એક જમાનામાં ફળો વેચનારે બનાવી સોલર કાર! સ્કૂલ ડ્રોપઆઉટથી સંશોધક સુધીની સફર!

એક જમાનામાં ફળો વેચનારે બનાવી સોલર કાર! સ્કૂલ ડ્રોપઆઉટથી સંશોધક સુધીની સફર!

Saturday February 13, 2016,

3 min Read

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામને પોતાનો આદર્શ માનનારા બેંગલુરુના સજ્જાદ અહમદ દિલ્હીના આઈઆઈટી પ્રાંગણમાં આયોજિત વિજ્ઞાન, ટેકનોલોજી તેમજ ઔદ્યોગિક એક્સપોમાં પોતાનાં સંશોધન સોલાર ઇલેક્ટ્રિક કાર લઈને પહોંચ્યા હતા. તેમણે પોતાની કાર દરેક વ્યક્તિને ઉત્સાહભેર દેખાડી. સ્વાભાવિક છે કે લોકોનો રસ વધવાનો જ હતો.

image


ભારતમાં પહેલી વખત આયોજિત થયેલા ઇન્ડિયન ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ (આઈઆઈએસએફ) અંતર્ગત આયોજિત એક્સપોમાં ભાગ લેવા માટે અહમદે બેંગલુરુથી દિલ્હીનું 3 હજાર કિમી.નું અંતર પોતાની આ કારમાં કાપ્યું હતું. આ મુસાફરી ખૂબ જ કપરી હતી. તે દરમિયાન તેમણે વિંધ્ય પર્વતમાળા પણ પાર કરી હતી. આ મુસાફરીમાં તેમને 30 દિવસ લાગ્યા હતા.

આ કાર કેવી રીતે ચાલે છે?

તેમની આ સોલર ઇલેક્ટ્રિક કારમાં પાંચ સોલર પેનલ લગાવવામાં આવી છે. તે દરેકની ક્ષમતા 100 વોટની છે. ઉપકરણોથી સજ્જ તેમની કારની પેનલથી પેદા કરવામાં આવેલી ઊર્જા છ બેટરીઓ મારફતે મોટર ચલાવે છે. કારમાં લાગેલી પ્રત્યેક બેટરીની ક્ષમતા 12 વોલ્ટ અને 100 એમ્પિયરની છે. તેમને ગર્વ છે કે તેમની આ કાર આટલી લાંબી મુસાફરી કરવામાં સફળ રહી છે. તેમણે જણાવ્યું હતું કે મુસાફરી દરમિયાન એવો પણ સમય આવ્યો હતો કે જ્યારે તેમને એમ લાગ્યું કે તેમની કાર ઊંચા નીચા રસ્તા ઉપર નહીં ચાલી શકે. તેમ છતાં પણ તેમના આ સંશોધને તેમનો સંપૂર્ણ સહકાર આપ્યો. અને મુસાફરી દરમિયાન તેમણે કોઈ અવરોધ કે સમસ્યાનો સામનો નહોતો કરવો પડ્યો.

સ્કુલ ડ્રોપ આઉટથી સંશોધન સુધીની સફર

અહમદનો જન્મ કર્ણાટકના કોલારમાં થયો હતો. 12મા ધોરણથી ભણવાનું છોડી દેનારા અહમદે જીવનનું ગુજરાન ચલાવવા માટે શરૂઆતમાં ફળો વેચ્યા. ત્યારબાદ તેમણે ઇલેક્ટ્રોનિક્સ સાધનોનાં સમારકામ માટે એક દુકાન ખોલી જેમાં તેઓ ટ્રાન્ઝિસ્ટર, ટેપ રેકોર્ડર, ટીવી વગેરે રિપેર કરતા હતા. પોતાના કામને આગળ વધારતા તેમણે કમ્પ્યૂટર પણ રિપેર કરવાનું શરૂ કર્યું. બાળપણમાં તેમનું એક સપનું હતું કે તેઓ સમાજ માટે કંઇક કરે. આ જ સપનાંને સાકાર કરવા માટે તેમણે આટલું મોટું સંશોધન કરવાનું વિચાર્યું.

