અક્ષયકલ્પ ફાર્મ – IT પ્રોફેશનલ્સે કર્યો કૃષિનો કાયાકલ્પ!  

2

ભારતના સિલિકોન વેલી ગણાતા બેંગલુરુથી અંદાજે 150 કિ.મી. દૂર વિવિધ આઈટી પ્રોફેશનલ્સ પોતાના મૂળ તરફ વતન તરફ પરત ફરી રહ્યાં છે, એવા ખેતરોમાં જ્યાં તેમણે બાળપણના સુવર્ણ દિવસો પસાર કર્યા છે. તેઓ હવે અહીંયા રહીને શહેરથી દૂર રહેવા માગે છે. કૃષિ ક્ષેત્રના ઉદ્યોગસાહસિક ગણાતા તેઓ સફળતાપૂર્વક ઓર્ગેનિક ખેતી, ગ્રામ્ય ડેરી ફાર્મ વગેરેનું વ્યવસ્થાપન કરે છે જેના દ્વારા તેમને મહિને રૂ. 40,000 થી 1,00,000 સુધીની આવક થાય છે. ડૉ.જીએનએસ રેડ્ડી દ્વારા શરૂ કરાયેલું અક્ષયકલ્પ ફાર્મ્સ એન્ડ ફૂડ લિમિટેડ ભારતની પહેલી ખાનગી પહેલ છે જે ગ્રામ્ય સાહસિકતાને પરિવર્તિત કરીને ડેરી ઉદ્યોગમાં ક્રાંતિ લાવ્યું છે. તેના ઘણા ફાયદા છે જેમ કે, ઉચ્ચ ગુણવત્તાનું અને પોષણક્ષમ દૂધ મળે છે, ખેડૂતોને આર્થિક લાભ થાય છે, ગામડાંમાં ટેક્નોલોજીનું આગમન થયું જેથી ગ્રામ્ય અને શહેરી તફાવત ઘટવા લાગ્યો તથા ગામડાંમાંથી શહેરોમાં થતું સ્થળાંતર ઘટવા લાગ્યું અને શહેરમાંથી ગામડાંમાં સ્થળાંતર થવા લાગ્યું.

અક્ષયકલ્પ શરૂ થવા પાછળની વાત

જાણીતા ગાંધીવાદી, ગ્રામ્ય વિકાસની પહેલ કરનારા અને ભારતીય એગ્રો ઈન્સ્ટ્રીઝ ફાઉન્ડેશનના સ્થાપક ડૉ. મણીભાઈ દેસાઈના પ્રવચનથી પ્રેરણા મેળવીને ડૉ. રેડ્ડીએ નક્કી કર્યું કે તેઓ ડૉ. દેસાઈ સાથે બીએઆઈએફ ખાતે કામ કરશે. આ એવી સંસ્થા હતી જેણે લગભગ બે દાયકામાં જંગલો, સિંચાઈ અને પાણીના સ્ત્રોતના વ્યવસ્થાપનમાં ખૂબ જ આવકારદાયક કામ કર્યું હતું.

ડૉ. રેડ્ડી જ્યારે બીએઆઈએફમાં પોતાના અક્ષયકલ્પ મોડલને વિકસાવી ન શક્યા ત્યારે તેમણે પડકારો દૂર કરીને તેને ઉદ્યોગસાહસ તરીકે અલગથી વિકસાવવાનું નક્કી કર્યું. 2010માં તેમણે કર્ણાટકના ટિપતુર જિલ્લામાં 25 કરોડના રોકાણ સાથે અક્ષયકલ્પ ફાર્મની શરૂઆત કરી જેથી પોતાના સ્વપ્નને સાકાર કરી શકાય. તેઓ ગામડાંમાં આવકનું સર્જન કરવા માગતા હતા અને નિઃશક્ત લોકોને સશક્ત બનાવવા માગતા હતા.

ડો. જીએનએસ રેડ્ડી જણાવે છે,

"3 એકરની જમીનમાં નાળીયેર પકવતા ખેડૂત કરતા 3×3 ની જગ્યામાં પાનનો ગલ્લો ચલાવતી વ્યક્તિ વધારે કમાણી કરતી હતી. સ્થિતિને બદલવાની જરૂર હતી."

