ગ્રામજનો તરસ્યા ન રહે તે માટે ઘરમાં બનાવ્યો ટ્યૂબવેલ, 8 વર્ષોથી લોકોને મફતમાં પાણી પૂરું પાડે છે બાબુલાલ

ગ્રામજનો તરસ્યા ન રહે તે માટે ઘરમાં બનાવ્યો ટ્યૂબવેલ, 8 વર્ષોથી લોકોને મફતમાં પાણી પૂરું પાડે છે બાબુલાલ

Friday December 18, 2015,

4 min Read

બાબુલાલ કુમ્હાર રાજસ્થાનના બુંદી જિલ્લામાં લોકોને મફતમાં પાણી આપવા માટે જાણીતા બન્યા છે.

ઊંચાણ પર આવેલા તેમના વિસ્તારમાં પાણીની બહુ અછત છે અને લોકોને પાણી ભરવા માટે દૂર દૂર જવું પડે છે!

શહેરમાં આશરે 1500 અને ગ્રામીણ વિસ્તારમાં લગભગ 800 લોકોની પાણીની સમસ્યાનો ઉકેલ લાવ્યા છે બાબુલાલ!

કહેવાય છે કે ત્રીજું વિશ્વયુદ્ધ પાણીને કારણે થશે. મીઠા પાણીની સતત વધતી જતી અછત અને ગ્લોબલ વૉર્મિંગને કારણે વધતી દરિયાની સપાટીએ વિશ્વ સમક્ષ એક મોટું સંકટ પેદા કર્યું છે. પાણીની વકરતી જતી સમસ્યા હવે જીવન-મરણનો સવાલ બનતી જાય છે. આપણા દેશમાં પાણીની સમસ્યા એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કરતી જાય છે કે પાણીની સમસ્યાનો કોઈ ઉકેલ નહીં લાવવામાં આવે તો આવનારા સમયમાં આપણે બહુ મોટી કિંમત ચૂકવવી પડશે. પાણીની સમસ્યા હવે માત્ર એક કે બે રાજ્યો પૂરતી સીમિત નથી, બલકે સમગ્ર ભારતમાં, પછી ગામ હોય કે શહેર, લગભગ દરેક જગ્યાએ પાણીનું સંકટ જોવા મળી રહ્યું છે. દેશમાં દર વર્ષે ક્યાંક ને ક્યાંક દુષ્કાળ પડે છે. આ સમસ્યા સામે લડવા માટે સરકાર પોતાના સ્તરે કામ પણ કરી રહી છે, પરંતુ પાણીનું સંકટ એટલું વ્યાપક છે કે સરકારી પ્રયાસ પણ અપૂરતા ઠરે છે.

રાજસ્થાન ભારતનું એક એવું રાજ્ય છે, જ્યાં હંમેશાં પાણીની અછત રહે છે. ઉનાળાના મહિનાઓમાં તો આ સમસ્યા વધારે વ્યાપક બને છે. જોકે, રાજસ્થાનના બુંદી જિલ્લાના બાબુલાલ છેલ્લાં કેટલાંક વર્ષોથી લોકોની પાણીની સમસ્યા દૂર કરવા માટે પોતાની ઝુંબેશ ચલાવી રહ્યા છે.

પોતાના વિસ્તાર અને વતનની તરસ બુઝાવનારા બાબુલાલ

પોતાના વિસ્તાર અને વતનની તરસ બુઝાવનારા બાબુલાલ


બાબુલાલનો જન્મ રાજસ્થાનના બુંદી જિલ્લામાં થયો. અહીં જ તેમણે અભ્યાસ કર્યો અને આ જ તેમની કર્મભૂમિ પણ છે. તેઓ એલઆઈસીના એજન્ટ તરીકે કામ કરી રહ્યા છે. તેમનું પૈતૃક ગામ તેમના ઘરથી 26 કિલોમીટર દૂર છે, જે બુંદી જિલ્લામાં જ આવેલું છે. તેમનું બાળપણ ત્યાં જ વીત્યું અને નોકરી મળ્યા પછી તેઓ શહેરમાં આવી ગયા. બાબુલાલ જ્યારે પણ લોકોને પાણી માટે પરેશાન જોતાં ત્યારે તેમને બહુ દુઃખ થતું હતું. તેઓ પહેલેથી માનતા હતા કે પાણી એક એવી ચીજ છે, જેના પર દરેક વ્યક્તિનો અધિકાર હોવો જોઈએ. જોકે, તેમના જ વિસ્તારના લોકોને પાણીની અછતને કારણે બહુ મુશ્કેલીઓ સહેવી પડતી હતી. પાણી ભરવા માટે લોકો અનેક કિલોમીટર દૂર દૂર જતા હતા, જ્યાં તેઓ લાઇન લગાવીને કેટલાય કલાકો સુધી રાહ જોતા હતા.