અહમદે યોરસ્ટોરીને જણાવ્યું,

"જ્યારે હું શાળામાં હતો ત્યારે પાઠ્યપુસ્તકોમાં વૈજ્ઞાનિકોના ફોટા જોઈને હું પણ એક વૈજ્ઞાનિક બનવા માગતો હતો. જોકે, પરિવારનું ગુજરાન ચલાવવા માટે 15 વર્ષની ઉંમરે જ સ્કૂલ છોડવી પડી."
image


તેમ છતાં પણ સમાજ માટે કંઇક કરી છૂટવાની ધગશ અને સંશોધન કરવાની અહમદની ઇચ્છા સતત તેમનાં મનમાં યથાવત્ રહી. આ તક તેમને 2002માં મળી. અહમદે જણાવ્યું,

"મેં મારી જાતને કહ્યું કે મારી ઉંમર હવે 50ની થઈ ગઈ છે. હું વૃદ્ધ અને અશક્ત થઈ જાઉં તે પહેલાં મારે સમાજ માટે કંઇક કરવું જોઇએ."

તેમણે દ્વિચક્રી વાહનોમાં એ પ્રકારનો ફેરફાર કર્યો કે જેના કારણે તે વીજળીથી ચાલી શકે. ત્યારબાદ તેમણે આ જ પ્રકારે ત્રિચક્રી અને ચાર પૈડાંનાં વાહનો પણ બનાવ્યાં. તેમનાં આ સંશોધનોને કારણે કર્ણાટક સરકાર તરફથી તેમને પર્યાવરણ સંરક્ષણ માટે ડૉ. કલામના માનમાં આયોજિત કાર્યક્રમમાં 2006માં પુરસ્કાર પણ આપવામાં આવ્યો.

અત્યાર સુધી તેઓ દેશના વિવિધ ભાગોમાં આયોજિત થનારા વિજ્ઞાન પ્રદર્શનોમાં ભાગ લઈ ચૂક્યા છે. તેમણે જણાવ્યું હતું કે તેઓ 1,10,000 કિમી.ની મુસાફરી કરી ચૂક્યા છે. તેમજ ભવિષ્યમાં પણ વિજ્ઞાનના પ્રસારને પ્રોત્સાહન આપવા માટે મુસાફરી કરતા રહેશે. તેમની આ મુસાફરીમાં તેમના પિતરાઈ ભાઈ સલીમ પાશા પણ તેમની સાથે રહે છે. સલીમ પાશા એક વેપારી છે અને તેઓ રેશમના વેપાર સાથે સંકળાયેલા છે.

અહમદની આ યાત્રાનું લક્ષ્ય સ્પષ્ટ છે. તેઓ ડૉ. કલામના વિઝન 2020 એટલે કે દેશનાં કલ્યાણનાં સ્વપ્નને સાકાર કરવા માગે છે. તેમની આ મુસાફરી લોકોને નવાં સંશોધનો કરવાની પ્રેરણા આપવા માટે છે.

image


દિલ્હી માટેની તેમની મુસાફરી બેંગલુરુના રાજભવન ખાતેથી 1 નવેમ્બરે શરૂ થઈ હતી. અહમદે જણાવ્યું હતું કે તેઓ હવે ઘરે જતા પહેલા હરિદ્વાર જઈને ગંગા મૈયાનાં આશીર્વાદ લેવા અને બાબા રામદેવને મળવા માગે છે. હરિદ્વાર બાદ તેઓ રાલેગણ સિદ્ધિ જઈને અણ્ણા હઝારેને પણ મળશે.


લેખક- અનમોલ

અનુવાદક- અંશુ જોશી