પર્વતોના શિખરો પર જવું હવે આ મહિલા માટે સામાન્ય થઈ ગયું છે!

0

જમશેદપુર માત્ર તાતા સ્ટીલ પ્લાન્ટ માટે જ જાણીતું નથી પણ અહીંયાની એક મહિલાએ પણ આ સ્ટીલનગરીને દેશ-દુનિયામાં પ્રસિદ્ધિ અપાવી છે. જમશેદપુરના 52 વર્ષીય પ્રેમલતા અગ્રવાલ કોઈ સામાન્ય ભારતીય ગૃહિણી જેવા જ છે પણ તેમના કાર્યો તેમને અન્ય કરતા અલગ પાડે છે. પ્રેમલતા આજે પર્વતારોહણની દુનિયામાં એક જાણીતું નામ છે અને તેમને દેશનું સૌથી ઉંચું ચોથા ક્રમનું ભારતીય સન્માન પદ્મશ્રી પણ એનાયત થયું છે.

વર્ષ 2013માં પ્રેમલતા અગ્રવાલે તે કામ કરી બતાવ્યું જે દરેક પર્વતારોહી માટે સૌથી મોટું સ્વપ્ન હોય છે. 23 મે, 2013ના ‘સેવન સમિટ્સ’ એટલે કે દુનિયાના સાત મહાદ્વિપોના સૌથી ઉંચા શિખરોને સર કર્યા અને આમ કરનાર તે એકમાત્ર મહિલા હતા. તેમણે અમેરિકાની અલાસ્કા પર્વતમાળાના માઉન્ટ મેકકિનલે પણ ચડાણ કરીને આ રેકોર્ડ પોતાના નામે કર્યો. હકિકતમાં સાત મહાદ્વિપોના સાત ઉંચા શિખરોને 'સેવન સમિટ' કહેવાય છે જેમાં કિલિમંજારો, વિન્સન મેસિફ, કોસક્યૂઝકો, કાર્સટેન્સઝ પિરામિડ, એવરેસ્ટ, અલબ્રુસ અને માઉન્ટ મેકકિનલેનો સમાવેશ થાય છે.

આ પહેલાં પ્રેમલતા અગ્રવાલે 20 મે, 2011માં દેશ અને દુનિયાને આશ્ચર્યમાં મૂકી દીધા હતાં જ્યારે તેમણે સૌથી મોટા ઉંમરની મહિલા તરીકે માઉન્ટ એવરેસ્ટ સર કર્યો હતો. એવું નથી કે રાતોરાત આ મહિલાને આવી સિદ્ધિ મળી ગઈ. તેમણે તેના માટે ઘણી કપરી કસોટીઓ પાર કરવી પડી હતી.

દાર્જિલિંગના એક નાનકડા ગામ સુખીપોકરીમાં જન્મેલા પ્રેમલતાના લગ્ન 1981માં જમશેદપુરના એક રહીશ મારવાડી પરિવારમાં થયા. સાંજે તે પોતાની બંને દીકરીઓને જેઆરડી રમત સંકુલમાં લઈ જતા અને ત્યાં યોગ શીખતા. આ દરમિયાન તેમણે જાણીતા પર્વતારોહક બચેન્દ્રી પાલના નેતૃત્વમાં યોજાયેલી ડાલમા હિલ્ક વોકિંગ કોમ્પિટિશનમાં ભાગ લીધો અને ત્રીજા ક્રમે આવ્યા. ઈનામ લેતી વખતે તેમણે બચેન્દ્રી પાલ સાથે પોતાની દીકરીને આવા સાહસમાં જોડવા અંગે ચર્ચા કરી તો પાલે તેમને પોતાને જ પર્વતારોહણમાં જોડાવા કહ્યું. આ રીતે વર્ષ 1999માં 36 વર્ષની ઉંમરે એક ગૃહિણીએ પર્વતારોહણનો રસ્તો પકડ્યો.

સૌથી પહેલાં તે પોતાની દીકરી સાથે ઉત્તરકાશી પર્વતારોહણનો પ્રાથમિક અભ્યાસ કરવા માટે ગયા અને 13 હજાર ફૂટના હિમાલયની પર્વતમાળા ચઢવામાં એ ગ્રેડ મેળવવાની સાથે સાથે બેસ્ટ ટ્રેઈનીનો પણ ખિતાબ મેળવી લીધો. તે જણાવે છે, "હું આમ છું દાર્જિલિંગની અને મારું બાળપણ પર્વતોમાં જ વિત્યું છે તેથી મને પર્વતો પર ચડવાની આદત છે, પણ ક્યારેય પર્વતારોહણ અંગે નહોતું વિચાર્યું."

