ


એડમ કહે છે,

"અમારી વિદ્યાલયની છાપ બહુ સારી છે. એટલે માતાપિતાઓ પોતાના બાળકોને અહીં મોકલીને પોતાની જવાબદારીમાંથી છૂટવાં માગે છે. એટલે અમે દરેક ગામમાંથી અભ્યાસમાં ખરેખર રસ ધરાવતા બાળકોની જ પસંદગી કરીએ છીએ."

વળી ગરીબ અને પછાત વર્ગના બાળકોની પસંદગી વધારે કરવામાં આવે છે.

વિદ્યાલયનો અભ્યાસક્રમ મુખ્યત્વે બે કેટેગરીમાં વહેંચાયેલો છે – સંગીત અને સામાન્ય શિક્ષણ. દરેક કેટેગરીમાં 13-13 શિક્ષકો છે. શાળામાં સિતાર અને તબલા, કન્નડ, અંગ્રેજી, હિંદી, સમાજવિદ્યા અને ગણિત જેવા વિષયો ભણાવવામાં આવે છે. શાળાનું દસમા ધોરણનું પરિણામ 100 ટકા આવે છે. નવાઈની વાત એ છે કે, અહીં કેટલાંક વિદ્યાર્થીઓ મોટી ઉંમરના પણ છે. તેમણે બારમા વર્ષથી શિક્ષણ મેળવવાનું શરૂ કર્યું છે અને તેમણે બે વર્ષમાં પાંચ વર્ષનો અભ્યાસ સારી પૂર્ણ પણ કર્યો છે. શાળામાં શિક્ષક અને વિદ્યાર્થીઓનો રેશિયો 1:20 છે. વળી સંસ્થાએ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ જેવા બોર્ડ પાસેથી માન્યતા મેળવવાના પ્રયાસ શરૂ કર્યા છે અને ફ્રેન્ચ અને જર્મન જેવા નવા વિષયો પણ શરૂ કર્યા છે.

એડમની જેમ તમને ભારતીય પોશકોમાં વિદેશીઓ જોવા મળશે. તેઓ સ્વેચ્છાપૂર્વક વર્ષનો કેટલોક સમય ફાળવે છે અને અહીં બાળકોને કશું ને કશું શીખવે છે. અત્યારે અહીં 20 વિદેશી સ્વયંસેવકો છે, જેઓ દુનિયાના વિવિધ ખૂણાઓમાંથી આ બાળકોના જીવનનો ભાગ બનવા જ આવ્યાં છે. એડમ જાન્યુઆરી, 2004માં સ્વયંસેવક તરીકે આવ્યા હતા. પછી તેમને સંસ્થા અને બાળકો સાથે એવું જોડાણ થઈ ગયું કે વિદ્યાલયને જ પોતાનું ઘર બનાવી દીધું છે.

અત્યારે આ વિદ્યાલયમાં બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે. સંગીતના સથવારે તેઓ અંગ્રેજી, ગણિત અને વિજ્ઞાન શીખી રહ્યાં છે. સાથે સાથે તેઓ પ્રેમ, માનવતા અને બંધુતાનો સંદેશ આપે છે.


ફોટો ક્રેડિટ- પ્રદ્યનેશ

લેખક- તરુશ ભલ્લા

અનુવાદક- કેયૂર કોટક