બાબુલાલે વિચાર્યું કે લોકોની આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે તેમણે કંઈક કરવું જોઈએ. બાબુલાલે પોતાના ઘરમાં ટ્યૂબવેલ લગાવ્યો અને લોકોને પોતાના ઘરેથી જ પાણી ભરી જવા કહ્યું. તેઓ એક પણ રૂપિયો લીધા વિના લોકોને પાણી આપતા અને લોકો જરૂરિયાત મુજબ પાણી ભરી જતા. બાબુલાલ વર્ષ 2008થી લોકોને મફત પાણી પૂરું પાડી રહ્યા છે. ટ્યૂબવેલને કારણે વીજળીનો ખર્ચ ઘણો વધારે આવે છે, પરંતુ તેઓ પોતે એ ખર્ચ ભોગવી લે છે અને એ વિસ્તારના આશરે 1500 લોકોને બાબુલાલના પ્રયાસથી ફાયદો થઈ રહ્યો છે.

લોકોને હોંશેહોંશે પાણી પૂરું પાડતાં બાબુલાલ અને તેમનાં પત્ની કમલેશકુમારી

લોકોને હોંશેહોંશે પાણી પૂરું પાડતાં બાબુલાલ અને તેમનાં પત્ની કમલેશકુમારી


આ દરમિયાન બાબુલાલે એક વાર જોયું કે પોતાના ગામમાં પાણીની સમસ્યા બહુ વધતી જાય છે. ગામમાં જે કૂવો હતો, ત્યાંના પાણીમાં ક્લોરાઇડનું પ્રમાણ ઘણું વધી ગયું હતું, જે અનેક બીમારીનું મૂળ હતું. એ પાણી વાપરવાને કારણે લોકોને સાંધાના દુખાવાની તકલીફ થવા માંડી હતી, એ ઉપરાતં લોકોને નાની મોટી અનેક મુશ્કેલીઓ પડતી હતી. બાબુલાલે પોતાના ગામના ગરીબ લોકોની મદદ કરવાનું વિચાર્યું. બાબુલાલ પાસે પણ એક કૂવો હતો, જે નદીની નજીક હોવાને કારણે ત્યાંનું પાણી થોડું ચોખ્ખું હતું. બાબુલાલે સરકારી ઓફિસીસના ધક્કા ખાઈને અને ખાસ્સા પ્રયાસો કરીને સાંસદના ભંડોળમાંથી 80 હજાર રૂપિયા પાસ કરાવ્યા અને એ નાણાંમાંથી એક કૂવામાં મોટર લગાવડાવી અને ગામમાં પાઇપલાઇન નંખાવી. આ ઉપરાંત ગામમાં પાણીની બે ટાંકી પણ બનાવડાવી, જ્યાંથી લોકો ચોખ્ખું પાણી ભરી શકતા હતા. આજે બાબુલાલના પ્રયાસને કારણે ગામના લગભગ 500 લોકોને સીધો ફાયદો મળી રહ્યો છે.

તેમના ગામથી બે કિલોમીટર દૂર પણ એક પછાત વિસ્તાર છે, જ્યાં બાબુલાલના પ્રયાસોને લીધે સરકારનું ધ્યાન ગયું અને ત્યાંના લોકો માટે પણ પાણીની મોટર લગાવાઈ, જ્યાંથી ચોખ્ખું પણી સીધું ટાંકીમાં આવે છે અને લોકો એ પાણીનો ઉપયોગ કરી શકે છે.

બાબુલાલના આ પ્રયાસમાં તેમની ધર્મપત્ની કમલેશકુમારીનું પણ મહત્ત્વપૂર્ણ યોગદાન છે. તેઓ જ્યારે ઘરથી દૂર હોય છે ત્યારે લોકોને પાણી ભરાવવાનું કામ કમલેશકુમારી જ કરે છે. તે હંમેશાં બાબુલાલને લોકોની મદદ કરવા માટે પ્રોત્સાહિત કરે છે અને દરેક મુશ્કેલ સ્થિતિમાં તેમની સાથે ઊભી હોય છે.

બાબુલાલ જણાવે છે કે લોકોને નિ:શુલ્ક પાણી ઉપલબ્ધ કરાવવાને તે પોતાનો ધર્મ ગણે છે. તેમને આ કામથી બહુ સંતોષ મળે છે. તેઓ કહે છે, પોતે ક્યારેક રૂપિયા પાછળ ભાગતા નથી. તેમને લોકોની મદદ કરવાનો આનંદ મળે છે અને તેઓ કાયમ આ કામ કરતા રહેશે. તેઓ પોતાના કામમાં કોઈ પણ અવલંબિત નથી.

બાબુલાલ કહે છે,

"સમાજના દરેક વર્ગને એકબીજાની મદદ કરવા માટે આગળ આવવું જોઈએ. બધાએ હળીમળીને રહેવું જોઈએ. આપણે ધર્મ-જાતિથી ઉપર ઊઠીને ભાઈચારાની સાથે જીવવું જોઈએ. દેશમાં અનેક સમસ્યા છે, લોકો જ્યાં સુધી એકબીજાની મદદ કરવા માટે આગળ નહીં આવે ત્યાં સુધી સરકાર ગમે તેટલા પ્રયાસ કરી લે કંઈ થઈ શકે નહીં. એટલે હવે સમય આવી ગયો છે કે આપણે સૌ મળીને દેશને આગળ લઈ જઈએ."


લેખક – અશોક ખંતવાલ

અનુવાદક – સપના બારૈયા વ્યાસ