શેફાલી કે. કલેર
કોલેજ દરમિયાન જરૂરિયાતમંદ બાળકો માટે ‘પહેચાન’ નામની એનજીઓ શરૂ કરનાર આકાશ અગ્રવાલ આજે એક સફળ ઇવેન્ટ પ્લાનર છે. એક સમયે આકાશને કોઈએ કહ્યું હતું કે "તું ક્યારે પણ કોઇ ઇવેન્ટનું મેનેજમેન્ટ નહીં કરી શકે." અને બસ, ત્યારથી જ મનોમન આકાશે જાણે કે આ પડકાર ઝીલી લીધો. કોઈના કહેલા એ શબ્દોએ આકાશને એક સફળ ઇવેન્ટ પ્લાનર બનાવ્યો. આજે માત્ર પાંચ વર્ષની મહેનતના અંતે આકાશ કરોડોના વેડિંગ પ્લાન કરે છે!
“વ્યક્તિ જ્યારે તેના જીવનનું કોઇ પણ કાર્ય ધગસ અને લગનથી કરે છે ત્યારે તેને જીવનમાં સફળતા ચોક્કસ મળે જ છે. મેં ક્યારે પણ વિચાર્યું ના હતું કે હું ઇવેન્ટ મેનેજમેન્ટના બિઝનેસમાં આગળ વધીશ પણ આજે તો આ બિઝનેસ જ મારી જીવાદોરી છે. આ બિઝનેસ દ્વારા મને જીવનમાં ઘણું બધું શીખવા મળ્યું છે. હું એ વ્યક્તિનો આભારી છું જેણે મને ચેલેન્જ આપી હતી કે હું ક્યારે પણ કોઇ ઇવેન્ટ મેનેજ નહીં કરી શકું.” આ વાક્યો છે આકાશ અગ્રવાલના.
28 વર્ષની ઉંમરે જ આકાશે પોતાની ‘બ્લેક પોઇન્ટ ઇવેન્ટ’ કંપની દ્વારા કરોડોનો બિઝનેસ સ્થાપિત કરી દીધો છે.
અમદાવાદમાં જન્મેલા આકાશ એક મધ્યમવર્ગીય પરિવારમાંથી આવે છે. તેના માતા એક સરળ ગૃહિણી અને પિતા બિઝનેસમેન. માતા–પિતાનું એકમાત્ર સંતાન હોવાના કારણે આકાશને હંમેશાંથી દરેક વસ્તુમાં તેના માતા–પિતાનો સકારાત્મક સપોર્ટ મળતો રહ્યો. પિતાના એક્સપોર્ટના બિઝનેસમાં ભારેખમ નુક્સાન જવાથી ઘરની આર્થિક સ્થિતિ એક સમયે ઘણી નબળી પડી ગઇ હતી. આ સંજોગોમાં 10મા ધોરણથી જ આકાશે પોતાનો ખર્ચો પોતે ઉપાડવાની શરૂઆત કરી દીધી. હતી. તે જ્યારે અગિયારમા ભણતો હતો ત્યારે તેણે એક શિક્ષણ સંસ્થા શરૂ કરી હતી. જ્યાં 5મા ધોરણથી લઇને બીકોમ સુધીના વિદ્યાર્થીઓને ભણાવવામાં આવતા. આકાશ જણાવે છે, “આ ઇન્સ્ટિટ્યૂટમાં અલગ અલગ ફેકલ્ટીઝ હતાં જેઓ વિદ્યાર્થીઓને ભણાવતાં. જ્યારે કે એડમિનથી લઇને માર્કેટિંગનું દરેક કાર્ય હું પોતે કરતો હતો. ધીમે ધીમે ઇન્સ્ટિટ્યૂટમાં 150 જેટલા વિદ્યાર્થી આવવા લાગ્યા હતાં. પરંતુ એક સમયે બધા ફેકલ્ટીઝે મારો સાથ છોડી દીધો અને મારે આ ઇન્સ્ટિટ્યૂટ બંધ કરવી પડી. ત્યારબાદ હું નાના બાળકોને ટ્યુશન આપતો હતો અને કરાટેમાં મારી માસ્ટરી હતી. મેં કરાટેમાં ઇન્ટરનેશનલ લેવલના ગોલ્ડ મેડલ મેળવ્યા છે. મારી પાસે બ્લેક બેલ્ટ પણ છે.”
