દેસી કિંમત અને વિદેશી ફેશન ટ્રેન્ડસ એટલે ‘ફેબ એલી’

0

ઈ-કોમર્સની દુનિયામાં આપણે ફ્લિપકાર્ટ, મિન્ત્રા, જબોંગ વગેરે અન્ય વેબસાઇટસ જોઇએ છીએ કે જ્યાં જઈને લોકો ધૂમ ખરીદી કરે છે. આ વેબસાઇટ ઉપર જરૂરીયાતની તમામ વસ્તુઓ મળે છે. લોકોની વધતી જતી માગને ધ્યાનમાં રાખીને આપણે આ વેબસાઇટ ઉપર ખાનગી બ્રાન્ડ્સ પણ નિયમિત રીતે જોઇએ છીએ. હકીકતે આ બ્રાન્ડ પોતે વિવિધ સામાન બનાવનારી કંપની હોય છે. તેમના દ્વારા બનાવવામાં આવેલી વસ્તુ બજારમાં પણ સરળતાથી મળી જાય છે. આ જ નિર્માતાઓ પૈકીની એક કંપની છે ‘ફેબ એલી’. તેણે બજારમાં માત્ર પોતાનું સ્થાન જ નથી બનાવ્યું પણ પોતે એક સ્થાપિત બ્રાન્ડ પણ બની ગઈ છે.

‘ફેબ એલી’ની શરૂઆત તન્વી મલિક અને શિવાની પોદ્દારે મળીને કરી હતી. આ કામને શરૂ કરવા માટે તેમણે પોતાની સારામાં સારી નોકરીને પણ તિલાંજલિ આપી દીધી હતી. ‘ફેબ એલી’ની સ્થાપના પહેલા તેઓ ટાઇટન ઇન્ડસ્ટ્રીઝ, યુનિલિવર જેવી મોટી કંપનીઓમાં કામ કરી ચૂક્યાં હતાં. આ અંગે તન્વી મલિક જણાવે છે, “અમે બંને કોર્પોરેટ સેક્ટરમાં કામ કરતાં હતાં. તે દરમિયાન અમે જોયું કે ફેશન અંગે ખૂબ જ મોટું અંતર છે અને દેશમાં તેને જાણીતું કરવું પણ ખૂબ જ અઘરું છે. આ દરમિયાન મેન્ગો, ઝારા જેવા સ્ટોર્સમાં રૂ. 900થી માંડીને રૂ.1000 સુધીની કોઈ જ વસ્તુ મળતી નહોતી. જ્યારે દેશમાં મોટાભાગની મહિલાઓ નિયમિત રૂપે પહેરવામાં આવતાં કપડાં રૂ. 900થી રૂ.1000નાં પસંદ કરતી હતી. આ અંતરને ઘટાડવા માટે ઓનલાઇન કે ઓફલાઇન કોઈ વિકલ્પ નહોતો.”

તે વખતે બંનેએ પોતાના અનુભવને આધારે બજારનું સર્વેક્ષણ કર્યું. આ સર્વેક્ષણમાં 500 મહિલાઓને સામેલ કરવામાં આવી કે જેઓ પોતાની વાતની રજૂઆત સીધી કે લખીને જણાવી શકે તેમ હતી. ત્યારે 60 ટકા મહિલાઓએ કબૂલ્યું હતું કે તેમણે પણ ફેશનના મુદ્દે આ અંતર અનુભવ્યું છે. આ દરમિયાન ફોરેવર 21 એકમાત્ર એવી બ્રાન્ડ હતી કે જે આ અંતરને ઘટાડી રહી હતી પરંતુ દેશભરમાં તેના ખૂબ જ ઓછા સ્ટોર્સ હતા. શિવાની ગર્વથી જ કહે છે, “શરૂઆતથી જ અમને ખબર હતી કે આ અંતરને ઘટાડવા માટે અમારી પાસે 1000 કરતાં વધારે સ્ટાઇલના કપડાં હોવા જોઇએ. આ ઉપરાંત દર મહિને 200 વિવિધ સ્ટાઇલનાં કપડાં બજારમાં મૂકવા માંડ્યાં જેની કિંમત આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્ઝને ટક્કર આપવા માટે પૂરતી હતી.”

જોકે, આ રસ્તા ઉપર પગ મૂકતાં પહેલાં બંને સ્થાપક ઇચ્છતાં હતાં કે તેઓ એક્સેસરી સ્ટોરમાં પોતાનું નસીબ અજમાવે. તેના માટે તેમણે શરૂઆતના ચાર મહિના દરમિયાન જ્વેલરી, ફૂટવેર, બેગ અને અન્ય વસ્તુઓ વેચવાની શરૂ કરી દીધી. પરંતુ ઝડપથી તેમને સમજાઈ ગયું કે બજારમાં માત્ર એક્સેસરીનાં કારણે નહીં ટકી શકાય. અને તેના કારણે તેમણે નિર્ણય લીધો કે તેમણે નિયમિત રૂપે પહેરાતાં કપડાંનાં ક્ષેત્રે પણ ઉતરવું જોઇએ.

