પુસ્તકનાં જ્ઞાનને પ્રોજેક્ટ મારફતે સમજાવવાનો પ્રયાસ આદર્યો IITના પૂર્વ વિદ્યાર્થી ગીરીશ મહાલેએ!

1

શિક્ષણ કોઈ પણ સમાજનો પાયો હોય છે. અને જ્યારે ભારતની શિક્ષણ વ્યવસ્થાની વાત આવે ત્યારે તેમાં અનેક ખામીઓ દેખાય છે. ખાસ કરીને સરકારી શાળામાં આપવામાં આવતાં શિક્ષણમાં તે જોવા મળે છે. ગીરિશ મહાલે આ વાતને સારી રીતે સમજી શક્યા. તેમણે શિક્ષણનું એક એવું મોડલ તૈયાર કર્યું કે જેમાં જ્ઞાન, કૌશલ્ય અને મૂલ્ય ત્રણેય વસ્તુનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેના મારફતે પુસ્તકનાં જ્ઞાનને માત્ર મોડેલ તરીકે સમજાવવામાં આવે છે એટલું જ નહીં પરંતુ તે મોડેલને સ્થાનિક વસ્તુની મદદથી તૈયાર કરવામાં આવે છે. ગીરિશે આ મોડેલને પ્રત્યેય એડ્યુરિસર્ચ લેબ નામ આપ્યું છે. હાલમાં તેનો લાભ 800 કરતાં વધારે વિદ્યાર્થીઓ લઈ રહ્યા છે. ગીરિશ આ અંગે જણાવે છે,

"હું એક એવું વાતાવરણ બનાવવાની કોશિશ કરી રહ્યો છું કે જેમાં બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે તેટલું જ નહીં, પરંતુ છોકરાઓ અને છોકરીઓ સમાનરૂપે આ શિક્ષણને હાંસલ કરી શકે."

ગીરિશ મહાલેએ મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લાના પાંઢુર્ના સરકારી શાળામાંથી શિક્ષણ લીધું હતું. ત્યારબાદ તેમણે વિદિશાની એક એન્જિનિયરિંગ કોલેજમાંથી સ્નાતક કર્યું હતું. તે પછી તેમણે આઈઆઈટી ખડગપુરમાંથી પોતાનું શિક્ષણ પૂરૂં કર્યું હતું. ભણવાનું પૂર્ણ કર્યા બાદ તેમણે લગભગ 3 વર્ષ સુધી આઈબીએમમાં નોકરી કરી. ગીરિશે યોરસ્ટોરીને જણાવ્યું,

"મેં બાળપણથી જ વિચારી લીધું હતું કે શિક્ષણનાં ક્ષેત્રે પરિવર્તન લાવવાની કોશિશ કરીશ. તેના માટે મેં સારી નોકરીને પણ છોડી દીધી. મેં અનુભવ્યું કે શિક્ષણનાં ક્ષેત્રે તમામ લોકોને સમાન તકો નથી મળતી. જો કોઈ સારી રીતે શિક્ષણ મેળવવા માગતું હોય તો તેની પાસે સંસાધનોનો અભાવ છે. આ બાબતો મેં ભણતરના સમયે પણ અનુભવી હતી."

દરમિયાન તેમણે એવું પણ જોયું કે તેમની નાની બહેનને ભણવાની સારી એવી તકો મળી હતી પરંતુ સમાજનાં રૂઢિચુસ્ત વલણના કારણે તે ભણવામાં એટલું કાઠું નહોતી કાઢી શકતી જેટલું ગીરિશે કાઢ્યું હતું. તે વખતે ગીરિશને એમ લાગ્યું હતું કે છોકરીઓને શા માટે સમાજમાં પારકી જ સમજવામાં આવે છે. અને ઘર સાથે સંકળાયેલા નિર્ણયોમાં તેમની ભાગીદારી શા માટે નહીંવત્ હોય છે. સમાજમાં રહેલા લિંગભેદના કારણે તેઓ હંમેશા વ્યથિત રહેતા હતા. તેના કારણે તેમનું માનવું હતું કે આ ભેદભાવને સારા શિક્ષણ મારફતે દૂર કરી શકાય છે.

જ્યારે ગીરિશે ઓગસ્ટ 2013માં પોતાની નોકરી છોડીને પ્રત્યેય એડ્યુરિસર્ચ લેબનો પાયો નાખ્યો તો તેમણે આ કામની શરૂઆત પોતાનાં શહેર પાંઢુર્નાથી કરી. આના માટે તેમણે પોતાની સાથે કેટલાક સ્વયંસેવકોને લીધા. અને ચાર બ્લોકની ચાલીસ સ્કુલ સાથે એક પાયલટ પ્રોજેક્ટ કર્યો. વિજ્ઞાનના વિદ્યાર્થી રહી ચૂકેલા ગીરિશે સૌપ્રથમ ફિઝિક્સનું મોડલ તૈયાર કર્યું અને આ શાળાઓમાં તેનું પ્રદર્શન કર્યું. આ શાળાઓમાં ઘણી આદિવાસી શાળાઓનો સમાવેશ થતો હતો.

