મહિલાઓ, અનાથ બાળકો, HIVગ્રસ્ત લોકોના ‘ઉત્કર્ષ’ માટે કામ કરતા રેખા અધ્વર્યુ

મહિલાઓ, અનાથ બાળકો, HIVગ્રસ્ત લોકોના ‘ઉત્કર્ષ’ માટે કામ કરતા રેખા અધ્વર્યુ

Friday November 13, 2015,

5 min Read

શેફાલી કે કલેર, રાજકોટ

image


જ્યારે વ્યક્તિ પોતાના સમયનો સદઉપયોગ અન્ય લોકો માટે કરવાની ઇચ્છા ધરાવે છે ત્યારે તે વ્યક્તિને સફળતા મળીને જ રહે છે. ઉત્કર્ષ સંસ્થા દ્વારા પણ કઇક આવું જ કાર્ય કરે છે. આ સંસ્થાનો ઉદ્દેશ્ય દેશ – વિદેશમાં પોતાના નામને સ્થાપિત કરવાનો નહીં પરંતુ જરૂરિયાતમંદ લોકોને મદદ મળી રહે તેવી કામગીરી કરવાનો છે. આ એક એવી એનજીઓ છે જે મહિલાઓને રોજગારી આપવાનું કામ કરે છે જ્યારે વિકલાંગ અને બાળકો માટે પણ આ સંસ્થા ખાસ કામગીરી કરે છે.

image


રેખા અધ્વર્યુ, જેમનો જન્મ મુબઇમાં થયો હતો. તેમનુ શિક્ષણ પણ ત્યાં જ થયું. કોલેજ દરમિયાન તેઓ એનએસએસમાં કાર્યરત હતાં. ત્યારે મુંબઇના આજુબાજુના ગામડામાં જઇને તેઓ લોકોની સેવા કરતા, બસ ત્યારથી તેમણે પોતાના જીવનનું લક્ષ્ય નક્કી કરી લીધું કે તેમને જ્યારે પણ ચાન્સ મળશે તે લોકોની સેવામાં પોતાનું જીવન અર્પણ કરશે. કોલેજ પૂર્ણ થતા થોડા સમયમાં જ રેખાબહેનના લગ્ન અમદાવાદમાં થઇ ગયા. ગૃહસ્થીમાં વ્યસ્ત રેખાબહેનના જ્યારે બંને બાળકો થોડા મોટા થઇ ગયા ત્યારે તેમના જીવનમાંઘણો સમય એવો બચતો જયારે તેમની કરવા માટે કંઈ ન રહેતું. ત્યારે આ સમયનો સદઉપયોગ કરવાનો વિચાર તેમને આવ્યો અને તેમણે પોતાના કોલેજના દિવસમાં વિચારેલું લક્ષ્ય પાછું યાદ આવી ગયું. તેઓએ આ અંગે તેમના પતિ સાથે વાત કરી અને બસ એક નવી પહેલની શરૂઆત થઇ.

image


માત્ર 1200 રૂપિયામાં શરૂ થયો 'ઉત્કર્ષ' ગૃહ ઉદ્યોગ!

