‘નંબરમૉલ’ એટલે નાના વેપારીઓ માટે મોટી સુવિધા

‘નંબરમૉલ’ એટલે નાના વેપારીઓ માટે મોટી સુવિધા

Monday October 12, 2015,

3 min Read

મોટાભાગે લોકો પોતાના મોબાઇલનું રિચાર્જ કરવા માટે બાજુમાં આવેલી દુકાનમાં જતા હોય છે. ત્યાં જઈને તેઓ પૈસા ચૂકવીને પોતાની જરૂરીયાત અને સગવડ અનુસાર પોતાનો મોબાઇલ રિચાર્જ કરાવે છે. પરંતુ ખરી તકલીફ ત્યાં પડે છે કે તે દુકાનદારને વિવિધ કંપનીઓના મોબાઇલ ફોન મારફતે રિચાર્જ કરી આપવાના હોય છે. અને તેના માટે આખા દિવસ દરમિયાન વિવિધ કંપનીઓના રિચાર્જની જાણકારી મેળવવી કોઈ દુઃસ્વપ્નથી ઓછી નથી હોતી. કિરણ ગલીએ નાના દુકાનદારોની તકલીફોને દૂર કરવા માટેનું બીડું ઝડપ્યું કે જેઓ ‘નંબરમૉલ’ના સ્થાપક છે. તેમણે આઈટી પ્લેટફોર્મની મદદથી મોબાઇલ બિલની ચુકવણી, રિચાર્જ, મની ટ્રાન્સફર અને બીજી સેવાઓને સરળ બનાવી છે.

image


ટેકનિકની મદદથી તેમણે ‘નંબરમૉલ’ની શરૂઆત કરી જેથી કરીને તેઓ તમામ નાના વેપારીઓને ઈ-કોમર્સના માધ્યમથી જોડી શકે. ફેબ્રુઆરી 2012માં તેમણે આ કામની શરૂઆત કરી અને આ કામ માટે તેમણે તેમની અંગત બચતમાંથી રૂ. 10 લાખ રોકી દીધા. હૈદરાબાદ સ્થિત ‘નંબરમૉલ’ એવી પહેલી એપ છે કે જે તમામ ચુકવણી માટે એક જ પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે. તેની મદદથી મોબાઇલ રિચાર્જ, ડીટીએચ રિચાર્જ, ડેટાકાર્ડ રિચાર્જ, પોસ્ટપેઇડ મોબાઇલનું બિલ અને બસની ટિકિટ ખરીદી શકાય છે.

કંપનીના સ્થાપક કિરણનું કહેવું છે કે પહેલા તેઓ બી2બી ઈ-કોમર્સ તૈયાર કરી ચૂક્યા છે. જે માત્ર કરિયાણાનાં વેપારીઓ માટે છે. તેના પરથી કોઈ પણ સ્થાનિક વેપારી પોતાની જરૂરીયાતો પૂરી કરી શકે છે. અત્યાર સુધી તેઓ 50 કરતાં વધારે માલ પૂરો પાડનારા લોકો સાથે કરાર કરી ચૂક્યા છે. જ્યારે આ ક્ષેત્રમાં બીજા ખેલાડીઓ પોતાના ટર્મિનલ તેમજ એસએમએસનો આધાર લે છે. એક અનુમાન અનુસાર દેશમાં 14 મિલિયન જેટલા છૂટક વેપારીઓ છે. અને આ બજાર અંદાજે 600 અબજ અમેરિકન ડોલરનું છે.