પાયલટ પ્રોજેક્ટ દરમિયાન તેમણે બાળકો પાસે સૂચનો માગ્યાં. આ દરમિયાન તેમણે એ વાતનું ખાસ ધ્યાન રાખ્યું કે સ્થાનિક સંસાધનોનાં માધ્યમથી સારું શિક્ષણ આપી શકાય છે. કચરામાંથી કોઈ એક મોડેલ કેવી રીતે તૈયાર કરી શકાય. ગીરિશ જણાવે છે, 

"અમે એવું નથી કહેતાં કે અમારી પાસે કમ્પ્યૂટર, લેપટોપ અને પ્રોજેક્ટર આવી જાય તો જ સારી રીતે શિક્ષણ આપી શકાય છે. પરંતુ અમારી કોશિશ એ રહે છે કે સ્થાનિક સ્તરે જે પણ વસ્તુઓ પ્રાપ્ય છે તેનો વધુમાં વધુ સદુપયોગ મોડેલ બનાવવા માટે કરવામાં આવે."

ગીરિશ મહાત્મા ગાંધીથી ખૂબ જ પ્રભાવિત છે. તેઓ બુનિયાદી શિક્ષણ અંગે 1927માં ગાંધીજીએ આપેલાં ભાષણને યાદ કરે છે. તેઓ જણાવે છે,

"ગાંધીજીએ કહ્યું હતું કે જો કોઈ માણસ કશુંક શીખવા માગતો હોય તો તે કોઈ પણ કામ કરતાં કરતાં શીખી શકે છે. ઉદાહરણ તરીકે ચરખાનાં કોઈ પણ ચક્કરને ગણવાથી ખ્યાલ આવે છે કે કેટલી વખત ચરખો ફેરવવાથી કેટલા દોરા બનાવી શકાય છે."

ગીરિશનું માનવું છે કે કોઈ પણ શિક્ષણ પ્રોજેક્ટના આધારે આપવામાં આવે તો તેને ઝડપથી શીખી શકાય છે. આજે ગીરિશ તેનું તમામ કામ આદિવાસી શાળાઓમાં કરે છે. જેમાં બાળકોની સાથે શિક્ષકોને પણ જોડવામાં આવે છે. આ ઉપરાંત જેઓ શિક્ષણનાં ક્ષેત્રે છે તેમની જાણકારીને વધારવાનો પ્રયાસ કરવામાં આવે છે. તેમના આ પ્રોજેક્ટ મારફતે સ્થાનિક સ્નાતકોથી માંડીને જે લોકો ભવિષ્યમાં શિક્ષક બનવા માગે છે તે તમામ લોકોને જોડવામાં આવે છે. સાથે જ તેમનો પ્રયાસ એ હોય છે કે તેમના આ અભિયાનમાં સમાજને પણ જોડવામાં આવે. ગીરિશનું કહેવું છે,

"જ્યારે કોઈ ખાસ સમાજના લોકો મળીને મંદિર કે મસ્જિદમાં જઈ શકે તો તેઓ સ્કુલ પણ બનાવી જ શકે. ભલે આ કામ સરકારનું હોય પરંતુ અમારી કોશિશ આ કામમાં સામાન્ય લોકોને પણ ભાગીદાર બનાવવાની છે."

હાલમાં ગીરિશ આ મોડેલ પાંઢુર્ના અને તેની આસપાસના વિસ્તારોની સાત સ્કુલો તેમજ ચાર હોસ્ટેલમાં ચલાવી રહ્યા છે. આ લોકો વિજ્ઞાન, કમ્પ્યૂટર સાયન્સ, રાજનીતિ શાસ્ત્ર વગેરે જેવાં વિષયોના મોડેલ તૈયાર કરી રહ્યા છે. ખાસ વાત એ છે કે આ મોડેલને સ્થાનિક યુવાનો તૈયાર કરી રહ્યા છે. આ મોડેલ અંતર્ગત એક ખાસ પ્રકારની કીટ આપવામાં આવે છે. જેના મારફતે તેઓ આ બાળકોની વીડિયો દેખાડે છે. તેમને પ્રોજેક્ટ સાથે સંકળાયેલી વાર્તા સંભળાવે છે અને તેમાં પ્રોજેક્ટ માટેનો સામાન હોય છે.

ગીરિશ અને તેમની ટીમ સપ્તાહમાં એક વખત શાળાની મુલાકાત લે છે. તેઓ બાળકોના અભ્યાસક્રમને તેમની સામે તે વિષયનું પ્રેક્ટિકલ કરીને દેખાડે છે. ગીરિશની ટીમ બાળકોને એ માટેની પ્રેરણા આપે છે કે તેઓ જાતે એ જ પ્રકારનું કંઇક બનાવવાની કોશિશ કરે. તેના માટે તેઓ બાળકોને પ્રોજેક્ટ બનાવવા માટે પણ કહે છે. તેના કારણે જ તાજેતરમાં એક બાળકે સાઇકલથી ચાલતું વોશિંગ મશિન બનાવ્યું છે. એકંદરે બાળકોને આ પ્રકારનાં નવાં નવાં સંશોધનો કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. તેમની ટીમમાં કુલ 12 સભ્યો છે. હવે ગીરિશની યોજના આ મોડેલને યુપી અને બિહારમાં પણ લઈ જવાની છે.

વેબસાઇટ

લેખક- હરિશ બિશ્ત

અનુવાદક- YS ટીમ ગુજરાતી

અન્ય પ્રેરણાત્મક સ્ટોરીઝ વાંચવા Facebook પર અમારી સાથે સંપર્કમાં રહો

Related Stories