વર્તમાન સમયમાં ભારતીય ડેરી બજારની સ્થિતિ

સારી બાબત એ છે કે ભારતનું આયોજનબદ્ધનું ડેરી સેક્ટર છેલ્લાં પાંચ નાણાકીય વર્ષથી વાર્ષિક 22 ટકાના દરે વધી રહ્યું છે. 2011થી 2015માં તે જોવા મળ્યું. ક્રિસિલના અહેવાલ પ્રમાણે વર્તમાન સમયમાં 19 ટકાના દરથી વધીને 2017-2018માં બજાર 25 ટકાના દરે વધવાની આશા રાખી રહ્યું છે. સૌથી મોટો કમનસીબી એ છે કે આ દૂધમાંથી 70 ટકા દૂધ પીવાલાયક હોતું નથી. (નેશનલ સર્વે ઓફ મિલ્ક એડલ્ટરેશન 2011) ડૉ. રેડ્ડી સવાલ કરતા જણાવે છે,

"વ્યક્તિ જો પોતાના પૈસા ખર્ચીને દૂધ ખરીદતી હોય અને તેમાંથી આવતા દૂધના પોષક તત્વો તેના સુધી પહોંચતા જ ન હોય તો તેનો શો અર્થ?"

તેઓ વ્યવસ્થાની આ ખામીને પુરવઠા કરતા ગુણવત્તા પર ભાર મૂકવાની ચર્ચા સુધી દોરી જાય છે અને જણાવે છે,

"ઘણી વખત ગાયોનું સ્વાસ્થ્ય પણ સારું ન હોવાથી સારી ગુણવત્તાનું દૂધ મળતું જ નથી. ઉદાહરણ તરીકે, ગાયોને ખૂબ જ ગીચ જગ્યામાં બાંધવી, તેને હરવા ફરવા કે ચરવા માટે છૂટી ન મૂકવી, કૃત્રિમ રીતે તૈયાર થયેલા ખોરાક ખાવા આપવા, તેના હોર્મોનમાં વધારો થાય તે માટે ઈન્જેક્શનો આપવા, વગેરે કરવાથી દૂધનું ઉત્પાદન વધશે પણ તેના શરીરમાં ગયેલા તમામ નુકસાનકારક કેમિકલ આપણા દૂધના ગ્લાસ સુધી આવશે."

તો આપણને સવાલ એ થાય કે પેશ્ચ્યુરાઈઝિંગ પ્રોસેસ કરવાથી દૂધમાંથી બધું દૂર થતું નથી? ડૉ.રેડ્ડી જણાવે છે, 

"મોટા ભાગે દૂધને પેશ્ચ્યુરાઈઝ કરવામાં આવે જ છે કારણ કે દરેક ખેડૂતના ઘરમાં દૂધ ઠંડુ રાખવાની વ્યવસ્થા હોતી નથી. તેમ છતાં આ પ્રક્રિયામાં વિટામીન એ, બી6, બી12, કેલ્શિયમ અને આયોડિન જેવા મહત્વના પોષક તત્વો જતાં રહે છે."

આ દૂધ નકામું ગણી શકાય તેવું જ હોય છે. આ કારણે જ અક્ષયકલ્પે આ ક્ષેત્રમાં પરિવર્તન તરીકે આવવાનું નક્કી કર્યું.

એક સામાન્ય અંદાજ પ્રમાણે અક્ષયકલ્પ ફાર્મ શરૂ કરવા માટે 20 થી 25 લાખના રોકાણની જરૂર પડે છે, જેમાં 20 થી 25 ગાય, આધુનિક કાઉ શેડ, ઓટોમેટિક મિલ્કિંગ સિસ્ટમ, ફુડર ચોપર અને ચિલિંગ યુનિટ, બાયોગેસ પ્લાન્ટ તથા જનરેટર આવે છે. સંપૂર્ણ ફાર્મ ઓટોમેટેડ હોય છે. સૌથી મોટો તફાવત એ છે કે, કંપની ગાયોના સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપે છે.

ડૉ.રેડ્ડી જણાવે છે, 

"તમામ ગાયો તણાવમુક્ત હોય છે અને તેમને જ્યાં ઈચ્છે ત્યાં ફરવાની અને ચરવાની મુક્તિ હોય છે. તેમના શેડ દરરોજ સાફ કરવામાં આવે છે. આ કારણે ગાયોને રોગો થવાની શક્યતા ઘટી જાય છે તે ઉપરાંત તેમના સ્વાસ્થ્યની અને દૂધ ઉત્પાદનની સ્થિતિ જાણવા માટે પણ ઈલેક્ટ્રોનિકલી તપાસ કરવામાં આવે છે."

ગાયોના પોષણ અંગે તેઓ જણાવે છે, 

"ઓર્ગેનિક ખોરાક, મોનોકોટ (મકાઈ, રાગી, સ્થાનિક જવાર) ડિકોટ્સ તથા ઘાસપાન (મોરિંગા) કે જેને ખેડૂત દ્વારા જ ઓર્ગેનિક રીતે જ ઉગાડવામાં આવે છે, આ તમામ વસ્તુઓ ખોરાક પેટે આપવામાં આવે છે."