2004 સુધીમાં પ્રેમલતા બચેન્દ્રી પાલ સાથે લદાખ અને નેપાળના અનેક પર્વતારોહણ કેમ્પમાં સફળતાપૂર્વક જઈ આવ્યા હતા. હવે તેમની પાસે લક્ષ્ય હતું માઉન્ટ એવરેસ્ટ પર વિજય મેળવવાનો. પણ પારિવારિક જવાબદારીઓના કારણે તેમણે આ વિચારને પડતો મૂક્યો. 2010 સુધીમાં તેમની બંને દીકરીઓના લગ્ન થઈ ગયા અને હવે તેમણે પોતાના પર ધ્યાન કેન્દ્રીત કર્યું.

તેઓ જણાવે છે, "આ 6 વર્ષોમાં ઘણું બદલાઈ ગયું હતું અને મારી ઉંમર પણ વધી રહી હતી પણ મેં હાર ન મની અને પતિના સાથ અને પ્રેરણા દ્વારા ડિસેમ્બરમાં સિક્કિમ ટ્રેઈનિંગ માટે સખત મહેનત કરી. મેં એવરેસ્ટ પર જવા માટે યોગ્ય તાકાત મેળવવા સખત મહેનત કરી."

આખરે 25 મે, 2011ના રોજ તે દિવસ આવી જ ગયો જ્યારે પ્રેમલતા પોતાના સાથીઓ જોડે કાઠમંડુ અને તેની આગળ લુકલા જવા માટે નીકળ્યા. આ અભિયાન માટે 18,000 ફૂટની ઉંચાઈએ આવેલી શિબિર અને એવરેસ્ટના શિખર વચ્ચે લગાવવામાં આવેલા ત્રણ શીખરોને પસાર કરીને ટીમને ટોચ પર પહોંચવાનું હતું.

તેમણે જણાવ્યું, 

"મારી મહેનત 20 મે, 2011ના રોજ સફળ થઈ અને સવારે 9-30 કલાકે મેં માઉન્ટ એવરેસ્ટના શિખર પર તિરંગો લહેરાવ્યો. હું વિશ્વના બેજોડ શિખર પર લગભગ 20 મિનિટ રહી અને પોતાની સાથે લીધેલા કેમેરા દ્વારા કેટલીક તસવીરો પણ ખેંચી. પાછા ફરતી વખતે કાઠમંડુ ખાતે મારા પતિ અને મારી દીકરીઓ મને લેવા આવ્યા હતા. આ કામ માત્ર મારી એકલીનું નહીં, પણ સમગ્ર પરિવારના સાથ અને સહકારથી પૂરું થયું હતું."

ત્યારબાદ પ્રેમલતા ક્યારેય રોકાયા નહોતા અને 'સેવન સમિટ્સ' પર વિજય મેળવવા માટે પ્રયાસ કરતા રહ્યા અને અંતે મે, 2013માં પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરી શક્યા. પ્રેમલતા જણાવે છે કે, હાલમાં પણ લોકો તેમને પૂછે છે કે એવરેસ્ટ ચઢવાના ફાયદા શું છે. તેમને આ કામ કરીને ઈનામ મળે છે કે ત્યાં ભગવાન મળે છે.

ભવિષ્યમાં પ્રેમલતા પોતાનું એક ફિટનેસ સેન્ટર શરૂ કરવા માગે છે જ્યાં તે મહિલાઓને યોગ, એરોબિક્સ અને પ્રાણાયામ શીખવી શકે. તે ઉપરાંત તે મારવાડી સમાજની મહિલાઓ માટે એક ફિટનેસ ટ્રેઈનિંગ કેમ્પ પણ ચલાવે છે.

માઉન્ટ એવરેસ્ટથી પાછા આવ્યા પછી પ્રેમલતાએ જોયું કે લોકોની તેમના તરફની દ્રષ્ટિ બદલાઈ ગઈ છે. જ્યારે હું પાછી આવી તો સ્થાનિક મહિલાઓએ સ્ટેશન પર પૂજાની થાળી લઈને મારું સ્વાગત કર્યું હતું. તેમને કદાચ અંદાજ આવી ગયો હતો કે હું શું છું.

પ્રેમલતાએ પોતાના સાહસ અને દ્રઢતા દ્વારા દુનિયાને જણાવી દીધું કે, કંઈપણ મેળવવા માટે ઉંમરનું બંધન ક્યારેય નડતું નથી.


લેખક – નિશાંત ગોયલ

અનુવાદ- એકતા રવિ ભટ્ટ

Related Stories