સમાજ પાસેથી કંઇક મેળવવું તેના કરતા સમાજને કંઇક આપવાની ભાવના રેખાબહેનમાં પહેલેથી જ હતી. પોતાના વિચારો દ્વારા અનેક મહિલાઓને રોજગારી મળી રહે તે માટે તેમણે માત્ર 1200 રૂપિયા જેટલી નાની રકમથી ગૃહઉદ્યોગની શરૂઆત કરી. આ ગૃહઉદ્યોગમાં નેચરલ પ્રોડ્ક્ટસને વધારે પ્રાધાન્ય આપવામાં આવે છે. જેમાં ખાસ કરીને મુખવાસ, શરબત, અથાણાં જેવી વસ્તુઓ બનાવવાનું વિચાર્યું, કારણ કે આ બધી વસ્તુઓમાં બહેનોની માસ્ટરી હોય છે. રેખાબહેને તેમના ગૃહઉદ્યોગમાં વધુમાં વધુ બહેનો જોડાય તે માટે જાતે જ ટ્રેઈનિંગ આપતા હતાં. ગૃહ ઉદ્યોગમાં મહિલાઓ દ્વારા જે વસ્તુ તૈયાર થાય તેનું વેચાણ કેવી રીતે કરવું તેના માટે પ્લેટર્ફોમ પણ તેઓ પૂરું પાડતા હતાં. આ ઉપરાંત, અન્ય બહેનો જે વિવિધ પ્રકારની હેન્ડિક્રાફ્ટની વસ્તુઓ તૈયાર કરતા હતાં તેમને પણ વેચાણ માટે પ્લેટફોર્મ મળી રહે તે માટે તેઓ એક્ઝીબિશન્સનું પણ આયોજન કરતા. માત્ર બે બહેનોથી શરૂ થયેલા આ ગૃહઉદ્યોગમાં વર્ષ 2012માં 40 બહેનો કાર્ય કરતી હતી. જ્યારે આજની તારીખમાં ગૃહઉદ્યોગમાં કામ કરતી તમામ બહેનો પોતાના અલગ અલગ બિઝનેસ કરી રહી છે. રેખાબહેન આ અંગે ખુશી વ્યક્ત કરતા કહે છે, “મને તે વાતનો ઘણો આનંદ છે કે આ બહેનોને મારા થકી પોતાનો બિઝનેસ શરૂ કરવાની એક સોનેરી તક મળી. મહિલાઓને કઇ વસ્તુનો ઉદ્યોગ કરવો તેનું જ્ઞાન છે પણ તે વસ્તુને બજાર સુધી કેવી રીતે પહોંચાડવી તેનું જ્ઞાન નથી હતું. આ માટે અમારી સંસ્થા આવા અનેક કાર્યક્રમ કરે છે જેના દ્વારા મહિલાઓને સરકાર દ્વારા મળતા દરેક લાભ અપાવીએ છીએ સાથે સાથે તેમને પોતાની પ્રોડક્ટ્સનું પ્રેઝન્ટેશન કેવી રીતે કરવું, બેન્કિંગ વ્યવહાર, માર્કેટિંગ વગેરે અંગેની માહિતી પણ આપીએ છીએ.

image


ઉપરાંત, વર્ષ 2004-05થી રેખાબહેન GCCI બિઝનેસવિમેન વિંગ સાથે પણ સંકળાયેલા છે જેથી GCCIના અન્ય બહેનોની એક્સપર્ટિઝનો લાભ પણ સમાજની અન્ય બહેનોને મળે છે અને તેઓ મજબૂતીથી પોતાના પગ પર ઉભી રહી શકવા સક્ષમ બને છે. સાથે જ છેલ્લા કેટલાંક વર્ષોથી તેઓ GCCI બિઝનેસ વિમેન વિંગના કમિટીમાં પણ હોવાથી, તમામ વિમેન એન્ટરપ્રેન્યોર્સ સાથે મળીને સમાજની મહિલાઓ, દીકરીઓ અને બાળકો માટે જરૂરી કાર્યો કરે છે. રેખાબહેને પોતાના ગૃહઉદ્યોગ અંતર્ગત 20 જેટલી જુદી જુદી સંસ્થાઓની 1200 જેટલી મહિલાઓને ટ્રેઈનિંગ આપી છે. જ્યારે આજે તેમના ગૃહઉદ્યોગમાં તૈયાર થતી વસ્તુઓની માગ ગુજરાત સહિત, દુબઇ, આફ્રિકા અને યુ.એસ.એ.માં પણ છે.

2012માં ઉત્કર્ષ ગૃહઉદ્યોગ બન્યું એક NGO

ગૃહઉદ્યોગને સ્થાપિત કર્યા બાદ સમાજ સેવામાં કાર્ય કરવા માટે જરૂરી હતું કે એનજીઓની સ્થાપના કરવામાં આવે. આ માટે 2012માં રેખાબહેને અમદાવાદમા એક એનજીઓની શરૂઆત કરી. આ એનજીઓનો એક જ માત્ર ઉદ્દેશ હતો કે મહિલાઓને તેમના હક મળે. આ એનજીઓ દ્વારા બેટી બચાવો, બેટી પઢાવો જેવા કાર્યક્રમ કરવામાં આવે છે. રેખા અધ્વર્યુ જણાવે છે કે, “છેલ્લાં ત્રણ વર્ષથી અમે બહેનોને રોજગારી મળી રહે તેવા જ કાર્યક્રમો કરીએ છીએ. અમે જે તે ફિલ્ડના એક્સપર્ટને બોલાવીએ છીએ અને તે એક્સપર્ટ મહિલાઓને યોગ્ય દિશામાં માર્ગદર્શન આપે છે.” 