સ્કૂલના સમયમાં આકાશ કરાટેમાં ચેમ્પિયન હતો. તેણે વિચાર્યુ હતું કે તે આ સ્પોટર્સમાં જ પોતાનું કરિયર બનાવશે. પરંતુ જ્યારે તે સાઉથ આફ્રિકા માટે સિલેક્ટ થયો હતો, ત્યારે ત્યાં જવા આવવાનો ખર્ચ જ દોઢ લાખનો હતો અને તે સમયે તેને કોઇ સ્પોન્સર ના મળતા તે જઇ શક્યો ના હતો. તેણે પોતાની ઇચ્છાને ત્યાં જ દબાવી દીધી. આકાશને લાગ્યું કે સ્પોર્ટસમાં કરિયર બનાવવું મુશ્કેલ છે. વિદ્યાર્થીઓને ભણાવાની સાથે સાથે તે કેટલીક ઇન્ટરનેશનલ સ્કૂલમાં કરાટેનું કૉચિંગ પણ હવે આપવા લાગ્યો હતો. અમદાવાદની એસએમપીક કોલેજમાં બીકોમ માટે એડમિશન લઇને એમબીએ કરવાના સપના જોતો આકાશ હવે સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ માટે એવું કંઇક કરવા માંગતો હતો જેનાથી વિદ્યાર્થીઓની અંદર રહેલી પ્રતિભાને એક મંચ મળી રહે.
કોલેજના પ્રથમ વર્ષમાં જ આકાશે સ્કૂલ કોલેજના 1000 બાળકો સાથે મળીને ટેલેન્ટ હંટનું આયોજન કર્યું હતું. જેમાં તેને ઘણી સફળતા પણ મળી હતી. આ અંગે આકાશ જણાવે છે, “ત્યારબાદ મેં નવરાત્રીની ઇવેન્ટ પણ પ્લાન કરી હતી. જેની પાછળની મહેનત અને ગ્રાઉન્ડ વર્ક કરતા કરતા મારી આંખોમાં આસું આવી ગયા હતાં. મેં આ ફિલ્ડમાં આગળ વધવાનું ક્યારેય વિચાર્યું ના હતું. મને તો બસ મારા કોલેજના ખર્ચા નીકળતા હતાં તે જ દેખાતું હતું. હું એમબીએ કરીને આગળ મારો પોતાનો નવો ઉદ્યમ શરૂ કરવા માગતો હતો. પરંતુ ઇવેન્ટ મેનેજમેન્ટનું કોઇ પ્લાનિંગ હતું જ નહીં.”
કોલેજના સમય દરમિયાન આકાશે એક મ્યુનિસિપલ સ્કૂલના બાળકો માટે ફ્રી ડાન્સ વર્કશોપનું આયોજન કર્યુ હતું. આ વર્કશોપના અંતે દરેક બાળકો આકાશ માટે તેમની યથાશક્તિ પ્રમાણે નાની નાની ગિફ્ટ લઇને આવ્યા હતાં. આકાશ કહે છે, “તેમની આ નાનકડી ગિફ્ટ દ્વારા મને એક નવી પહેચાન મળી હતી. બસ ત્યારથી મેં પહેચાન નામની એનજીઓની સ્થાપના કરી હતી. આ એનજીઓમાં આકાશ સાથે હાલમાં 100 સ્વયંસેવકો છે જે દરેક વિદ્યાર્થી છે અને દર શનિવારે આ સ્વયંસેવકો પોતાનો એક ક્લાક જરૂરીયાતમંદ બાળકોને આપે છે. આ સ્વયંસેવકો પોતાનામાં જે હુનર છે તે આ બાળકોને શીખવાડે છે. આઇઆઇએમ દ્વારા ચાલતા ‘પ્રયાસ’ એનજીઓના બાળકોને પહેચાન દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ શીખવાડવામાં આવતી હતી.
આકાશ જણાવે છે,
“એક પ્રદર્શન દરમિયાન મેં ‘પહેચાન’નો સ્ટોલ રાખ્યો હતો. ત્યારે મારી મુલાકાત એક વ્યક્તિ સાથે થઇ હતી જેમણે મને તેમની સાથે કામ કરવાની ઓફર આપી હતી. મારા કામના અંતે તેમણે મને યોગ્ય વળતર તો ના જ આપ્યું, પણ છેલ્લે મને કહ્યું કે, હું ક્યારે પણ કોઇ ઇવેન્ટ મેનેજ નહીં કરી શકું. તેમના આ શબ્દોને મેં ચેલેન્જના રૂપમાં સ્વીકાર્યા. બસ, ત્યારથી ‘પહેચાન’ દ્વારા મને એક નવી ઓળખ મળી ગઇ."