આજે ફેબ એલીનો 85 ટકા વેપાર નિયમિત રૂપે પહેરવામાં આવતાં કપડાંમાંથી થાય છે. જે તેમણે જૂન 2012માં શરૂ કર્યો હતો. તન્વીનો દાવો છે કે તેઓ નફો કરી રહ્યાં છે અને દર મહિને રૂ. 1 કરોડની આવક થઈ રહી છે. છેલ્લા ત્રણ મહિના દરમિયાન તેમના વેપારમાં 60 ટકાનો વધારો થયો છે.

‘ફેબ એલી’માં મળતાં કપડાંની ડિઝાઇન તેમની એક ડિઝાઇન ટીમ દ્વારા જ કરવામાં આવે છે. જોકે, કંપનીએ એક્સેસરી માટે ચીન, યુકે અને અન્ય દેશોના વેપારીઓ સાથે કરારો કરેલા છે. શરૂઆતમાં કંપનીના વેપારની ગતિ ધીમી હતી પરંતુ ધીમે ધીમે કામે તેજી પકડી લીધી. તન્વીના જણાવ્યા અનુસાર “ફેબ એલી ફેશનની એક ઓળખ છે માટે ઝડપથી બદલાઈ રહેલી ફેશન માટે તે ત્રણ મહિના પહેલાં જ કામ કરવાનું શરૂ કરી દે છે. બદલતી ફેશનના સંકેત અમને વિશ્વમાં ચાલી રહેલા ટ્રેન્ડ્ઝ, ફેશન ટ્રેન્ડ્ઝ અને પહેલાંની ફેશનના ટ્રેન્ડ્ઝ જોઇને મળે છે. આ જ વાત એક્સેસરીમાં પણ લાગુ પડે છે.”

‘ફેબ એલી’નાં સૌથી વધારે ગ્રાહકો 22થી 30 વર્ષની મહિલાઓ છે. તે તેમના માટે ખાસ છે. આ ઉપરાંત દિલ્હી, મુંબઈ, બેંગલોર વગેરે શહેરોમાંથી જથ્થાબંધ ઓર્ડર બૂક કરવામાં આવે છે. તન્વીના જણાવ્યા અનુસાર તેઓ સતત બીજાં શહેરોમાં પણ પોતાનું વિસ્તરણ કરી રહ્યા છે. હવે તેમની યોજના ટિયર 2 શહેરોમાં પહોંચવાની છે. ‘ફેબ એલી’એ પોતાનાં માર્કેટિંગ માટે ફેસબૂક અને ગૂગલનો સારો એવો ઉપયોગ કર્યો છે. ઉપરાંત પીઆર એજન્સી મારફતે અનેક મેગેઝિનમાં તેમનાં નામની ખૂબ જ ચર્ચા થયેલી છે. આ કામમાં ફેશન બ્લોગર પણ ખૂબ જ મદદ કરે છે. તન્વી જણાવે છે, “અમે હાઇ હિલ પોપક્સો જેવા ફેશન બ્લોગર સાથે ખૂબ જ કામ કર્યું છે. તેમનું ફોલોઇંગ વધારે છે. તેના કારણે જ અમે તેમની સાથે મળીને અનેક સ્પર્ધાનું આયોજન કરીએ છીએ, જાહેરાતો કરીએ છીએ. તમે અમારી વેબસાઇટ ઉપર જોશો કે જેને અમે લૂક બૂક કહીએ છીએ ત્યાં શાનદાર ફેશન ફોટો મૂકવામાં આવે છે. આ ઉપરાંત અન્ય એવાં ઘણાં સાધનો છે કે જે ગ્રાહકોને અમારી સાથે જોડી શકે છે.”

આજે ‘ફેબ એલી’ની ટીમમાં 32 લોકો છે. તેમાંના મોટાભાગના સભ્યો એક જમાનામાં તેમના ગ્રાહકો હતા. તમામની ઉંમર 30 વર્ષ કરતાં ઓછી છે. શિવાનીનું કહેવું છે, “આ ખૂબ જ ઊર્જાવાન ટીમ છે. દરેક ટીમની જેમ અમારી ટીમમાં પણ કેટલીક સારી અને ખરાબ બાબતો છે. પરંતુ ખૂબ જ કામ કરવું છે અને તેના ઉપરનાં સ્તરે લઈ જવી છે.” ભવિષ્ય અંગે શિવાનીનું કહેવું છે, “અમે સતત મહિલાઓ પર ધ્યાન રાખીએ છીએ. મહિલાઓ સાથે સંકળાયેલાં અનેક એવાં ક્ષેત્રો છે કે જેને અમે હજી સુધી સ્પર્શ્યા પણ નથી. એટલું જ નહીં અમે પુરુષો અને બાળકો માટે પણ કંઇક નવું કરવા માગીએ છીએ. પરંતુ તેમાં હજી થોડો સમય લાગશે.”

Related Stories