ઉપરાંત ઉત્કર્ષ સંસ્થા દ્વારા કેટલીયે દીકરીઓના સમૂહલગ્નનું પણ આયોજન કરવામાં આવે છે જેની સંપૂર્ણ જવાબદારી ઉત્કર્ષના સભ્યો ઉઠાવી લે છે.

image


આ ઉપરાંત કચ્છ અન ભૂજ જેવા વિસ્તારમાં જ્યાં હાથ કારીગરી વધારે થાય છે. ત્યાંના લોકોને પોતાની તૈયાર કરેલી વસ્તુઓના વેચાણ કરવા માટે યોગ્ય પ્લેટર્ફોમ મળી રહે તે માટેની વ્યવસ્થા પણ આ એનજીઓ દ્વારા કરવામાં આવે છે. એક હાથે કાર્ય ના થતા ઉત્કર્ષ એનજીઓ દ્વારા ઉત્કર્ષ ક્લબ પણ શરૂ કરવામાં આવી છે જેમાં અમદાવાદની જાણીતી મહિલાઓ જોડાઇ છે. જેઓ બધા એકત્ર થઇને સમાજસેવાનું કાર્ય કરે છે. આ એનજીઓ બાળકોના એજ્યુકેશન માટે પણ મદદરૂપ થાય છે.

એનજીઓના ફંડની જરૂરિયાત પૂરી કરવા માટે રેખાબહેને એપ્રિલ 2015માં એક ભાગવત સપ્તાહનું આયોજન કર્યું જેના દ્વારા વૃદ્ધો માટે એક સારી પ્રવૃત્તિ પણ થઇ અને એનજીઓને તેના દ્વારા ફંડ પણ મળ્યું.

આસામ માટે ગુજરાતની મહિલાઓ બની રોલ મોડલ

image


રેખાબહેન કહે છે, “હાલમાં આસામથી 25 બહેનોનું ગ્રૂપ અમદાવાદ આવ્યું હતું. આ મહિલાઓ પોતાના શહેર અને ગામડામાં વિવિધ પ્રકારના ઉદ્યોગ તો કરે છે પરંતુ તેનું વેચાણ કેવી રીતે કરવું તેનો અંદાજ નથી. તેઓ ગુજરાતની મહિલાઓ પાસે ઉદ્યોગની ટેક્નિક શીખવા માટે આવી હતી. આ મહિલાઓને ગુજરાતની મહિલાઓ કેવી રીતે કામ કરે છે તે શીખવાડવાની જવાબદારી 'ઉત્કર્ષ'ને મળી હતી.” આ મહિલાઓ ગુજરાતના વિવિધ ગામડાઓમાં જઇને ત્યાંની મહિલાઓને મળી, તેમની કામ કરવાની ટેક્નિકને સમજી રહી છે.

સમાજસેવાના કાર્ય દ્વારા મેળવી સિદ્ધી

  • 1999થી સમાજને રોજબરોજ કંઇક નવું આપી રહેલા રેખાબહેનને પોતાની સમાજસેવાની પ્રવૃત્તિ માટે અનેક સંસ્થા દ્વારા પણ સન્માનિત કરવામાં આવ્યા.
  • તેઓ વર્ષ 2004-05થી GCCI બિઝનેસવિમેન વિંગ સાથે સંકળાયેલા છે.
  • 2008-10માં લાયન્સ ક્લબ ઓફ કનિ.ના ચેરપર્સન બન્યા પછી રેખાબેહને અનેક કાર્ય મહિલાઓ માટે કર્યા હતાં. જેમના માટે તેમને વિમન એસ્ટિમ રિલેટેડ સર્ટિફિકેટ મળ્યા હતાં.
  • સમાજનો એક એવો વર્ગ જેના માટે દરેક વ્યક્તિએ કામગીરી કરવાની જરૂરિયાત છે તેવા એચ.આઇ.વી. અને અનાથ બાળકોને ઉત્કર્ષ સંસ્થા દ્વારા અનેક સહાય કરવામાં આવી હતી. જેના માટે 2014માં રેખાબહેનને એઇડ્સ ન્યુઝ લાઇન દ્વારા રીયલ ડાયમંડ ઓફ ગુજરાતના એવોડની વિમન ડેવલપમેન્ટ કેટેગરીનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. 


તમે 'ઉત્કર્ષ'નો સંપર્ક પણ કરી શકો છો :

Website

FB page

ફાઉન્ડરનો સંપર્ક કરવા ક્લિક કરો: રેખા અધ્વર્યુ