મોટાભાગના ભારતીયો ઓનલાઇન ખરીદી નથી કરતાં તેથી તેઓ ઈ-કોમર્સ મારફતે મળતા લાભો નથી મેળવી શકતા. નાના રિટેલ વેપારીઓ મારફતે ઈ-કોમર્સ નવું વિકસી રહેલું ક્ષેત્ર છે. આ ક્ષેત્રમાં કેટલાક અન્ય ખેલાડીઓ પણ મોજુદ છે. જેમ કે સ્ટાર કિંગ અને આઇપે. કિરણનું માનવું છે કે દેશમાં મોટાભાગના લોકો કરિયાણાંની દુકાન ઉપર વધારે વિશ્વાસ રાખે છે અને તેમની સાથે રોકડની લેવડ-દેવડ પણ કરે છે. તેના કારણે જ નવી શરૂ થતી કંપનીઓ (સ્ટાર્ટ અપ્સ)એ તેના પ્રત્યે ધ્યાન ન આપ્યું અને તે બંધ થઈ ગઈ. તેના કારણે જ ‘નંબર મૉલે’ માત્ર ચુકવણી મારફતે જ નહીં પરંતુ પોતાનાં ઉત્પાદનો ઓનલાઇન વેચીને ગ્રાહકોને આકર્ષવાની કોશિશ કરી. તેના કારણે જ ‘નંબરમૉલ’ આજે વેચાણકર્તા, સર્વિસ પ્રોવાઇડર વેપારી અને ગ્રાહકને એકબીજા સાથે જોડે છે. આજે કોઈ પણ ક્યાંયથી પણ પોતાનાં બિલની ચુકવણી કરી શકે છે, પોતાનો મોબાઇલ રિચાર્જ કરાવી શકે છે.

‘નંબરમૉલ’ના સ્થાપક કિરણનું લક્ષ્ય એવા ગ્રાહકો છે કે જેઓ નાની દુકાન પર વિશ્વાસ રાખીને તેની સાથે નાણાંકીય લેવડ-દેવડ કરે છે. રિટેલ દુકાનદારો એટલા માટે ખુશ છે કે તેમણે પોતાના ગ્રાહકોને વિવિધ પ્રકારની સેવા અને વસ્તુઓ આપીને હિસાબ-કિતાબની ઝંઝટ નથી કરવી પડતી. કિરણનું કહેવું છે કે ‘નંબરમૉલ’ વેપારીઓના નેટવર્કમાં એક આગવી ઓળખ ધરાવે છે. જે પોતાના ગ્રાહકોને એક નવી પ્રકારની સેવા આપવા માગે છે. તેના બદલામાં તે ગ્રાહકો પાસેથી માર્કેટિંગની ફી લે છે. આ ઉદ્યોગ ઝડપથી વિકાસ સાધી રહ્યો છે પરંતુ હજી પણ 14 મિલિયન નાના વેપારીઓને સાથે જોડવાની જરૂરીયાત છે. તેના કારણે જ ઘણા રોકાણકારોએ ‘નંબરમૉલ’માં રોકાણ કરવા માટે રસ દાખવ્યો છે. આ વર્ષે જાન્યુઆરીમાં એસઆરઆઈ કેપિટલે ‘નંબરમૉલ’માં લગભગ રૂ. 5 કરોડનું રોકાણ કર્યું છે. જેનો ઉપયોગ નવા વેપારીઓને પોતાની સાથે જોડવામાં, નવી વ્યાવસાયિક ટીમ બનાવવા, અને ટેકનોલોજીના વિકાસમાં કરવામાં આવી રહ્યો છે.

image


કિરણનો દાવો છે કે તેમનો વાર્ષિક વેપાર અંદાજે રૂ. 120 કરોડનો છે. અને તેમાં દર મહિને 10 ટકાનો વધારો થઈ રહ્યો છે. પરંતુ તેમનો લક્ષ્યાંક કંપનીની આવક પ્રતિ માસ 25 ટકાના દરે વધે તે રાખવામાં આવ્યો છે. ઈ-કોમર્સના ઉપયોગથી કરિયાણાંની ખરીદી હાલ પ્રાથમિક તબક્કામાં છે. તેના કારણે સ્પર્ધા મર્યાદિત છે. પરંતુ આવનારા દિવસોમાં આ ક્ષેત્રે ગળાકાપ સ્પર્ધા જોવા મળશે. આ ક્ષેત્રમાં પોતાનું નેટવર્ક વધારવું, ગ્રામીણ વિસ્તારોમાં ઇન્ટરનેટની ધીમી સ્પીડ વગેરે જેવા મોટા પડકારો રહેલા છે. જે આ ક્ષેત્રના ઝડપી વિકાસ આડે અવરોધરૂપ છે. હાલમાં ‘નંબરમૉલ’ 2જી નેટવર્ક ઉપર સરળતાથી કામ કરી શકતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.