જે ઓટોમેટેડ સિસ્ટમની વાત કરાઈ છે તેમાં ગાયનું દૂધ કાઢવાથી માંડીને તેને ઠંડુ કરવું, પેક કરવું તમામ કામ મશીન દ્વારા જ થાય છે અને એક પણ માણસનો હાથ લાગતો નથી. તેના કારણે તેને ખાસ પેશ્ચ્યુરાઈઝ કરવાની જરૂર જ રહેતી નથી. તેવી જ રીતે ગૌમૂત્ર અન છાણને બાયોગેસ પ્લાન્ટમાં પહોંચાડી દેવાય છે જેનાથી પૂરતા પ્રમાણમાં મિથેન ગેસનું ઉત્પાદન થાય છે અને તે આ સમગ્ર યાંત્રિક પ્રક્રિયાને ઊર્જા પૂરી પાડે છે. આ ગેસ આઠ કલાક જેટલી ઊર્જા પૂરી પાડતો હોવાથી રાજ્ય દ્વારા અપાતી વીજળી પરની આધારિતતા ઓછી થઈ જાય છે, જે ગ્રામ્ય વિસ્તારો માટે સૌથી મોટો પડકાર હોય છે.

પ્રક્રિયાનો લાભ કેવી રીતે થાય છે?

આ પ્રક્રિયાનો અનેક પ્રકારે લાભ થાય છે, જેમ કેઃ

તેમના ફાર્મની ક્ષમતાના આધારે ખેડૂતો દર મહિને સરેરાશ 40 હજારથી એક લાખ સુધીને આવક મેળવી શકે છે. શહેરમાં રહીને નોકરી કરનારા લોકોના પગાર જેટલી જ તેમની આવક થઈ જાય છે.

ગાયો પણ સ્વસ્થ અને ખુશ હોય છે, તેના કારણે ગાયોના દૂધના ઉત્પાદનમાં રાષ્ટ્રિય આંકડા પ્રમાણે પ્રતિ ગાય પ્રતિ દિન 2.5 લિટરથી માંડીને 10 લિટર સુધીનો વધારો જોવા મળે છે.

આ જે દૂધ મળે છે તે એક ગ્લાસમાં 60 જેટલા પાચકરસ, ઈમ્યુનોગ્લોબિન્સ, એમિનો એસિડ, પ્રોટિન્સ અને તમામ પોષકદ્રવ્યો હોય છે જે શારીરિક વિકાસ માટે જરૂરી છે. ખાસ કરીને આ દૂધ પાચન માટે યોગ્ય હોય છે. આ સિવાય અક્ષયકલ્પ પનીર, દહીં, ઘી અને બટર જેવા દૂધના વિવિધ ઉત્પાદનોનું સર્જન કરે છે.

આગળ શું?

વર્તમાન તબક્કે મળેલા સ્વીકાર અને સફળતા બાદ ડૉ. રેડ્ડી માને છે કે જાણે કે તેઓ સ્વપ્નલોકમાં રહેતા હોય. અને કેમ નહીં? તેમણે દ્રઢ માન્યતા સાથે શરૂઆત કરી હતી,

"દેશના આર્થિક વિકાસમાં ખેડૂતો જેટલું મોટું યોગદાન કોઈ આપી શકે તેમ છે જ નહીં."

આ જ માન્યતા તેમને આજે 110 ફાર્મના વિકાસ તરફ લઈ ગઈ છે, જે દરરોજ 7,000 લિટર દૂધ ઉત્પાદન કરે છે.

આગામી છ મહિનામાં ડૉ. રેડ્ડી ઈચ્છે છે કે તેઓ 200 ફાર્મ વિકસાવે અને 30,000 લિટર દૂધ ઉત્પાદિત કરે. તેમના આ મક્કમ વિચારે તાતા કેપિટલમાંથી રોકાણ ખેંચ્યું છે અને કેટલીક રાષ્ટ્રીય બેંકો પણ તેમનો સંપર્ક કરી રહી છે. ખાસ કરીને તેમણે 10 જેટલા આઈટી એક્સપર્ટ શોધી કાઢીને એક ટીમ બનાવી છે જેઓ આ વ્યવસાયને વિકાસવીને ખેડૂતોને પ્રોત્સાહન આપવા વ્યાજ વગરની લોન આપવા ઈચ્છે છે તથા તેમના વિકાસના સહભાગી થવા ઈચ્છે છે. આ ડૉ.રેડ્ડી જણાવે છે, 

"તેમનું આગામી અભિયાન ગ્રામ્ય અને શહેરી જીવન વચ્ચે સેતુ સાધવાનું હશે."

લેખક- શ્વેતા વિટ્ટા

અનુવાદક- રવિ ઈલા ભટ્ટ

અન્ય પ્રેરણાત્મક સ્ટોરીઝ વાંચવા Facebook પર અમારી સાથે સંપર્કમાં રહો

Related Stories