શરૂઆતમાં આકાશ લગ્નો સાથે સંકળાયેલા અન્ય કાર્યક્રમોનું પ્લાનિંગ કરતો. મોટા પાયા પરના વેડિંગ પ્લાન કેવી રીતે થાય તે જાણવા માટે તે અન્ય કંપનીમાં નોકરી પણ કરતો હતો. જેનાથી તેને અનુભવ પણ મળ્યો અને રૂપિયાની પણ મદદ મળતી ગઇ. નાના પાયા પરની ડી.જે પાર્ટી, બર્થ ડે પાર્ટી જેવી ઇવેન્ટ્સ કરતા કરતા આજે આકાશની ‘પોઇન્ટ બ્લેક ઇવેન્ટ્સ’ કંપની ટોચ પર પહોંચી ગઇ છે. પોતાની સફળતા અંગે આકાશ કહે છે, “જ્યારે મેં ચેલેન્જને સ્વીકારી, એક પડકારને ઝીલ્યો ત્યારે શરૂઆતના તબક્કામાં તો હું ફ્લાવર ડેકોરેશન કરતો હતો અને ખૂબ જ નાના પાયા પર આ કામ કરતો હતો. મને ખ્યાલ આવી ગયો હતો કે આ ફિલ્ડમાં પૈસા બહુ છે પરંતુ તમારે સતત સક્રિય અને અપડેટેડ રહેવું પડે છે. દરેક વ્યક્તિને તેમના આપેલા બજેટમાં જ શું નવું અને બેસ્ટ આપો છો તેમાં જ રસ હોય છે.”
માત્ર અમદાવાદમાં જ નહીં, પરંતુ અમદાવાદ સહિત ઉદેપુર, જોધપુર, જયપુર, મુંબઇ, ગાંધીધામ, લોનાવલા, પુના, સુરત ગોવા, દિલ્હી જેવા દરેક મોટા શહેરમાં ‘પોઇન્ટ બેલ્ક ઇવેન્ટ્સ’ આજે એક જાણીતું નામ છે. કોર્પોરેટ ઇવેન્ટથી લઇને થીમ બેઝ્ડ બર્થ ડે પાર્ટી, સોશિયલ પાર્ટીનું આયોજન આકાશ કરી રહ્યો છે. આકાશ જણાવે છે, “આ બિઝનેસના દમ ઉપર આજે મેં મારું પોતાનું ઘર અને ગાડી પણ વસાવી લીધી છે. આજે હું નેશનલ લેવલ પર પ્રોજેકટ્સ કરું છું. મારું ધ્યેય ઇન્ટરનેશનલ લેવલના પ્રોજેકટ્સ કરવાનો છે. ઇવેન્ટ પ્લાનરનું કામ તમારી પાસે 24 કલાકની વિચારશક્તિ માગી લે છે. ઇવેન્ટ તો બધા કરી શકે છે પણ કંઇક નવું અને સારું આપશો તો જ આ માર્કેટમાં ઊભા રહેવા મળશે.” એક સમયે માત્ર એક લેપટોપ જ આકાશની ઓફિસ હતી જેને તે ગમે ત્યાં બેસીને કામ ચાલુ કરી દેતો હતો. આજે આકાશ પાસે પોતાનો સ્ટાફ પણ છે અને અમદાવાદના જાણીતા એવા વિજય ચાર રસ્તા પર પોતાની ઓફિસ પણ છે.
સ્ટાર્ટઅપ્સને બિઝનેસ ટીપ્સ આપતા આકાશ જણાવે છે, “જો તમે તમારી બ્રાન્ડ ડેવલપ કરવા માગતા હોવ તો તમારે ધગસ અને લગનથી કામ કરવું જ પડશે. કારણ કે બેસ્ટ સર્વિસ જ ગ્રાહકોને તમારી પાસે પાછા ખેંચી લાવે છે.”
Related Stories
March 14, 2017
March 14, 2017
March 14, 2017
March 14, 2017
Stories by YS TeamGujarati